FMCGના ભારમાં બજાર સાધારણ નરમ, રિલાયન્સ ૮૫૦ થવાનો ડર

10 December, 2024 08:18 AM IST  |  Mumbai | Anil Patel

બિટકૉઇન એક લાખ ડૉલરની અંદર-બહાર, પાકિસ્તાની શૅરબજાર એક લાખ દસ હજાર પૉઇન્ટની ઉપર બંધ: BSE અને CDSLમાં નવાં શિખર તથા ૬૩ મૂન્સમાં ઉપલી સર્કિટ સાથે નવી ટૉપ યથાવત્: પેટીએમ અને પૉલિસી બાઝાર નવી ટોચે જઈ ઢીલાં પડ્યાં, ઝોમાટો પણ બેસ્ટ લેવલ બતાવી બગડ્યો

શૅરબજાર

બિટકૉઇન એક લાખ ડૉલરની અંદર-બહાર, પાકિસ્તાની શૅરબજાર એક લાખ દસ હજાર પૉઇન્ટની ઉપર બંધ: BSE અને CDSLમાં નવાં શિખર તથા ૬૩ મૂન્સમાં ઉપલી સર્કિટ સાથે નવી ટૉપ યથાવત્: પેટીએમ અને પૉલિસી બાઝાર નવી ટોચે જઈ ઢીલાં પડ્યાં, ઝોમાટો પણ બેસ્ટ લેવલ બતાવી બગડ્યો: જ્વેલરી શૅરોમાં પસંદગીયુક્ત ધોરણે ઝમક વધી, કલ્યાણ જ્વેલર્સ છ ટકા મજબૂત: એકંદર નરમ બજારમાં ફ્લૅર રાઇટિંગમાં ૧૦ ટકાની ફ્લૅર જોવા મળી: સીએટ ૩૧૨ની તેજીમાં, ટાયર શૅર ડિમાન્ડમાં: ટૉસ ધ કૉઇન તથા જંગલ કૅમ્પસના SME IPO આજે ખૂલશે

વિશ્વ બજારોના બહુધા ધીમા સુધારા વચ્ચે ઘરઆંગણે બજાર નેગેટિવ બાયસમાં સાંકડી રેન્જ વચ્ચે ઉપર-નીચે થતું રહી ૨૦૧ પૉઇન્ટ ઘટી ૮૧,૫૯૮ તથા નિફ્ટી ૫૯ પૉઇન્ટના ઘટાડે ૨૪,૬૧૯ બંધ થયો છે. માર્કેટ આગલા બંધથી સોમવારે ૧૦૭ પૉઇન્ટ નરમ, ૮૧,૬૦૨ ખુલ્યા બાદ લગભગ આખો દિવસ માઇનસ ઝોનમાં હતું. શૅર આંક ઉપરમાં ૮૧,૭૮૩ અને નીચામાં ૮૧,૪૧૧ થયો હતો. બન્ને બજારના બહુમતી ઇન્ડેક્સ પ્લસ હતા. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક એક ટકો વધ્યો હતો. સામે નિફ્ટી FMCG સવાબે ટકા, નિફ્ટી મીડિયા બે ટકા અને નિફ્ટી ઑટો પોણો ટકો કટ થયો છે. બૅન્ક નિફ્ટી સાધારણ નરમ તથા આઇટી ઇન્ડેક્સ સામાન્ય સુધર્યો હતો. રોકડું તેમ જ બ્રૉડર માર્કેટ એકંદર આઉટ પર્ફોર્મર રહેતાં માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૫૪૦ શૅર સામે ૧૩૧૩ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૪૦૦૦ કરોડ રૂપિયા જેવું પરચૂરણ વધીને ૪૫૯.૩૪ લાખ કરોડ નજીક પહોંચ્યું છે.

એશિયા ખાતે હૉન્ગકૉન્ગ પોણાત્રણ ટકાથી વધુ અને ઇન્ડોનેશિયા પોણો ટકો પ્લસ હતું. સામે સાઉથ કોરિયા રાજકીય અસ્થિરતામાં ત્રણ ટકા નજીક તૂટ્યું છે. અન્યત્ર વધ-ઘટ મામૂલી હતી. યુરોપ રનિંગમાં સાધારણથી લઈ અડધા ટકા નજીક અપ હતું. પાકિસ્તાની શૅરબજાર ઑલટાઇમ હાઈની હારમાળામાં ૧,૧૦,૩૫૯ના બેસ્ટ લેવલે જઈ ૯૭૫ પૉઇન્ટ વધીને ૧,૧૦,૦૨૯ નજીક બંધ આવ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ સવાત્રણ ટકા ગગડી ૩.૫૫ લાખ કરોડ ડૉલર રહ્યું છે. બિટકૉઇન ૧,૦૧,૨૩૫ ડૉલર થયા બાદ રનિંગમાં દોઢ ટકો ઘટી ૯૮,૧૩૬ ડૉલર જોવાયો છે. બ્રેન્ટ ક્રૂડ એકાદ ટકો સુધરી ૭૨ ડૉલર નજીક સરક્યું છે.

BSE લિમિટેડનો શૅર તેજીની ચાલમાં ૫૬૦૮ના સર્વોચ્ચ શિખરે જઈ સવા ટકો વધીને ૫૪૬૭ વટાવી ગયો છે. એની સબસિડિયરી CDSL પણ ૧૯૨૯ની ટૉપ બનાવી એક ટકો વધી ૧૯૦૫ થઈ છે. MCX એકાદ ટકો ઘટી ૬૮૫૫ હતી. ૨૦૨૪ને ચાર આંકડા સાથે વિદાય આપવાની ઉતાવળ હોય એમ ૬૩ મૂન્સ ઉપલી સર્કિટમાં પાંચ ટકા ઊછળી ૮૩૩ વટાવી ગયો છે. સતત બીજા મહિને નવા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડાના માઠા અહેવાલને પચાવી ઍન્જલવન ૩૫૦૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાબે ગણા વૉલ્યુમે ચાર ટકા કે ૧૩૧ની આગેકૂચમાં ૩૪૨૩ થયો છે. જે. એમ. ફાઇનૅન્સ પોણાત્રણ ટકા તો મોતીલાલ ઓસ્વાલ ત્રણ ટકા મજબૂત હતા.

શુક્રવારે એકંદર ઝમકમાં રહેલે જ્વેલરી શૅરોની ચમક સિલેક્ટિવ ધોરણે આગળ વધી છે. ટીબીઝેડ ૪ ટકા વધી ૨૭૮, મનોજ વૈભવ ત્રણ ટકા વધી ૨૪૭, ગોલ્ડિયમ ઇન્ટર. ૪૪૬ના બેસ્ટ લેવલ બાદ પોણો ટકો વધી ૪૨૨, પીસી જ્વેલર્સ ત્રણ ટકા વધી ૧૭૭, કલ્યાણ જ્વેલર્સ છ ટકાના ઉછાળે ૭૭૫, રાજેશ એક્સપોર્ટ્સ પાંચ ટકાના જમ્પમાં ૨૪૮ બંધ થયા છે. ગોલમાલ બદલ સેબીના સપાટે ચડેલી અમદાવાદી મિષ્ટાન ફૂડ્સમાં ૨૦ ટકાની વધુ એક નીચલી સર્કિટ લાગી છે. સુંદરમ બ્રેક લાઇનિંગ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૬૭ રૂપિયાના ઉછાળે ચાર આંકડે ૧૦૦૧ નજીક રહ્યો છે. ઉમંગ ડેરીઝ ૧૯ ગણા વૉલ્યુમે ૧૪ ટકા ઊચકાઈ ૧૨૨ ઉપર બંધ આવ્યો છે.  

ધનલક્ષ્મી ક્રૉપને સારો પ્રતિસાદ, ઍમરેલ્ડમાં પ્રીમિયમ વધ્યું
SME સેગમેન્ટમાં ગુજરાતના હિંમતનગર ખાતેની ધનલક્ષ્મી ક્રૉપ સાયન્સ ૧૦ના શૅરદીઠ પંચાવનની અપર બૅન્ડમાં ૨૩૮૦ લાખના NSE SME IPO લાવી છે. ભરણું પ્રથમ દિવસે ૧૮.૫ ગણું છલકાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૨૮ ચાલે છે. ઍમરેલ્ડ ટાયરનો શૅરદીઠ ૯૫ના ભાવનો ૪૯૨૬ લાખનો SME ઇશ્યુ કુલ ૫૩૧ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ વધી ૯૫ થયું છે. મંગળવારે ચેન્નઈની ટૉસ ધ કૉઇન ૧૦ના શૅરદીઠ ૧૮૨ની અપર બૅન્ડમાં ૯૧૭ લાખનો નાનકડો તથા નવી દિલ્હી ખાતેની જંગલ કેમ્પસ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૨ની અપર બૅન્ડ સાથે ૨૯૪૨ લાખનો SME IPO કરવાની છે. હાલ ટૉસ ધ કૉઇનમાં ગ્રે માર્કેટ ખાતે ૨૦૦ રૂપિયાનું તથા જંગલ કેમ્પસમાં ૭૫ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. બુધવારે મેઇન બોર્ડમાં ત્રણ અને SMEમાં બે એમ કુલ પાંચ નવાં ભરણાં ખૂલશે. મુંબઈના વરલીની નિસસ ફાઇ લિસ્ટેડ થશે જેમાં હાલ પ્રીમિયમ વધીને ૧૧૫ ક્વોટ થાય છે.

તાજેતરમાં લિસ્ટેડ થયેલા શૅરમાં સુરક્ષા ડાયગ્નોસ્ટિક ૪૦૯ના તળિયે જઈ પોણાબે ટકા ઘટી ૪૧૧ની નજીક તો ગણેશ ઇન્ફ્રાવર્લ્ડ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૫૭ બંધ થયો છે. રાજેશ પાવર ૮૫૩ના શિખરે જઈ અડધો ટકો ઘટી ૮૦૭, સીટુસી ઍડ્વાન્સ્ડ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૫૪૮ની નવી ટોચે, રાજપૂતાના બાયોડીઝલ ૩૦૯ના બેસ્ટ લેવલ બાદ અડધા ટકાના સુધારે ૩૦૨, લેમોસિક ઇન્ડિયા નબળા લિસ્ટિંગ બાદ નીચલી સર્કિટની હારમાળામાં પાંચ ટકા ગગડી ૧૨૭ની અંદર નવા તળિયે, એન્વીરો ઇન્ફ્રા ૨૮૫ના શિખરે જઈ ૧૦.૭ ટકા ઊછળી ૨૭૮, ઝિન્કા લૉજિસ્ટિક્સ પોણો ટકો સુધરી ૩૪૩, અગરવાલ ટફન્ડ ગ્લાસ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૩૫, ઍપેક્સ ઇકોટેક પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૨૫ તથા આભા પાવર પણ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૬૭ નીચે બંધ થયા છે. નીલમ લિનન્સ પાંચ ટકાની મંદીની સર્કિટે ૬૧ ઉપર રહ્યો છે.  

લાર્સન, HDFC બૅન્ક તથા વિપ્રોમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં
લાર્સન ૩૯૫૯ની ઑલટાઇમ હાઈ બનાવી બે ટકા વધી ૩૯૪૮ના બંધમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટોપ ગેઇનર બન્યો છે. તો HDFC બૅન્ક ૧૮૮૦ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી પોણો ટકો વધીને ૧૮૭૦ બંધ આપી બજારને ૮૭ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. નિફ્ટી ખાતે એસબીઆઇ લાઇફ ૧.૪ ટકા વધી સેકન્ડ બેસ્ટ ગેઇનર હતી. કોટક બૅન્ક, ભારત પેટ્રોલિયમ, તાતા સ્ટીલ, JSW સ્ટીલ અડધા ટકાથી લઈ એકાદ ટકા પ્લસ હતા. વિપ્રો ૩૦૬ નજીક નવી ટોચે જઈ સવાબે ટકાના સુધારામાં ૩૦૪ રહ્યો છે. રિલાયન્સ નીચામાં ૧૨૯૩ થઈ સવા ટકો ઘટી ૧૨૯૫ બંધ આવ્યો છે. શૅરદીઠ એક બોનસ છતાં ૨૦૨૪ના વર્ષમાં આ શૅરમાં કોઈ ઝમક નથી. હાલની તારીખે અહીં ૨૦૨૪માં માત્ર ૦.૨ ટકાનું પરચૂરણ રિટર્ન મળે છે. ૮ જુલાઈએ ૧૬૦૯ની ઑલટાઇમ હાઈ બની હતી એના મુકાબલે હાલનો ભાવ વીસેક ટકા નીચે દર્શાવે છે. ૨૧ નવેમ્બરે એમાં ૧૨૨૩નો બંધ આવ્યો હતો જે ૧૧ મહિનાની બૉટમ હતી. પાર્ટવાળા કહે છે, આ શૅરમાં લૉન્ગ ટર્મ સપોર્ટની રીતે ૧૧૯૦નું લેવલ અતિ મહત્ત્વનું છે. જો આ લેવલ તૂટે તો ભાવ નીચામાં ૮૫૦ સુધી જવાની દહેશત છે.

અદાણીના ૧૧માંથી ૮ શૅર ગઈ કાલે નરમ હતા. અદાણી પોર્ટ્‍સ અડધો ટકો સુધરી ૧૨૬૬ હતો. અદાણી ગ્રીન પણ અડધો ટકો વધ્યો હતો. અંબુજા સિમેન્ટ્સ એક ટકો પ્લસ થયો છે. સામે સાંધી ઇન્ડ સવા ટકો તથા અદાણી એનર્જી, અદાણી વિલ્મર, અદાણી ટોટલ, અદાણી એન્ટર સાધારણથી અડધો ટકો નરમ હતા. અદાણી પાવર, એસીસી અને NDTV નજીવા ઘટાડામાં ફ્લૅટ બંધ રહ્યા છે. અદાણી ગ્રુપ તરફથી જેમાં ઓપન ઑફરની ક્વાયત હાથ ધરાઈ છે એ પીએસપી પ્રોજેક્ટ્સ સવા ટકો અને ઓરિયેન્ટ સિમેન્ટ્સ પોણો ટકો વધ્યા છે, જ્યારે આઇટીડી સિમેન્ટેશન અડધો ટકો ઘટી ૫૦૬ હતો.

સેન્સેક્સ ખાતે હિન્દુસ્તાન યુનિલીવર ૩.૪ ટકા બગડી ૨૪૦૦ અને નિફ્ટી ખાતે તાતા કન્ઝ્યુમર ૪.૨ ટકા બગડી ૯૩૪ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યા છે. નેસ્લે, ઍક્સિસ બૅન્ક, તાતા મોટર્સ, બ્રિટાનિયા, આઇટીસી, એશિયન પેઇન્ટ્સ જેવી જાતો સવાથી સવાબે ટકા ડાઉન હતી.  

નબળા બિઝનેસ આઉટલુકમાં ગોદરેજ કન્ઝ્યુમર વૉલ્યુમ સાથે તૂટ્યો
ગોદરેજ કન્ઝ્યુમર તરફથી ડિસેમ્બર ક્વૉર્ટરમાં નબળા વૉલ્યુમ ગ્રોથ સાથે વેચાણવૃદ્ધિ ૪-૫ ટકા વધવાનો નિર્દેશ અપાયો છે. એની અસરમાં શૅર ૨૬ ગણા વૉલ્યુમે ૧૧૦૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૧૦૮ રૂપિયા કે પોણાનવ ટકા લથડી ૧૧૨૮ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ગોદરેજ પાછળ માનસ ખરડાતાં FMCG ઇન્ડેક્સ બે ટકા કે ૪૦૯ પૉઇન્ટ ગગડ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર, તાતા કન્ઝ્યુમર્સ, મારિકો, નેસ્લે, ડાબર, ઇમામી, કોલગેટ, બ્રિટાનિયા ઇત્યાદી જેવી ફ્રન્ટલાઇન જાતો અત્રે દોઢથી સવાચાર ટકા બગડી હતી. ફ્લૅર રાઇટિંગ આવા માહોલમાં સાડાચાર ગણા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૩૨૩ વટાવી ગયો છે. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ સવાસાત ટકા ઊચકાઈ ૧૪૦ નજીક ગયો છે.

મૅપ માય ઇન્ડિયા તાજેતરની ખરાબી બાદ ૧૬ ટકાના ઉછાળે ૧૯૧૦ થઈ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર હતો. આઇટીઆઇ લિમિટેડ ૧૫ ટકા નજીક, ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાડાતેર ટકા, MTNL બાર ટકા, ટ્રાઇડેન્ટ લિમિટેડ સાડાદસ ટકા મજબૂત હતા. સીએટ દ્વારા મિશલીન પાસેથી ૨૨૫૦ લાખ ડૉલરમાં કેમ્સો બ્રૅન્ડ ખરીદી લેવાતાં શૅર ૩૫૮૧ના શિખરે જઈ ૧૦ ટકા કે ૩૧૨ની તેજીમાં ૩૪૦૪ વટાવી ગયો હતો. જે.કે. ટાયર પોણાસાત ટકાના જમ્પમાં ૪૨૦ દેખાયો છે. રોટો પમ્પ્સને ૪૦૦ સોલર સબમર્સિબલ પમ્પ્સનો ઑર્ડર મળતાં ભાવ સાત ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૨૦ થઈ આઠ ટકા ઊચકાઈ ૩૦૫ બંધ આવ્યો છે.

GHCLમાં એમ્કે ગ્લોબલ તરફથી વર્ષમાં ૯૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયો છે. શૅર પોણો ટકો સુધરી ૬૭૨ હતો. પેટીએમ ૧૦૦૭ની નવી ટોચે જઈ હળવા પ્રૉફિટ બુકિંગમાં અડધો ટકો ઘટી ૯૭૧ અને પૉલિસી બાઝાર ૨૨૦૮ના શિખરે જઈ સાધારણ ઘટાડે ૨૧૩૩ બંધ હતા. ઓલા ઇલેક્ટ્રિક પોણાચાર ટકા બગડ્યો છે. ઝોમાટો ૩૦૪ ઉપરની ટોચે જઈ અઢી ટકાની નરમાઈમાં ૨૯૫ તથા સ્વિગી સવા ટકો ઘટી ૫૩૭ રહ્યો છે.

share market stock market bitcoin pakistan bombay stock exchange nifty sensex ipo business news