સિક્યૉરિટીઝના સોદાઓ પરની સ્ટૅમ્પ-ડ્યુટી સામે સર્જાયા સવાલો

21 December, 2011 10:18 AM IST  | 

સિક્યૉરિટીઝના સોદાઓ પરની સ્ટૅમ્પ-ડ્યુટી સામે સર્જાયા સવાલો



(જયેશ ચિતલિયા)

મુંબઈ, તા. ૨૧

વિવિધ રાજ્ય સરકાર આ સ્ટૅમ્પ-ડ્યુટીમાં પોતાનો ભાગ માગી રહી છે, કારણ કે શૅર-સિક્યૉરિટીઝના સોદાઓ ભલે મુંબઈમાં થતા, પરંતુ દલાલની ઑફિસમાં તેમ જ ગ્રાહકનું ઍડ્રેસ મુંબઈ બહાર અન્ય રાજ્યનું પણ હોઈ શકે છે. આ મામલો હવે શૅરબજારો અને વિવિધ રાજ્યની સ્ટૅમ્પ-ડ્યુટી રજિસ્ટ્રેશનનું કામકાજ સંભાળતી કચેરીઓ વચ્ચે ચર્ચાનો અને સમસ્યાનો વિષય બની ગયો છે.

તાજેતરમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જે આ વિષયમાં પોતાના સભ્યોને પત્ર લખીને સ્ટૅમ્પ-ડ્યુટી સંબંધિત આ મુદ્દા પર ધ્યાન દોર્યું છે. જોકે હવે સવાલ એ ઊઠuો છે કે ગ્રાહક જ્યાં રહેતો હોય ત્યાંના રાજ્યમાં કે દલાલની રજિસ્ટર્ડ ઑફિસ જ્યાં આવી હોય ત્યાંના રાજ્યમાં કે જ્યાં દલાલનું ટ્રેડિંગ ટર્મિનલ હોય ત્યાંના રાજ્યમાં સ્ટૅમ્પ-ડ્યુટી ભરવી પડે? અત્યારે મહત્તમ સ્ટૅમ્પ-ડ્યુટી મહારાષ્ટ્ર લઈ જાય છે, પણ આ વિવાદના નિરાકરણમાં એવો નિષ્કર્ષ આવી શકે છે જેને પરિણામે મહારાષ્ટ્રની આ સ્ટૅમ્પ-ડ્યુટીની આવકમાં અન્ય રાજ્યો પોતાનો વાજબી ભાગ પડાવી જાય તો નવાઈ નહીં. એમાં પણ ખાસ કરીને ગુજરાતને એનો વધુ હિસ્સો મળે એવી આશા છે. જોકે આ તમામ બાબત કાનૂની અર્થઘટનને આધારે નક્કી થશે.

વાત જાણે એમ છે કે તાજેતરમાં તામિલનાડુ સરકારના સ્ટૅમ્પ-રજિસ્ટ્રેશન વિભાગે નૅશનલ સ્ટૉક એક્સચેન્જને પત્ર લખીને એવું જણાવ્યું છે કે એના રાજ્યમાં રજિસ્ટર્ડ ઑફિસ ધરાવતા અથવા નિવાસસ્થાન ધરાવતા અનેક સભ્યો શૅર-સિક્યૉરિટીઝના સોદા કરે છે. જોકે તેમના દ્વારા ભરવામાં આવેલી સ્ટૅમ્પ-ડ્યુટી રાજ્ય સરકારને નથી મળતી, પરંતુ મહારાષ્ટ્ર પાસે જમા થઈ જાય છે. આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એક્સચેન્જે એના સભ્યો પાસેથી તેમના તમામ સોદાઓની વિગતો મેળવીને જે-તે રાજ્યને મળતી જોઈતી સ્ટૅમ્પ-ડ્યુટી સંબંધિત રાજ્યોને જમા કરાવવી જોઈએ. જોકે તામિલનાડુની કચેરીએ પોતાના હિસ્સાની સ્ટૅમ્પ-ડ્યુટી પોતાને મળવી જોઈએ એમ કહ્યું છે, પણ એનું અર્થઘટન એ જ થાય કે સ્ટૅમ્પ-ડ્યુટી સંબંધિત રાજ્યોને પણ મળવી જોઈએ, જ્યાંથી આ સોદાઓ થયા છે.

ફરી કાનૂની અભિપ્રાય લેવાશે

આ સ્ટૅમ્પ-ડ્યુટી શૅર, સિક્યૉરિટીઝ, બૉન્ડ્સ, ડિબેન્ચર્સ વગેરેની લે-વેચ પર લાગુ પડે છે, જેના નિર્ધારિત દરો પણ જાહેર છે. શૅરદલાલોએ આ સ્ટૅમ્પ-ડ્યુટી પોતાના ગ્રાહકો પાસેથી વસૂલીને શૅરબજારને જમા કરાવી દેવાની હોય છે. ત્યાર બાદ શૅરબજાર સંબંધિત રાજ્યની

સ્ટૅમ્પ-ઑફિસને એ જમા કરાવે છે. અમુક કિસ્સામાં દલાલો પોતે પણ વસૂલ કરેલી સ્ટૅમ્પ-ડ્યુટી ભરી દેતા હોય છે. અત્યાર સુધી એક માન્યતા કે ધારણા એવી રહી છે કે આ સોદા બધા આખરે મુંબઈમાં થાય છે, કારણ કે સ્ટૉક એક્સચેન્જ મુંબઈમાં આવેલા છે જેથી સ્ટૅમ્પ-ડ્યુટી મહારાષ્ટ્રમાં જમા થવી જોઈએ. જોકે શૅરદલાલની રજિસ્ટર્ડ ઑફિસ મુંબઈની બહાર હોય અને એ જે રાજ્યમાં હોય ત્યાં સ્ટૅમ્પ-ડ્યુટી લાગુ ન થતી હોય કે પછી મહારાષ્ટ્ર કરતાં ઓછા દરે લાગુ થતી હોય તો ઘણા દલાલો પોતાની રજિસ્ટર્ડ ઑફિસ એ રાજ્યમાં ખસેડી દેતા અને ત્યાંથી પોતાનાં ઇન્વૉઇસ-બિલ ઇશ્યુ કરતા હતા એવું બનતું હતું. એની સામે પણ સવાલો થતા રહ્યા છે અને આમ આ મામલો લાંબા સમયથી ગૂંચવાયેલો રહ્યો છે. જોકે એમાં કાનૂની સ્પષ્ટતાનો અભાવ જણાય છે. પરિણામે અત્યારે મોટા ભાગની સ્ટૅમ્પ-ડ્યુટી મહારાષ્ટ્રમાં જમા થઈ જતી હોવાનું કહેવાય છે, કેમ કે મોટા ભાગના દલાલોની રજિસ્ટર્ડ ઑફિસ મહારાષ્ટ્રમાં આવેલી છે. જ્યારે કે કાનૂનનિષ્ણાતો કહે છે કે ગ્રાહક જ્યાં રહેતો હોય ત્યાંના રાજ્યને આ સ્ટૅમ્પ-ડ્યુટી જમા થવી જોઈએ. અત્યારે આ વિષયમાં નવેસરથી કાનૂની અભિપ્રાય મેળવાઈ રહ્યો છે.

જો આમ થશે તો ભવિષ્યમાં મહારાષ્ટ્રની સ્ટૅમ્પ-ડ્યુટીની આવકને ચોક્કસ અસર થશે.