સુધારાની હૅટ-ટ્રિકમાં બજાર ૭૮,૦૦૦ની પાર, માર્કેટકૅપ નવી વિક્રમી સપાટીએ

01 August, 2026 07:43 AM IST  |  Mumbai | Anil Patel

જૂન ૨૦૨૫ની તુલનામાં બહેતરીન પણ માર્ચ ૨૦૨૬ના મુકાબલે નબળાં પરિણામની થીમમાં થંગમયિલ જ્વેલરી નીચલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૩ દિવસમાં ૨૧૯૫ રૂપિયા તૂટી : ITમાં એકંદર નરમ માહોલ વચ્ચે ૬૩ મૂન્સ તગડા કામકાજે દસેક ટકાની તેજીમાં બંધ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ક્રૂડ ૮૮ ડૉલર આસપાસ યથાવત્ છે, પરંતુ તમામ અગ્રણી એશિયન બજાર શુક્રવારે સારાં એવાં મજબૂત થયાં છે. સિંગાપોર પોણા ટકાની નરમાઈમાં અપવાદ હતું. સાઉથ કોરિયન માર્કેટ તાજેતરની ખુવારીને મહદ અંશે સરભર કરવાના મૂડમાં ગઈ કાલે ઉપરમાં ૬૬૩૧ બતાવી લગભગ ૧૮ ટકા કે ૧૦૦૨ પૉઇન્ટની તગડી તેજીમાં ૬૫૯૫ બંધ થયું છે. તાઇવાનીઝ માર્કેટ પણ ૮ ટકા કે ૩૧૮૬ પૉઇન્ટ ઊછળી ૪૩,૧૨૦ દેખાયું છે. જૅપનીઝ નિક્કી ચાર ટકા કે ૨૫૨૩ પૉઇન્ટ વધ્યો છે. થાઇલૅન્ડ દોઢ ટકો, ચાઇના તથા ઇન્ડોનેશિયા પોણો ટકો અને હૉન્ગકૉન્ગ સાધારણ પ્લસ હતું. યુરોપ પણ રનિંગમાં અડધાથી એકાદ ટકા જેવું ઉપર ચાલતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૫.૬૯ના આગલા બંધ સામે મજબૂતીમાં ૯૫.૨૫ થઈ ૯૫.૪૪ આસપાસ જોવા મળ્યો છે. બિટકૉઇન પોણાબે ટકા જેવા ઘટાડે ૬૩,૬૪૫ ડૉલરે હતો. વૈશ્વિક સોના-ચાંદી સવા ટકા જેવા નરમ હતાં.

સેન્સેક્સ ઘરઆંગણે આગલા બંધથી ૭૧ પૉઇન્ટ પ્લસ, ૭૭,૯૯૯ નજીક ખૂલી બેતરફી વધઘટ દાખવી છેવટે ૧૬૬ પૉઇન્ટ વધી ૭૮,૦૯૫ તેમ જ નિફ્ટી નિફ્ટી ૬૬ પૉઇન્ટની આગેકૂચમાં ૨૪,૩૮૪ નજીક બંધ થયો છે. શૅરઆંક પૉઝિટિવ ઓપનિંગ બાદ ઘટી નીચામાં ૭૭,૮૧૦ થયા પછી ક્રમશઃ વધતો રહી ઉપરમાં ૭૮,૨૭૨ વટાવી ગયો હતો. મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે ૨૦૬૮ શૅર પ્લસ તો ૧૨૫૫ કાઉન્ટર્સ નરમ હતાં. માર્કેટકૅપ ૨.૭૫ લાખ કરોડ વધી હવે ૪૮૫.૯૬ લાખ કરોડની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. સેન્સેક્સ નિફ્ટીના મામૂલી સુધારા વચ્ચે ગઈ કાલે પણ ઑટો ઇન્ડેક્સ ઝળકી બે ટકા કે ૧૨૩૬ પૉઇન્ટ વધ્યો છે. પાવર ઇન્ડેક્સ સવા ટકો, ઑઇલ-ગૅસ એક ટકો, યુટિલિટી પોણો ટકો પ્લસ હતા. IT બેન્ચમાર્ક ૧.૪ ટકા ડૂલ થયો છે. નિફ્ટી FMCGમાં એક ટકાની નબળાઈ હતી. નિફ્ટી મીડિયા બે ટકા ઊંચકાયો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૫૧,૧૦૯ના નવા શિખરે જઈ નહીંવત સુધારે ૫૦,૭૯૭ રહ્યો છે.

