ટ્રમ્પની વાણી ને બજારના વર્તન પર ક્યારેય વિશ્વાસ ન કરાય

04 August, 2025 06:57 AM IST  |  Mumbai | Anil Patel

ટ્રમ્પે લગાવેલી પેનલ્ટી પ્લસ પચીસ ટકાની ટૅરિફના પગલે ૭૮૭ પૉઇન્ટ ડૂલ થયેલું બજાર ત્યાંથી ૧૧૦૮ પૉઇન્ટ ઊંચકાઈ છેવટે ૨૯૬ પૉઇન્ટની નરમાઈમાં બંધ, માર્કેટકૅપમાં ૨.૫૬ લાખ કરોડનો ઘટાડો : બ્રિગેડ હોટેલમાં પાંચ ટકાની લિસ્ટિંગ લૉસ

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે બજાર બંધ થયા પછી સાંજે ટ્રમ્પ તરફથી ભારત માટે ટૅરિફની જાહેરાત થઈ એની સાથે જ માર્કેટનો શુક્રવાર બગડશે એ નક્કી થઈ ગયું હતું. ટ્રમ્પે જે રીતે ભારત પર ટૅરિફ લગાવી, જે ટોનમાં ટ્વીટનો મારો ચલાવ્યો અને ત્યાર પછી પાકિસ્તાન પર વહાલ વરસાવ્યું એ બધું સાવ અન-અપેક્ષિત હતું. ભારતથી થતી આયાત પર પચીસ ટકાની જકાત લાદી, રશિયન ઑઇલ અને ડિફેન્સ કનેક્શન બદલ પેનલ્ટી તેમ જ પાકિસ્તાન ખાતે જંગી ઑઇલ રિઝર્વ ફૅસિલિટી ઊભી કરવાની યોજના આ બધું ઓછું હોય એમ ભવિષ્યમાં ભારતને ઑઇલ પાકિસ્તાન પૂરું પાડશે એવો મમરો મૂકીને ટ્રમ્પે સર્વેમાં (૫૦૦ જણના) વિશ્વના સૌથી વધુ લોકલાડીલા નેતા તરીકે બહાર આવેલા નરેન્દ્ર મોદીની યારી-દોસ્તીની હવા કાઢી નાખી છે. મોટા ભાગના વિશ્લેષકો ભારત માટે ૧૫-૨૦ ટકા ટૅરિફની ધારણા રાખતા હતા એ પચીસ ટકા આવી છે એ બહુ મોટી વાત નથી. ખરો કારસો પેનલ્ટીનો છે. આ એક જાતની સેકન્ડરી ટૅરિફ છે જેમાં ટ્રમ્પ મનફાવે એમ ફેરફાર કરી ભારતને નચાવી શકે છે. પેનલ્ટીનો ક્લોઝ ભારત સરકાર અને શૅરબજારને સતત અધ્ધરશ્વાસ રાખશે. આમાં પાકિસ્તાન ખાતે ઑઇલ રિઝર્વની વિશાળ ફૅસિલ‌િટી ઊભી કરવાની વાત એ પાછું નવું જ કંઈક છે. એક બાજુ ચાઇના તિબેટ ખાતે ૧૪ લાખ કરોડ રૂપિયાના ખર્ચે જોરાવર બંધ બાંધવા માંડ્યું છે. બ્રહ્મપુત્રાનું પાણી બંગાળ અને નૉર્થ ઈસ્ટ માટે પ્રાણપ્રશ્ન બનવાનો છે. ઇન શૉર્ટ, જે કંઈ બની રહ્યું છે એ ભારત માટે ખરેખર ખરાબ સયમનાં એંધાણ છે. નરેન્દ્ર મોદીએ હવે ભારતની લાંબી યાત્રા ગોઠવી આ બધા પ્રશ્ન હાથ ધરવાની જરૂર છે.

