યુદ્ધની અનિશ્ચિતતા કોઈ બાબતને નિશ્ચિત થવા દેશે નહીં

30 March, 2026 09:38 AM IST  |  Mumbai | Jayesh Chitalia

રિકવરી, કરેક્શન કે શૅરબજારની ચાલ ટ્રમ્પના નિવેદન પર આધાર રાખશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

યુદ્ધ બંધ થઈ ગયું છે કે યુદ્ધવિરામ છે? નક્કી કોણ કરશે? ઈરાન કે ટ્રમ્પ, આમાંથી કોણ માનશે? કોનો કેટલો ભરોસો કરી શકાય? આવા સંવેદનશીલ સંજોગોમાં કોઈ પણ ફાઇનૅ‌ન્શ્યલ માર્કેટ ચાલી શકે નહીં, એમાં પણ શૅરબજારનું શું થાય એ તો હાલ દેખાય જ છે. આ સપ્તાહમાં નવાં કરેક્શનનાં આક્રમણ આવશે કે રિલીફ-રૅલી આવશે એ કળવું કઠિન છે. એથી સાવચેતીમાં જ સલામતી ગણાશે.

ઈરાન-ઇઝરાયલ અને અમેરિકાના આ યુદ્ધે વિશ્વ આખાને ચિંતામાં નાખી દીધું છે, કારણ કે આના પરિણામરૂપે તમામ દેશોની અર્થવ્યવસ્થા મૂશ્કેલીમાં મુકાઈ રહી છે. તેલ અને ગૅસની અછતમાં મોંઘવારી સહિત વિવિધ સમસ્યા ઊભી થઈ રહી છે એટલું જ નહીં, વેપારો પણ કઠિન બન્યા છે. આનું ગંભીર પરિણામ એ છે કે મોંઘવારીની ચિંતા બળતામાં ઘી હોમી રહી છે, મોંઘવારી કરતાં પણ વધુ ગંભીર બાબત સપ્લાયની અછત છે, જેના વિના કામકાજ પર અસર થાય છે. બીજી બાજુ ઇન્વેસ્ટમેન્ટનો માહોલ કથળી ગયો છે, તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રજાને યુદ્ધની અસરો સામે સજ્જ રહેવા અનુરોધ કર્યો છે જે સમય-સંજોગની ગંભીરતા દર્શાવે છે. આવામાં પણ શૅરબજાર ગયા સપ્તાહમાં ૩ દિવસ રિકવરી તરફ આગળ વધ્યું એ આશ્રર્યની વાત ગણાય. એનું કારણ યુદ્ધવિરામનો સંકેત હતું. જોકે એ એક ભ્રમ નીકળ્યો. ઇન શૉર્ટ, ટ્રમ્પની વાતો પર કોઈને ભરોસો નથી. શુક્રવારે હેવી કરેક્શને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું હતું.

રિકવરી આવી ખરી, પરંતુ...

ગયા સોમવારે બજારે રિકવરી સાથે સપ્તાહનો શુભારંભ કર્યો હતો, જેના આગલા સપ્તાહમાં પણ રિકવરી જોવાઈ હતી ખરી, પરંતુ એ રિકવરી મોટા કડાકામાં ધોવાઈ પણ ગઈ હતી. આ વખતની રિકવરી યુદ્ધવિરામના સંકેત પર આધારિત હતી. જોકે છમકલાં ચાલુ રહ્યાં. ઘણુંબધું શરતી છે, અધ્ધર અને અનિ​શ્ચિત હતું અને છે, પણ બજાર ચોક્કસ સ્તરે નીચે ગયા બાદ કોઈને કોઈ કારણસર પાછું ફરવાનું શરૂ કરી દેતું હોવાથી લોકોના માનસમાં બૉટમનો અંદાજ બેસતો જાય છે. આમ તો કરેક્શનમાં કડાકા મોટા જોવા મળે છે તો રિકવરીમાં ઉછાળા પણ મોટા જ જોવાય છે.