ITમાં મોટા પાયે નરમાઈતરફી માહોલમાં ૬૩ મૂન્સ આશરે ૧૫ ગણા કામકાજે સતત છઠ્ઠા દિવસે વધી દસેક ટકાની તેજીમાં ૯૩૧ નજીક બંધ આવ્યો છે. પરિણામ સારાં આવ્યાં હોવાં છતાં થંગમયિલ જ્વેલરી વૉલ્યુમ સાથે મંદીની સર્કિટની હૅટ-ટ્રિકમાં ૧૦ ટકા કે ૫૮૧ રૂપિયા તૂટી ૫૨૩૪ થઈ છે. ૨૮ જૂને શૅર ઇન્ટ્રા-ડેમાં ૭૪૨૯ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. મહિન્દ્રાનું ટ્રક તથા બસ ડિવિઝન ૫૨૫ કરોડમાં મળી જતાં SML મહિન્દ્રા મજબૂતી જાળવી રાખતાં ૮ ગણા કામકાજે ૫૯૮૨ના બેસ્ટ લેવલે જઈ સાડાત્રણ ટકા વધી ૫૬૭૧ રહી છે. નઝારા ટેક્નૉલૉઝિસ ૧૦ ટકાના જમ્પમાં ૩૩૯ વટાવી ગઈ છે. TVS મોટર રિઝલ્ટનો કરન્ટ અકબંધ રાખતાં ૪૩૨૦ની લાઇફટાઇમ હાઈ બતાવી અઢી ગણા કામકાજે સવાબે ટકાની મજબૂતીમાં ૪૩૧૦ બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૨.૦૫ લાખ કરોડ નજીક પહોંચ્યું છે. 

અપોલો પાઇપ્સ ખરાબ પરિણામ છતાં સવાચાર ટકા વધી

તાતા સ્ટીલની ત્રિમાસિક આવક ૧૪.૩ ટકા વધીને ૬૦,૭૯૪ કરોડ થઈ છે. નેટ નફો ૧૧.૬ ટકા વધીને ૨૩૧૮ કરોડ આવ્યો છે. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ૧૯૨ ઉપરમાં થઈ દોઢ ટકો વધી ૧૯૦ બંધ થયો છે. બજાજ ફાઇનૅન્સે ૨૩ ટકા વધારામાં ૧૦,૨૨૮ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ તથા ૨૭.૪ ટકા વધારામાં ૫૯૮૬ કરોડ નેટ નફો કર્યો છે. ધારણા ૧૨,૪૦૮ કરોડની આવક તથા ૫૮૪૬ કરોડ નેટ નફાની હતી. શૅર ગઈ કાલે ૧૧૫૧ના શિખરે જઈ ૮.૧ ટકા ઊછળી ૧૧૪૨ રહ્યા છે. ટૉરન્ટ ફાર્માની આવક ૫૪.૮ ટકા વધીને ૪૯૨૧ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ માત્ર સવાત્રણ ટકા વધી ૫૬૬ કરોડ આવ્યો છે. કંપનીની વન-ટાઇમ લૉસ ૨૧ કરોડ થઈ છે. ભાવ ૫૧૩૯ની ટોચે જઈ સવાપાંચ ટકાની તેજીમાં ૫૧૩૦ થયો છે. NSDLની આવક પોણાતેર ટકા વધી નોંધાઈ છે. કંપનીનું ઑપરેટિંગ માર્જિન ૨૨.૭ ટકાથી ઘટી ૧૯.૫ ટકા રહ્યું છે. શૅર ઉપરમાં ૮૩૦ થઈ એક ટકો ઘટી ૮૧૫ બંધ રહ્યો છે.

