શૅરબજારમાં દિવાળી ડિસ્કાઉન્ટ મળે તો?

10 October, 2011 08:01 PM IST  | 

શૅરબજારમાં દિવાળી ડિસ્કાઉન્ટ મળે તો?

 

(શેરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા)

 

ગ્લોબલ કારણોસર બજાર અને અમુક શૅરોના ભાવો નોંધપાત્ર ઘટ્યા છે અને હજી નીચે ઊતરી શકે છે એટલે લોકો ડિસ્કાઉન્ટ હજી વધવાની રાહમાં છે. ફટાકડાથી માંડી બૂટ-ચંપલ, કપડાં, દાગીના વગેરે તમામ સેલમાં આપણે રિવર્સ જઇને ખરીદી કરવા જઈએ છીએ, કારણ કે એ બધી ચીજોના ભાવોમાં ડિસ્કાઉન્ટ ઑફર થતાં હોય છે. માત્ર શૅરબજારમાં આવી ડિસ્કાઉન્ટની સ્થિતિ આવે ત્યારે આપણે દોડી-દોડીને બજારથી દૂર થઈ જઈએ છીએ. આનાં કારણો ભયની સાઇકોલૉજી છે, અવિશ્વાસનું લોકમાનસ છે, ટૂંકા ગાળાનું નર્વસ સેન્ટિમેન્ટ છે. બધામાં જ દેખાય છે એટલે આપણને સાચું પણ લાગે છે, પરંતુ રિપીટ વૅલ્યુ સાથે કહેવાનું કે આ જ ખરો સમય હોય છે, જ્યારે ખરીદી શરૂ કરવી જોઈએ. શા માટે અને કઈ રીતે? ચાલો, આ સાદી વાતને સમજીએ. એક સ્પષ્ટતા કરી દઈએ કે આ અમારી ભલામણ નથી, પરંતુ જસ્ટ તમને વિચારવા માટે અમુક મુદ્દાઓ આપ્યા છે.

ડિસ્કાઉન્ટનાં કારણોને સમજો

ડિસ્કાઉન્ટના સેલનો નિયમ એ છે કે એ સેલ પૂરું થાય પછી ડિસ્કાઉન્ટ નીકળી જાય છે. ડિસ્કાઉન્ટનાં બે કારણો હોય છે. એક તહેવારો અને સ્પર્ધા. બીજું મંદીમાં માલ વેચવો, પરંતુ એને બાદ કરતાં ભાવો નૉર્મલ થાય છે અને ઊંચે પણ જવા લાગે છે. શૅરબજારમાં અત્યારે ગ્લોબલ મંદીની અસરરૂપે ડિસ્કાઉન્ટ છે, ભાવો નીચે ગયા છે, પણ જેવા સંજોગો બદલાશે ત્યારે આ જ ભાવો ફરી વધશે. તમે કહી શકો કે આ ભાવો વધુ ઘટી પણ શકે છે, તેનું શું? તમારો પૉઇન્ટ સાચો છે એટલે જ તો આવા સમયે બધી મૂડી એકસાથે રોકવાને બદલે એમાંથી થોડી-થોડી ખરીદી કરવાની હોય છે અને હા, જો તમારી ભાવ વધુ ઘટવાની ધારણા ખોટી પડી તો? તમે નીચા ભાવની તક ગુમાવી દીધી હશે. છેલ્લો શુક્રવાર એનું તાજું ઉદાહરણ છે. આવા સમયમાં બજારનાં ટોળાંઓમાં રહી વિચારવાને બદલે વ્યક્તિગત વિચાર કરો. કયા કારણોસર બજાર નીચે ગયું છે અને આ કારણો કેટલો સમય ચાલી શકે છે. બીજું એ પણ યાદ રાખો કે જ્યારે બધા ગભરાયેલા હોય છે ત્યારે જ તમારી હિંમતનું મહત્વ ગણાય અને એ વખતે કરેલા સાહસનું જ બેસ્ટ પરિણામ મળી શકે છે, પણ હા, આ સાહસ વિવેકબુદ્ધિ સાથે કરવું બહેતર છે.

