30 April, 2026 09:28 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ-મંત્રણાની મથામણ ચાલુ છે. હોર્મુઝ ખાડી બંધ છે. ક્રૂડ વધી ૧૧૫ ડૉલર ભણી સરક્યું છે. હાજર સોનું ઘટતું રહી ૪૫૬૧ ડૉલર, કોમેક્સ ગોલ્ડ ૪૫૮૩ ડૉલર તથા ચાંદી ૭૩ ડૉલર આસપાસ આવી ગઈ છે. એશિયન શૅરબજાર બહુધા સુધારામાં તો યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો નરમ રહ્યું છે. બિટકૉઇન એકાદ ટકો સુધરી ૭૭,૦૨૬ ડૉલર થયો છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકા, થાઇલૅન્ડ અડધો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ પ્લસ હતું. સાઉથ કોરિયા નવા શિખરની હારમાળામાં ૬૭૦૨ વટાવી પોણો ટકો વધી ૬૬૯૧ નજીક હતું. ચાઇના પોણો ટકો વધ્યું છે. જપાન એક ટકા તો તાઇવાન અને સિંગાપોર અડધો ટકો નરમ હતાં. ડૉલર સામે રૂપિયામાં નરમાઈ ચાલુ છે. ૯૪.૫૬ના આગલા બંધ સામે રૂપિયો ગઈ કાલે નીચામાં ૯૪.૮૫ થઈ ૯૪.૮૨ ચાલતો હતો.
ઘરઆંગણે સેન્સેક્સ ૩૫૯ પૉઇન્ટ્સ પ્લસ, ૭૭,૨૪૬ ખૂલી છેવટે ૬૦૯ પૉઇન્ટ વધીને ૭૭,૪૯૬ તથા નિફ્ટી ૧૮૨ પૉઇન્ટ્સ વધી ૨૪,૧૭૮ બંધ થયો છે. શૅર આંક નીચામાં ૭૭,૧૩૬ અને ઉપરમાં ૭૭,૯૮૨ થયો હતો. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૨૬ શૅરની સામે ૧૬૬૭ કાઉન્ટર ઘટીને બંધ હતાં. માર્કેટકૅપ ૧.૮૯ લાખ કરોડ વધીને ૪૬૮.૬૨ લાખ કરોડ રૂપિયા થયું છે. મોટા ભાગનાં સેક્ટોરલ વધ્યાં છે. રિયલ્ટી ઇન્ડેક્સ દોઢેક ટકો, ટેલિકૉમ સવા ટકો, ઑટો એક ટકો, FMCG ૧.૬ ટકા મજબૂત હતા. મેટલ ઇન્ડેક્સ અડધો ટકો અને બૅન્ક નિફ્ટી નજીવો સુધર્યો હતો. કૅપિટલ ગુડ્સ નવી ઑલટાઇમ હાઈ બતાવી ૨૧ પૉઇન્ટ્સ જેવો મામૂલી પ્લસ હતો. પાવર-યુટિલિટી ઇન્ડેક્સ એક ટકો નરમ હતા. આઇટીમાં પોણા ટકાનો વધારો થયો છે.
સિગારેટના ભાવમાં મે મહિનાથી લગભગ ૧૭ ટકા વધારો થવાના અહેવાલમાં આઇટીસી ૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૧૭ થઈ ૩.૯ ટકા વધીને ૩૧૬ બંધમાં સેન્સેક્સ-નિફ્ટી ખાતે ઝળકી હતી. બજારને એના કારણે ૯૬ પૉઇન્ટ્સ લાભ થયો છે. અન્ય સિગારેટ કંપનીમાં ગોડફ્રે ફિલિપ્સ ઉપરમાં ૨૨૯૮ બતાવી ૭.૫ ટકા કે ૧૫૭ રૂપિયા વધીને ૨૨૭૩ બંધ હતી. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ સામાન્ય નરમ તો NTC ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો સુધરી હતી. એલિટકૉન ૧.૪ ટકા ઘટી હતી. ટેક મહિન્દ્ર ૩.૧ ટકા, ઇન્ફોસિસ ૧.૩ ટકા, TCS ૧.૨ ટકા વધી છે. HCLમાં સામાન્ય સુધારો તો વિપ્રો અડધો ટકો ઢીલો હતો. ભારતી ઍરટેલ સવાબે ટકા વધતાં બજારને ૧૦૨ પૉઇન્ટ્સ ફળી છે. રિલાયન્સ રિઝલ્ટનું જોર જાળવી રાખતાં સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ૨.૭ ટકા વધી ૧૪૨૬ બંધમાં સૌથી વધુ ૨૧૩ પૉઇન્ટ્સ લાભદાયી નીવડી છે. મારુતિ ૨.૮ ટકા, મહિન્દ્ર બે ટકા, આઇસર પોણાબે ટકા વધી હતી. બજાજ ઑટો અડધો ટકો સુધરીને ૯૫૪૨ હતી. ઇન્ડિગો ૨.૪ ટકા બગડી ૪૩૪૦ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૮ ટકા, NTPC ૧.૪ ટકા, ICICI બૅન્ક ૦.૯ ટકા નરમ હતી.
