શૅરબજારમાં નૉલેજ જરૂરી

17 October, 2011 08:58 PM IST  | 

શૅરબજારમાં નૉલેજ જરૂરી

 

 

(હું અને શૅરબજાર)

હું છેલ્લા થોડાક સમયથી શૅરબજાર સાથે સંકળાઈ છું. પહેલાં મને શૅરબજારનું બહુ જ્ઞાન નહોતું, પરંતુ મારા એક ભાભી આ ફીલ્ડમાં છે એટલે મને પણ એમાં રસ જાગ્યો. મારાં બાળકો મોટાં થઈ ગયાં છે અને મને મારા પતિએ પણ આ બાબતે પ્રોત્સાહન આપ્યું. મને થયું કે ઘરે બેસીને કમાણી કરવાનો આ સારો માર્ગ છે એટલે મેં શૅરબજારનો અભ્યાસ કર્યો.

શૅરબજાર એટલે પૈસાનો દરિયો, પરંતુ અહીં નૉલેજ જરૂરી છે. જો નૉલેજ હશે તો પૈસા કમાશો, નહીં તો ગુમાવશો અને એટલે જ મેં પૂરું જ્ઞાન મેળવીને જ આ ક્ષેત્રમાં આવવાનો નર્ધિાર કર્યો. મને ટ્રેડિંગમાં રસ છે. હું હંમેશાં એક લિમિટ રાખીને ટ્રેડિંગ કરવામાં માનું છું. ઇન્ટ્રા-ડે કરવું હોય તો સ્ટૉપલૉસની થિયરી અપનાવવી જરૂરી છે. હું મારો ટાર્ગેટ મળી જાય એટલે એમાંથી બહાર નીકળી જાઉં છું. શૅરબજારમાં કોઈ પણ સ્ક્રિપના પ્રેમમાં ન પડવું. જો સારો નફો મળે તો વેચીને નીકળી જવું જોઈએ. હું પૂરા આત્મવિશ્વાસ સાથે ટ્રેડિંગ કરું છું. કોઈ પણ સ્ક્રિપમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં એનો અભ્યાસ જરૂરી છે. જો કોઈની પણ ટિપ્સ મળે તો પણ એનો જાતે જ અભ્યાસ કરીને પછી રોકાણ કરવું ફાયદાકારક રહે છે.

સ્ત્રીઓએ આ ફીલ્ડમાં આવવું જોઈએ. એનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘરે રહીને જ કામ કરી શકાય છે. સ્ત્રીઓ પણ શૅરબજાર દ્વારા વધારાની આવક ઊભી કરીને ઘરખર્ચમાં મદદ કરી શકે છે. શૅર વિશેનું જ્ઞાન મેળવતાં-મેળવતાં આપણને સમગ્ર વિશ્વમાં શું થઈ રહ્યું છે એની જાણકારી પણ મળે છે.

- વાતચીત અને શબ્દાંકન: શર્મિષ્ઠા શાહ

- તસવીર : નિમેષ દવે