SIP એટલે સંપત્તિસર્જનનો સરળ માર્ગ

20 October, 2014 05:16 AM IST  | 

SIP એટલે સંપત્તિસર્જનનો સરળ માર્ગ


મ્યુચ્યુઅલ ફન્ડની દુનિયા- અમિત ત્રિવેદી


મ્યુચ્યુઅલ ફન્ડનું બીજું નામ એટલે સરળતા. આવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાનું ઘણું આસાન હોય છે એ મુદ્દો અનેક વખત આપણી ચર્ચામાં આવી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો વર્તમાન સમયમાં મ્યુચ્યુઅલ ફન્ડનું રોકાણ આપણા અંગત નાણાકીય આયોજનનો અવિભાજ્ય હિસ્સો બની ગયું છે. સરળતાની દ્રષ્ટિએ જોઈએ તો મ્યુચ્યુઅલ ફન્ડમાં અનેક ખાસિયતો હોય છે. એમાં સૌથી પહેલી વિશેષતા એની પારદર્શકતા અને પ્રવાહિતા છે. આપણે અગાઉ એના વિશે પણ વાતચીત કરી ચૂક્યા છીએ. એની બીજી ખાસિયત રોકાણનું યુનિટમાં કરાતું રૂપાંતર હોય છે. ફન્ડમાં કરાયેલા રોકાણને નાનાં-નાનાં યુનિટોમાં વિભાજિત કરવામાં આવે છે. એને લીધે રોકાણકાર પોતાની આવશ્યકતા અનુસાર નાની કે મોટી રકમનો ઉપાડ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફન્ડની આ સુવિધા બૅન્કનું ખાતું ચલાવવા સમાન બની રહે છે.

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ પણ વર્ષો જૂનો થઈ ગયો હોવાથી એમાં પરિપક્વતા આવી ગઈ છે. રોકાણના સલાહકારોએ એનો ઉપયોગ કરીને રોકાણની કેટલીક શ્રેષ્ઠ સ્ટ્રૅટેજીઓ ઘડી કાઢી છે. એને લીધે રોકાણકારો અન્યત્ર કરાયેલા રોકાણની આવકનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ માટે કરી શકે છે. આવું કરવાની એક રીત એટલે સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP). SIP નિયમિતપણે રોકાણ કરવા માટેનો એકદમ સરળ માર્ગ છે. મોટા ભાગના રોકાણકારોની આવક માસિક ધોરણે થતી હોય છે. સાથે જ ખર્ચ પણ માસિક હોય છે. આથી પગારની આવક અને મહિનાના ખર્ચને બાદ કરતાં વધતી રકમનું ક્યાંક રોકાણ કરવું જરૂરી બને છે. આવામાં લોકોને મ્યુચ્યુઅલ ફન્ડનો SIP મદદરૂપ થાય છે. એમાં રોકાણ કરવા માટે રોકાણકારે ફક્ત એક ફૉર્મ ભરવાનું હોય છે અને પોતાના બૅન્ક-ખાતામાંથી દર મહિને કેટલી રકમ મ્યુચ્યુઅલ ફન્ડમાં જમા કરાવવામાં આવવી જોઈએ એ નિશ્ચિત કરવાનું હોય છે. બાકીનું વહીવટી કામકાજ મ્યુચ્યુઅલ ફન્ડ કંપની સંભાળી લેતી હોય છે. બૅન્કમાંથી દર મહિને નાણાં કાપી લેવા પૂરતું કામ એ કરતી નથી. લ્ત્ભ્નો હપ્તો ક્યારે આવે છે એની જાણ SMS કે ઈ-મેઇલ મારફત કરવામાં આવે છે તથા હપ્તો ભરાઈ ગયાની જાણ પણ એ જ માધ્યમથી કરવામાં આવે છે. રોકાણકારે તો ફક્ત પોતાના બૅન્ક-ખાતામાં પૂરતી રકમ જમા છે કે નહીં એની જ તકેદારી રાખવાની હોય છે.

SIP ડેટ ફન્ડ કે ઇક્વિટી ફન્ડમાં કરી શકાય છે, પરંતુ ઇક્વિટી ફન્ડમાં કરવામાં આવતા SIPમા વધારે વળતર મળવાની સંભાવના હોય છે. ઇક્વિટીની ખાસિયત એ હોય છે કે ટૂંકા ગાળે એના ભાવમાં ઘણી ચંચળતા હોય છે અને લાંબા ગાળે એ સંપત્તિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં મળતું વળતર ફુગાવાની અને કરવેરાની અસરને બાદ કર્યા બાદ પણ અન્ય વિકલ્પો કરતાં વધારે હોય છે. SIP ઇક્વિટીના ઍસેટ ક્લાસની આ બન્ને ખાસિયતોનો લાભ લેવા માટેનો સારો વિકલ્પ છે.

રોકાણકાર જ્યારે દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરે ત્યારે સ્ટૉકમાર્કેટની ભાવચંચળતાનો ઉપયોગ પોતાના લાભ માટે કરી શકે છે. આ કેવી રીતે શક્ય બને છે એ જોઈએ. ધારો કે કોઈ એક રોકાણકાર દર મહિને ૩૦૦૦ રૂપિયાની બચત કરીને ઇક્વિટી ફન્ડના SIPમા રોકાણ કરે છે. ઇક્વિટીના ભાવમાં ફેરફાર થવાથી એને સંબંધિત ફન્ડની NAV (નેટ ઍસેટ વૅલ્યુ)માં પણ ફેરફાર થયા કરે છે. NAV વધારે હોય ત્યારે ઓછાં યુનિટની ખરીદી થાય છે અને ઓછી હોય ત્યારે વધુ યુનિટ ખરીદી શકાય છે. આ રીતે દરેક યુનિટની ખરીદીનો સરેરાશ ભાવ ઓછો થાય છે.

આ રીતે SIP દ્વારા માસિક બચતનો ઉપયોગ કરી શકાય છે તથા સરેરાશ ઓછા ભાવે યુનિટની પ્રાપ્તિ કરીને ઇક્વિટીમાં રોકાણ કરીને એમાં મળતા લાભ પ્રાપ્ત કરી શકાય છે. ઘણા લોકો લિક્વિડ ફન્ડમાં પણ SIP કરતા હોય છે. એમાં ધીમે-ધીમે મોટી રકમ જમા થાય છે, પરંતુ ઇક્વિટી રોકાણના લાભ મળી શકતા નથી. કંઈ પણ હોય, મ્યુચ્યુઅલ ફન્ડના SIP એટલે સંપત્તિસર્જનનો સરળ માર્ગ.

(અમિત ત્રિવેદી કર્મયોગ નૉલેજ ઍકૅડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યા છે.)