માઝગાવ ડૉકની આવક ૧૨ ટકા વધી ૨૯૪૩ કરોડ થઈ છે, નેટ નફો ૨૧.૫ ટકાના વૃદ્ધિદરમાં ૫૪૯ કરોડ નોંધાયો છે. શૅર ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૪૦૦ થઈ ૨.૭ ટકા વધી ૨૩૮૨ હતો. રેલટેલ કૉર્પોરેશનની આવક ૨૦ ટકા વધીને ૮૯૨ કરોડ થઈ છે પણ નેટ નફો અડધો ટકો ઘટી ૬૫૮૦ લાખ આવ્યો છે. શૅર ત્રણ ગણા કામકાજે નીચામાં ૨૮૩ બતાવી ૩.૪ ટકા ગગડી ૨૮૪ હતો. અપોલો પાઇપ્સની આવક સવાસાત ટકા વધી ૨૯૫ કરોડ થઈ છે પણ કંપની ૮૧૦ લાખના નેટ નફામાંથી ૮૬૦ લાખની ચોખ્ખી ખોટમાં આવી છે. શૅર ૪.૩ ટકા વધી ૫૧૩ હતો. નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સની નેટ પ્રીમિયમની આવક ૨૮.૫ ટકા વધીને ૨૨૭૪ કરોડ થઈ છે, ચોખ્ખો નફો ૯૩ ટકા વધી ૧૩૮ કરોડ જોવાયો છે. શૅર ઉપરમાં ૯૧.૨૦ થઈને અડધો ટકો સુધરી ૮૬ હતો. 

ઇન્ડો-મીમ અને લોહિયા કૉર્પ નવા શિખરે, સિલ્વર સ્ટૉર્મ બિલોપાર

ગઈ કાલે SME સેગમેન્ટમાં કેરલમની સિલ્વર સ્ટૉર્મ પાર્ક્સ ૧૦ના શૅરદીઠ ૧૩૩ની ઇશ્યુ પ્રાઇસ તથા પાંચ રૂપિયાના પ્રીમિયમ સામે BSE ખાતે ૧૩૩ ખૂલી ૧૨૭ બંધ રહેતાં ૪.૫ ટકા લિસ્ટિંગ લૉસ ગઇ છે. સોમવારે મુંબઈના માહિમની પ્રોપાશૉપ ઇવેન્ટ્સ તથા રાજકોટની ઍડ્વાન્સ ટેકનોફોર્જનું લિસ્ટિંગ છે. હાલ પ્રોપશૉપમાં ઝીરો અને ઍડ્વાન્સમાં પાંચનું પ્રીમિયમ ચાલે છે. આગલા દિવસે ૫૩ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૭૪૨ બંધ રહેલી ઇન્ડો-મીમ લિમિટેડ ગઈ કાલે ૮૧૬ની નવી ટૉપ બતાવી ૪.૩ ટકા વધી ૭૭૪, સાડાસોળ ટકા જેવા લિસ્ટિંગ ગેઇનમાં ૪૯૫ બંધ થયેલી લોહિયા કૉર્પ ૫૪૫ની નવી ટોચ બતાવી ૮.૧ ટકા ઊછળી ૫૩૫ તથા પોણાબે ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૨૫ બંધ થયેલી એકસ્ટ્રાનેટ ટેક્નૉલૉઝિસ ૧૨૦ના નવા તળિયે જઈ દોઢ ટકો સુધરી ૧૨૭ રહી છે. શ્રી બાલાજી માલા ટેક્સટાઇલ્સ ૧૧૪ની બૉટમ દેખાડી પાંચ ટકા તૂટી ત્યાં જ હતી.

NSE લિસ્ટેડ અમદાવાદી IT કંપની સહાના સિસ્ટમ્સ પાંચ શૅરદીઠ એકના મેઇડન બોનસમાં ગઈ કાલે એક્સ બોનસ થતાં ઉપરમાં ૯૨૦ થઈ પોણાઆઠ ટકા ઊછળી ૮૪૪ બંધ આવી છે. કંપની મે ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવે ૩૩ કરોડનો NSE SME IPO લાવી હતી. ગુજરાતના મહેસાણાના જોટાણા ખાતેની નર્મદા ઍગ્રોબેઝ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપરમાં ૨૧ થઈ હતી. આ કંપની એપ્રિલ ૨૦૧૮માં ૧૦ના શૅરદીઠ ૩૨ના ભાવે સાત કરોડનો NSE SME IPO લાવી હતી.

