ટ્રેડિંગના છેલ્લા કલાકમાં રિકવરીથી બજાર સ્થિર

24 November, 2012 07:52 AM IST  | 

ટ્રેડિંગના છેલ્લા કલાકમાં રિકવરીથી બજાર સ્થિર




(શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી)

જોકે ત્યાર બાદ ડૉલરની સામે રૂપિયો ઘટીને ૨.૫ મહિનાના નીચલા સ્તર પર એટલે કે ૫૫.૫૩ પહોંચતાં અને અધૂરામાં પૂરું રીટેલમાં એફડીઆઇ અને વિવિધ બિલો પર વિપક્ષના વિરોધને કારણે સતત બીજા દિવસે લોકસભા અને રાજ્યસભાનું કામકાજ સ્થગિત રહેતાં એક સમયે સેન્સેક્સ ૧૦૦થી પણ વધુ પૉઇન્ટ ઘટ્યો હતો, પરંતુ છેલ્લા કલાકમાં નીચલા સ્તરેથી ખરીદી થતાં બજારમાં રિકવરી જોવા મળી હતી. સત્રના અંતે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ અગાઉના ૧૮,૫૧૭.૩૪ના બંધ સામે ૧૦.૭૭ પૉઇન્ટ (૦.૦૬ ટકા) ઘટીને ૧૮,૫૦૬.૫૭ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી માત્ર ૧.૧૫ પૉઇન્ટ (૦.૦૨ ટકા) ગબડીને ૫૬૨૬.૬૦ બંધ રહ્યો હતો. બીએસઈનું માર્કેટ કૅપ ૬૪.૯૯ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૬૪.૮૯ લાખ કરોડ રૂપિયા થયું હતું. બીએસઈની કુલ ૨૯૫૫ સ્ક્રિપ્સમાંથી ૧૩૧૫ સ્ક્રિપ્સ અપ હતી, જ્યારે ૧૪૯૮ સ્ક્રિપ્સ ડાઉન રહી હતી.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૬ ઇન્ડેક્સમાં ગઈ કાલે વધારો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં પીએસયુ ઇન્ડેક્સ સૌથી વધુ ૦.૮૧ ટકા (૫૭ પૉઇન્ટ) ઘટ્યો હતો. ત્યાર બાદ રિયલ્ટી અને હેલ્થકૅર ઇન્ડેક્સ અનુક્રમે ૦.૫૮ ટકા અને ૦.૩૭ ટકા ડાઉન હતા. પીએસયુ સેક્ટરની ૬૦માંથી ૩૮ સ્ક્રિપ્સ ઘટી હતી. આ ઇન્ડેક્સના એમએમટીસી ૪.૬૪ ટકા, એનએમડીસી ૧.૮૯ ટકા, નૅશનલ ઍલ્યુમિનિયમ ૧.૩૧ ટકા, સ્ટેટ ટ્રેડિંગ કૉર્પોરેશન ૫.૪૧ ટકા તૂટ્યા હતા.

