24 April, 2026 08:18 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ લાઇફટાઇમ હાઈ થઈ સુધારામાં બંધ, ઑટો ઇન્ડેક્સ વ્યાપક ખરાબીમાં ૧૩૨૬ પૉઇન્ટ ગગડ્યો : તમામ સરકારી બૅન્કો તથા ૨૦માંથી ૧૯ પ્રાઇવેટ બૅન્કો માઇનસ, પ્રોવિઝનિંગ ત્રેવડાઈને ૧૦૫૫ કરોડ થતાં યુનિયન બૅન્ક ૭.૪ ટકા ડૂલ : સારાં રિઝલ્ટ સાથે પાંચના શૅરદીઠ ૨૭૦ના ડિવિડન્ડમાં ઑરેકલ ૬૫૯ની તેજીમાં બંધ
અમેરિકાએ બે મુદતી સીઝફાયર જાહેર કરવાની સાથે ઈરાન ફરતે દરિયાઈ નાકાબંધી મજબૂત કરી દીધી છે તો સામે ઈરાન હોર્મુઝ ખાડી પર નાગ થઈને બેસી ગયું છે. એમાં ક્રૂડ ઉપરમાં ૧૦૬ ડૉલર વટાવીને ૧૦૩ ડૉલર થઈ ગયું છે. સોનું અડધો ટકો ઘટીને હાજરમાં ૪૭૧૭ અને વાયદામાં ૪૭૩૧ ડૉલર તથા ચાંદી અઢી ટકા ઘટીને ૭૬.૫૦ ડૉલર બોલાઈ છે. લંડન ધાતુ બજારમાં ઝિન્ક, ટિન, ઍલ્યુમિનિયમ અને કૉપર પોણાથી દોઢ ટકા વધી છે. બિટકૉઇન હળવો સુધારો જારી રાખતાં ૭૮,૧૭૦ ડૉલર થયો છે. શૅરબજારો સાવચેતી સાથે ઢીલાં પડવા માંડ્યાં છે. એશિયા ખાતે સાઉથ કોરિયા ૬૫૫૮ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૦.૯ ટકા વધી ૬૪૭૬ થયું છે. તાઇવાન ૩૮૯૨૨ની નવી ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો ઘટી ૩૭,૭૧૪ હતું. જેપનીઝ નિક્કી પણ ૬૦,૦૧૪ની લાઇફટાઇમ ટૉપ હાંસલ કરીને ૦.૭ ટકા ઘટીને ૫૯,૨૦૦ બંધ થયું છે. થાઇલૅન્ડ દોઢ ટકો, ઇન્ડોનેશિયા બે ટકા, સિંગાપોર સવા ટકો, હૉન્ગકૉન્ગ ૦.૭ ટકો માઇનસ હતું. ચાઇના સામાન્ય ઘટાડામાં બંધ થયું છે. યુરોપ ખાતે ફ્રાન્સ રનિંગમાં અડધો ટકો ઉપર હતું. અન્ય માર્કેટ સાધારણથી અડધો ટકો માઇનસ હતી. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૨૫૧૮ પૉઇન્ટ ઘટીને ૧૬,૯૦૧૬ દેખાયું છે. ડૉલર સામે ચાર દિવસની ચાંદની જેવા સુધારા પછી રૂપિયામાં નબળાઈ શરૂ થઈ ગઈ છે. રેટ ૯૩.૮૦ના આગલા બંધ સામે ગઈ કાલે નીચામાં ૯૪.૧૭ થઈ ૯૪.૦૯ની આસપાસ ચાલતો હતો.
સેન્સેક્સ ૭૫૭ પૉઇન્ટની નરમાઈ પછી ગઈ કાલે ૫૩૩ પૉઇન્ટ નીચે, ૭૭,૯૮૪ ખૂલી છેવટે ૮૫૨ પૉઇન્ટ ગગડીને ૭૭,૬૬૪ તથા નિફ્ટી ૨૦૫ પૉઇન્ટના ઘટાડે ૨૪,૧૭૩ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૮,૧૭૮ તથા નીચામાં ૭૭,૫૭૪ દેખાયો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં નીચામાં ૨૪,૧૩૫ થયો હતો. માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી છે. NSEમાં વધેલા ૧૨૫૫ શૅર સામે ૨૦૩૭ શૅર ડાઉન હતા. માર્કેટકૅપ ૨.૯૭ લાખ કરોડ ઘટીને ૪૬૬.૪૦ લખ કરોડ રહ્યું છે. ગઈ કાલે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૭૮,૧૨૪ની નવી વિક્રમી સપાટી નોંધાવી અડધો ટકો કે ૩૦૮ પૉઇન્ટ વધીને ૭૭,૬૪૮ થયો છે. એના ૩૪માંથી ૧૭ શૅર પ્લસ હતા. મલ્ટિનૅશનલ GE વેર્નોવા ટીઍન્ડડી અર્થાત્ અગાઉની અલ્સટૉમ ટીએન્ડડી ૪૬૪૭ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ૬ ટકા કે ૨૫૭ રૂપિયાની તેજીમાં ૪૪૯૭ બંધ થઈ છે. બેની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૯૩ રૂપિયા છે. છેલ્લે બોનસ ૧૯૯૦માં આવ્યું હતું. ડિફેન્સ કંપની ડેટા પૅટર્ન્સ ૪૧૯૩ની નવી ટૉપ બનાવી ૩ ગણા વૉલ્યુમે ૭.૯ ટકા કે ૩૦૧ રૂપિયાની આગેકૂચમાં ૪૧૨૮ થઈ છે. હિટાચી એનર્જી ૩૧,૮૫૧નું બેસ્ટ લેવલ હાંસલ કરીને સાડાચાર ટકા કે ૧૩૮૭ રૂપિયાના ઉછાળામાં ૩૧,૭૨૧ થઈ છે. ફેસવૅલ્યુ બે રૂપિયા છે તો સામે બુકવૅલ્યુ ૧૦૯૦ રૂપિયા છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. સરકારી કંપની ભેલ ૩૪૧ની નવેમ્બર ૨૦૧૦ પછીની નવી ટોચે જઈ દોઢ ટકો વધીને ૩૩૮ હતી. સીજી પાવર ૮૪૨ના શિખરે જઈ દોઢ ટકો વધી ૮૩૭ રહી છે. પાવર ઇન્ડેક્સ ૧૬ મહિનાની ટોચે જઈ અડધો ટકો સુધર્યો છે. ઑટો ઇન્ડેક્સ સવાબે ટકા કે ૧૩૨૬ પૉઇન્ટ, બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા કે ૮૧૯ પૉઇન્ટ, PSU બૅન્ક નિફ્ટી ૨.૨ ટકા, રિયલ્ટી બે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ દોઢ ટકો, ફાઇનૅન્સ સવા ટકો નરમ હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૭ ટકા તથા નિફ્ટી ફાર્મા ૨.૪ ટકા મજબૂત હતો. હેલ્થકૅર બેન્ચમાર્કના ૧૨૬માંથી ૭૪ શૅર પ્લસ હતા. વનસોર્સ સ્પેશ્યલિટી ૯.૮ ટકા, માર્કસન્સ ૭.૫ ટકા, પિરામલ ફાર્મા સાડાછ ટકા, સ્ટ્રાઇડ ફાર્મા સાત ટકા ઊંચકાઈ છે.
બુધવારે પોણાચારેક ટકા કે ૧૧૨૨ પૉઇન્ટ ગગડેલો IT ઇન્ડેક્સ વળતા દિવસે ૮૦માંથી ૬૧ શૅરના ઘટાડે સવા ટકો કે ૩૬૭ પૉઇન્ટ ઘટ્યો છે. ઢીલા ગાઇડન્સિસ સાથે નબળા રિઝલ્ટમાં ૬ વર્ષના મોટા કડાકા બાદ ૧૦.