પ્રૉફિટ બુકિંગને પગલે માર્કેટની તેજી પર બ્રેક

04 December, 2012 06:09 AM IST  | 

પ્રૉફિટ બુકિંગને પગલે માર્કેટની તેજી પર બ્રેક




(શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી)

ગત સપ્તાહના છેલ્લાં ચાર ટ્રેડિંગ સેશનમાં ૪.૫૦ ટકાના સુધારા બાદ સોમવારે બજારમાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. રીટેલમાં એફડીઆઇ પર પાર્લમેન્ટમાં ચર્ચા પૂર્વે ઇન્વેસ્ટરોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. ગઈ કાલે ખૂલવાની સાથે જ સેન્સેક્સ વધીને ૧૯,૪૦૦ના લેવલને પાર થયો હતો, પરંતુ ત્યાર બાદ પૉઝિટિવ આંતરરાષ્ટ્રીય સંકેતોને અભાવે બજારમાં નફાવસૂલી જોવા મળી હતી અને બપોરે એક તબક્કે સેન્સેક્સ ૮૦ પૉઇન્ટ તૂટ્યો હતો. જોકે કામકાજમાં છેલ્લા કલાકમાં રિકવરીને પગલે સત્રના અંતે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ અગાઉના ૧૯,૩૩૯.૯૦ના બંધ સામે ૩૪.૫૮ પૉઇન્ટ (૦.૧૮ ટકા) ઘટીને ૧૯,૩૦૫.૩૨ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૮.૯૦ પૉઇન્ટ (૦.૧૫ ટકા) ગબડીને ૫૮૭૦.૯૫ બંધ રહ્યો હતો. બીએસઈનું માર્કેટ કૅપ ૬૭.૩૮ લાખ કરોડ રૂપિયાથી વધીને ૬૭.૬૯ લાખ કરોડ રૂપિયા થયું હતું. બીએસઈની કુલ ૩૦૫૧ સ્ક્રિપ્સમાંથી ૧૬૭૨ સ્ક્રિપ્સ અપ હતી, જ્યારે ૧૨૫૫ સ્ક્રિપ્સ ડાઉન રહી હતી.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી માત્ર ત્રણ ઇન્ડેક્સમાં જ ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ ૧.૩૫ ટકા (૨૬.૯૪ પૉઇન્ટ) વધ્યો હતો. ત્યાર બાદ મેટલ અને પાવર ઇન્ડેક્સ અનુક્રમે ૦.૮૦ ટકા અને ૦.૬૫ ટકા અપ હતા. રિયલ્ટી સેક્ટરની ૧૨માંથી માત્ર એક જ સ્ક્રિપ ઘટી હતી. આ ઇન્ડેક્સના ડીબી રિયલ્ટી ૫.૪૧ ટકા, ઇન્ડિયાબુલ્સ ૩.૨૮ ટકા, યુનિટેક ૨.૩૭ ટકા, એચડીઆઇએલ ૦.૮૯ ટકા વધ્યા હતા.

બૅન્ક ઇન્ડેક્સમાં ૫૬ પૉઇન્ટની નબળાઈ જોવા મળી હતી. આ ઇન્ડેક્સમાં એચડીએફસી બૅન્ક ૨.૩૭ ટકા, યુનિયન બૅન્ક ૧.૯૮ ટકા, બૅન્ક ઑફ બરોડા ૦.૬૨ ટકા, કૅનેરા બૅન્ક ૦.૪૬ ટકા ઘટ્યા હતા. બૅન્ક ઇન્ડેક્સ બાદ એફએમસીજી અને ટેક અનુક્રમે ૦.૩૪ ટકા અને ૦.૧૪ ટકા ડાઉન હતા. એફએમસીજી ઇન્ડેક્સના નેસ્લે ૧.૬૨ ટકા, ગોદરેજ કન્ઝ્યુમર ૧ ટકો અને આઇટીસી ૦.૭૦ ટકા ગબડ્યા હતા.