સ્વિગીની આવક ૩૭ ટકા વધી ૬૮૧૨ કરોડ થઈ છે. નેટ લૉસ ૧૧૯૭ કરોડથી ઘટી ૭૯૧ કરોડ આવી છે. રિઝલ્ટ બાદ બ્રોકરેજ ફર્મ CLSA તરફથી ટાર્ગેટ પ્રાઇસ ૩૫૭થી ઘટાડી ૩૧૧ કરાઈ છે. ભાવ દોઢા કામકાજે નીચામાં ૨૮૦ થઈ ૩.૭ ટકા બગડી ૨૮૫ હતો. બજાજ ફીનસર્વ તરફથી ૧૯ ટકા વધારામાં ૪૨,૦૩૭ કરોડની આવક ઉપર ૧૨ ટકા વધારામાં ૩૧૩૨ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૨૦૩૬ વટાવી ૬.૬ ટકાની મજબૂતીમાં ૨૦૩૫ થયો છે. GMDCએ ૨૪ ટકા વધારામાં ૯૦૭ કરોડની આવક મેળવી છે છતાં નેટ નફો ૧૬૪ કરોડથી ઘટી ૧૬૩ કરોડ નોંધાયો છે. શૅર નીચામાં ૫૪૮ થઈ શાર્પ બાઉન્સબૅકમાં ૫૭૯ બતાવી અડધો ટકો વધી ૫૬૩ રહ્યો છે. લીલા પૅલેસ હોટેલ્સની આવક ૨૯ ટકા વધી ૩૫૨ કરોડ તથા નેટ નફો ૮૮૦ લાખ સામે ૪૯૦૦ લાખ થયો છે. શૅર ઉપર ૫૦૪ થઈ સાડાપાંચ ટકાની તેજીમાં ૪૯૪ થયો છે. 

વાપીની અનાવિલ વાયર ૨૭૦ના ભાવે SME IPO લાવશે

સોમવારે ગુજરાતના વાપી, GIDC ખાતેની કંપની અનાવિલ વાયર ઍન્ડ એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૨૭૦ની અપરબેન્ડ સાથે કુલ ૧૭૮ કરોડનો NSE SME ઇશ્યુ કરવાની છે. QIB પોર્શન ૫૦ ટકા, રીટેલ પોર્શન ૩૫ ટકા છે. માર્કેટમેકર માટે ૯ કરોડના શૅર અનામત રખાયા છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની વિન્ડમિલ ટાવર્સ તેમ જ વિન્ડ એનર્જી સેક્ટર માટે સ્ટીલ કમ્પોનન્ટ્સ બનાવે છે. ગત વર્ષે ૮૧ ટકા વધારામાં કંપનીએ ૧૪૪ કરોડ નજીકની આવક તથા ૧૯૮ ટકા વૃદ્ધિદદરથી ૩૬૬૩ લાખ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. દેવું ૫૫૧૧ લાખથી વધીને વર્ષમાં ૧૨,૮૨૫ લાખ થઈ ગયું છે. ઇશ્યુમાં ઑફર ફૉર સેલ પેટેના ૩૫ કરોડ પ્રમોટર્સ નિમિશ વશીના ઘરમાં જશે. ઇશ્યુમાંથી ૧૧૫ કરોડ દેવાની પરત ચુકવણીમાં વપરાશે. કંપનીએ ગત વર્ષે ૧૯૮ ટકાના વધારા સાથે ૩૬૬૩ લાખનો નેટ નફો બતાવી જે ૨૫.૬ ટકાનું નેટ માર્જિન હાંસલ કર્યું છે એ શંકાસ્પદ છે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝ છે. ગ્રેમાર્કેટમાં ૬૦થી શરૂ થયેલું પ્રીમિયમ વધીને ૭૦ થયા પછી હાલ ૬૫ જેવું ચાલે છે.

દરમ્યાન મેઇન બોર્ડમાં બીજા દિવસના અંતે જુનિયર ગ્રીન એનર્જીનો ૧૦ના શૅરદીઠ ૨૨૫ના ભાવનો ૧૮૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૫૦ ટકા તથા હરિયાણાની MV ઇલેક્ટ્રિકલ્સનો પાંચના શૅરદીઠ ૪૨૫ના ભાવનો ૨૯૦ કરોડનો ઇશ્યુ કુલ ૧૨ ગણો ભરાઈ ગયો છે. જુનિયરમાં પાંચ તો MV ઇલેક્ટ્રિકલ્સમાં ૧૩૩ પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં અમદાવાદી ધવલ પૅકેજિંગનો ૧૦ના શૅરદીઠ ૯૭ના ભાવનો ૩૬ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ સવા ગણો અને વન એન્ડિંગ ટેક્નૉલૉઝિસનો ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવનો ૨૮ કરોડનો ઇશ્યુ કુલ 
૭૫ ટકા ભરાયો છે. ધવલમાં હાલ ૧૨ અને વન એન્ડિંગમાં ઝીરો પ્રીમિયમ છે.

