મુંબઈ સિવાયની સુધરાઈઓમાં દારૂના ઉત્પાદકો ને વેપારીઓ પર સેલ્સ-ટૅક્સ નહીં પણ ૭ ટકા LBT

08 July, 2016 06:05 AM IST  | 

મુંબઈ સિવાયની સુધરાઈઓમાં દારૂના ઉત્પાદકો ને વેપારીઓ પર સેલ્સ-ટૅક્સ નહીં પણ ૭ ટકા LBT



રોહિત પરીખ

રાજ્ય સરકારે અગાઉ પચાસ કરોડ રૂપિયા કરતાં વધારે ટર્નઓવર ધરાવતા દારૂના ઉત્પાદકો અને વેપારીઓ પર LBT લાગુ કર્યો હતો. હવે આલ્કોહૉલના સમગ્ર વેપાર પર સાત ટકા લોકલ બૉડી ટૅક્સ (LBT) લાદવાનો મંગળવારે નિર્ણય લીધો હતો.

જોકે BMCને ઑક્ટ્રૉયની આવક હોવાથી મુંબઈના દારૂના ઉત્પાદકો પર LBT લાગુ કરવામાં નથી આવ્યો તેમ જ રાજ્ય સરકારનો ભવિષ્યમાં અન્ય ઉત્પાદકો પર LBT લાદવાનો કોઈ જ પ્લાન નથી એટલે અન્ય ઉત્પાદકો અને વેપારીઓએ ભવિષ્યમાં તેમના પર LBTનો ભાર આવી જશે એવો ડર રાખવાની જરૂર નથી એવી સ્પષ્ટતા રાજ્યના નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે ગઈ કાલે ‘મિડ-ડે’ સમક્ષ કરી હતી.

ઑગસ્ટ ૨૦૧૫માં એક વાર સરકારે ૫૦ કરોડ રૂપિયાથી નીચે ટર્નઓવર કરી રહેલા ઉદ્યોગો અને વેપારીઓને LBT નાબૂદ કરીને રાહત આપી હતી. જોકે મંગળવારે કૅબિનેટે પચાસ કરોડ રૂપિયા કરતાં ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા દારૂના ઉત્પાદકો અને વેપારીઓ પર અગાઉની જેમ જ સાત ટકા LBT લાદવાનો નિર્ણય લીધો હતો. આનાથી અન્ય ઉદ્યોગો અને વેપારીઓને સરકારની નીતિ પર શંકા જાગી હતી. વેપારીઓને એવું લાગ્યું હતું કે આજે સરકારે દારૂના ઉત્પાદકો અને વેપારીઓ પર LBT લાદ્યો છે, કાલે આપણા પર પણ ફરીથી LBTનો બોજ નાખશે.

નાણાપ્રધાનની સ્પષ્ટ વાત

આ બાબત પર સરકારની નીતિ સ્પષ્ટ કરતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘અમે ઑગસ્ટ ૨૦૧૫માં LBT નાબૂદ કર્યો હતો. એ સમયે અમે જે ઉત્પાદકો અને વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર ૫૦ કરોડ રૂપિયાથી વધારે હોય તેમને LBTમાં આવરી લીધા હતા. એની અસર માંડ ૧૪૦૦થી ૧૫૦૦ ઉત્પાદકો અને વેપારીઓને થાય છે. ત્યાર બાદ અમને નગરવિકાસ વિભાગમાંથી મુંબઈની બહારનાં પચીસ કૉર્પોરેશનો ખોટમાં જઈ રહ્યાં છે એમ જણાવવામાં આવ્યું. એના માટે એમના દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ સિવાયના દારૂના ઉત્પાદકો પાસેથી ૬૦૦ કરોડ રૂપિયાની આવક થઈ શકે છે એવું સૂચન મૂકવામાં આવ્યું હતું.’

સેલ્સ-ટૅક્સ નહીં, LBT

નગરવિકાસ વિભાગે સરકાર પાસે મૂકેલા આંકડાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘આખરે કૅબિનેટે એના નિર્ણયને મંજૂરી આપી હતી. BMCને દારૂના ઉત્પાદકો અને વેપારીઓ પાસેથી ઑક્ટ્રૉયમાંથી આવક થતી હોવાથી મુંબઈને આમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. બીજું, આ નગરવિકાસ વિભાગ તરફથી હોવાથી અને કૉર્પોરેશનની આવક માટે હોવાથી LBT જ છે, સેલ્સ-ટૅક્સ નથી.’

ફફડવાની જરૂર નથી

આ સિવાય ટૂંક સમયમાં GST આવતો હોવાથી અન્ય ઉત્પાદકો અને વેપારીઓ પર LBT નાખવાનો સવાલ જ આવતો નથી એમ જણાવતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે અન્ય ઉત્પાદકો અને વેપારીઓએ સરકાર અમારા પર પણ LBT નાખશે એવું વિચારીને ડરવાની કે ફફડવાની જરૂર જ નથી.