ઍનીવે, ટ્રમ્પ ટૅરિફના ટેરરમાં સેન્સેક્સ આગલા બંધથી ૭૮૭ પૉઇન્ટની ખરાબીમાં ૮૦,૬૮૫ ગઈ કાલે ખૂલ્યો હતો અને એને જ ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી તગડા બાઉન્સબૅકમાં ત્યાંથી ૧૧૦૮ પૉઇન્ટ ઊચકાઈ ૮૧,૮૦૩ વટાવી ગયો એ ખરેખર નવાઈની વાત છે. માર્કેટ છેલ્લે ૨૯૬ પૉઇન્ટની મામૂલી નરમાઈમાં ૮૧,૧૮૫ બંધ થયું. નિફ્ટી ૨૪,૬૩૫ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૨૪,૯૫૬ વટાવી છેવટે ૮૭ પૉઇન્ટ ઘટી ૨૪,૭૬૮ રહ્યું છે. બજારનું આ વર્તન પણ ટ્રમ્પની વાણી જેવું છે. ભરોંસો કરવામાં ભારે જોખમ છે. સેન્સેક્સ નિફ્ટીનો ૦.૩ ટકા આસપાસની કમજોરી સામે એનર્જી, ઑઇલ-ગૅસ, ફાર્મા-હેલ્થકૅર, મેટલ, ટેલિકૉમ જેવાં ઇન્ડાઇસિસ એકથી પોણાબે ટકા ડૂલ થયાં હતાં. આઇટી અડધો ટકો અને ઑટો નહીંવત ઘટ્યો છે. FMCG બેન્ચમાર્ક સવા ટકા નજીક સુધરીને સામા પ્રવાહે હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૪૫ શૅર સામે ૧૯૦૭ જાતો ઘટી હતી. માર્કેટકૅપ ૨.૫૬ લાખ કરોડના ઘટાડામાં ૪૪૯.૭૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

સ્વિગીએ ધારણા કરતાં ખરાબ રિઝલ્ટ આપ્યાં છે. આવક ૫૪ ટકા વધવા છતાં ચોખ્ખી ખોટ ૬૧૧ કરોડથી બેવડાઈ ૧૧૯૭ કરોડે પહોંચી છે. મારુતિએ બે ટકાના વધારામાં ૩૭૧૨ કરોડ નેટ નફો કર્યો છે. શૅર નજીવા સુધારે ૧૨,૬૩૪ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો નફો ૫૦ ટકા ગગડી ૭૩૪ કરોડ આવતાં શૅર ચાર ગણા કામકાજે ચાર ટકા કે ૧૦૧ રૂપિયા લથડીને ૨૪૩૧ નીચે બંધ થયો છે. બ્રિગેડ હોટેલ શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૨ ખૂલી ૮૫ બંધ થતાં એમાં પાંચ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. બાય ધ વે, પાકિસ્તાની શૅરબજાર ગઈ કાલે રનિંગમાં ૯૬૭ પૉઇન્ટ વધીને ૧,૩૯,૩૭૯ દેખાયું છે.

ICICI બૅન્ક નવી ટોચે, TCSમાં નવું મલ્ટિયર બૉટમ

FCMG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલીવરે સાડાસાત ટકા વૃદ્ધિદરમાં ૨૭૩૨ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. બજારની એકંદર ધારણા ૨૫૮૩ કરોડના નફાની હતી. જોકે માર્જિન ૨૨.૭ ટકાની અપેક્ષા સામે ૨૨.૩ ટકા નોંધાયું છે. શૅર આઠ ગણા કામકાજે ઉપરમાં ૨૫૪૮ થઈ ૩.૫ ટકા કે ૮૫ રૂપિયાની મજબૂતીમાં ૨૫૨૨ બંધ આપી બજારને ૬૪ પૉઇન્ટ ફળ્યો છે. ICICI બૅન્ક ૧૪૯૪ની નવી વિક્રમી સપાટી બનાવી પરચૂરણ સુધારે ૧૪૮૩ રહી છે. આઇટીસીનાં પરિણામ આજે છે, શૅર ગઈ કાલે એક ટકો વધી ૪૧૨ હતો. HDFC બૅન્ક સામાન્ય ઘટાડામાં ૨૦૧૯ હતી. કોટક બૅન્ક એકાદ ટકો સુધરી ૧૯૭૮ થઈ છે.

જિયો ફાઇનૅન્સ સર્વિસિસમાં પ્રમોટર્સની તરફેણમાં ૫૦ કરોડ ફુલ્લી કન્વર્ટિબલ ઇક્વિટી વૉરન્ટ્સ ઇશ્યુ કરવાની યોજના મંજૂર થઈ છે. આ વૉરન્ટ ૩૧૬ના ભાવે ઇશ્યુ થશે. એનાં પરિણામે અંબાણી પરિવાર સહિત પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૭.૧ ટકાથી વધી ૫૪.૨ ટકા થઈ જશે. પ્રમોટર્સ દ્વારા આ રીતે ૧૫,૮૨૫ કરોડનું નવું રોકાણ કંપનીમાં આવશે. શૅર આની અસરમાં અઢી ગણા કામકાજે ઉપરમાં ૩૩૩ થઈ ૨.૯ ટકા વધી ૩૨૯ બંધ આવ્યો છે. રિલાયન્સનો શૅર નીચામાં ૧૩૮૪ થઈ ૧.૪ ટકા ગગડી ૧૩૯૦ હતો. તાતા મોટર્સ દ્વારા ઇટાલિયન ઇવેકોનો ટ્રક બિઝનેસ ૩૮૨ અબજ યુરો અર્થાત આશરે ૩૩,૩૬૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આ ડીલ કૅશમાં થશે. ઇવેકોનો ડિફેન્સ બિઝનેસ એમાં સામેલ નથી. સેન્સેક્સ નિફ્ટીમાં આગલા દિવસે સાડાત્રણ ટકા ખરડાઈ ટૉપ લુઝર બનેલી તાતા મોટર્સ ગઈ કાલે નીચામાં ૬૫૨ થઈ છેવટે સામાન્ય ઘટાડે ૬૬૬ રહી છે. તાતા સ્ટીલની આવક ત્રણ ટકા ઘટી છે, પરંતુ સેફગાર્ડ ડ્યુટીના સરકારી રક્ષણને લઈ નફો ૧૧૬ ટકા ઊછળી ૨૦૭૮ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૧૬૨ વટાવી અંતે સવાબે ટકા પીગળી ૧૫૮ બંધ થયો છે.

TCS ૩૦૧૫ની નવી મલ્ટિયર બૉટમ બનાવી અડધો ટકો ઘટીને ૩૦૩૭ હતી. ઇન્ફી ૧૪૯૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી ૦.૭ ટકા ઘટી ૧૫૦૮ રહી છે. ઝોમાટો ફેમ એટર્નલ દોઢ ટકા નજીકની આગેકૂચમાં ૩૦૮ હતી. સ્વિગી પરિણામ પૂર્વે અડધો ટકો વધી ૪૦૪  બંધ આવી છે. અન્યમાં નેસ્લે પોણો ટકો, JSW સ્ટીલ એક ટકો, પાવર ગ્રિડ અડધો ટકો, હીરો મોટોકૉર્પ નહીંવત્ અડધો ટકો પ્લસ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ પરિણામ પાછળ ૪ ટકા લથડી ૨૪૩૧ રહી છે. ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકો નરમ હતી. ભારતી ઍરટેલનાં રિઝલ્ટ પાંચમી ઑગસ્ટે છે. શૅર એકાદ ટકો ઘટીને ૧૯૧૩ રહ્યો હતો.

ફ્લાય એસબીએસનો SME IPO આજે ખૂલશે, ૧૫૦નું પ્રીમિયમ

મેઇન બોર્ડમાં કુલ પાંચ ભરણાં ચાલુ છે એમાંથી જયપુરની લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સનો પાંચના શૅરદીઠ ૧૫૮ની અપર બૅન્ડ સાથે ૨૫૪ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ ૧.૯ ગણા તથા નવી દિલ્હીની આદિત્ય ઇન્ફોટેકનો એકના શૅરદીઠ ૬૭૫ના ભાવનો ૧૩૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૧૦૬ ગણા પ્રતિસાદ સાથે ગઈ કાલે પૂરો થયો છે. આદિત્યમાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ વધી ૨૯૦ ચાલે છે. લક્ષ્મી ઇન્ડિયામાં ૧૮થી શરૂ થયેલું પ્રીમિયમ ઘસાતું રહી હાલ એક થઈ ગયું છે. હાઈ પ્રોફાઇલ NSDLનો બેના શૅરદીઠ ૮૦૦ની અપર બૅન્ડવાળો ૪૦૧૧ કરોડ પ્લસનો પ્યૉર OFS ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં ૪.૨ ગણો તથા કુલ પાંચ ગણો ભરાઈ ચૂક્યો છે. પ્રીમિયમ ઉપરમાં જે ૧૬૭ થઈ ગયું હતું એ ઘટતું રહી અત્યારે ૧૪૩ બોલાય છે. એ જ પ્રમાણે બૉલીવુડ-ટેલીવુડ સર્કલની જાણીતી હસ્તી આનંદ પંડિતની શ્રી લોટસ ડેવલપર્સનો એકના શૅરદીઠ ૧૫૦ની અપર બૅન્ડ સાથે ૭૯૨ કરોડનો આઇપીઓ અત્યાર સુધીમાં ૧૧ ગણો અને અમદાવાદી એમઍન્ડબી એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૩૮૫ના ભાવનો ૬૫૦ કરોડનો ઇશ્યુ કુલ ત્રણ ગણો ભરાયો છે. શ્રી લોટસમાં ૪૨ અને એમઍન્ડબી એન્જિનિયરિંગમાં પંચાવન પ્રીમિયમ છે. બન્ને ભરણાં આજે, શુક્રવારે બંધ થશે.

SME સેગમેન્ટમાં આજે પ્રાઇવેટ જેટ સર્વિસિસ કંપની ફ્લાય એસબીએસ એવિએશન ૧૦ના શૅરદીઠ ૨૨૫ની અપર બૅન્ડમાં ૧૦,૨૫૩ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. ચેન્નઈની આ કંપનીએ ગત વર્ષે ૮૩ ટકાના વધારામાં ૧૯૫ કરોડની આવક તથા ૧૫૩ ટકા વૃદ્ધિદરમાં ૨૮૪૧ લાખ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૪.૧ ટકાથી ઘટી ઇશ્યુ બાદ ૩૨.૫ ટકા જેવું થશે. ઇશ્યુ પૂર્વે અનલિસ્ટેડ માર્કેટમાં શૅરનો ભાવ ૫૧૦ જેવો ચાલતો હતો. આના લીધે ગ્રે માર્કેટમાં શૅરનો ભાવ ૫૧૦ જેવો ચાલતો હતો. આના લીધે ગ્રે માર્કેટમાં હાલ ફૅન્સી છે. ૧૫૦ જેવું પ્રીમિયમ બોલાય છે. ગઈ કાલે કૅશ યૉર ડ્રાઇવ ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવે ૬૦૭૯ લાખનો તથા રાજકોટ ખાતેની રેનોલ પૉ‌લિકેમ ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવે ૨૫૭૭ લાખનો SME ઇશ્યુ લાવી છે. પ્રથમ દિવસે રેનોલ ૧.૧ ગણો અને કૅશ યૉર ડ્રાઇવ ૧.૩ ગણો ભરાયો છે. હાલ રેનોલમાં ૧૮ અને કૅશ યૉર ડ્રાઇવમાં ૨૧નું પ્રીમિયમ ચાલે છે. આ ઉપરાંત મુંબઈની બીડી ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૪૫૩૬ લાખનો SME IPO અત્યાર સુધીમાં સવા ગણો, મેહુલ કલર્સનો શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૧૬૬ લાખનો ઇશ્યુ ૧.૪ ગણો તથા ટેકયોન નેટવર્ક્સનો શૅરદીઠ ૫૪ના ભાવનો ૨૦૪૮ લાખનો ઇશ્યુ ૩.૭ ગણો ભરાઈ ચૂક્યો છે. આ ત્રણે ભરણાં આજે, શુક્રવારે બંધ થશે. કિટેક્સ ફૅબ્રિક્સનો શૅરદીઠ ૧૮૦ના ભાવનો ૬૯૮૧ લાખનો NSE SME IPO ગઈ કાલે કુલ ૪૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૪૮ ચાલે છે. શાંતિ ગોલ્ડનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ ૩૪ જેવું છે.

ઝુઆરી ઍગ્રોનો નફો ૪ ગણાથી વધુ આવતાં તેજીની હૅટ-ટ્રિક

HEG લિમિટેડનો ત્રિમાસિક નફો ૩૫૫ ટકા ઊછળી ૧૦૫ કરોડ નજીક આવતાં શૅર સાત ગણા વૉલ્યુમે ૬૨૨ના શિખરે જઈ સવાસાત ટકાની તેજીમાં ૫૭૩ બંધ થયો છે. ફેસવૅલ્યુ બેની છે. ૧૭ ફેબ્રુઆરીએ ભાવ ૩૨૨ના વર્ષના તળિયે હતો. કીનેસ ટેક્નૉલૉજીઝે આવકમાં ૩૪ ટકાના વધારા સામે ૫૦ ટકા જેવા વૃદ્ધિદરમાં ૭૪૬૧ લાખ ચોખ્ખો નફો કરતાં ભાવ ૧૧ ગણા કામકાજે ૬૨૮૨ થયા બાદ સાડાનવ ટકા કે ૫૩૭ રૂપિયાના ઉછાળામાં ૬૧૭૫ થયો છે. ખોટમાંથી નફામાં આવવાના જશન જાળવી રાખતાં ગ્રીવ્સ કૉટન બાવીસ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૪૪ વટાવી સાત ટકાની આગેકૂચમાં ૨૨૬ બંધ રહી છે. પરિણામ પાછળ ઇમામી લિમિટેડ ૫૫૧ની ઇન્ટ્રા-ડે બૉટમથી વધી ૬૧૨ થઈ ૫.૪ ટકાની મજૂબતીમાં ૫૯૫ હતી.

પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝનાં રિઝલ્ટ ૭મીએ છે. શૅર નીચામાં ૧૪૬૨ થઈ ૭.૩ ટકા કે ૧૨૦ રૂપિયા લથડી ૧૫૧૭ બંધ થયો છે. કંપની ગાર્મેન્ટ્સ ક્ષેત્રે કામકાજ કરે છે. ઇલે. ઇક્વિપમેન્ટ્સ બિઝનેસમાં પ્રવૃત્ત અપાર ઇન્ડસ્ટ્રીઝ ૮૮૩૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૭.૮ ટકા કે ૭૫૬ રૂપિયા ખરડાઈ ૮૯૦૫ હતી. હિન્દુસ્તાન કૉપર છ ટકા, સ્ટ્રાઇડ ફાર્મા આઠ ટકા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ ૫.૮ ટકા બગડી છે. આગલા દિવસે પરિણામ પૂર્વે ૧૦૨૪ની તેજીમાં ૨૦,૮૨૪ બંધ રહેલી હિટાચી એનર્જી ગઈ કાલે નીચામાં ૧૯,૪૫૧ બતાવી સાડાત્રણ ટકા કે ૭૨૫ રૂપિયા ગગડી ૨૦,૧૦૦ હતી.

મહિન્દ્ર લૉજિસ્ટિક્સનો રાઇટ રીનાઉન્સિએશન ૬૨ના બેસ્ટ લેવલથી ગઈ કાલે ૩૭ ટકાના કડાકામાં ૪૭ થયો છે. મહિન્દ્ર લૉજિસ્ટિક્સનો શૅર ચાર ટકા ખરડાઈ ૩૩૭ હતો. હિન્દુસ્તાન રેક્ટિફાયર્સ તાજેતરની તેજી બાદ પ્રૉફિટ બુકિંગમાં ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૧૮૧૪ થઈ છ ટકા કે ૧૧૬ રૂપિયા ગગડી ૧૮૩૯ રહ્યો છે. કિલિચ ડ્રગ્સનો રાઇટ રીનાઉન્સિએશન ૯૫ના શિખરે જઈ ૨૫.૬ ટકાના જમ્પમાં ૮૯ થયો છે. જ્યારે કિલિચ ડ્રગ્સનો શૅર માત્ર એક ટકો સુધરી ૪૫૦ હતો. ઑટોમોબાઇલ કૉર્પોરેશન ઑફ ગોવાએ ૧૭૯૧ લાખની સામે ૨૩૦૭ લાખનો નેટ નફો બતાવ્યો છે. એમાં શૅર ૧૩ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૬૧ રૂપિયા ઊછળી ૨૧૬૬ વટાવી ગયો છે. સનશીલ્ડ કેમિકલ્સે ૭૮ કરોડની સામે ૧૧૫ કરોડની આવક ઉપર અગાઉના ૪૦૧ લાખ સામે આ વેળા ૬૮૨ લાખ નેટ નફો મેળવતાં શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટે ૧૫૪ રૂપિયા ઊચકાઈ ૯૨૬ બંધ રહ્યો છે. ઝુઆરી ઍગ્રોનો નફો ૨૯ કરોડથી ઊછળી ૧૨૭ કરોડ વટાવી જતાં શૅર ૩૪૫ના બેસ્ટ લેવલે જઈ ૧૭.૭ ટકાની આગેકૂચમાં ૩૩૮ બંધ આવ્યો છે.

sensex nifty share market stock market national stock exchange bombay stock exchange business news