રિઝર્વ બૅન્કની જાહેરાતો પછી શૅરબજારમાં પ્રૉફિટ-બુકિંગ

28 March, 2020 11:05 AM IST  |  Mumbai | Stock Talk

રિઝર્વ બૅન્કની જાહેરાતો પછી શૅરબજારમાં પ્રૉફિટ-બુકિંગ

બીએસઈ

ભારતીય શૅરબજાર શુક્રવારે ઊંચા મથાળેથી ગબડી પડ્યાં હતાં. છેલ્લાં ૧૧ વર્ષમાં ત્રણ દિવસમાં સૌથી મોટી તેજી બાદ શુક્રવારે પણ બજારમાં તેજીનો માહોલ હતો, પણ રિઝર્વ બૅન્કની ધિરાણનીતિની સમીક્ષા બાદ એ ઉપલા મથાળેથી ભારે પ્રૉફિટ-બુકિંગના કારણે ગબડી પડ્યાં હતાં. ભારતીય બજારમાં આજે વિદેશી અને સ્થાનિક સંસ્થાઓએ ખરીદી કરી હતી, પણ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના આંકડા દર્શાવે છે કે ગ્રાહકોએ આજે ભારે વેચવાલી કરીને નફો બાંધ્યો હતો. એક્સચેન્જના આંકડા અનુસાર ગ્રાહકોએ આજે ૨૧૨૯ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા.

સેન્સેક્સ દિવસમાં એક તબક્કે આગલા બંધથી ૧૧૮૦ પૉઇન્ટ વધી ૩૧,૧૨૬.૦૩ની સપાટીએ હતો. રિઝર્વ બૅન્કે જાહેર કરેલી ધિરાણનીતિની સમીક્ષા બાદ એમાં ઘટાડો જોવા મળ્યો હતો અને એ ઘટી ૨૯૩૪૬ થયો હતો જે ઊંચી સપાટી કરતાં ૧૭૮૦ પૉઇન્ટ નીચે આવી ગયો હતો. સત્રના અંતે સેન્સેક્સ ૧૩૧.૧૮ પૉઇન્ટ કે ૦.૪૪ ટકા ઘટી ૨૯૮૧૫.૫૯ની સપાટી ઉપર બંધ આવ્યો હતો. નિફ્ટી પણ આગલા બંધ કરતાં ૩૯૭  પૉઇન્ટ વધી ૯૦૩૮.૯ પહોંચ્યા બાદ સત્રના અંતે ૧૮.૮૦ પૉઇન્ટ કે ૦.૨૨ ટકા વધી ૮૬૬૦.૨૫ની સપાટીએ બંધ આવ્યો હતો.

ઇન્ડેક્સ હેવીવેઇટમાં એક્સીસ બૅન્ક, ઈન્ફોસિસ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, કોટક મહિન્દ્ર અને એચડીએફસીમાં વૃદ્ધિ જોવા મળી હતી. સામે બજાજ ફાઇનૅન્સ, હીરોમોટો કોર્પ, રિલાયન્સ અને એચડીએફસી બૅન્ક જેવી કંપનીઓના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર ખાનગી બૅન્કો, નાણાકીય સેવાઓ, રીઅલ એસ્ટેટ સહિત આઠ ક્ષેત્રોમાં ઉછાળો જોવા મળ્યો હતો. મીડિયા, રીઅલ એસ્ટેટ અને ઑટોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૬૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૨૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૨૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૧૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૨૮૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૮૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૮૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૨૮ ટકા વધ્યો હતો અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૨૯ ટકા ઘટ્યો હતો. શુક્રવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન ૪૯,૯૨૨ કરોડ રૂપિયા ઘટી  ૧૧૨.૪૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

સાપ્તાહિક રીતે બજારમાં ઘટાડો

સતત છ સપ્તાહથી સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ આવી રહ્યા છે. આજે પણ નિફ્ટી ૧ ટકા અને સેન્સેક્સ ૦.૩૪ ટકાના અઠવાડિક ઘટાડા સાથે બંધ આવ્યા હતા. નિફ્ટી બૅન્ક આ સપ્તાહમાં ૧.૭ ટકા ઘટ્યો છે જે પાંચમો ઘટાડો છે. નિફ્ટી મિડ કૅપ આ સપ્તાહમાં ૭ ટકા, નિફ્ટી સ્મૉલ કૅપ ૩.૨ ટકા ઘટી ગયા છે.

