‘આઇ’ અને ‘ટી’ ફૅક્ટર બજારને સપોર્ટ આપશે?

10 October, 2011 08:03 PM IST  | 

‘આઇ’ અને ‘ટી’ ફૅક્ટર બજારને સપોર્ટ આપશે?

 

(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

યુરોપ-અમેરિકાની હાલત જોતાં રેવન્યુમાં બહુ સારા-વાટની અમારી ધારણા નથી. ઇન્ફીએ વર્ષ ૨૦૧૧-’૧૨ માટેના ગાઇડન્સ ડૉલરદીઠ ૪૪.૫૦ રૂપિયાના સરેરાશ વિનિમય દરના આધારે આપ્યા છે. ડૉલરની હમણાંની મજબૂતી તેમ જ ભાવિ ટ્રેન્ડને અનુલક્ષીને રૂપી ટર્મમાં ગાઇડન્સ અપ-વર્ડ કરવામાં આવશે એવી ઘણાની ધારણા છે. જોકે યુરો ઝોનની વિડંબના અને યુએસ ઇકોનૉમીની યથાવત્ પીડાને લીધે ડિમાન્ડ કે ગ્રોથ ફૅક્ટરને બેશક માઠી અસર થઈ છે. આ અસર આગળ વધુ ઘેરી થવાની આશંકા છે. સરવાળે રૂપિયાની કમજોરી આવક કે કમાણીમાં નોંધપાત્ર વધારામાં પરિણમશે એવું નથી લાગતું. ઇન્ફીના રિઝલ્ટની સાથે આઇ ટી સેક્ટરની અન્ય કંપનીઓના દેખાવનો એક અંદાજ આવી જશે જે આઇટી શૅરોમાં વધ-ઘટનું કારણ બનશે.

એ જ દિવસે બુધવારે ઑગસ્ટ મહિના માટે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર થશે. છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક વિકાસદર ફિક્કો પડ્યો છે. ઔદ્યોગિક વૃદ્ધિદરની નબળાઈ અટકે છે કે પછી આગળ વધે છે એ જોવું રહ્યું. ૨૫ ઑક્ટોબરે આવનારી રિઝર્વ બૅન્કની નાણાનીતિની અર્ધવાર્ષિક સમીક્ષાના સંદર્ભમાં ઔદ્યોગિક ઉત્પાદનના ઉક્ત આંકડા મહત્વના બની રહેશે. ‘આઇ’ ફૅક્ટર પછી ‘ટી’ ફૅક્ટરની વાત જોઈએ. આજે સરકાર નવી ટેલિકૉમ પૉલિસી જારી કરવાની છે. કટ્ટર સ્પર્ધા અને કૌભાંડથી ખરડાયેલા આ ક્ષેત્ર માટે નવી ટેલિકૉમ પૉલિસી કંઈક જોમ પૂરું પાડશે એવી ધારણા રખાય છે. દરમ્યાન સેન્સેક્સમાં ૨૨૧ પૉઇન્ટ ઘટાડા સાથે બજારમાં ગત સપ્તાહ વિદાય થયું છે. શૅરઆંકમાં આ ૧.૩ ટકાની પીછેહઠ સામે બૅન્કેક્સ ૪.૬ ટકા, મિડકૅપ ૨.૮ ટકા, સ્મૉલકૅપ ૨.૩ ટકા અને
રિયલ્ટી ૧.૭ ટકા નબળા પડ્યા છે.  ૨૧ બેન્ચમાર્કમાંથી એકમાત્ર કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણા ટકા જેવો પ્લસ હતો. આપણા ૧.૩ ટકાનો ઘટાડો વિશ્વબજારની તુલનામાં સાધારણ કહી શકાય. ગત સપ્તાહે રશિયન શૅરબજારમાં ૮.૫ ટકાનું ધોવાણ થયું છે. બ્રાઝિલ બે ટકા, સિંગાપોર ૧.૩ ટકા અને જપાન એક ટકાથી વધુ નરમ હતા.

યુરોપનાં શૅરબજાર નોંધપાત્ર બાઉન્સબૅક થયાં છે, જેમાં ફ્રાન્સ ૩.૮ ટકા તથા જર્મની ૩.૪ ટકાના જમ્પ સાથે અગ્રેસર હતાં. મુડીઝ દ્વારા યુરોપિયન બૅન્કોના સાગમટે ડાઉન ગ્રેડિંગ પછી આ સપ્તાહે યુરોપની ચાલ કેવી રહે છે એ જોવાનું રસપ્રદ રહેશે. આજે આવનારાં કંપની પરિણામમાં કૅમફૅબ આલ્કલીઝ, ઇન્દાગ રબર, સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, એસઆરએમ ઇન્ડસ્ટ્રીઝ સામેલ છે. જ્યારે આવતી કાલે અંજનૈયા લાઇફ કૅર, સીએમસી, ગોવા કાર્બન, વર્ટેક્સ સિક્યુરિટીઝ તથા તામિલનાડુ જયભારત મિલ્સનાં રિઝલ્ટ છે. અમારાં સૂત્રો માને છે કે સપ્ટેમ્બરના ત્રીજા સપ્ત્ાાહથી શરૂ થયેલો ખરાબીનો દોર હમણાં થાક ખાશે. શૅરબજાર ૫૦૦-૭૦૦ પૉઇન્ટ ઉપર જઈ શકે છે.