મેટલ ઇન્ડેક્સ ૮૨.૭૦ પૉઇન્ટ અપ હતો. અગ્રણી મેટલ કંપનીઓ જેમ કે હિન્દુસ્તાન ઝિન્ક ૧.૮૩ ટકા, એનએમડીસી ૧.૪૧ ટકા, તાતા સ્ટીલ ૧.૩૬ ટકા, ભૂષણ સ્ટીલ ૧.૫૧ ટકા, સેઇલ ૧.૦૫ ટકા અને હિન્દાલ્કો ૧.૦૭ ટકા વધ્યા હતા. ગઈ કાલે ફ્રન્ટલાઇન શૅરોના ઘટાડા વચ્ચે પણ મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરોમાં ખરીદી જોવા મળી હતી. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૧.૨૧ ટકા અને ૦.૮૬ ટકા વધ્યા હતા. મિડ કૅપની ૨૪૬ સ્ક્રિપમાંથી ૧૫૯ વધી હતી, જ્યારે સ્મૉલ કૅપ ઇન્ડેક્સના કુલ ૫૨૭ સ્ટૉકમાંથી ૩૨૪ અપ હતા અને ૧૯૧ ડાઉન રહ્યા હતા.

ઑટો ઇન્ડેક્સમાં માત્ર ૦.૧૯ ટકાનો મામૂલી સુધારો જોવા મળ્યો હતો. ઑટો કંપનીઓના શૅર્સના ભાવ પર નવેમ્બરના વેચાણના આંકડાઓની સીધી અસર જોવા મળી હતી. નવેમ્બરમાં વેચાણમાં વધારો થતાં મારુતિ સુઝુકી અને એમ ઍન્ડ એમ આશરે ૧ ટકો વધ્યા હતા, જ્યારે નવેમ્બરમાં વેચાણ ઘટ્યું હોવા છતાં ટીવીએસ મોટર ૨.૯૫ ટકા અપ હતો. અશોક લેલૅન્ડ વેચાણમાં ઘટાડાને પગલે ૩ ટકા તૂટ્યો હતો. હીરો મોટોકૉર્પ, તાતા મોટર્સ અને બજાજ ઑટો આશરે ૦.૫૦ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સની ૧૩ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ૧૭ સ્ક્રિપ્સ ઘટી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શૅર્સમાં ભેલ અને સ્ટેટ બૅન્ક સૌથી અધિક ૧.૫૯-૧.૫૩ ટકા અપ હતા. ત્યાર બાદ તાતા સ્ટીલ અને રિલાયન્સમાં સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ સમાવિષ્ટ ૩૦ શૅર્સમાં એચડીએફસી બૅન્ક સૌથી અધિક ૨.૩૭ ટકા ગબડ્યો હતો. ત્યાર બાદ ભારતી ઍરટેલ ૧.૭૬ ટકા ડાઉન હતો.

૧૭૫ શૅર્સ બાવન સપ્તાહના શિખરે

ગઈ કાલે બીએસઈની ૧૭૫ સ્ક્રિપ્સ એના એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં સેન્ચુરી ટેક્સટાઇલ્સ, બાસ્ફ ઇન્ડિયા, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લૅબ, કજરિયા સિરૅમિક્સ, આદિત્ય બિરલા નુવો, ઓરિયન્ટ બૅન્ક, પિડીલાઇટ ઇન્ડ., થર્મેક્સ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, કોલગેટ પામોલિવ, ઓરિયન્ટ પેપર, આઇશર મોટર્સ, બાયર કૉર્પ, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ, પૅન્ટૅલૂન રીટેલ, ઝાયકૉમ, મારિકો, આઇએનજી વૈશ્ય બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, રિલાયન્સ મિડિયા, સનટીવી, પીવીઆર, ઇન્ડિયા ઇન્ફોલાઇન, ઇકરા, પૂવાર઼્કરા પ્રોજેક્ટ, કોલ્તે પાટીલ, એનએચપીસી વગેરેનો સમાવેશ છે.

