સ્થાનિક ને આંતરરાષ્ટ્રીય હકારાત્મક પરિબળોની ગેરહાજરીમાં બજાર સુસ્ત

17 August, 2012 08:37 AM IST  | 

સ્થાનિક ને આંતરરાષ્ટ્રીય હકારાત્મક પરિબળોની ગેરહાજરીમાં બજાર સુસ્ત

 

 

(શૅરબજારનું ચલકચલાણું)

 

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હકારાત્મક પરિબળોની ગેરહાજરીમાં ગઈ કાલે બજાર રેન્જ બાઉન્ડ રહ્યું. મોટા કામકાજની ગેરહાજરીમાં બજારનું વાતાવરણ સુસ્ત રહ્યું હતું. બજાર સાથે સંકળાયેલો વર્ગ સાવચેતી રાખી રહ્યો છે એટલે માર્કેટમાં મોટી વધ-ઘટ જોવા નથી મળતી. મૂવમેન્ટ મર્યાદિત રેન્જમાં જ જોવા મળે છે. ચાલુ સપ્તાહમાં બજારમાં મોટી વધ-ઘટ જોવા મળવાની અપેક્ષા ઓછી છે.

 

યુરોપિયન બજારોમાં ઘટાડો થયો હતો. એશિયન માર્કેટ્સમાં મિશ્ર વલણ રહ્યું હતું. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ૭૦.૯૯ ઘટીને ૧૭,૬૫૭.૨૧ અને નિફ્ટી ૧૭.૪૦ ઘટીને ૫૩૬૨.૯૫ના લેવલે બંધ રહ્યા હતા. એક નોંધપાત્ર બાબત એ છે કે સેન્સેક્સ ૧૭,૫૦૦ પૉઇન્ટ્સ અને નિફ્ટી ૫૩૫૦ પૉઇન્ટ્સના સાયકૉલૉજિકલ લેવલની ઉપર બંધ રહ્યા હતા.

 

દિવસ દરમ્યાન સેન્સેક્સમાં વધ-ઘટ મર્યાદિત રહી હતી. ૧૭,૭૨૮.૨૦ના આગલા બંધ સામે પ્રારંભમાં સેન્સેક્સ ૧૭,૭૫૨.૨૨ પર ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૭,૭૬૩.૫૯ અને ઘટીને નીચામાં ૧૭,૬૪૦.૬૨ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૧૭,૬૫૭.૨૧ના લેવલે બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ માત્ર ૭.૩૧ વધીને ૬૧૫૫.૦૨ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૧૭.૬૭ વધીને ૬૬૧૪.૦૭ના સ્તરે બંધ રહ્યા હતા.

 

સેક્ટરલ ઇન્ડાઇસિસ

 

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૯ ઘટ્યાં હતાં, જ્યારે ૪માં વૃદ્ધિ થઈ હતી. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૫૩.૫૮ ઘટીને ૧૦,૪૮૩.૫૬ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૮ કંપનીના ભાવ ઘટ્યા હતા. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૭૫ ટકા ઘટીને ૧૧૬.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. એનએમડીસીનો ભાવ ૨.૬૮ ટકા, સેસાગોવાનો ૨.૬૬ ટકા અને સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૪૪ ટકા ઘટ્યો હતો.

 

એફએમસીજી ઇન્ડેક્સ ૧૦૮ પૉઇન્ટ્સ ઘટીને ૫૧૪૦.૨૬ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના ભાવ ઘટ્યા હતા. આઇટીસીનો ભાવ સૌથી વધુ ૩.૫૯ ટકા ઘટીને ૨૫૮.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ડાબર ઇન્ડિયાનો ભાવ ૩.૪૩ ટકા ઘટ્યો હતો.