૯ ટકા તૂટી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બનેલી HCL ટેક્નૉલૉજીઝ ગઈ કાલે નીચામાં ૧૨૭૨ બતાવી અડધો ટકો ઘટીને ૧૨૭૭ રહી છે. ધારણા કરતાં સારી રેવન્યુ પણ કમજોર નફામાં અઢી ટકા ઘટનારી ટેક મહિન્દ્ર નીચામાં ૧૪૧૪ થઈ ત્રણેક ટકા ગગડીને ૧૪૨૦ હતી. TCS અડધો ટકો ઘટી ૨૫૨૨ તો વિપ્રો અડધો ટકો ઘટીને ૨૦૩ રહી છે. પરિણામની પૂર્વસંધ્યાએ લગભગ સાડાત્રણ ટકા ખરડાઈને બજારને ૧૩૧ પૉઇન્ટ નડેલી ઇન્ફોસિસ ગઈ કાલે રિઝલ્ટ પૂર્વે દોઢા વૉલ્યુમે નીચે ૧૨૨૬ થઇ બે ટકા ગગડીને ૧૨૪૨ બંધ આવી છે. લાર્સન માઇન્ડ ટ્રી પણ પરિણામ પૂર્વે ઉપરમાં ૪૬૨૬ બતાવી ૧.૮ ટકા ઘટીને સુસ્તીને લઈ સવાછ ટકા કે ૨૮૮ રૂપિયા ગગડેલી તાતા ઍલેક્સી ગઈ કાલે ત્રણેક ટકા ઘટીને ૪૨૩૫ થઈ છે. ઑરેકલ ફાઇનૅન્સ સર્વિસિસે ૨૦.૩ ટકા વધારામાં ૨૦૬૫ કરોડની આવક પર ૩૦.૭ ટકા વધારામાં ૮૪૨ કરોડ નફો મેળવીને પાંચ રૂપિયાનું શૅરદીઠ ૨૭૦ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૭ મે છે. શૅર ગઈ કાલે ઉપર ૮૮૮૯ થઈને ૮.૧ ટકા કે ૬૫૯ રૂપિયા ઊછળી ૮૭૯૩ બંધ થયો છે. લાર્સનની ૭૩.૬ ટકા માલિકીની લાર્સન ટેક્નૉલૉજીઝ દ્વારા સવાઆઠ ટકાના વધારામાં ૨૮૫૮ કરોડની આવક પર પોણાસાત ટકા વૃદ્ધિદરથી ૩૩૨ કરોડ નેટ નફો મેળવી બેના શૅરદીઠ ૪૦ રૂપિયા ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર નીચે ૩૪૨૫ થઈને પોણાત્રણ ટકા તૂટી ૩૪૫૩ હતો.
બજાજ બંધ થયા પછી ઇન્ફોસિસે ૧૩.૪ ટકા વધારામાં ૪૬૪૦૨ કરોડ આવક પર ૨૧ ટકા વધારામાં ૮૫૦૧ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૨૫નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. બ્લૂમબર્ગની એકંદર ધારણા ૪૬,૧૩૫ કરોડની આવક તથા ૭૪૯૬ કરોડના નેટ નફાની હતી. આ ધોરણે પરિણામ ઘણાં સારાં કહી શકાય. શૅર શુક્રવારે ગૅપ-અપ ઓપનિંગ બતાવશે એમ લાગે છે.
તાતાની ટ્રેન્ટ દ્વારા ૧૯.૨ ટકા વધારામાં ૫૦૨૮ કરોડની આવક પર ૩૨.૬ ટકા વધારામાં ૪૧૩ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવી શૅરદીઠ ૬ના ડિવિડન્ડ સાથે બે શૅરદીઠ એક બોનસ જાહેર કરવામાં આવ્યું છે. એકના શૅરદીઠ ૧૮૬ જેવી બુકવૅલ્યુ હોવા છતાં કંપનીએ લગભગ ૩૦ વર્ષે પ્રથમ વાર બોનસ આપ્યુ છે. એનો રેશિયો બેશક નબળો છે, પરંતુ રાઇટ મારફત ૨૫૦૦ કરોડ ઊભા કરવાની યોજના છે. એટલે રાઇટ કદાચ મિની બોનસ બનશે એવી આશા છે. કંપનીએ છેલ્લે ૯ શૅરદીઠ ૪ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૫૫૦ના ભાવે જુલાઈ ૨૦૧૦માં રાઇટ કર્યો હતો. શૅર ગઈ કાલે નીચામાં ૪૨૨૫ થઈ સવાચાર ટકા ઘટી ૪૨૪૯ બંધ થયો છે. તાતા ગ્રુપની અન્ય કંપની તાતા કમ્યુનિકેશન્સે સાડાનવ ટકા વધારામાં ૬૫૫૪ કરોડની આવક પર ૭૪.૭ ટકાના ગાબડામાં ૨૬૩ કરોડ નફો બતાવીને શૅરદીઠ સાડાસત્તરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. અગાઉ માર્ચ ક્વૉર્ટરના ૧૦૪૦ કરોડના નફામાં વનટાઇમ ગેઇન ૫૭૮ કરોડ હતો. એ આ વેળા ઘટીને માત્ર ૨૦ કરોડ રહ્યો છે. શૅર નીચામાં ૧૫૧૩ થઈ પોણાચાર ટકા ઊછળી ૧૫૮૧ થયો છે.