આ ઉપરાંત ૬૪ કંપનીઓ ઘટીને બાવન સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં માર્ગ પ્રોજેક્ટ્સ, કેમરૉક ઇન્ડસ્ટ્રીઝ, ગ્લોડિયન ટેક, કિરી ઇન્ડસ્ટ્રીઝ, પ્રદીપ ઓવરસીઝ, તુલસી એક્સટ%ઝન, સધર્ન ઑનલાઇન, માન ઍલ્યુમિનિયમ વગેરેનો સમાવેશ છે.

મૉર્ગન સ્ટૅનલીએ ભારતનો જીડીપી અંદાજ ૫.૧ ટકાથી વધારીને ૫.૪ ટકા કર્યો છે. મૉર્ગન સ્ટૅનલીનું માનવું છે કે બીજા ક્વૉર્ટરમાં ભારતનો ગ્રોથ ધારણા કરતાં અધિક વધ્યો છે. પરિણામે આ વર્ષે ગ્રોથ અનુમાનમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે આગામી વર્ષના ગ્રોથ અનુમાનમાં મૉર્ગન સ્ટૅનલીએ કોઈ પણ ફેરફાર કર્યો નથી. તેમના મતે ૨૦૧૩-’૧૪માં ઇન્ડિયન ઇકૉનૉમી ૬.૨૫ ટકાના દરે વધશે.

જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર

માલે ઍરર્પોટનો કૉન્ટ્રૅક્ટ રદ કરવાના નિર્ણય પર સિંગાપોર ર્કોટ પાસેથી સ્ટે પ્રાપ્ત થવાથી જીએમઆર ઇન્ફ્રાને મોટી રાહત મળી હતી. ગઈ કાલે સત્રના અંતે શૅરનો ભાવ ૫.૩૬ ટકા વધીને ૧૯.૬૫ રૂપિયા થયો હતો. આ સ્ક્રિપમાં ૪૬.૧૦ લાખ શૅર્સનું વૉલ્યુમ જોવા મળ્યું હતું.

અલ્ટ્રાટેક સિમેન્ટ

અલ્ટ્રાટેક સિમેન્ટ અમદાવાદમાં જેપી સિમેન્ટનો પ્લાન્ટ હસ્તગત કરે એવી અટકળોને પગલે અલ્ટ્રાટેક સિમેન્ટ બે ટકા અપ હતો. આ ઉપરાંત અન્ય સિમેન્ટ કંપનીઓ જેમ કે એસીસી ૩.૬૩ ટકા, જેપી અસોસિયેટ્સ ૧.૨૫ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૨૪ ટકા અને ઇન્ડિયા સિમેન્ટ ૩.૯૧ ટકા સુધર્યા હતા.

ગ્લોબલ માર્કેટ

ગઈ કાલે એશિયન માર્કેટ પર સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. નિક્કી નજીવો વધ્યો હતો, જ્યારે શાંઘાઈ અને હૅન્ગ સેંગ ૧ ટકો ડાઉન હતો. તાઇવાન અને કોસ્પી અનુક્રમે ૦.૨૬ ટકા અને ૦.૩૭ ટકા સુધર્યા હતા. બપોરે યુરોપનાં બજાર મામૂલી વધારા સાથે ખૂલ્યાં હતાં. જોકે સાંજ સુધી સીએસી અને ડેક્સ ૦.૮૦-૦.૫૧ ટકા વધ્યા હતા, જ્યારે એફટીએસઈ ૦.૩૩ ટકા સુધયોર્ હતો.

એફઆઇઆઇ

સોમવારે બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૧૯૫૫.૩૪ કરોડ રૂપિયાની લેવાલી તથા ૧૬૫૨.૬૭ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક નાણાસંસ્થાઓની ૧૦૮૭.૩૨ કરોડ રૂપિયાની લેવાલી અને ૧૪૨૩.૨૬ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૩૦૨.૬૮ કરોડ રૂપિયાની ચોખ્ખી લેવાલી અને સ્થાનિક નાણાસંસ્થાઓની ૩૩૩૫.૯૪ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.