વેદાન્તાએ માર્ચ ક્વૉર્ટરમાં ૪૭ ટકા વધારામાં ૨૪,૬૦૯ કરોડની આવક ઉપર ૯૨ ટકા વૃદ્ધિદરથી ૬૬૯૮ કરોડ નેટ નફો કરી શૅરદીઠ ૧૧નું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૭૭૯ થઈ ૪.૬ ટકા ઊંચકાઈ ૭૭૩ બંધ થયો છે. સેફાયર ફૂડ્સ ૨૦ ટકાની તેજીમાં ૨૧૦ નજીક જઈ ત્યાં જ તથા દેવયાની ઇન્ટરનેશનલ ૧૩૦ થઈ ૧૩.૮ ટકા ઊંચકાઈ ૧૨૭ બંધ હતી. AGI ગ્રીનપૅક પાંચ ગણા કામકાજે નીચામાં ૬૩૧ થઈ ૫.૪ ટકા ગગડી ૬૩૭ બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની હતી.
અગાઉ અદાણી વિલ્મર તરીકે ઓળખાતી AWL ઍગ્રી લિમિટેડે ૧૭.૭ ટકા વધારામાં ૨૧,૪૬૫ કરોડની આવક ઉપર ૫૪.૫ ટકા વધારામાં ૨૯૨ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. શૅર ઉપર ૨૧૧ થઈ સવાબે ટકા ઘટી ૨૦૦ બંધ હતો. બંધન બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એક ટકો વધી ૨૭૯૬ કરોડ થઈ છે, પણ નફો ૬૮ ટકા વધી ૫૪૩ કરોડ નોંધાયો છે. શૅર ૨૦૪ની ટોચે જઈને ૧૧.૨ ટકા ઊછળી ૧૯૮ થયો છે. સનોફી કન્ઝ્યુમર હેલ્થકૅરની આવક ૩૨.૮ ટકા વધી ૨૨૯ કરોડ તથા નેટ પ્રૉફિટ ૩૫.૬ ટકા વધી ૬૭૮૦ લાખ થયો છે. ભાવ ઉપરમાં ૪૯૪૧ બતાવી સાડાત્રણ ટકા વધી ૪૮૩૭ હતો. ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝે ૧૯.૬ ટકા વધારામાં ૭૭૬ લાખ નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે. શૅર ઉપરમાં ૨૯૪ થઈને ૧૧.૪ ટકાની તેજીમાં ૨૮૪ હતો.
ગો ડિજિટ જનરલ ઇન્શ્યૉરન્સની આવક નવ ટકા વધીને ૩૧૧૨ કરોડ થઈ છે, ચોખ્ખો નફો ૨૯.૨ ટકા વધીને ૧૪૯ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૩૨૪ બતાવી દોઢ ટકો ઘટી ૩૧૩ રહ્યો છે. સિયેટ લિમિટેડે ૨૩.૩ ટકા વધારામાં ૪૨૧૯ કરોડની આવક ઉપર અગાઉના ૯૯ કરોડ કરતાં અઢી ગણો, ૨૪૪ કરોડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ ૩૫નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૩૯૪૬ થઈ ત્રણેક ટકા વધીને ૩૬૨૧ બંધ હતો. કૅનેરા HSBC લાઇફ દ્વારા સવાતેર ટકા વધારામાં ૩૦૬૧ કરોડની નેટ પ્રીમિયમ ઇન્કમ ઉપરમાં સવાઆઠ ટકા વધારામાં ૩૪૭૦ લાખ નેટ નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૧૪૯ થઈ સવાસાત ટકા વધી ૧૪૬ બંધ થયો છે. કંપની ગત ઑક્ટોબરમાં ૧૦ના શૅરદીઠ ૧૦૬ના ભાવથી ૨૫૧૮ કરોડનો પ્યૉર OFS IPO લાવી હતી.
પિરામલ ફાર્માએ ૨૭૫૨ કરોડની ફ્લૅટ રેવન્યુ પર ૧૫૪ કરોડના નફા સામે પોણાનવ કરોડની નેટ લૉસ કરી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૬૯ થઈ ૨.૧ ટકા ઘટી ૧૬૧ હતો. અદાણી ગ્રુપની ઓરિયેન્ટ સિમેન્ટ્સની આવક પોણાબે ટકા વધી ૬૪૭ કરોડ થઈ છે, પણ નેટ નફો લગભગ ૧૦૦ ટકા વૃદ્ધિદરમાં ૫૫૪૦ લાખ નોંધાયો છે. શૅર ઉપરમાં ૧૫૩ બતાવી ૧૪૮ના લેવલે ફ્લૅટ રહ્યો છે. ફાઇવ સ્ટાર બિઝનેસ સૉલ્યુશન્સે પોણાનવ ટકા ઘટાડામાં ૨૬૯ કરોડ ત્રિમાસિક નફો દર્શાવ્યો છે. શૅર નીચે ૪૭૪ થઈ નહીંવત્ સુધરી ૫૦૨ રહ્યો છે. પિકાડેલી ઍગ્રો તરફથી ૩૨.૪ ટકા વધારામાં ૩૬૦ કરોડ આવક ઉપરમાં સાડાતેર ટકા વધારામાં ૪૫ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. કંપનીએ એના શુગર બિઝનેસને ડીમર્જ કરવાનું નક્કી કર્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૬૯૮ થઈ સાડાઆઠ ટકા તૂટીને ૬૧૭ રહ્યો હતો.
ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સે ૨૯ ટકા વધારામાં ૨૧૧૯ કરોડની આવક ઉપર ૨૪ ટકા વધારામાં ૩૦૩ કરોડ નેટ નફો કર્યો છે. ભાવ ઉપરમાં ૩૩૩૯ બતાવીને પોણાસાત ટકા વધી ૩૦૩૧ થયો છે. સનોફી ઇન્ડિયાની ત્રિમાસિક આવક બારેક ટકા ઘટી ૪૭૨ કરોડ તથા નફો ૧૪ ટકા ઘટી ૧૦૩ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૩૫૦૨ થઈ સવા ટકો ઘટી ૩૪૨૫ રહ્યો છે. સ્ટાર હેલ્થ ઇન્સ્યૉરન્સે ૧૪ ટકા વધારામાં ૪૩૨૭ કરોડની નેટ પ્રીમિયમ ઇન્કમ ઉપર અગાઉના ૫૧ લાખ સામે ૧૧૧ કરોડનો નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૫૮૭ થઈ ત્રણેક ટકા વધી ૫૩૨ હતો. સ્કીપર લિમિટેડે ૨૯.૪ ટકા વધારામાં ૧૬૬૭ કરોડ આવક ઉપર ૬૩ ટકા વૃદ્ધિદરથી ૭૮ કરોડ નફો કર્યો છે. શૅર ઉપર ૫૨૩ બનાવી પોણો ટકો ઘટી ૪૮૪ બંધ હતો.
ઝોમાટો ફેમ એટર્નલની ત્રિમાસિક કુલ આવક ૧૮૪ ટકા વધીને ૧૭,૬૩૪ કરોડ તથા નેટ નફો ૩૪૬ ટકા વધીને ૧૩૪ કરોડ નોંધાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૬૫ થઈ નામપૂરતો સુધરીને ૨૫૪ બંધ હતો. આગલા દિવસે બજાર બંધ થવાના સમયે સાડાછ ટકાના ઘટાડામાં ૩૬૫૯ કરોડ નફો દર્શાવતાં અઢી ટકા ગગડી, ૧૨,૮૯૨ કરોડ નજીક બંધ રહેલી મારુતિ સુઝુકી ગઈ કાલે શાર્પ બાઉન્સ બૅકમાં ઉપરમાં ૧૩,૫૪૫ બતાવી ૨.૮ ટકા કે ૩૬૩ રૂપિયા વધી ૧૩,૨૫૫ બંધ થઈ છે. કંપનીની ત્રિમાસિક આવક ૨૮.૨ ટકા વધીને ૫૨,૪૬૨ કરોડના બેસ્ટ લેવલે પહોંચી છે. કંપનીએ શૅરદીઠ ૧૪૦ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે.