 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૮૨.૩૫ વધીને ૧૦,૧૩૪.૪૮ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૯ કંપનીના ભાવ વધ્યા હતા. પીપાવાવ ડિફેન્સનો ભાવ સૌથી વધુ ૧.૯૭ ટકા વધીને ૫૯.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સૉનો ભાવ સૌથી વધુ ૧.૨૯ ટકા ઘટીને ૧૧૮.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો.

 

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સ

 

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સનો ભાવ ગઈ કાલે ૧૧.૮૫ ટકા વધીને ૧૨૧.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૬.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૦૭.૭૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૭૨.૬૦ કરોડ રૂપિયાના શૅર્સનું કામકાજ થયું હતું. ટ્રેડિંગ ૬૦.૮૭ લાખ શૅર્સનું થયું હતું. છેલ્લા ૮ દિવસમાં શૅરનો ભાવ ૨૮ ટકા વધ્યો છે.

 

કંપનીના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસરે એવી જાહેરાત કરી હતી કે થર્ડ ક્વૉર્ટર સુધી કંપની નફો કરતી થઈ જશે. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં કંપનીની ખોટ ૨૧૯ કરોડ રૂપિયાથી ઘટીને ૩૯ કરોડ રૂપિયા થઈ છે.

 

આઇડીએફસી

 

આઇડીએફસીનો ભાવ ૪.૧૪ ટકા વધીને ૧૪૨.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૨૧ ટકા વધીને ૩૮૦ કરોડ રૂપિયા થયો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૩૦ ટકા વધીને ૬૨૯ કરોડ રૂપિયા અને નૉન ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૪ ટકા વધીને ૧૩૭ કરોડ રૂપિયા થઈ છે. લોન બુક ૩૪ ટકા વધીને ૫૦,૮૯૨ કરોડ રૂપિયા થઈ છે.

 

કેમરોક ઇન્ડસ્ટ્રીઝ

 

કેમરોક ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ એક્સર્પોટ્સનો ભાવ ૯.૯૮ ટકા ઘટીને ૨૦૫.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૨૬.૦૫ કરોડ રૂપિયાથી ઘટીને ૧.૮૭ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૪૫ ટકા ઘટીને ૧૬૨ કરોડ રૂપિયા થયું છે. વ્યાજખર્ચ ૫૫ ટકા વધીને ૫૩ કરોડ રૂપિયા થયો છે.

 

માસ્ટેક

 

માસ્ટેક લિમિટેડનો ભાવ ૧૫.૪૮ ટકા વધીને ૧૭૩.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૭૭.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૪૮.૯૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. છેલ્લા ૧૩ દિવસમાં ભાવ ૪૯ ટકા વધ્યો છે.

 

જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં માર્ચ ૨૦૧૨ની સરખામણીએ ચોખ્ખો નફો ૨૧૪ ટકા વધીને ૨૨ કરોડ રૂપિયા થયો છે. જૂન ૨૦૧૧માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીએ ૭.૭૦ કરોડ રૂપિયાની ખોટ કરી હતી.

 

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

 

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૪૪૭.૯૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૩૫૨.૮૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી માત્ર ૯૫.૦૧ કરોડ રૂપિયા રહી હતી.

 

સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૨૫૯.૩૩ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૩૪.૦૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૨૨૫.૩૦ કરોડ રૂપિયા જોવા મળી હતી.

 

૩૧ શૅરો ઊંચા લેવલે

 

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૩૧ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ગૃહ ફાઇનૅન્સ, વિમ પ્લાસ્ટ, રિલેક્સો ફૂટવેઅર, એસ્સાર ઇન્ડિયા, વૉકહાર્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, બજાજ કૉર્પ વગેરેનો સમાવેશ છે.

 

૨૫ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ડેક્કન ક્રોનિકલ, યુરો સિરૅમિક્સ, સી. મહિન્દ્ર એક્સર્પોટ્સ, ત્રિભોવન ભીમજી ઝવેરી વગેરેનો સમાવેશ છે. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૩૦૬ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૫૨૧ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.