કૅનસાઇ નેરોલેક પેઇન્ટ્સમાં ટૂંકા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય

02 November, 2011 08:28 PM IST  | 

કૅનસાઇ નેરોલેક પેઇન્ટ્સમાં ટૂંકા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય



કંપનીનાં નાણાકીય વર્ષ ૨૦૧૨નાં બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો ધારણા કરતાં ઘણાં સારાં આવ્યાં છે. આવક ગત વર્ષે ૫૩૯.૧૫ કરોડ રૂપિયા હતી જે ૧૪.૮૦ ટકા વધીને ૬૧૮.૯૮ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે ચોખ્ખો નફો ૫૩.૬૧ કરોડ રૂપિયાથી ૬.૫૩ ટકા વધીને ૫૭.૧૧ કરોડ રૂપિયા થયો છે. કૅનસાઇ પેઇન્ટ્સ વિશ્વની ટોચની દસ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. અગાઉ કૅનસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ એ ગુડલેસ નેરોલેક પેઇન્ટ્સ તરીકે જાણીતી હતી. કંપનીના ભારતમાં વિવિધ વ્યૂહાત્મક સ્થળે કુલ પાંચ ઉત્પાદન એકમો આવેલા છે. કંપનીની પ્રોડક્ટોમાં ડેકોરેટિવ પેઇન્ટ્સ, ઓટોમોટિવ કોટિંગ્સ, જનરલ ઇન્ડસ્ટ્રીઝ કોટિંગ્સ, હાઈ પફોર્ર્મન્સ કોટિંગ્સ અને પાઉડર કોટિંગ્સનો સમાવેશ થાય છે. કંપનીએ કૅનસાઇ પેઇન્ટ કંપની અને ઓશિમા કોગ્યો કંપની જપાન સાથે ટેક્નિકલ સહયોગ કરાર કર્યા છે. કંપનીએ ડિઝની પેઇન્ટ્સ, બ્યુટી ઇમલશન જેવા નવા ડેકોરેટિવ પેઇન્ટ્સની પ્રોડક્ટ્સ બજારમાં લૉન્ચ કરી છે. આ ઉપરાંત કંપની હોસુરમાં વૉટરબેઝ પેઇન્ટ પ્લાન્ટ માટે ૬૯ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

તહેવારોની સીઝનને કારણે કંપનીનાં આગામી ત્રિમાસિક ગાળાનાં પરિણામો વધારે સારાં આવવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૦૧૧-’૧૨ના પ્રથમ છ મહિનાના વેચાણમાં ૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કંપની ગ્રામીણ બજારમાં હાજરી વધારવા પ્રતિબદ્ધ છે, જે હેતુ કંપની ગ્રામીણ ક્ષેત્રમાં ડીલર્સ નેટવર્ક મજબૂત કરવા તથા વેચાણ વધારવા માટે પ્રયત્ન કરી રહી છે. ટૂંકા ગાળા માટે ૯૫૦ રૂપિયાના ટાર્ગેટ સાથે ઇન્વેસ્ટ કરી શકાય.

ભલામણ - ખરીદો

વર્તમાન ભાવ - ૮૩૫ રૂપિયા

લક્ષ્ય - ૯૫૦ રૂપિયા