ઑટો ઇન્ડેક્સમાં ૩૪ પૉઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો. આ ઇન્ડેક્સમાં હીરો મોટોકૉર્પ ૧.૨૧ ટકા, તાતા મોટર્સ ૦.૭૧ ટકા, અશોક લેલૅન્ડ ૩.૦૮ ટકા વધ્યા હતા. ઑટો ઇન્ડેક્સ બાદ ઑઇલ-ગૅસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી અધિક વધ્યા હતા. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૦.૨૭ ટકા અને ૦.૧૬ ટકા અપ હતા. ઑઇલ ગૅસ ઇન્ડેક્સની ૧૦માંથી ૪ સ્ક્રિપ્સ વધી હતી. રિયલ્ટી ઇન્ડેક્સની ૧૨ કંપનીઓમાંથી બે જ કંપની વધી હતી. આ ઇન્ડેક્સના યુનિટેક ૧.૮૫ ટકા, પાશ્વર્નાથ ડેવલપમેન્ટ ૧.૮૪ ટકા, અનંતરાજ ૧.૪૯ ટકા, શોભા ડેવલપર્સ ૧.૧૦ ટકા સૌથી અધિક ઘટ્યા હતા. ગઈ કાલે મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૦.૦૬ ટકા અને ૦.૨૦ ટકા વધ્યા હતા. મિડ કૅપની ૨૪૬ સ્ક્રિપમાંથી ૯૫ વધી હતી. સ્મૉલ કૅપ ઇન્ડેક્સના કુલ ૫૨૭ સ્ટૉકમાંથી ૨૩૪ અપ હતા અને ૨૭૩ ડાઉન રહ્યા હતા.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સની ૧૨ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ૧૮ સ્ક્રિપ્સ ઘટી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શૅર્સમાં એનટીપીસી સૌથી અધિક ઘટ્યો હતો. કૅબિનેટે એનટીપીસીના ૯.૫ ટકા હિસ્સાને વેચવાની મંજૂરી આપી હતી. ટ્રેડિંગના પ્રારંભમાં ૧.૫ ટકા વધ્યા બાદ આ સ્ટૉકમાં વેચવાલીને કારણે ઘટાડો જોવા મળ્યો હતો. કામકાજના અંતે આ શૅર ૨.૫૭ ટકા (૪.૨૦ રૂપિયા) ઘટ્યો હતો. નવી ફાર્મા પ્રાઇસિંગ પૉલિસીને મંજૂરી મળ્યા બાદ ફાર્માસ્યુટિકલ લીડર સિપ્લા ૧.૬૨ ટકા ડાઉન હતો. સેશનના અંતે ભેલ, હીરો મોટોકૉર્પ, તાતા પાવર, હિન્દુસ્તાન યુનિલિવર અને સન ફાર્મા એકથી દોઢ ટકા અપ હતા.

હિન્દુસ્તાન કૉપર, બ્લુડાર્ટ, ઓએફએસ

ગુરુવારના બંધ સામે ઑફર ફોર સેલની (ઓએફએસ) ફ્લોર-કિંમત ૪૧ ટકા ઓછી હોવાને કારણે હિન્દુસ્તાન કૉપરમાં ભારે વૉલ્યુમ વચ્ચે ૨૦ ટકાનું ગાબડું જોવા મળ્યું હતું. આ ઉપરાંત બ્લુડાર્ટની ઓએફએસની ફ્લોર-પ્રાઇસ શૅર્સના આગલા બંધની સરખામણીએ ૨૦ ટકા ઓછી હોવાને પરિણામે સત્રના અંતે આ સ્ક્રિપ ૩ ટકા ઘટી હતી. ઇન્ટ્રા-ડે બ્લુડાર્ટમાં ૧૮ ટકાનું ગાબડું જોવા મળ્યું હતું.

સિનેમેક્સમાં ત્રીજા સત્રમાં તેજીની સર્કિટ

પીવીઆર દ્વારા સિનેમેક્સમાં હિસ્સાની ખરીદીની બજારની અટકળોને કારણે સિનેમેક્સના શૅરનો ભાવ ૪.૯૭ ટકા વધીને ૧૬૭.૮૦ રૂપિયા થયો હતો.

ગઈ કાલે સતત ત્રીજા સત્રમાં આ સ્ક્રિપમાં પાંચ ટકાની તેજીની સર્કિટ લાગી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં આ સ્ટૉકે ૨૫૦ ટકાનું રિટર્ન આપ્યું છે.