સમાચારોની અસરનું આયુષ્ય ટૂંકું

અમે અગાઉ પણ કહ્યું છે, અત્યારે બજાર સંપૂર્ણપણે ગ્લોબલ સમાચારોની અસર પર ચાલી રહ્યું છે. દરેક ખરાબ સમાચાર ત્યાંનું અને અહીંનું બજાર બગાડી રહ્યા છે, પરંતુ આ ક્યાં સુધી ચાલી શકે? દરેક સમાચારની અસર પણ ડિસ્કાઉન્ટ થઈ જતી હોય છે. વાસ્તે ટૂંકી ચાલના એ સમાચારોને લાંબું મહત્વ ન આપવું જોઈએ, બલકે એને સમજવા જોઈએ કે એમાં લાંબે ગાળે શું થવાનું છે. ૨૦૦૮ વખતે ગ્લોબલ-ક્રાઇસિસ આવી હતી ત્યારે બજારની જે દશા થઈ હતી એ જોઈને લાગતું હતું કે બજાર પાછું એકાદ-બે વરસમાં જ ૨૧,૦૦૦ને ટચ કરશે? કેવી નિરાશા હતી, કેવો ગભરાટ હતો, કેવી મંદી હતી યાદ કરો. શું આ વખતે પણ એવું લાગે છે?

દર વખતે બૉટમ નવું અને ઊંચું બને છે


વર્ષ ૨૦૦૮માં બજારનું બૉટમ સાડાસાત હજારના સેન્સેક્સનું બન્યું હતું, પરંતુ અગાઉના તમામ રેકૉર્ડને ધ્યાનમાં લઈએ તો બજાર જ્યારે પણ નવું ટૉપ બનાવે અને એ પછી તૂટીને નવું બૉટમ પણ બનાવે છે ત્યારે એ બૉટમ પણ અગાઉના લેવલ કરતાં ઊંચું હોય છે. અત્યારે બજાર માટે બૉટમની ધારણા સાડાસાત હજારની હરગિજ નથી, બલકે ૧૪,૦૦૦ની છે. એમ છતાં એ જુઓ કે ગત શુક્રવારે બજારે જે ઉછાળો બતાવ્યો એમાં એ ફરી ૧૬,૦૦૦ની સપાટીની ઉપર આવી ગયું હતું. આમ, બજારને ક્યાંક ટેકો મળી જાય છે, જોકે એ પછી પણ બજાર ૧૪,૦૦૦ સુધી જાય અથવા ૧૩,૦૦૦ સુધી પણ જાય એવું બને. સૌથી મહત્વનું એ છે કે કોઈ બૉટમ કે ટૉપનું ખાતરીપૂર્વક કહી શકતું નથી. પરિણામે સ્માર્ટ રોકાણકારો બૉટમની રાહ જોતા નથી; તેઓ ધારણા બાંધીને પોતાની ખરીદી શરૂ કરી દે છે.

ઇકૉનૉમી ધીમી પડી છે, પણ માંદી નથી થઈ

શું આપણા દેશમાં અત્યારે જે રીતે નવરાત્રિ-દશેરા ઊજવાયાં, જે રીતે દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે એ જોતાં લાગે છે કે મંદી હોય? શું ખરેખર લાગે છે કે મોંઘવારી લોકોને નડતી હોય? અમારો કોઈ દાવો નથી, પરંતુ મોંઘવારી અમુક વર્ગને જ નડે છે અને આ વર્ગ શૅરબજારમાં ભાગ્યે જ આવે છે. હા, તેમને કારણે વપરાશ પર અસર થાય છે, પરંતુ આ સાથે લોકોનું ઇન્કમ-લેવલ પણ વધી રહ્યું છે એ પણ નોંધવું જોઈએ. ખેર, આ લાંબી ચર્ચાનો વિષય છે. સરકારી ફુગાવાના આંકડાને પણ માનીને ચલાય નહીં; વાસ્તવિકતા હંમેશાં કે મોટે ભાગે જુદી હોય છે. પૉઈન્ટ એ છે કે ભારતની ઇકૉનૉમીમાં એવી કોઈ ગંભીર સમસ્યા જણાતી નથી. વિકાસ ધીમો કે નીચો રહે તો પણ ગ્લોબલ-સ્તર કરતાં બહેતર જ છે. આંતરિક વપરાશ ઊંચો છે. યુવા વસ્તી મોટી છે. તકો વધુ છે. વૈશ્વિક રોકાણકારો પાસે ભારત રોકાણ માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે અને રહેશે. અત્યારે તેમના પોતાના દેશમાં આર્થિક કટોકટી હોવાથી તેઓ અહીં માલ વેચી રહ્યા છે, પરંતુ ફરી કમાવા તેમણે અહીં આવવાનું જ છે.