ઝી એન્ટરટેઇનમેન્ટ સાથે સોનીએ છેડો ફાડ્યો

23 January, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રની અગ્રણી કંપની સોનીએ સમજૂતી વિશે ઝીને ટર્મિનેશન નોટિસ મોકલી છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : વિલીનીકરણ બાદ કંપનીનું નેતૃત્વ કોણ સંભાળશે એ બાબતે મડાગાંઠને પરિણામે ઝી એન્ટરટેઇનમેન્ટ સાથે પોતાના ભારતીય યુનિટના ૧૦ અબજ અમેરિકી ડૉલરના જોડાણને રદ કર્યું હોવાનું સોની ગ્રુપ કૉર્પોરેશને સોમવારે જણાવ્યું હતું.

એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રની અગ્રણી કંપની સોનીએ સમજૂતી વિશે ઝીને ટર્મિનેશન નોટિસ મોકલી છે. સમજૂતી બાબતે બે વર્ષ પૂર્વે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સમજૂતીની શરતોના ઉલ્લંઘન બદલ ૯ કરોડ ડૉલરની બ્રેકઅપ ફીની માગણી કરી છે.

સ્ટૉક એક્સચેન્જને આપેલી માહિતીમાં ઝીએ જણાવ્યું હતું કે સમજૂતીની શરતોના કહેવાતા ઉલ્લંઘન બદલ ૯ કરોડ ડૉલરની ટર્મિનેશન ફી માટે નોટિસ અમારી કંપનીને મળી છે. આ બાબતે સ્ટૉક એક્સચેન્જને આપેલી માહિતીમાં સોનીએ કરેલા તમામ દાવાઓનો ઝીએ ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે કાનૂની ઉપાય માટે કંપની શક્યતા ચકાસી રહી છે. ઝીએ અસંખ્ય કાયમી અને અફર પગલાં દ્વારા જોડાણ પરત્વે સંગીન ખાતરી આપી છે. સમજૂતી રદ કરવા પાછળ નેતૃત્વ સંભાળવા પરત્વે ઘર્ષણ કારણરૂપ મનાય છે. 

business news share market stock market sensex nifty