સ્ટેટ બૅન્કની ૫૫.૩ ટકા માલિકીની SBI લાઇફ ઇન્શ્યૉરન્સે માર્ચ ક્વૉર્ટરમાં ૧૬ ટકા વધારામાં ૨૭૬૮૪ કરોડની નેટ પ્રીમિયમ ઇન્કમ પર એક ટકો ઘટાડામાં ૮૦૫ કરોડ જેવો નફો મેળવ્યો છે. શૅર નીચે ૧૮૦૯ થઈ ત્રણ ટકા ઘટી ૧૮૨૭ થયો છે. ભાવ ત્રણ દિવસ પૂર્વે ૨૦ માર્ચે ૧૯૮૫ હતો. કસીનો તથા ગેમિંગ કંપની ડેલ્ટાકૉર્પ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં પોણાબાર ટકા ઘટાડામાં ૧૬૧ કરોડની આવક પર ૯૦ ટકાના ધબડકામાં ૧૬૪૫ લાખ નેટ પ્રૉફિટ મેળવી ૫૦ ટકાનું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર આગલા દિવસની ૧૦ ટકાની તેજી બાદ ગઈ કાલે ૨૦ ટકા ઊછળી ૮૧ બંધ થયો છે. ઇલેક્ટ્રિ વ્હીકલ્સ માટેની બૅટરીઝનું બલ્ક ઉત્પાદન આગામી વર્ષથી શરૂ કરવાની જાહેરાત પાછળ સાત ગણા વૉલ્યુમે સવાસોળ ટકાની તેજીમાં ૯૦૦ નજીક બંધ રહેલી અમરરાજા એનર્જી ગઈ કાલે વળતા દિવસે ઉપરમાં ૯૫૭ થઈ દોઢ ટકો વધીને ૯૧૩ રહી છે.
ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ કોઈ પણ દેખીતા કારણ વગર ગઈ કાલે તગડા વૉલ્યુમે ઉપરમાં ૧૩૫૭ થઈ ૯.૪ ટકા કે ૧૧૪ રૂપિયાની તેજીમાં ૧૩૩૧ બંધ આપી નિફ્ટી ખાતે ઝળકી છે. રિઝલ્ટને વાર છે, બોર્ડ-મીટિંગ ૧૨ મેએ છે. એકના શૅરની બુકવૅલ્યુ ૪૪૫ રૂપિયા છે. છેલ્લે બોનસ ૨૦ વર્ષ પહેલાં મે ૨૦૦૬માં આવ્યું હતું. અન્ય ફાર્મા અગ્રણી સિપ્લાનાં પરિણામ તો ૧૩ મેએ છે, પણ ભાવ ગઈ કાલે વૉલ્યુમ સાથે ૧૦૮ થઈ ૫.૬ ટકા ઊંચકાઈ ૧૩૦૬ નિફ્ટીમાં બંધ થયો છે. બેના શૅરની બુકવૅલ્યુ ૪૧૬ છે. એમાંય છેલ્લે બોનસ ફેબ્રુઆરી ૨૦૦૬માં આવ્યું હતુ. સનફાર્મા અડધો ટકો, અપોલો હૉસ્પિટલ્સ સવા ટકો પ્લસ તો મૅક્સ હેલ્થકૅર ૧૦૦૬ ઉપર ફ્લૅટ હતી. અદાણી પોર્ટ્સનાં પરિણામ ૩૦મીએ છે. શૅર ઉપરમાં ૧૬૧૧ બતાવી એક ટકો વધી ૧૬૦૪ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ પણ ૩૦મીએ રિઝલ્ટ આપશે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૨૩૩૪ થઈ પોણાબે ટકા વધીને ૨૩૦૦ હતો. અદાણી ગ્રુપની અદાણી પાવર ૨૧૭ના બેસ્ટ લેવલે જઈ અડધો ટકો ઘટી ૨૧૪, અદાણી એનર્જી ૧૩૮૯ના શિખરે જઈ અડધો ટકો ઘટી ૧૩૬૧, અદાણી ગ્રીન ૧૨૪૦ની ટૉપ બતાવી ૧.૪ ટકા વધીને ૧૨૧૪ બંધ થઈ છે. રિલાયન્સનાં પરિણામ આજે આવવાનાં છે. ભાવ નીચામાં ૧૩૪૦ થઈ દોઢ ટકો ઘટી ૧૩૪૩ હતો. જિયો ફાઇનૅન્શિયલ બમણા વૉલ્યુમે ઉપરમાં ૨૫૧ બતાવીને સવાચાર ટકા ઊંચકાઈ ૨૪૮ થઈ છે. શ્રીરામ ફાઇનૅન્સ પરિણામની પૂર્વસંધ્યાએ ૩.૪ ટકા ગગડીને ૧૦૦૯ રહી છે.
