ઔદ્યોગિક ઉત્પાદન આંકના ફિગરથી પડતા બજારને પાટુ: મૂડીનું ધોવાણ આગળ વધશે

13 December, 2011 08:49 AM IST  | 

ઔદ્યોગિક ઉત્પાદન આંકના ફિગરથી પડતા બજારને પાટુ: મૂડીનું ધોવાણ આગળ વધશે



(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

બે દિવસની ખરાબી પછી ટેક્નિકલ સુધારાની આશા સોમવારે ખરાબ રીતે ખોટી ઠરી છે. શૅરઆંક ૩૪૩ પૉઇન્ટ ગગડીને ૧૫,૮૭૦ તથા નિફ્ટી ૧૦૨ પૉઇન્ટ તૂટી ૪૭૬૪ પૉઇન્ટે બંધ રહ્યા હતા. નબળાઈની હૅટ-ટ્રિક હવે આજે વધુ આગળ વધવાની દહેશત છે. બજાર આજે નીચે ગૅપમાં ખૂલશે. નિફ્ટી ૪૭૦૦ પૉઇન્ટની નીચે જવાની ઉતાવળમાં રહેશે એવી અમારાં સૂત્રોની ધારણા છે. સીબીઆઇ દ્વારા 2G સ્કૅમ મામલે નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં એસ્સાર ગ્રુપ તથા એના સર્વેસર્વા રૂઇયાપરિવાર સપાટે ચડ્યા છે. એસ્સાર ગ્રુપના શૅરમાં ગઈ કાલના ધોવાણની આગેકૂચ તો નક્કી છે જ, ટેલિકૉમ શૅરોમાં પણ માનસ ખરડાશે. સોમવારે એશિયન બજારો પ્રમાણમાં સારાં હતાં, પરંતુ યુરોપિયન માર્કેટ્સ ઓપનિંગ પછી પીછેહઠમાં સરી પડ્યાં હતાં. ડાઉ ફ્યુચર્સ-નાસ્ડેક ફ્યુચર્સમાં નરમાઈ હતી. આ ટ્રેન્ડ આજે એશિયન બજારોને ભીંસમાં લઈ શકે છે. એના પગલે અહીં મંદીવાળાને બજારમાં તેમનો ખેલ આગળ વધારવા નવું હથિયાર મળી જશે.

આઇટી સિવાય બધું નરમ

ગઈ કાલે ડૉલર સામે રૂપિયો ૯૯ પૈસા તૂટી ૫૨.૭૫ની ઑલટાઇમ લો સપાટીએ બંધ આવ્યો. પાઉન્ડ સામે એમાં સવા રૂપિયાની નબળાઈ દેખાઈ હતી. રૂપિયાની આ કમજોરી આઇટી સેક્ટરને લાભદાયી બનવાની થીમમાં સાર્વત્રિક ખરાબી વચ્ચે પણ એકમાત્ર આઇટી ઇન્ડેક્સ એકાદ ટકો સુધર્યો હતો. ઇન્ફોસિસ, ટીસીએસ તથા વિપ્રો આગેવાન હતા. અન્યથા તમામ બેન્ચમાર્ક નરમ હતા. સેન્સેક્સના ૨.૧ ટકાના ઘટાડા સામે મેટલ ઇન્ડેક્સ સવાચાર ટકા, બૅન્કેક્સ ત્રણ ટકા અને મેટલ ઇન્ડેક્સ અઢી ટકા ડાઉન હતા. બજારનું માર્કેટ કૅપ ૧.૧૭ લાખ કરોડ રૂપિયા ગગડી હવે ૫૫.૭૦ લાખ કરોડ રૂપિયા આવી ગયું છે. ઇન્ફોસિસ ૨૫ રૂપિયા વધી ૨૭૩૧ રૂપિયા તથા ટીસીએસ આઠ રૂપિયા વધી ૧૧૭૯ રૂપિયા અને વિપ્રો ૧૦ રૂપિયા વધી ૪૧૪ રૂપિયા બંધ હતા, જ્યારે હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૭ ટકા તૂટી ૭૨૭ રૂપિયા બંધ હતો.

એસ્સાર ગ્રુપ ગગડ્યું

સીબીઆઇની ચાર્જશીટની અસરમાં એસ્સાર ગ્રુપના શૅરોમાં ખાસ્સી નબળાઈ દેખાઈ છે. એસ્સાર ઑઇલ ૧૧ ટકા તૂટી ૫૯ રૂપિયા બંધ હતો. એસ્સાર ર્પોટ પોણાઆઠ ટકાની તથા એસ્સાર શિપિંગ પોણાદસ ટકાની નરમાઈમાં બંધ હતા. એસ્સાર સિક્યૉરિટીઝ સવા ટકો ડાઉન હતો. ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા તદ્દન કંગાળ આવ્યા છે. ઑક્ટોબર મહિનામાં આ વેળા ઔદ્યોગિક ઉત્પાદનનો આંક માઇનસ ૫.૧ ટકા રહ્યો છે. વર્ષ પૂર્વે ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૦ ટકાથી ઊંચો વૃદ્ધિદર હતો. આ વેળા સૌથી ખરાબ અસર કૅપિટલ ગુડ્ઝ સેક્ટરમાં થઈ છે. એનો ગ્રોથ રેટ પચીસ ટકા નેગેટિવ આવ્યો છે. સોમવારે કૅપિટલ ગુડ્ઝ સેક્ટર વિશેષ ખરાબ હતું. માઇનિંગ શૅરોમાં ઑલરાઉન્ડ વેચવાલી હતી.

૯૦૦ ટકા ડિવિડન્ડ

કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા)એ ચાલુ નાણાકીય વર્ષ માટે ૯૦૦ ટકાના સેકન્ડ ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. જે શૅરહોલ્ડર્સનાં નામ ૨૧ ડિસેમ્બરે કંપનીના રજિસ્ટરમાં હશે તેમને ડિવિડન્ડ મળશે