મનીપાલ હેલ્થનો બેના શૅરદીઠ ૫૯૦ના ભાવનો ૯૨૭૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૯૮ ટકા સહિત કુલ ૫.૨ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ બગડી હાલ ૩ રૂપિયા ચાલે છે. SME કંપની HR હાઇજીનનો ૧૦ના શૅરદીઠ ૮૮ના ભાવનો ૫૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬.૩ ગણા સહિત કુલ સાડાછ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ઘટી એક થયું છે. ગઈ કાલે બે SME ભરણાં ખુલ્યાં છે એમાં મુંબઈના બોરીવલીની ફ્યુઝન કલાસરૂમનો ૧૦ના શૅરદીઠ ૧૫૯ની અપરબેન્ડ સાથે કુલ ૩૯ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૮૫ ટકા સહિત કુલ ૬૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૭ રૂપિયા છે. મુંબઈના માહિમ ખાતેની GV ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૪૨ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં દોઢેક ગણા સહિત કુલ સવાબે ગણો ભરાયો છે. હાલમાં પ્રીમિયમ પચીસ જેવું છે. 

બજાજ ટ‍્​વિન્સની તેજી બજારને ૨૫૩ પૉઇન્ટ ફળી

સનફાર્માની આવક સાડાદસ ટકા વધી ૧૫,૩૦૦ કરોડ થઈ છે, નેટ પ્રૉફિટ ૨૭ ટકા વધીને ૨૮૯૫ કરોડ આવ્યો છે. શૅર ૨૦૪૭ ઉપર નવી લાઇફટાઇમ હાઈ બનાવી અડધો ટકાના ઘટાડામાં ૧૯૮૯ હતો. ટાઇટન ૪૮૮૭ના નવા શિખરે જઈ પોણો ટકો વધી ૪૮૮૫ રહી છે. બજાજ ફાઇનૅન્સ પરિણામ પાછળ ૧૧૫૧ની વિક્રમી સપાટી નોંધાવી ૮.૧ ટકાની તેજીમાં ૧૧૪૨ બંધ આપી બન્ને બજારમાં મોખરે રહી ૧૯૩ પૉઇન્ટ ફળી છે. બજાજ ફિનસર્વ ૬.૬ ટકા વધતાં એમાં બીજા ૬૦ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. અપોલો હૉસ્પિટલ્સ નિફ્ટી ખાતે ૯૦૩૬ની સર્વોચ્ચ સપાટી બનાવી ૦.૪ ટકાની પીછેહઠમાં ૮૯૫૭ રહી છે. બજાજ ઑટો ૧૧,૫૯૦ની પોણાબે વર્ષની નવી ટૉપ દેખાડી પોણો ટકો વધીને ૧૧,૫૨૦ બંધ હતી. મહિન્દ્રાની આવક ૨૩ ટકા વધી ૪૧,૯૨૦ કરોડ થઈ છે પણ નફો ૭ ટકા વધી ૩૬૮૫ કરોડ આવ્યો છે. શૅર સવાબે ગણા કામકાજે ૩૨૪૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી તગડા બાઉન્સબૅકમાં ૩૪૫૬ થઈ ૩.૬ ટકા કે ૧૧૭ રૂપિયા વધી ૩૩૯૬ થયો છે. અદાણી પોર્ટ‍્સ બે દિવસની ખરાબી બાદ બે ટકા સુધરી ૧૬૯૯ રહી છે.

TCS ૨.૭ ટકા અને એટર્નલ ૨.૭ ટકા બગડી સેન્સેક્સ નિફ્ટી ખાતે ઘટાડામાં મોખરે હતી. ઇન્ફોસિસ ૨.૩ ટકા ડૂલ થઈ બજારને ૭૭ પૉઇન્ટ નડી છે. HDFC બૅન્કની એક ટકાની પીછેહઠ બજારને ૧૦૬ પૉઇન્ટમાં પડી છે. ITC પરિણામ પૂર્વે એકંદર સારા કામકાજમાં દોઢ ટકા ઘટીને ૨૮૧ થઈ હતી. મેક્સ હેલ્થકૅર સવાબે ટકા, વિપ્રો દોઢ ટકા, ટેક મહિન્દ્રા એક ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૪ ટકા નરમ હતી. લાર્સન માઇન્ડ ટ્રી સવાબે ટકા ઘટી હતી. HCL ટેક્નૉલૉઝિસ અડધો ટકો નરમ રહી છે. રિલાયન્સ એક ટકાની આગેકુચમાં ૧૩૦૭ થઈ છે. જિયો ફાઇનૅન્શિયલ ૩.૯ ટકા વધી ૨૫૬ હતી.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange