સેન્સેક્સ ૪ દિવસમાં ૪૭૦૬ પૉઇન્ટ અપ, રોકાણકારોને ૨૫.૭૮ લાખ કરોડનો ફાયદો

21 April, 2025 07:02 AM IST  |  Mumbai | Anil Patel

સેન્સેક્સ આગલા બંધથી ૭૬ પૉઇન્ટ જેવો નજીવો નરમ, ૭૬૯૬૮ ખૂલી નીચામાં ૭૬૬૬૬ની અંદર ઊતરી ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

વીકલી ધોરણે સાડાછ ટકા જેવો ચાર વર્ષનો બેસ્ટ જમ્પ : ભારતી ઍરટેલ પાછળ ભારતી હેક્સાકૉમ પણ નવા શિખરે : ICICI બૅન્ક નવા ટૉપ સાથે ૧૦ લાખ કરોડની કંપની બની ગઈ : સેન્સેક્સ ૧૫૦૯ પૉઇન્ટ વધ્યો એમાં ૬ બૅન્ક શૅરોનું પ્રદાન ૭૩૪ પૉઇન્ટનું : સારા પરિણામને વિપ્રોના નબળા ગાઇડન્સિસે ધોઈ નાખ્યું : જેમ જ્વેલરી સેક્ટરના ૫૦માંથી ૩૮ શૅર વધીને બંધ : પરિણામ પૂર્વે ઇન્ફી તથા જિયો ફાઇનૅન્શ્યલ સુધારામાં, તાતા ઍલેક્સી નરમ

મૂડઝ પછી ફિચ દ્વારા પણ ભારતનો GDP ગ્રોથ ડાઉનગ્રેડ કરવામાં આવ્યો છે. માર્ચ ક્વૉર્ટરનાં કંપની-પરિણામ એકંદર નબલાં રહેવાના વરતારા છે. કૉર્પોરેટ અર્નિંગ ગ્રોથ ૧૯ ક્વૉર્ટર અર્થાત્ પોણાપાંચ વર્ષના તળિયે જવાનું અનુમાન છે અને ટૅરિફના તનાવમાં જૂન ક્વૉર્ટર આનાથી પણ ખરાબ જવાનું છે, પરંતુ બજાર કોઈક અલગ મૂડમાં છે. ટ્રમ્પે રેસિપ્રોક્લ ટૅરિફનો અમલ ૯૦ દિવસ મોકૂફ રાખ્યો એમાં માર્કેટના લાલાઓ ઇડરિયો ગઢ સર કરી નાખ્યો હોવાનું માની રહ્યા છે. એમાં મૉન્સુન સરેરાશ કરતાં સારું રહેવાનો હવામાન ખાતાનો વરતારો ઉમેરો બન્યો છે. તો એપ્રિલના કામકાજના પાંચ જ દિવસમાં ૨૪૪૦૦ કરોડ નજીકની નેટ વેચવાલી કરનાર FIIએ ૧૫ અને ૧૬મીએ કુલ મળી ૧૦૦૦૨ કરોડની નેટ લેવાલી કરી હોવાના અહેવાલથી બજારને દોડવા માટે નવો ઢાળ મળી ગયો લાગે છે. દરમ્યાન ટ્રમ્પે ચાઇનીઝ આયાત પરની ડ્યુટી વધારીને ૨૪૫ ટકા કરી દીધી હોવાના અહેવાલ પણ ઘરઆંગણે તેજીમાં સહાયક બન્યા છે. ફાર્મા પર ટૅરિફ નાખવાની ટ્રમ્પની હિલચાલની હાલ બજારે અવગણના કરી છે. સરવાળે સેન્સેક્સ ગુરુવારે ૧૫૦૯ પૉઇન્ટના જમ્પમાં ૭૮૫૫૩ તથા નિફ્ટી ૪૧૪ પૉઇન્ટની આગેકૂચમાં ૨૩૮૫૨ બંધ થયો છે. આ સાથે છેલ્લા ચાર દિવસમાં માર્કેટ કુલ ૪૭૦૬ પૉઇન્ટ ઊંચકાયું છે જેમાં માર્કેટ કૅપની રીતે રોકાણકારોને કુલ ૨૫.૭૮ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

સેન્સેક્સ આગલા બંધથી ૭૬ પૉઇન્ટ જેવો નજીવો નરમ, ૭૬૯૬૮ ખૂલી નીચામાં ૭૬૬૬૬ની અંદર ઊતરી ગયો હતો. શરૂઆતના દોઢેક કલાકની પીછેહઠ બાદ ૧૧ વાગ્યે ચોઘડિયું બદલાયું હતું. માર્કેટ ક્રમશઃ વધતું રહી ઉપરમાં ૭૮૬૧૭ થયું હતું. અર્થાત્ નીચલા મથાળેથી ૧૯૫૧ પૉઇન્ટની તેજી થઈ બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ વધ્યાં છે, પણ રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં ઓછુ વધ્યું છે. સેન્સેક્સ નિફ્ટીની બે ટકા જેવી મજબૂતી સામે સ્મૉલકૅપ મિડકૅપ અડધો ટકો તો બ્રૉડર માર્કેટ સવા ટકો પ્લસ હતું. ટેલિકૉમ બેન્ચમાર્ક ૨.૨ ટકા, બૅન્કેક્સ અઢી ટકા કે ૧૫૫૭ પૉઇન્ટ, ફાઇનૅન્સ ઇન્ડેક્સ બે ટકા, બૅન્ક નિફ્ટી ૨.૨ ટકા કે ૧૧૭૨ પૉઇન્ટ મજબૂત થયો છે. પાવર, ઑઇલ-ગૅસ, એનર્જી, યુટિલિટીઝ, ઑટો જેવા ઇન્ડેક્સ એકથી સવા ટકો અપ હતા. આઇટી ઇન્ડેક્સ સાધારણ સુધર્યો હતો. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક પોણો ટકો વધ્યો છે. રોકડું અન્ડ પર્ફોર્મર હોવા છતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી છે. NSEમાં વધેલા ૧૮૪૭ શૅર સામે ૧૦૪૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૪.૬૦ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૧૯.૬૦ લાખ કરોડ થઈ ગયું છે. બજાર શુક્રવારે રજામાં છે.

એશિયા ખાતે તાઇવાન પોણા ટકા નજીક નરમ હતું. અન્ય બજારો સુધર્યાં છે. સિંગાપોર તથા હૉન્ગકૉન્ગ દોઢ ટકાથી વધુ, જપાન સવા ટકાથી વધુ, સાઉથ કોરિયા એકાદ ટકો, થાઇલૅન્ડ અડધો ટકો તથા ચાઇના નહીંવત્ પ્લસ હતું. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો ઢીલું દેખાયું છે. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧૧૭૨૧૬ બનાવી રનિંગમાં ૭૫૨ પૉઇન્ટ વધી ૧૧૬૭૭૨ ચાલતું હતું. બિટકૉઇન ૮૪૩૭૮ ડૉલરે ટકેલો જણાયો છે. બ્રેન્ટ ક્રૂડ હળવા સુધારે ૬૬ ડૉલર તથા નાયમૅક્સ ક્ર‍ૂડ ૬૩ ડૉલર વટાવી ગયું છે.

HDFC, ICICI બૅન્ક, આઇશર અને ભારતી ઍરટેલ નવી ટોચે

HDFC બૅન્ક તથા ICICI બૅન્કનાં પરિણામ ૧૯મીએ છે. બન્ને ગઈ કાલે નવું ટૉપ બનાવી બજારને ૪૯૩ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. HDFC બૅન્ક ૧૯૧૯ની ઑલટાઇમ હાઈ બાદ દોઢ ટકા વધીને ૧૯૦૬ તથા ICICI બૅન્ક ૧૪૦૮ના બેસ્ટ લેવલે જઈ ૩.૭ ટકા વધી ૧૪૦૬ બંધ થઈ છે. એનું માર્કેટકૅપ ૧૦.૦૨ લાખ કરોડ નજીક ગયું છે. આ સાથે ઇન્ડસઇન્ડ પોણો ટકો, સ્ટેટ બૅન્ક ૩.૨ ટકા, કોટક બૅન્ક ત્રણ ટકા તથા ઍક્સિસ બૅન્ક અઢી ટકા વધી હતી. ૬ બૅન્કોએ બજારને કુલ ૭૩૪ પૉઇન્ટ આપ્યા છે. ઝોમાટો અર્થાત્ એટર્નલ ૪.૪ ટકાની તેજીમાં ૨૩૨ બંધ આપી સેન્સેક્સ નિફ્ટી ખાતે ઝળકી હતી. સ્વિગી દોઢ ટકો સુધરી ૩૪૧ થઈ છે. જિયો ફાઇનૅન્શ્યલ પરિણામ પૂર્વે સરેરાશ કરતાં ૬૦ ટકાના વૉલ્યુમે પોણાબે ટકા વધી ૨૪૬ હતી. એની પેરન્ટ્સ રિલાયન્સ ૨.૯ ટકાના જમ્પમાં ૧૨૭૪ બંધ રહી બજારને ૨૦૯ પૉઇન્ટ ફળી છે.

ભારતી ઍરટેલ ૧૮૯૮ની સર્વોચ્ચ સપાટી બતાવી ૩.૬ ટકાની આગેકૂચમાં ૧૮૮૯ થઈ છે. મૉર્ગન સ્ટૅનલી દ્વારા અદાણી પોર્ટ્સમાં ૧૪૧૫ની ટાર્ગેટ પ્રાઇસ વધારી ૧૪૧૮ કરવામાં આવી છે. (આ ક્યા પ્રકારનું રિસર્ચ છે, યાર?) શૅર ૨.૩ ટકા વધી ૧૨૬૧ થયા છે. અન્યમાં સનફાર્મા સાડાત્રણ ટકા, બજાજ ફિનસર્વ ૩.૨ ટકા, SBI લાઇફ ૨.૭ ટકા, શ્રીરામ ફાઇ સવાબે ટકા, ગ્રાસિમ ૨.૧ ટકા, ટ્રેન્ટ ૧.૯ ટકા, ટાઇટન ૧.૬ ટકા, સિપ્લા ૧.૩ ટકા, મહિન્દ્ર ૧.૭ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકા, નેસ્લે સવા ટકો પ્લસ હતી. આઇશર ૫૭૧૫ની નવી ટૉપ હાંસલ કરી એક ટકા વધી ૫૬૭૮ રહી છે.

વિપ્રોનાં પરિણામ ધારણા કરતાં ઘણાં સારાં આવ્યાં છે, પરંતુ ગાઇડન્સ‌િસ નબળાં આવતાં શૅર સવાચાર ટકા ગગડી ૨૩૭ બંધ થયો છે. ટીસીએસ પોણો ટકો સુધર્યો હતો. HCL ટેક્નૉ સાધારણ વધ્યો છે. ઇન્ફોસિસ પરિણામ પૂર્વે સરેરાશ કરતાં દોઢા કામકાજે નીચામાં ૧૩૭૮ અને ઉપરમાં ૧૪૨૯ થઈ અડધા ટકાના સુધારે ૧૪૨૦ બંધ આવ્યો છે. નિફ્ટી ખાતે વિપ્રો ૪.૩ ટકા ગગડી ટૉપ લૂઝર હતો. સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર સામાન્ય તો મારુતિ નામ કે વાસ્તે નરમ હતો.

ઇન્ફોસિસનાં નબળાં પરિણામ, ADRનો ભાવ પ્રેશરમાં

આઇટી જાયન્ટ ઇન્ફોસિસ પરિણામ પૂર્વે સારા વૉલ્યુમ સાથે અડધો ટકો સુધરીને ૧૪૨૦ બંધ થયો હતો. કંપનીનાં પરિણામ બજાર બંધ થયા પછી આવ્યાં હતાં, જે બજારની એકંદર ધારણા કરતાં ઢીલાં છે. કંપનીએ આઠ ટકાના વધારામાં ૪૦૯૨૫ કરોડની આવક માર્ચ ક્વૉર્ટરમાં મેળવી છે. વિશ્લેષકોની એકંદર ધારણા ૪૨૦૭૩ કરોડની આવકની હતી. સામે નેટ પ્રૉફિટ બારેક ટકા ઘટીને ૭૦૩૩ કરોડ નોંધાયો છે. નેટ પ્રૉફિટની અપેક્ષા ૭૨૭૮ કરોડની હતી. કંપનીએ ૨૦૨૫-’૨૬ના વર્ષ માટે રેવન્યુ ગાઇડન્સ‌િસ ૦થી ૩ ટકાનું આપ્યું છે. મતલબ કે આવક વૃદ્ધિનો દર શૂન્યથી માંડીને ત્રણ ટકાની રેન્જમાં અપેક્ષિત છે જે બજારની એકંદર ૨થી ૪ ટકાની ધારણા કરતાં ઘણો કમજોર છે. કંપનીના કુલ કર્મચારીની સંખ્યા માત્ર ૧૯૯ વધી છે. કંપનીએ શૅરદીઠ ૨૨ રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે એની રેકૉર્ડ ડેટ ૩૦ મે નક્કી થઈ છે. આ પરિણામ તથા ગાઇડન્સિસ જોતાં શૅર વધવાને બદલે ઘટવાના ચાન્સ વધુ લાગે છે. આ લખાય છે ત્યારે પ્રી-માર્કેટમાં ઇન્ફીના ADRનો ભાવ સાડાત્રણ ટકા ગગડી ૧૬ ડૉલર આસપાસ દેખાતો હતો. મોડી રાતે ADRમાં કેવી વધ-ઘટ રહે છે એના આધારે શૅરની સોમવારની ચાલ નક્કી થશે.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex