01 May, 2025 06:39 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાની શૅરબજાર ઉપલા મથાળેથી ૨૬૬૮ પૉઇન્ટ લથડ્યું : એથર એનર્જી પ્રથમ દિવસે ૧૭ ટકા ભરાયો, પ્રીમિયમ ગગડીને એક રૂપિયો : નફો ધારણાથી ૯૩૬ કરોડ વધુ આવ્યો એમાં રિલાયન્સનું માર્કેટકૅપ ૯૨,૬૨૯ કરોડ રૂપિયા વધી ગયું : શિપબિલ્ડિંગ તેમ જ ડિફેન્સ સેક્ટરના શૅર ડિમાન્ડમાં જોવા મળ્યા : BSE લિમિટેડ ઑલટાઇમ હાઈ, પરિણામ પાછળ તેજસ નેટ અને કામત હોટેલ ખરડાયા : તમામ સેક્ટોરલ પ્લસ, IT અપવાદ
અમેરિકા અને ચાઇના વચ્ચેનો ટકરાવ ઢીલો પડવા માંડ્યો છે. બન્ને વચ્ચે ટ્રેડ ડીલ થવાનાં સમીકરણ ગોઠવાઈ રહ્યાં છે. પહલગાવના આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે વૉરનું જોશ બહુધા ટીવી ચૅનલો પૂરતું સીમિત રહ્યું છે. પરિસ્થિતિ નાનાં-મોટાં છમકલાંથી આગળ વધવાની નથી એમ લાગે છે. FII છેલ્લા ૮ દિવસથી સતત લેવાલ છે. એણે પચીસ એપ્રિલ સુધી કામકાજના છેલ્લા ૮ દિવસમાં કુલ ૩૧,૭૬૫ કરોડની નેટ લેવાલી કરી છે. સરવાળે બજારમાં એકંદર સુધારાનો ટ્રેન્ડ કામે લાગ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૩૦ પૉઇન્ટ પ્લસ, ૭૯,૩૪૩ ખૂલી સોમવારે ૧૦૦૬ પૉઇન્ટની મજબૂતીમાં ૮૦,૨૧૮ તથા નિફ્ટી ૨૮૯ પૉઇન્ટ વધી ૨૪,૩૨૮ બંધ રહેલા બજારમાં શૅરઆંક નીચામાં ૭૯,૩૪૧ તથા ઉપરમાં ૮૦,૩૨૨ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીના સવા ટકા જેવા વધારા સામે મિડકૅપ ૧.૩ ટકા, સ્મૉલકૅપ ૦.૪ ટકા અને બ્રૉડર માર્કેટ સવા ટકા અપ હતું. બન્ને બજારનાં તમામ ઇન્ડાઇસિસ વધ્યાં છે. એકમાત્ર નિફ્ટી આઇટી બેન્ચમાર્ક ૦.૨ ટકા ઘટ્યો હતો. એનર્જી ઇન્ડેક્સ ત્રણ ટકા, ઑઇલ-ગૅસ ત્રણેક ટકા, હેલ્થકૅર દોઢ ટકા, મેટલ બેન્ચમાર્ક ૧.૬ ટકા, બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા, કૅપિટલ ગુડ્સ બે ટકા, રિયલ્ટી ૧.૪ ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૭ ટકા, પાવર-યુટિલિટીઝ એક ટકો અપ હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બાયસમાં હોવાથી NSEમાં વધેલા ૧૪૫૬ શૅરની સામે ૧૩૩૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૪.૫૨ લાખ કરોડ વધી ૪૨૬.૧૧ લાખ કરોડ નજીક પહોંચ્યું છે.
એશિયા ખાતે ચાઇના અને સિંગાપોર મામૂલી તથા હૉન્ગકૉન્ગ નહીંવત્ નરમ હતું. તાઇવાન પોણા ટકાથી વધુ, ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ, જપાન-સાઉથ કોરિયા તથા થાઇલૅન્ડ સામાન્ય સુધર્યાં હતાં. યુરોપ રનિંગમાં અડધાથી એકાદ ટકો ઉપર દેખાયું છે. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૧૬,૬૫૯ થઈ રનિંગમાં ૧૪૭૮ પૉઇન્ટ તૂટી ૧,૧૩,૯૯૧ હતું. બિટકૉઇન એક ટકો વધી રનિંગમાં ૯૪,૭૯૧ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૭ ડૉલર નજીક સરક્યું છે.
મેઇન બોર્ડમાં એથર એનર્જી એક રૂપિયાના શૅરદીઠ ૩૨૧ની અપર બૅન્ડમાં ૨૯૮૧ કરોડનો ઇશ્યુ લઈ સોમવારે મૂડીબજારમાં આવી છે. કંપની સતત ભારે ખોટમાં છે એટલે ભરણામાં QIB પોર્શન ૭૫ ટકા રાખવો પડ્યો છે. ભરણું પ્રથમ દિવસે રીટેલમાં ૬૮ ટકા પ્રતિસાદ સાથે કુલ ૧૭ ટકા ભરાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૧૭થી શરૂ થયા હતા. રેટ ગગડતો રહી હાલમાં માંડ એક રૂપિયો બોલાય છે. અમદાવાદી આઇવેટ સપ્લાય ચેઇનનો ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવનો ૨૭૧૩ લાખનો SME IPO પ્રથમ દિવસે કુલ ૪૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી. અન્ય અમદાવાદી કંપની અરુણયા ઑર્ગેનિક્સ ૧૦ના શૅરદીઠ ૫૮ના ભાવે ૩૩૯૯ લાખનો SME ઇશ્યુ આજે કરવાની છે ગુજરાતના દસક્રોઈ ખાતેની કેનરિક ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ પચીસના ભાવનો ૮૭૫ લાખનો નાનકડો SME IPO પણ મંગળવારે ખૂલવાનો છે.