અદાણી ગ્રુપની ફ્લૅગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસ તથા અદાણી પોર્ટ્સનાં પરિણામ આજે, ગુરુવારે આવવાનાં છે. અદાણી પોર્ટ્સ ૧૬૭૨ની ઑલટાઇમ ટૉપ હાંસલ કરી ૧.૪ ટકા વધીને ૧૬૬૧ નજીક રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝ સુધારાની હૅટ-ટ્રિકમાં ૨૪૪૩ થઈ અડધો ટકો ઘટીને ૨૪૦૧ હતી. ગ્રુપની અન્ય કંપનીમાં અદાણી ગ્રીન ૧૨૭૧ની ૧૭ મહિનાની ટોચે જઈ નજીવા ઘટાડે ૧૨૪૫ રહી છે. અદાણી પાવર પરિણામ પૂર્વે ૨૨૬ની સર્વોચ્ચ સપાટી નોંધાવી બે ટકા ઘટી ૨૧૯ હતી. રિલાયન્સનો ત્રિમાસિક નફો ઘટ્યો છે, પણ આવક ટનાટન રહી છે. એમાં શૅર સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ઉપરમાં ૧૪૩૨ થઈને છેવટે ૨.૭ ટકા વધી ૧૪૨૬ બંધ થયો છે. જિયો ફાઇનૅન્શિયલ ૨૫૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નજીવી ઘટીને ૨૫૦ હતી. બહેતરીન પરિણામનો કરન્ટ જાળવી રાખતાં નેસ્લે ઇન્ડિયા ૧૪૭૦ની નવી લાઇફટાઇમ હાઈ બનાવી ૧.૮ ટકાની મજબૂતીમાં ૧૪૬૬ થઈ છે. પરિણામની પૂર્વસંધ્યાએ FMCG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલીવર ઉપરમાં ૨૩૫૦ થઈ સવા ટકો વધીને ૨૩૧૮ રહી છે.
મુંબઈના કુર્લા-વેસ્ટ ખાતેની ONEMI ટેકનૉલૉજી સૉલ્યુશન્સ એક રૂપિયાના શૅરદીઠ ૧૭૧ની અપર બૅન્ડમાં કુલ ૯૨૬ કરોડનો ઇશ્યુ આજે, ગુરુવારે કરવાની છે. એમાંથી ૭૬ કરોડ ઑફર ફૉર સેલ છે. ઇશ્યુમાં QIB પૉર્શન ૫૦ ટકા અને રીટેલ પૉર્શન ૩૫ ટકા છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની મોબાઇલ ઍપ્સ મારફત ઑનલાઇન કે ડિજિટલ લોન આપવાનું કામકાજ કરે છે. એનું ૯૪ ટકા ધિરાણ અન-સિક્યૉર્ડ છે, એ એક મોટું જોખમ કહી શકાય. ડિસેમ્બર ૨૦૨૫ના અંતે કંપનીની કન્ટિન્જન્ટ લાયાબિલિટીઝ ૧૭૯૦ કરોડ રૂપિયા કરતાં વધુની હતી, એ પણ ચિંતાનો વિષય છે. ૨૦૨૪-’૨૫ના વર્ષે કંપનીએ ૨૦ ટકા પ્લસના ઘટાડામાં ૧૩૫૩ કરોડ નજીકની આવક પર ૧૮.૬ ટકા ઘટાડામાં ૧૬૧ કરોડ જેવો નેટ પ્રૉફિટ કર્યો હતો. એની સામે ગત વર્ષના પ્રથમ નવ મહિનામાં કંપનીએ ૧૫૮૪ કરોડની આવક તથા ૧૯૯ કરોડથી વધુનો નફો બતાવ્યો છે. દેવું માર્ચ ’૨૪ના અંતે ૭૮૪ કરોડ હતું, એ વધી ડિસેમ્બર ’૨૫ના અંતે ૨૦૪૭ કરોડને વટાવી ગયું છે. ઇશ્યુ બાદ ૧૧૮૮ લાખની ઇક્વિટી વધીને ૧૬૮૫ લાખ થવાની છે. વર્ષ ૨૦૨૪-૨૫ની કમાણીની રીતે ઇશ્યુ પ્રાઇસ લગભગ ૧૮નો તથા ગત વર્ષની અર્નિંગને અન્યુલાઇઝ્ડ કરતાં ૧૦.૮નો પીઈ બતાવે છે. ઇશ્યુ બાદ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૨૩.૩ ટકા રહેશે. ગ્રે માર્કેટમાં સાડાસાત રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને હાલ પાંચ ચાલે છે. અંબા ઑટો સેલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૫ના ભાવનો ૬૫૧૨ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૭૦ ટકા સહિત કુલ સવા ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પહેલેથી નથી.