ઍરલાઇન્સ શૅર્સની ઊંચી ઉડાન

ગઈ કાલે એવિયેશન શૅર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેટ ઍરવેઝમાં હિસ્સાના વેચાણની વાતોને કારણે આ સ્ક્રિપ કામકાજના અંતે ૧૫.૮૫ ટકા (૬૯.૨૦ રૂપિયા) વધીને ૫૦૫.૭૫ બંધ રહી હતી. જેટ ઍરવેઝ ગઈ કાલે એક વર્ષના નવા શિખરે પહોંચ્યો હતો. બે સપ્તાહના સરેરાશ ૬.૩૪ લાખ શૅર્સના વૉલ્યુમ સામે ગઈ કાલે આ સ્ક્રિપમાં ૩૬.૯૮ લાખ શૅર્સનું કામકાજ થયું હતું. આ ઉપરાંત આ સેક્ટરની અન્ય કંપનીઓ જેમ કે સ્પાઇસ જેટ ૭.૮૨ ટકા તેમ જ કિંગફિશર ઍરલાઇન્સ ૧.૮૬ ટકા વધ્યા હતા.

૯૭ શૅર્સ બાવન સપ્તાહના તળિયે

ગઈ કાલે બીએસઈની ૧૦૯ સ્ક્રિપ્સ એના એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં અમલ, જોલી પ્લાસ્ટ, સીએનઆઇ રિસર્ચ, આશિયાના ઍગ્રો, યુનાઇટેડ ટેક્સટાઇલ્સ, હેસ્ટર બાયો, સુઆશિષ ડાયમન્ડ્સ, ઝાયકૉમ ઇલેક્ટ્રૉનિક, કે સેરા સેરા, એક્સેલિયા કાળે, એચસીએલ ટેક, બૅગ ફિલ્મ્સ, ગીતાંજલિ જેમ્સ, સુદાર ઇન્ડસ્ટ્રીઝ, અંજનેય લાઇફકૅર, એમટી એજ્યુકૅર, ટીબીઝેડ, સિનેમેક્સ, એમ ઍન્ડ બી સ્વિચગિયર્સ વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત ૯૭ કંપનીઓ ઘટીને બાવન સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં ઑપ્ટો સર્કિટ, હિમાદ્રી કેમિકલ્સ, રમા પેપર, સ્ટર્લિંગ ઇન્ટરનૅશનલ, એસ. કુમાર નેશન, શિવવાણી ઑઇલ, પેટ્રન એન્જિનિયરિંગ, ક્રૂ બૉસ, એસઈએલ મૅન્યુફૅક્ચરિંગ કંપની, જયહિન્દ પ્રોજેક્ટ, સ્પાન્કો વગેરેનો સમાવેશ છે.

ગ્લોબલ માર્કેટ

ગઈ કાલે એશિયન માર્કેટનો સુધારો આગળ વધ્યો હતો. તાઇવાન ઇન્ડેક્સમાં ૩ ટકાનો જમ્પ જોવા મળ્યો હતો. આ ઉપરાંત હૅન્ગ સેંગ, કોસ્પી, શાંઘાઈ કમ્પોઝિટ ૦.૫૦-૦.૮૦ ટકા વધ્યા હતા. બપોરે યુરોપનાં બજાર નજીવા વધારા સાથે ખૂલ્યાં હતાં અને સાંજ સુધી ત્યાંનાં બજારોમાં કોઈ મોટી વધ-ઘટ જોવા નહોતી મળી.

ચોથા સત્રમાં એફઆઇઆઇ નેટ બાયર્સ

શુક્રવારે સતત ચોથા સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઇઆઇ) સ્થાનિક બજારમાંથી ચોખ્ખી ખરીદી કરી હતી. બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૧૭૩૬.૧૬ કરોડ રૂપિયાની લેવાલી તથા ૧૩૬૯.૭૯ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી,

જ્યારે સ્થાનિક નાણાસંસ્થાઓની ૫૩૨.૬૪ કરોડ રૂપિયાની લેવાલી અને ૭૧૬.૯૧ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૩૬૬.૩૭ કરોડ રૂપિયાની ચોખ્ખી લેવાલી અને સ્થાનિક નાણાસંસ્થાઓની ૧૮૪.૨૮ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.