સોમવાર બાદ મંગળ અને બુધવાર પણ એકંદરે પૉઝિટિવ રહ્યા હતા. ગુરુવારે રામનવમીની રજા નિમિત્તે બજાર બંધ રહ્યું હતું, અન્યથા એ દિવસે બજારમાં ફરી કરેક્શનની ધારણા હતી, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટ ચાલી રહી હોવાના સંકેત કે કથિત સમાચાર બાદ ઈરાને એવું નિવેદન કર્યું હતું કે ટ્રમ્પ કંઈ પણ કહે, અમારી શરતો માનવામાં નહીં આવે ત્યાં સુધી અમે યુદ્ધ બંધ નહીં કરીએ, અમને ટ્રમ્પ પર ભરોસો નથી. આમ યુદ્ધ સાવ બંધ થવાનાં એંધાણ હાલ તો જણાતાં નથી. જ્યાં સુધી આ ચિત્ર સ્પષ્ટ નહીં બને ત્યાં સુધી બજારને શાંતિ કે સ્થિરતા નહીં મળે. આ સ્થિરતા બાદ જ બજારને વેગ મળવાની શક્યતા રહેશે. ત્યાં સુધી શું ધ્યાન રાખવું એ વિશે જાણીતા માર્કેટ ખેલાડી અને એક્સપર્ટ નીતિન કામથની પ્રૅક્ટિકલ સલાહ વિચારવા જેવી ચોક્કસ કહી શકાય.

ટકી જવાનું મહત્ત્વ વધુ

નીતિન કામથ કહે છે કે હાલ આપણે એવા માહોલમાં જીવી રહ્યા છીએ જ્યાં એક માણસના નિર્ણય પર ગ્લોબલ ફાઇનૅન્શ્યલ માર્કેટ ચાલે છે. આવા બજારમાં ટકી રહેવા માટે ટ્રેડર્સ વર્ગનું લક્ષ્ય પૈસા બનાવવા કરતાં પણ ટકી રહેવાનું હોવું જોઈએ. અત્યારે સમાચારોની હેડલાઇનને આધારે બજાર હલચલ-વધઘટ કરે છે એના ભરોસે ચાલવામાં મજા નથી. આવામાં ધંધો કરવો પણ હોય તો રિસ્કની યોગ્ય ગણતરી સાથે નાની મૂડી જ લગાડવી જોઈએ. મોટાં જોખમ લેવાં જોઈએ નહીં. વર્તમાન અનિ​શ્ચિતતા અને વૉલેટાઇલ માર્કેટમાં ગેરવાજબી જોખમ લીધા વિના તકોની પ્રતીક્ષા કરવી જોઈએ અને ખરા સમયે એનો લાભ લેવો જોઈએ.  

કેન્દ્ર સરકારનો પ્રજાને અનુરોધ

વિતેલા સપ્તાહના તમામ દિવસો રિકવરીમાં રહ્યા બાદ શુક્રવારે પ્રૉફિટ-બુકિંગ, ઊંચા ગયેલા ક્રૂડના ભાવ તેમ જ નેગેટિવ જિયોપૉલિટિકલ સિચુએશન અને રૂપિયાની નબળાઈને કારણે હેવી કરેક્શન નોંધાયું હતું. સેન્સેક્સ ૧૭૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૫૦૦ પૉઇન્ટના કડાકા સાથે નીચે ઊતરી ગયા હતા. આમ તો ભારતની ઇકૉનૉમી મજબૂત રહી છે અને વર્તમાન સંજોગોનો સામનો કરવા સક્ષમ પણ ગણાય છે, પરંતુ યુદ્ધ લંબાતું રહે તો ભારત માટે પણ મૂશ્કેલી વધશે એ નિ​શ્ચિત છે. નરેન્દ્ર મોદીએ આ સંભવિત વાસ્તવિકતા કે અનિ​શ્ચિતતાને ધ્યાનમાં રાખીને દેશને  સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો તેમ જ તમામ રાજ્યો સાથે સંયુક્ત બેઠક કરીને તેમના સહયોગની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. લોકો પર બોજ ન વધે એ માટે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કાપ જાહેર કર્યો હતો. રિઝર્વ બૅન્ક કરન્સી બાબતે નિરીક્ષણ યંત્રણા માટે સજ્જ છે અને જરૂરી સંજોગોમાં દરમ્યાનગીરી માટે પણ તૈયાર છે. સરકારે પ્રજાના સહયોગ માટે પણ અનુરોધ કર્યો છે.