ઑટોમાં મહિન્દ્ર સવાત્રણ ટકા, આઇશર પોણાબે ટકા, મારુતિ સુઝુકી ૧.૪ ટકા, બજાજ ઑટો અડધો ટકો, તાતા મોટર પૅસેન્જર પોણાત્રણ ટકા ઘટી છે. સાઇડ શૅરમાં હીરો મોટોકૉર્પ ત્રણ ટકા કે ૧૬૦ રૂપિયા, ટીવીએસ મોટર ૩.૯ ટકા કે ૧૪૧ રૂપિયા, અશોક લેલૅન્ડ ૪.૬ ટકા, ફોર્સ મોટર પોણાપાંચ ટકા કે ૧૦૩૧ રૂપિયા, તાતા મોટર ૩.૬ ટકા ગગડી હતી. ઓલા ઇલેક્ટ્રિક ત્રણ ટકા ઘટી છે. HDFC બૅન્ક બે ટકા બગડીને બજારને ૧૯૮ પૉઇન્ટ તો ICICI બૅન્ક દોઢ ટકો ગગડીને ૧૨૧ પૉઇન્ટ નડી છે. કોટક બૅન્ક ૧.૮ ટકા તો સ્ટેટ બૅન્ક પોણો ટકો માઇનસ થઈ છે. નેસ્લે એક ટકો વધીને ૧૪૧૦ના શિખરે બંધ હતી. ટ્રેન્ટ માઇનસ થઈ છે. નેસ્લે એક ટકો વધીને ૧૪૧૦ના શિખરે બંધ હતી. ટ્રેન્ટ સવાચાર ટકા તૂટી ૪૨૪૯ હતી. બજાજ ફીનસર્વ ત્રણ ટકા અને બજાજ ફાઇનૅન્સ પોણો ટકો ડાઉન હતી. હિન્દાલ્કો ૧૦૪૯ના બેસ્ટ લેવલે જઈ નજીવી વધી ૧૦૪૧ રહી છે.
લોઅર પરેલની વેગા જ્વેલર્સ એક શૅરદીઠ ચાર બોનસમાં આજે શુક્રવારે એક્સ-બોનસ થશે. અગાઉ પીએચ ટ્રેડિંગ તરીકે ઓળખાતી આ કંપનીમાં છેલ્લે ૧૬ એપ્રિલે બે શૅરના કામકાજમાં ભાવ ૩૧૨ના બેસ્ટ લેવલે બંધ થયો હતો. કંપનીની હાલની ઇક્વિટી માત્ર ૪૮ લાખ રૂપિયા છે એમાં બે પ્રમોટર્સ કુલ ૭૧.૨ ટકા હોલ્ડિંગ ધરાવે છે. ૨૦૨૪-’૨૫માં ૧૦૩૦ લાખની આવક પર કંપનીએ ૧૯ લાખ નેટ નફો કર્યો હતો. એની સામે ગયા વર્ષે નવ મહિનામાં ૪૧૭ કરોડની આવક પર ૧૫ કરોડ નફો બતાવ્યો છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. ભાવ વર્ષ પૂર્વે ૪૬ હતો. ૨૦૨૧ની ૧ એપિઅલે શૅર ૧૭૦ પૈસાના ઑલટાઇમ તળિયે ગયો હતો. રાજકોટની એનલોન હેલ્થકૅર શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૫૧ થઈ ૦.૪ ટકા ઘટી ૧૪૪ થયો છે. હૈદરાબાદની અગાઉ બાયોગ્રીન પેપર્સ તરીકે ઓળખાતી સ્ટ્રિંગ મેટાવર્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર પાંચ ટકા વધી ૮૩ બંધ થયો છે.
દરમિયાન પુણેની ખાદી સૉફ્ટ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૨ની અપરબૅન્ડમાં કુલ ૭૪ કરોડનો NSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં એક ગણા સહિત કુલ બે ગણો ભરાયો છે. બૅન્ગલોરની લીપફ્રૉગ એન્જિનિયરિંગ સર્વિસિસનો એકના શૅરદીઠ ૨૭ની અપરબૅન્ડમાં કુલ ૮૯ કરોડનો BSE SME ઇશ્યુ અકળ કારણસર છેલ્લી ઘડીએ હોલ્ડ પર રાખી દેવાયો છે. ગ્રેમાર્કેટમાં ખાદી સૉફ્ટમાં ૧૦નું પ્રીમિયમ બોલાય છે. રાજકોટની મોબાઇલ વેચવાનો ધંધો કરતી મેહુલ ટેલિકૉમનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ ત્રણ રૂપિયે ટકેલું છે.