રિલીફ રૅલીએ વિરામ લીધો

14 October, 2011 07:48 PM IST  | 

રિલીફ રૅલીએ વિરામ લીધો

 

(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

સેન્સેક્સનો ૭૪ પૉઇન્ટનો ઘટાડો છેલ્લા કેટલાક દિવસની મજબૂતી જોતાં સાહજિક છે. રિલીફ રૅલી આગળ વધી શકે છે. બજારના ૨૧માંથી ૧૫ બેન્ચમાર્ક તથા સેન્સક્સના ૩૦માંથી ૨૨ શૅર ગઈ કાલે માઇનસમાં હતા. માર્કેટ બ્રેડ્થમાં રસાકસી હતી. ૧૩૭૯ શૅર વધેલા હતા. ૧૪૦૩ જાતો નરમ હતી. ૧૭૦ સ્ક્રિપ્સ તેજીની સર્કિટે બંધ હતી, તો ૧૪૫ જાતો મંદીની સર્કિટે બંધ હતી.

બૅન્ક-શૅરો મજબૂત

સેન્સેક્સનો ૦.૪ ટકાની પીછેહઠ સામે બૅન્કેક્સ ગઈ કાલે એક ટકો વધેલો હતો. પાંચ ઑક્ટોબરના વર્ષના તળિયાના મુકાબલે એસબીઆઇ તથા આઇસીઆઇસીઆઇ બૅન્ક અનુક્રમે ૧૪ ટકા તથા ૧૬ ટકા જેવા વધી ચૂક્યા છે. બૅન્કેક્સમાં તેમ જ સેન્સેક્સમાં આ બન્ને શૅર હેવીવેઇટ્સ કે વધુ વેઇટેજવાળા છે. આઇટી ઇન્ડેક્સ પોણો ટકો, રિયલ્ટી બેન્ચમાર્ક ૦.૪ ટકા તથા મિડ કૅપ અને સ્મૉલ કૅપ શુકન પૂરતા વધેલા હતા. પાંચ દિવસની તેજીમાં ૨૪ ટકાના વધારા પછી તાતા મોટર પ્રૉફિટ-બુકિંગનો ભોગ બન્યો હતો. મારુતિ સુઝુકીમાં કામદાર અશાંતિના લીધે માનસ નિરાશાજનક છે જ. ઑટો ઇન્ડેક્સ દોઢ ટકો, કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ સવા ટકો, હેલ્થકૅર બેન્ચમાર્ક એક ટકો, ઑઇલ-ગૅસ, પીએસયુ પાવર, મેટલ ઇન્ડેક્સ પોણો ટકો નરમ હતા. ટીસીએસ એક ટકો તથા ઇન્ફોસિસ અડધો ટકો વધેલા હતા. છેલ્લા ચાર દિવસમાં ૩૬ ટકાના જમ્પ પછી જ્યુબિલન્ટ ફૂડવર્ક્સમાં પીછેહઠ દેખાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બે રૂપિયા ઘટી ૮૪૭ રૂપિયા બંધ હતો. જિન્દાલ સ્ટીલ સાડાત્રણ ટકાના ઘટાડામાં સેન્સેક્સ શૅરોમાં મોખરે હતો. તાતા મોટર્સ તથા હિન્દાલ્કો ત્રણ ટકા ઘસાયા હતા.

