શૉર્ટ ટર્મ ને લૉન્ગ ટર્મની વ્યાખ્યા બદલાઈ રહી છે

14 November, 2011 10:36 AM IST  | 

શૉર્ટ ટર્મ ને લૉન્ગ ટર્મની વ્યાખ્યા બદલાઈ રહી છે



(શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા)

તો કહેવા લાગ્યા કે એક મહિના માટે જેને જાળવી રાખીએ એ લૉન્ગ ટર્મ રોકાણ કહેવાય. સમય અને સંજોગો સાથે રોકાણની પરિભાષા તેમ જ સમયની અવધિની મર્યાદા તેમ જ વ્યાખ્યા બદલાઈ રહ્યાં છે. ખાસ કરીને તાજેતરનાં વર્ષોમાં શૅરબજારની ગતિવિધિ જોઈ હવે રોકાણકારોમાં લૉન્ગ ટર્મ પ્રત્યેનો વિશ્વાસ કે અભિગમ ઘટતો જાય છે. હવેના સિનારિયોમાં રોકાણકારોને માત્ર શૅરબજારમાં જ નહીં બલ્કે મોટા ભાગના રોકાણમાં ઝટપટ કમાણી, નફો, ડબલ મની જોઈતાં હોય છે જેમાં આખરે તેઓ ફસાઈ જાય છે કાં તો ખોટા નર્ણિયો લઈ બેસે છે. આવું માત્ર શૅરબજારમાં જ થાય છે એમ નથી, બલ્કે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં તેમ જ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમમાં પણ બને છે.

નફો ચૂકી જનારા લૉન્ગ ટર્મ પરનો વિશ્વાસ ગુમાવી દે છે

શૉર્ટ ટર્મ કે લૉન્ગ ટર્મની બદલાતી વ્યાખ્યાનાં કારણો એ છે કે તાજેતરનાં વર્ષોમાં માર્કેટમાં સતત અનિશ્ચિતતા વધતી રહી છે. ગ્લોબલ માર્કેટ કે સંજોગોની અસરો પણ સતત પડતી રહે છે એને લીધે એવું બનતું જોવા મળે છે કે ચોક્કસ શૅરોના ભાવો ટૂંકા સમયગાળામાં સારાએવા વધી જાય તેમ છતાં રોકાણકારો એને વેચીને નફો બુક ન કરે કેમ કે તેમણે એ શૅરો લાંબા સમય માટે રાખી મૂકવાનો ઇરાદો સેવ્યો હોય. એ પછી એવું બને કે એ જ શૅરો જુદા-જુદા સમયે આવેલા કડાકામાં એવા ઘટી જાય કે એને પરિણામે નફો બુક ન કરનાર વ્યક્તિએ પસ્તાવાની ફરજ પડે, કારણ કે એ શૅરો પછી લાંબા સમય બાદ પણ ઊંચા ન આવે અથવા ફરી એ નવી ઊંચાઈનું લેવલ ન બનાવે એવું જોવા મળે છે. આવા કિસ્સા જોઈ રોકાણકારોના મનમાં લૉન્ગ ટર્મ કે શૉર્ટ ટર્મની વ્યાખ્યા ન બદલાય તો જ નવાઈ. છેલ્લા એકાદ વર્ષમાં આવા અનેક કિસ્સા શૅરબજારમાં નોંધાયા છે.

ભાગતા ભૂતની ચોટલી પકડી લો

હવેના સમયમાં શૅરબજારની ચાલ કે ગતિવિધિ જોઈ નફો બુક કરી લેવાનું ચલણ વધી રહ્યું છે. આમ કરવાનું ચૂકી જનારે મોટે ભાગે પસ્તાવાનું આવે છે. સિવાય કે એ રોકાણકાર ખરેખર હોલ્ડિંગ કૅપેસિટી ધરાવતો હોય અને પાંચ-સાત વર્ષ જેવા લાંબા સમય માટે શૅરો જાળવી શકતો હોય તો વાત જુદી છે. જેમ કહેવાય છે કે ભાગતા ભૂતની ચોટલી પકડી લેવી સારી તો નફો એ ભૂત જેવો હોય છે. પકડી લો તો જ સાર્થક છે, અન્યથા માત્ર દેખાય તો એ કેવળ કલ્પના કે ખ્યાલ બની રહે છે. આમ શૅરબજારમાં ચોક્કસ સંજોગોમાં પ્રૉફિટ બુક કરી લેવામાં જ સાર રહે છે, કારણ કે વધી ગયેલા મોટા ભાગના શૅરોમાં થોડા સમયમાં જ ઘટાડો આવે છે અને ત્યારે એમાં ફરી ખરીદીની તક સર્જાય છે.

એસઆઇપી માટે લૉન્ગ ટર્મ જ બેટર

જોકે શૉર્ટ ટર્મની આ વ્યાખ્યા એસઆઇપીને પણ લાગુ પડે એવું સમજવાની ભૂલ નહીં કરતા કેમ કે એસઆઇપી વાસ્તવમાં લૉન્ગ ટર્મ માટે જ છે. શૅરોના ભાવોમાં વૉલેટિલિટીને લીધે વચ્ચે નફો બુક કરવાની તક આવે ને જાય, કિન્તુ એસઆઇપીમાં તો કોઈ પણ હિસાબે લૉન્ગ ટર્મમાં જ કમાઈ શકાય. ઍટ લીસ્ટ ત્રણથી પાંચ વર્ષ તો ખરું જ. જોકે મંદીમાં લોકો એસઆઇપીના ભાવ એટલે કે નાવ (નેટ ઍસેટ વૅલ્યુ) જોઈને પોતે ખોટમાં હોવાનો ગભરાટ અનુભવી એસઆઇપી બંધ કરાવી નાખવાની ભૂલ કરે છે જ્યારે કે આ સમયમાં તો બની શકે તો એસઆઇપી વધારી દેવી જોઈએ. અર્થાત્ એસઆઇપીની વાત આવે છે ત્યાં રોકાણકારોના માઇન્ડમાં લૉન્ગ ટર્મનો જ ફન્ડા હોવો જરૂરી છે.

આંકડાઓની હકીકત અને માયાજાળ સમજો

શૅરબજાર અમુક સમયગાળામાં કેટલું વધ્યું કે ઘટ્યું, ચોક્કસ શૅરો કેટલા વધ્યા કે ઘટ્યા તથા સોનું કે ચાંદીમાં કેવી ભાવવૃદ્ધિ થઈ વગેરે બાબતોના આંકડા હવે નિયમિત સ્વરૂપે જાહેર થતા રહે છે જેને લીધે રોકાણકારોના માનસમાં એવું ઘર થવા લાગ્યું છે કે ચોક્કસ સમયમાં ચોક્કસ વધારો થાય જ છે અથવા થવો જ જોઈએ. જોકે ખરેખર તો જે થઈ ગયું હોય એ ભવિષ્યમાં સમાન સ્વરૂપે કે માત્રામાં થશે જ એની ખાતરી ન હોય કે એવી ખાતરી કોઈ આપી પણ ન શકે અને આવું માની લેવાની ભૂલ પણ ન કરાય. કિન્તુ આવા આંકડાઓ રોકાણકારોને આકર્ષવા અથવા ગેરમાર્ગે દોરવા નિયમિત ઉપયોગમાં લેવાતા રહે છે જેના આધારે રોકાણકારો શૉર્ટ ટર્મ કે લૉન્ગ ટર્મની અપેક્ષા પણ બાંધતો થઈ જાય છે. આ બધા આંકડા ખોટા હોય છે એમ કહેવાનો આશય નથી, પરંતુ રોકાણકારોએ પોતે એ રોકાણ કર્યું અને ક્યારે ઉપાડી લીધું એ જોવું મહત્વનું છે. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણકારની એન્ટ્રી અને એક્ઝિટ વધુ મહત્વની બની રહે છે.

અલ્ટિમેટલી લૉન્ગ ટર્મ બેસ્ટ

ઇક્વિટી જેવાં રોકાણ સાધનો માટે મિનિમમ સાત વર્ષનો ગાળો આદર્શ રોકાણ ગણાય છે. લૉન્ગ ટર્મ માર્કેટની સાચી વ્યાખ્યામાં આ વાત આવે છે. વૉરેન બફેટ જેવા ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ તો ત્યાં સુધી કહે છે કે તમે શૅરબજારમાં નાણાં રોકો એ પછી બીજા દિવસથી અમુક વર્ષો માટે શૅરબજારને તાળું લાગી જવાનું છે એમ ગણીને ચાલો. આ બધી વાતો ક્યારેક શેખચલ્લીના ખ્યાલો જેવી લાગી શકે, પરંતુ વાસ્તવમાં ઇક્વિટી શૅરોમાં રોકાણ કરતી વખતે સમયગાળાનું ખાસ્સું મહત્વ હોય છે. જો આપણે સારી કે સાચી સ્ક્રિપ્સ પસંદ કરી હોય તો મોટે ભાગે સારું વળતર મળે જ છે. અલબત્ત સત્યમ કમ્પ્યુટર જેવા કિસ્સા પણ બને છે. જોકે એ અપવાદરૂપ વધુ ગણાય. અલ્ટિમેટલી ઇક્વિટીમાં રોકાણ માટે લૉન્ગ ટર્મ જ આદર્શ છે. કિન્તુ સમય-સંજોગ અનુસાર રોકાણકારે પોતાની વ્યવહારુ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી લેવામાં સાર હોય છે; કારણ કે અંતે તો શૅરબજારમાં શૉર્ટ ટર્મ હોય કે લૉન્ગ ટર્મ હોય, નફો કરીને કમાણી કરીને બહાર આવનાર રોકાણકાર સફળ અને સ્માર્ટ ઇન્વેસ્ટર સાબિત થાય છે.