અનિ​શ્ચિતતા ચાલુ રહેશે

નવા સપ્તાહમાં પુનઃ ૩૧ માર્ચે જાહેર રજાને લીધે બજાર બંધ રહેશે. અત્યારના માહોલમાં બજાર બંધ રહે છે તો રોકાણકારો રાજી થાય છે, કારણ કે બજાર ચાલુ રહે તો કરેક્શન અને કડાકાનાં જ વધુ દર્શન થાય છે. હાલ તો યુદ્ધ મોરચે ફાઇનલ નિર્ણય આવે તો જ બજાર એકતરફી રિકવરી તરફ આગળ વધી શકે, જ્યારે કે આવા સંકેતો ક્યાંય સુધી દેખાતા નથી. માત્ર અને માત્ર એક જ માણસને કારણે. અલબત્ત, આની સામે વિરોધ વધી રહ્યો છે છતાં એ વિરોધનાં સુપરિણામની આશા રાખી શકાતી નથી. અમેરિકાની ઇકૉનૉમી પણ અસરગ્રસ્ત છે અને ત્યાંનું માર્કેટ પણ. હાલ તો અર્થતંત્ર અને બજારના ભાગ્યમાં અનિ​શ્ચિતતા ચાલુ રહેવાની શક્યતા ઊંચી છે. 

ટ્રમ્પ કોઈ મોટી જાહેરાત કરશે?

વહેતા થયેલા સમાચાર મુજબ ટ્રમ્પસાહેબ એકાદ દિવસમાં કંઈક મોટી જાહેરાત કરવાના છે જે ઈરાન વિશેની હશે. આ જાહેરાત શું હશે એના વિશે કોઈ સ્પેક્યુલેશન કરવું કઠિન છે, પણ એમાં સકારત્મકતા હોવાની શક્યતા ઓછી જણાય છે.

મહત્ત્વના આર્થિક સમાચાર અને સંકેત

ગ્લોબલ સંસ્થા ગોલ્ડમૅન સાક્સ ભારતીય ઇ​ક્વિટીઝને ડાઉનગ્રેડ કરી છે, કારણ કે ક્રૂડ સહિતની સમસ્યાને પરિણામે કૉર્પોરેટ અર્નિંગ્સ પર અસર થશે.  

નિયમન સંસ્થા SEBIએ વધુ એક કંપનીને મ્યુચ્યુઅલ ફન્ડ લૉન્ચ કરવા મંજૂરી આપી છે. આ કંપની છે લક્ષ્ય ઍસેટ મૅનેજમેન્ટ કંપની. લિસ્ટેડ કંપની ફર્સ્ટ વેલ્થ પોર્ટફોલિયો મૅનેજર્સ કંપનીએ આને સ્પૉન્સર કર્યું છે.

ઇન્ટરનૅશનલ બ્રોકરેજ કંપની જેફરીઝે HDFC બૅન્કના શૅર્સમાંથી એ​ક્ઝિટ લીધી છે, બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅને રાજીનામા દરમ્યાન કરેલા નેગેટિવ નિવેદનને પગલે જેફરીઝે આ નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. જેફરીઝે એના ત્રણ ર્પોર્ટફોલિયોમાંથી બૅન્કિંગ સ્ટૉક્સ દૂર કરવાનું પસંદ કર્યું છે.

પેટ્રોલ-ડીઝલ પરની ડ્યુટી ઘટાડીને સરકારે લોકોને રાહત આપી છે, એમાં સરકારની દોઢ લાખ કરોડ જેટલી રેવન્યુ લૉસ થવાનો અંદાજ છે.

business news iran israel united states of america donald trump sensex nifty share market stock market national stock exchange bombay stock exchange