બજાર થાળે પડી રહ્યું છે : દેવેન ચોક્સી

17 October, 2011 09:00 PM IST  | 

બજાર થાળે પડી રહ્યું છે : દેવેન ચોક્સી

 

(દેવેન ચોકસીની કલમે - કે.આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝ પ્રા. લિના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર)

ઔદ્યોગિક ઉત્પાદનના આંકડામાં ઘટાડો થયો છે એ બાબત બજારમાં રિફ્લેક્ટ થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરની કામગીરીના આંકડા ધારણા કરતાં વધુ નિરાશાજનક રહ્યા છે, પરંતુ આનાથી બજાર સાથે સંકળાયેલા વર્ગને કંઈ જ નવાઈ નથી લાગી, કારણ કે આ આંકડા વિવિધ લેવલે પૉલિસીસના પ્રતિબિંબ સમાન છે. આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા) અને સરકાર વિવિધ સેક્ટર બાબતે નર્ણિય નથી લઈ શક્યાં એને કારણે દેખાવ નબળો રહ્યો છે. ખાસ કરીને માઇનિંગ સેક્ટરના આંકડા નબળા રહ્યા છે.

મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર બાબતે મુખ્ય મુદ્દો એ છે કે ગયા વર્ષના જે-તે મહિનાની સરખામણીએ આ વર્ષે એ મહિનામાં કામગીરીમાં સારોએવો સુધારો જોવા મળ્યો છે. વીજળી સેક્ટરમાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. ઘણાબધા પ્રોજેક્ટ્સનો અમલ થયો છે અને એની અસર કૅપિટલ ગુડ્ઝ સેક્ટર પર પણ જોવા મળી છે.

મારું માનવું છે કે જો રોકાણકારો આ આંકડાઓ પર ધ્યાન આપવાનું શરૂ કરે તો તેઓ માઇનિંગ જેવા સેક્ટરને ધ્યાનમાં નહીં લે, પરંતુ કૅપિટલ ગુડ્ઝ જેવા ક્ષેત્રને મહત્વ આપશે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડમાં પુરવઠાને લગતી કામગીરીની શરૂઆત થઈ છે એટલે જ મહિનાવાર આંકડાની સરખામણી મુજબ કામગીરી સારી રહી છે, પરંતુ વર્ષવાર આંકડાની સરખામણી મુજબ ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે એમાં મૉનિટરી પૉલિસી અને આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા)ની કડક નીતિએ ભાગ ભજવ્યો છે.

એલિકૉન : આકર્ષક શૅર

એલિકૉનનો શૅર અત્યારે સસ્તા વૅલ્યુએશને ઉપલબ્ધ આકર્ષક શૅર છે. કૅપિટલ ગુડ્ઝ સેગમેન્ટની દૃષ્ટિએ એલિકૉન એન્જિનિયરિંગનો શૅર સારો જણાય છે. વર્તમાન ચૅલેન્જિંગ સમયમાં ગ્રોથરેટ સામાન્ય રહેશે, પરંતુ આવતા વર્ષે એમાં ઝડપ જોવા મળશે. વર્તમાન પડકારરૂપ સ્થિતિમાં કંપનીનો ગ્રોથ જળવાઈ રહેશે. કંપનીને વધુ ઑર્ડર મળવાની અપેક્ષા છે. ખાસ કરીને ગિયર-ડિવિઝન અને મટીરિયલ હૅન્ડલિંગ-ડિવિઝનમાં ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીને નોંધપાત્ર ઑર્ડર્સ મળ્યો છે. આ ઑર્ડર્સને કારણે આગામી બે-અઢી વર્ષ માટે કંપનીનો બિઝનેસ જળવાઈ રહેશે. ઇન્વેસ્ટમેન્ટ પર્સેપક્ટિવની દૃષ્ટિએ અમને આ કંપની સારી લાગે છે. આગામી બે વર્ષમાં વર્તમાન લેવલથી ૫૦થી ૭૫ ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખી શકાય.

રિલાયન્સ પર નજર

નિફ્ટી ૪૯૨૦થી ૫૨૫૦ પૉઇન્ટ્સની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. ઇન્ફોસિસનાં સારાં પરિણામોથી બજારને સર્પોટ મળ્યો છે. રોકાણકારો આવાં જ સારાં કૉર્પોરેટ રિઝલ્ટ્સ, ખાસ કરીને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેક્ટરની કંપનીઓ પર આશા રાખી રહ્યા છે. આ ઉપરાંત અદાણી પાવર ૪૬૦ રૂપિયા અને એબીબી ૬૮૦ રૂપિયાના લેવલે ઇન્ટરેસ્ટિંગ જણાય છે. રોકાણકારોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર ૮૨૦ રૂપિયાના લેવલે નજર રાખવા જેવી છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝે સારી કામગીરી રજૂ કરી છે અને વર્તમાન સ્તરે કંપની આકર્ષક જણાય છે. તાતા મોટર્સની વાત કરીએ તો એકાદ સ્મૉલ કરેક્શન બાદ એને ધ્યાનમાં રાખી શકાય.