વિવિધ ક્ષેત્રોના ઇન્ડેક્સમાં નિફ્ટી ઑટો સતત સાતમાં સપ્તાહે ૮ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૭ ટકા, નિફ્ટી ફાર્મા ૨ ટકા, નિફ્ટી મેટલ્સ ૮.૧ ટકા, નિફ્ટી મીડિયા ૬.૫ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્કિંગ ૮.૪ ટકા અને નિફ્ટી રીઅલ એસ્ટેટ ૫.૮ ટકા ઘટ્યા છે. માત્ર નિફ્ટી આઇટી બે સપ્તાહના ઘટાડા બાદ આ સપ્તાહે ૧.૭ ટકા વધ્યો હતો.

ઑટો શૅરોમાં ભારે ઘટાડો

નિફ્ટી ઑટો કંપનીઓનો ઇન્ડેક્સ આજે ૨.૪૨ ટકા ઘટ્યો હતો અને દરેક ક્ષેત્રોમાં તેમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીઓમાં હીરો મોટોકોર્પ ૮.૦૪ ટકા, ટીવીએસ મોટર્સ ૫.૫૪ તા, મારુતિ સુઝુકી ૪.૮૧ ટકા, આઇશર મોટર્સ ૩.૧૭ ટકા, બજાજ ઑટો ૨.૪૮ ટકા અને એસ્કોર્ટસ ૧.૨૨ ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત તાતા મોટર્સના શૅર પણ ૦.૨૧ ટકા ઘટીને બંધ આવ્યા હતા. કંપનીએ આજે પેસેન્જર વેહિકલ, કમર્શિયલ વેહિકલ અને ઇલેક્ટ્રિક વેહિકલ માટે અલગ અલગ પેટા કંપનીઓ બનાવવાની જાહેરાત કરી હતી.

દરમ્યાન બીએસ ચાર પ્રમાણ ધરાવતા ૭૦૦૦ કરોડ રૂપિયાનાં વાહનો તા.૩૧ માર્ચ પછી પડ્યાં રહેશે અને તેની નોંધણી થશે નહીં એવા આદેશમાં સુપ્રીમ કોર્ટે લૉકડાઉન પૂર્ણ થયે ૧૦ દિવસમાં પડેલા સ્ટૉકમાંથી ૧૦ ટકા વાહનો વેચાણ કરવાની છૂટ આપી હતી. આવાં વાહનોમાં સૌથી વધુ વાહનો ટૂ વ્હીલર હોવાનું ડીલર્સ જણાવી રહ્યા છે.

અન્ય શૅરોમાં વધ-ઘટ

એનટીપીસીના શૅર આજે ૩.૧૭ ટકા વધી ૮૩.૦૫ બંધ રહ્યા હતા. કેન્દ્ર સરકાર પાસેથી નોર્થ ઇસ્ટર્ન પાવર કૉર્પો અને ટીએચડીસી ઇન્ડિયામાં હિસ્સો ખરીદવાની જાહેરાત સાથે શૅર વધ્યા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્કના શૅર આજે ૨.૪૪ ટકા વધ્યા હતા કારણ કે બૅન્કે એક જનરલ ફાઇનૅન્સ કંપનીમાં ૯.૯ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

ડિબેન્ચરનું ક્રેડિટ રેટિંગ સ્થિર જાળવી રાખતાં પિરામલ એન્ટરપ્રાઇઝસના શૅર આજે ૩.૭૩ ટકા વધ્યા હતા. ક્રેડિટ રેટિંગ નેગેટિવ થતાં ફિનિક્સ મિલ્સના શૅર ૦.૩૦ ટકા ઘટ્યા હતા. એવી જ રીતે નબળા ક્રેડિટ રેટિંગના કારણે સંઘવી મુવર્સના શૅર ૫ ટકાની મંદીની સર્કિટ સાથે ૫૦.૯૫ બંધ રહ્યા હતા.

પ્રમોટર સ્ટાન્ડર્ડ લાઇફ ૨.૫ ટકા હિસ્સો વેચશે એવી જાહેરાતના કારણે એચડીએફસી લાઇફના શૅર આજે ૭.૬૪ ટકા ઘટી ૪૪૦.૮૫ બંધ રહ્યા હતા. યસ બૅન્કે ગુરુવારે બોર્ડની બેઠકમાં વધુ ૧૦,૦૦૦ કરોડ સુધીની રકમ ઊભી કરવાનો નિર્ણય લીધો હોવાથી બૅન્કના શૅર આજે ૦.૯૪ ટકા ઘટી ૨૬.૪૦ બંધ આવ્યા હતા. અમેરિકન ડ્રગ રેગ્યુલેટર તરફથી ક્લીન ચિટ મળતાં ઓરોબિંદો ફાર્માના શૅર આજે ૮.૫૫ ટકા વધ્યા હતા. 

bombay stock exchange national stock exchange business news sensex nifty