09 May, 2024 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
શેરબજારમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. છેલ્લા પાંચ દિવસ દરમિયાન, શેરબજાર (Stock Market Crash)માં ભારે ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે એટલે કે આજે સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટથી વધુ ઘટીને 72,466 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 345 પોઈન્ટ ઘટીને 21,957 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો અને અન્ય રોકાણકારો દ્વારા જંગી પ્રોફિટ બુકિંગ હોવાનું માનવામાં આવે છે.
એનએસઈના ડેટા અનુસાર (Stock Market Crash), વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બુધવારે કુલ રૂા. 6669.10 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂા. 5928.81 કરોડના શેરની ખરીદી કરી હતી. મે મહિનામાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ રૂા. 15,863 કરોડની ઇક્વિટી વેચી છે.
રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું
8 મેના રોજ અગાઉના ટ્રેડિંગ સેશનમાં નોંધાયેલા રૂા. 400.69 લાખ કરોડના મૂલ્યની સરખામણીમાં રોકાણકારોની સંપત્તિ રૂા. 3 લાખ કરોડથી વધુ ઘટીને રૂા. 397.50 લાખ કરોડ થઈ હતી. એલઍન્ડટી, આઈટીસી, જેએસડબ્લ્યૂ સ્ટીલ, બજાજ ટ્વીન્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક અને આરઆઈએલ જેવા શેર (Stock Market Crash) બપોરના ટ્રેડિંગમાં 5 ટકા સુધી તૂટ્યા હતા.
બીએસઈ પર 29 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ છે
ઓછામાં ઓછા 137 શેર આજે તેમની 52 સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, ગુરુવારે પ્રારંભિક સોદામાં બીએસઈ પર માત્ર 29 શેર તેમના 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. એનએસઈ પર, 69 શેર 52-સપ્તાહની ટોચ પર હતા, જ્યારે 19 શેર 52-સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ પરના 3,731 શેરોમાંથી માત્ર 1158 શેરોમાં જ ઉછાળો હતો, જ્યારે 2413 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
આ ત્રણ કારણોને લીધે બજાર ઘટ્યું
બુધવારે વિદેશી રોકાણકારો દ્વારા મોટી સંખ્યામાં ઇક્વિટી વેચવાને કારણે શેરબજારમાં આજે સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત સ્થાનિક રોકાણકારો અને છૂટક રોકાણકારોએ પણ ઘટાડાને કારણે શેર વેચ્યા હતા, જેના કારણે બજારને વધુ ઘટવા માટે મદદ મળી હતી. આ સિવાય આરબીઆઈના નિર્દેશોને કારણે એનબીએફસીના શેરમાં ઘટાડો થયો છે. તે જ સમયે, કેટલીક કંપનીઓના નબળા પરિણામોને કારણે, તે કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો છે.
કેપિટલ ગુડ્સ, ઑઇલ અને ગેસ શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો
ઑટો અને આઈટી સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડાઈસિસ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે દલાલ સ્ટ્રીટ પર ઘટાડાને કારણે કેપિટલ ગુડ્સ, ઑઈલ અને ગેસ શેરોમાં સૌથી વધુ અસર થઈ હતી. બીએસઈ કેપિટલ ગુડ્સ અને ઑઈલ ઍન્ડ ગેસ ઈન્ડેક્સ અનુક્રમે 1231 પોઈન્ટ અને 431 પોઈન્ટ તૂટ્યા હતા. જોકે, ઑટો શેરોમાં વધારો મર્યાદિત હતો અને બીએસઈ ઓટો ઈન્ડેક્સ 740 પોઈન્ટ વધીને 51,882 પર પહોંચ્યો હતો.