ડિજિટલાઇઝેશનનો ઊભરો

કેબલ સેક્ટરના ડિજિટલાઇઝેશન માટે ટ્રાઇની ભલામણને કૅબિનેટ તરફથી સ્વીકૃતિ મળતાં હવે વટહુકમનો માર્ગ મોકળો બન્યો છે. આનો સંપૂર્ણપણે કે દેશભરમાં અમલ વર્ષ ૨૦૧૪ સુધીમાં થશે, જ્યારે ચાર મહાનગરો માટેની ડેડલાઇન માર્ચ ૨૦૧૨ની છે. નવા કાયદાના પગલે ટીવી બ્રોડકાસ્ટિંગ, નેટવર્ક ડિસ્ટ્રિબ્યુશન તથા ડીટીએચ (ડાયરેક્ટ ટુ હોમ) બિઝનેસમાં પ્રવૃત્ત કંપનીઓની સબસ્ક્રિપ્શન્સની આવકમાં ચારથી બાર ગણો વધારો થવાની ધારણા મુકાય છે. સેટ ટૉપ બૉક્સનો બિઝનેસ પણ જોરમાં આવશે. આ સમાચારના પગલે યુફોરિયામાં વાયર ઍન્ડ વાયરલેસ, હેથવે કેબલ, ડેન નેટવર્ક તથા ડિશ ટીવીના શૅર પ્રારંભે ચાર ટકાથી લઈ ૨૦ ટકા સુધી ઊછળ્યા હતા. જોકે પાછળથી ઉછાળો ઊભરા જેવો નીવડ્યો હતો. આખો મામલો વટહુકમની જોગવાઈઓ તથા પ્રમાણમાં અમલીકરણના લાંબા ગાળા પર નર્ભિર છે. ચાલુ ગાડી પકડવી નહીં.

આજનાં કંપની પરિણામ

આજે બાલાજી ટેલિફિલ્મ્સ, ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ, જિયોજિત બીએનપી, હેડલબર્ગ સિમેન્ટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, આર. એસ. સૉફ્ટવેર, કે. લાઇફસ્ટાઇલ, સેન્ટ્રમ કૅપિટલ, ઇન્ફોમિડિયા-૧૮નાં ક્વૉર્ટરલી પરિણામો જાહેર થશે, જ્યારે આવતી કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત જયભારત મારુતિ, ચાર્ટર્ડ લૉજિસ્ટિક્સ, મૉડર્ન ઇન્ડિયા, રિલાયેબલ વેન્ચર્સ, ઑબેરૉય રિયલ્ટી, પોદ્દાર પિગમેન્ટ્સ, ઋષભ દીઘા સ્ટીલનાં પરિણામો આવશે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૨૫૨૯.૧૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૮૫૯.૦૬ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૬૭૦.૦૮ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૯૦૨.૮૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૬૦.૨૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૨૫૭.૩૬ કરોડ રૂપિયા જોવા મળી હતી.

કંપની પરિણામ

બજાજ કૉર્પે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૧ ટકાના વધારા સાથે ૧૦૭ કરોડ રૂપિયા જેવી આવક ઉપર ૯૦ ટકાના વૃદ્ધિદરથી ૨૮૭૫ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો છે.

સીએમસી લિમિટેડે ક્વૉર્ટરલી ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે ૧૭ ટકાના વધારા સાથે ૩૫૭ કરોડ રૂપિયાની આવક કરી છે, પણ નેટ પ્રૉફિટ સાડાછ ટકા ઘટીને ૩૨૬૩ લાખ રૂપિયા થયો છે. આ કંપની તાતાની ટીસીએસની સબસિડિયરી છે.

ઑટોમોબાઇલ કૉર્પોરેશન ઑફ ગોવાએ ક્વૉર્ટરલી ગાળામાં ૩૧ ટકાના ઘટાડા સાથે ૭૫ કરોડ રૂપિયાની આવક ઉપર ૨૦ ટકાના ઘટાડામાં ૬૫૬ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે.

ડેવલપમેન્ટ ક્રેડિટ બૅન્કે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૪૦ ટકાના વધારા સાથે ૧૭૮ કરોડ રૂપિયાની આવક ઉપર ૧૭૭ ટકાના વૃદ્ધિદરથી ૧૩૩૩ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે.

ફૉર્ટિસ મલાર હૉસ્પિટલ્સે ક્વૉર્ટરલી ગાળામાં ૧૬ ટકાના વધારા સાથે ૨૪૪૬ લાખ રૂપિયાની આવક ઉપર ૯૯ ટકાના વૃદ્ધિદરથી ૨૫૧ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે.