શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક નિફ્ટી ૫૮૫૦ને પાર કરી ગયો

01 December, 2012 08:52 AM IST  | 

શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક નિફ્ટી ૫૮૫૦ને પાર કરી ગયો




(શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી)

જીડીપી આંકડાઓ ધારણા પ્રમાણે રહેતાં બજારમાં ખરીદી જોવા મળી હતી. આમ તો મજબૂત આંતરરાષ્ટ્રીય સંકેતોને પગલે માર્કેટે ડિસેમ્બર સિરીઝનો તેજી સાથે જ પ્રારંભ કર્યો હતો. જોકે બીજા ક્વૉર્ટરના જીડીપી ડેટા આવવા પૂર્વે બજારનો નોંધપાત્ર પ્રારંભિક ઉછાળો ધોવાઈ ગયો હતો, પરંતુ જીડીપી ડેટા ધારણા પ્રમાણે રહેતાં માર્કેટમાં ફરી રિકવરી જોવા મળી હતી અને સેન્સેક્સ તેમ જ નિફ્ટી વર્ષ ૨૦૧૨ની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. સેશનના અંતે મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ અગાઉના ૧૯,૧૭૦.૯૧ના બંધ સામે ૧૬૮.૯૯ પૉઇન્ટ (૦.૮૮ ટકા) વધીને ૧૯,૩૩૯.૯૦ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૪.૮૫ પૉઇન્ટના (૦.૯૪ ટકા) સુધારા સાથે ૫૮૭૯.૮૫ બંધ રહ્યો હતો. બજારના જાણકારોનું માનવું છે કે નિફ્ટી ડિસેમ્બર ૨૦૧૨માં અથવા તો જાન્યુઆરી ૨૦૧૩ના પ્રારંભમાં ૬૦૦૦ના સ્તરે પહોંચશે.

મેટલ ઇન્ડેક્સ સૌથી અધિક વધ્યો

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૦ ઇન્ડેક્સમાં ગઈ કાલે વધારો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં મેટલ ઇન્ડેક્સ સૌથી અધિક વધ્યો હતો. ત્યાર બાદ પાવર અને પીએસયુ ઇન્ડેક્સ અનુક્રમે ૧.૭૭ ટકા અને ૧.૭૦ ટકા અપ હતા. મેટલ ઇન્ડેક્સમાં ૨.૦૭ ટકા (૨૧૦ પૉઇન્ટ)નો સુધારો જોવા મળ્યો હતો. આ ઇન્ડેક્સના સ્ટરલાઇટ ૩.૨૪ ટકા, હિન્દાલ્કો ૨.૬૫ ટકા, સેઇલ ૨.૨૮ ટકા અને તાતા સ્ટીલ ૨.૨૪ ટકા વધ્યા હતા.

બૅન્ક ઇન્ડેક્સ ૨૦૦ પૉઇન્ટ સુધર્યો હતો. આ ઇન્ડેક્સની ૧૪માંથી ૧૩ સ્ક્રિપ્સ વધી હતી. બૅન્ક સેક્ટરની કૅનેરા બૅન્ક ૪.૮૭ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૩.૪૯ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૩.૦૯ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૧૦ ટકા અને સ્ટેટ બૅન્ક ૧.૭૮ ટકા વધ્યા હતા, જ્યારે ઑઇલ-ગૅસ અને કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ અનુક્રમે ૧.૦૮ ટકા અને ૦.૯૧ ટકા અપ હતા. ઑટો, એફએમસીજી અને રિયલ્ટી ઇન્ડેક્સમાં ગઈ કાલે ૦.૩૨-૦.૨૦ ટકાની નબળાઈ જોવા મળી હતી. રિયલ્ટી ઇન્ડેક્સના ઇન્ડિયાબુલ્સ ૧.૫૮ ટકા, યુનિટેક ૦.૯૪ ટકા, ડી. બી. રિયલ્ટી ૦.૯૦ ટકા ઘટ્યા હતા, જ્યારે એફએમસીજી ઇન્ડેક્સમાં યુનાઇટેડ સ્પિરિટ્સ ૨.૩૯ ટકા અને કોલગેટ પામોલિવ ૦.૯૧ ટકા ડાઉન હતા. ગઈ કાલે મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૧૦ ટકા અને ૦.૮૨ ટકા વધ્યા હતા. મિડ કૅપની ૨૪૬ સ્ક્રિપમાંથી ૧૭૬ વધી હતી. સ્મૉલ કૅપ ઇન્ડેક્સના કુલ ૫૨૭ સ્ટૉકમાંથી ૩૦૫ અપ હતા અને ૨૧૦ ડાઉન રહ્યા હતા.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સની ૨૩ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ૭ સ્ક્રિપ્સ ઘટી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શૅર્સમાં જિંદાલ સ્ટીલ સૌથી અધિક ૫.૨૯ ટકા વધ્યો હતો. ત્યાર બાદ ભેલ અને ઓએનજીસી અનુક્રમે ૪.૯૨ ટકા અને ૪.૪૪ ટકા સુધર્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર ૧.૭૨ ટકા સૌથી અધિક તૂટ્યો હતો. સેન્સેક્સ સમાવિષ્ટ ત્રણેત્રણ મોટી કંપનીઓ તાતા મોટર્સ, બજાજ ઑટો અને મારુતિના શૅર્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈની કુલ ૩૦૮૯ સ્ક્રિપ્સમાંથી ૧૬૮૭ સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે ૧૨૮૬ સ્ક્રિપ્સ ઘટી હતી. બીએસઈનું માર્કેટ કૅપ ૬૬.૭૪ લાખ કરોડ રૂપિયાથી વધીને ૬૭.૩૮ લાખ કરોડ રૂપિયા થયું હતું. આમ ગઈ કાલે એક જ સત્રમાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના માર્કેટ કૅપમાં ૬૪ હજાર કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ હતી.

૧૭૦ કંપનીઓ બાવન સપ્તાહની ઊંચાઈએ

ગઈ કાલે બીએસઈની ૧૭૦ સ્ક્રિપ્સ એના એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં બાસ્ફ ઇન્ડિયા, ફિનોલેક્સ કેબલ્સ, એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક, ઍક્સિસ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, જયપ્રકાશ અસોસિએશન, ઇન્ડિયા ઇન્ફોલાઇન, આઇડીએફસી, જ્યોતિ લૅબ, આઇએનજી વૈશ્ય બૅન્ક, સેરા સેનિટરી વેર, ફોર સૉફ્ટ, ભારતીય ઇન્ટરનૅશનલ, સિપ્લા, ડિવિઝ લૅબ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ૮૭ કંપનીઓ ઘટીને બાવન સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં જેએમટી ઑટો, નેટવર્ક, સોમા પેપર્સ, કેમરૉક ઇન્ડસ્ટ્રીઝ, રિષી લેઝર, અંબિકા અગરબત્તી, પેરામાઉન્ટ પ્રિન્ટ પૅકેજિંગ, બિરલા કોટસિન, કિરી ઇન્ડસ્ટ્રીઝ, રિસર્જર માઇન્સ, કાવેરી ટેલિકૉમ વગેરેનો સમાવેશ થાય છે.

જીડીપી ૫.૩ ટકા રહ્યો

જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન) વૃદ્ધિદરના આંકડાઓ બજારની ધારણા પ્રમાણે જાહેર થયા હતા. જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરલી ગાળા દરમ્યાન દેશનો જીડીપી વૃદ્ધિદર ૫.૩ ટકા રહ્યો જે એપ્રિલ-જૂન ૨૦૧૨ના ક્વૉર્ટરલી ગાળામાં ૫.૫ ટકા હતો, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૨ના બીજા ક્વૉર્ટરલી ગાળા દરમ્યાન આ દર ૬.૭ ટકા રહ્યો હતો.

ડાઉ જોન્સ ૧૩ હજારને પાર

ઑક્ટોબરમાં અમેરિકાસ્થિત ઘરોનું વેચાણ ૫.૨ ટકા વધીને પાંચ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચતાં થર્ડ ક્વૉર્ટરમાં જીડીપી ગ્રોથ વધીને ૨.૭ ટકા થતાં અને બેરોજગારીની સંખ્યામાં ઘટાડા જેવા પૉઝિટિવ ફૅક્ટરને કારણે ગુરુવારે યુએસનો ડાઉ જોન્સ ૧૩ હજારની સપાટી પાર કરી ગયો હતો. ગઈ કાલે એશિયાના બજારમાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિક્કી અને હૅન્ગસેંગ ૦.૪૮ ટકા, ૦.૪૯ ટકા અપ હતા; જ્યારે તાઇવાન ૧ ટકો સુધર્યો હતો. સાંજ સુધીમાં યુરોપના એફટીએસઈ, સીએસી અને ડેક્સ નજીવા વધ્યા હતા.

પીવીઆરમાં ૧૮ ટકાનો જમ્પ

સિનેમૅક્સ ઇન્ડિયાનો ૬૯.૨૭ ટકા હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત બાદ પીવીઆરના શૅર્સના ભાવ પર શુક્રવારે પૉઝિટિવ ઇફેક્ટ જોવા મળી હતી. સેશનના અંતે આ સ્ક્રિપ ૧૮ ટકા

(૪૬ રૂપિયા) વધીને ૩૦૫ રૂપિયા બંધ રહી હતી, જ્યારે સિનેમૅક્સના શૅર્સના ભાવમાં પણ ૩.૪૨ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય મલ્ટિપ્લેક્સ કંપનીઓ જેમ કે રિલાયન્સ મિડિયા વર્ક્સ ૧૭ ટકા, ફેમ ઇન્ડિયા

પાંચ ટકા, આઇનૉક્સ લીઝર પાંચ ટકા અપ હતા.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર શૅર્સ વધ્યા

નૅશનલ ઇન્વેસ્ટમેન્ટ ર્બોડ (એનઆઇબી)ના પ્રસ્તાવ પર વાટાઘાટો થઈ રહ્યાના નાણાપ્રધાનના નિવેદન બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શૅર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૪.૪૮ ટકા, સુઝલોન એનર્જી ૫.૩૯ ટકા, અદાણી પાવર ૪.૧૩ ટકા, આઇવીઆરસીએલ ઇન્ફ્રા ૪.૫૮ ટકા સુધર્યા હતા.

એફઆઇઆઇ

એફઆઇઆઇએ (વિદેશી સંસ્થાકીય રોકાણકાર) શુક્રવારે પણ ભારતીય બજારમાંથી નોંધપાત્ર ખરીદી કરી હતી. ગઈ કાલે બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૮૩૫૭.૨૭ કરોડ રૂપિયાની લેવાલી તથા ૬૭૪૫.૮૪ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી; જ્યારે ડીઆઇઆઇની (સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર) ૧૪૫૫.૭૪ કરોડ રૂપિયાની લેવાલી અને ૨૨૫૪.૩૭ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૧૬૧૧.૪૩ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી અને ડીઆઇઆઇની ૩૭૯૮.૬૩ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.