મહિન્દ્રની એન્ટ્રીમાં SML ઇસુઝુમાં ૧૦ ટકાનો બોલાયો
મહિન્દ્ર તરફથી ૫૫૫ કરોડમાં SML ઇસુઝુનો આશરે ૫૯ ટકા હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત કરાઈ છે. આ સોદો શૅરદીઠ ૬૫૦ના ભાવે થયો છે, પરંતુ ઓપન ઑફર શૅરદીઠ ૧૫૫૪ પ્લસના ભાવે આવશે. મહિન્દ્રનો શૅર ગઈ કાલે સવાબે ટકા વધી ૨૯૨૮ બંધ હતો. સામે SML ઇસુઝુ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૧૭૭ રૂપિયા પટકાઈ ૧૫૯૦ બંધ થયો છે. ગઈ કાલે ટીવીએસ મોટર્સ અઢી ટકા, તાતા મોટર્સ બે ટકા, મારુતિ સુઝુકી દોઢ ટકા નજીક, આઇશર એક ટકો, બજાજ ઑટો અને હીરો પોણો ટકો પ્લસ હતા. MRF સવા ટકો કે ૧૬૮૭ રૂપિયા ઊંચકાઈ હતી.
સનફાર્મા ત્રણ ટકાના જમ્પમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર બની છે. અન્યમાં JSW સ્ટીલ તથા ભારત ઇલેક્ટ્રિકલ અઢી ટકા, SBI લાઇફ ૨.૪ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, સિપ્લા ૧.૯ ટકા, ONGC પોણાબે ટકા, તાતા સ્ટીલ અઢી ટકા, સ્ટેટ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક ૨.૪ ટકા, લાર્સન તથા ICICI બૅન્ક ૧.૭ ટકા, અદાણી પોર્ટ્સ દોઢ ટકો, કોટક બૅન્ક એક ટકો વધી છે. શ્રીરામ ફાઇનૅન્સ પાંચ ટકા બગડી નિફ્ટી ખાતે તો HCL ટેક્નૉલૉજીઝ બે ટકા નજીક ખરડાઈ સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર રહી છે. અલ્ટ્રાટેક એક ટકો, હિન્દુસ્તાન યુનિલીવર તથા ઝોમાટો અડધો ટકો, નેસ્લે સાધારણ નરમ હતી. ઇન્ફી નહીંવત્ પ્લસ તો ટીસીએસ સામાન્ય ઘટાડે બંધ હતી. અદાણી ગ્રુપ ખાતે અદાણી એન્ટર પોણો ટકો, અદાણી ગ્રીન ત્રણ ટકા, અદાણી એનર્જી સવા ટકો, અદાણી પાવર અડધો ટકો, અદાણી વિલ્મર બે ટકા, અદાણી ટોટલ પોણાત્રણ ટકા વધી હતી. અંબુજા સિમેન્ટ્સ, એસીસી, સાંધી ઇન્ડ. અને NDTV નહીંવતથી અડધો ટકો આસપાસ ઘટી છે.
રિલાયન્સ તેજીતરફી બ્રેકઆઉટ સાથે રાજાપાઠમાં આવ્યો
રિલાયન્સે ધારણા કરતાં સારાં પરિણામ આપતાં સ્ટ્રૉન્ગ મોમેન્ટમ સાથે તેજીતરફી બ્રેકઆઉટ આવ્યું છે. બજારની અપેક્ષા ૧૮,૪૭૧ કરોડના નેટ નફાની હતી, કંપનીએ ૧૯,૪૦૭ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. નફો ધારણા કરતાં ૯૩૬ કરોડ વધુ આવ્યો છે એમાં કંપનીનું માર્કેટકૅપ ૯૨,૬૨૯ કરોડ રૂપિયા ઊછળી ૧૮,૫૧,૯૦૫ કરોડને વટાવી ગયું છે. શૅર ગઈ કાલે બમણા વૉલ્યુમે એક વર્ષથી વધુ સમયગાળાના સૌથી મોટા ઉછાળામાં ૧૩૭૫ નજીક જઈ સવાપાંચ ટકાની તેજીમાં ૧૩૬૮ ઉપર બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. રિલાયન્સની તેજી બજારને ૩૯૯ પૉઇન્ટ ફળી છે. વાત અહીં જ નથી અટકતી. ઘણા મહિનાથી ૨૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજ કરતાં નીચે રહેલો આ શૅર હવે મૂવિંગ ઍવરેજની ઉપર આવી જતાં તેજીતરફી બ્રેકઆઉટ આવ્યું છે.
વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી રિલાયન્સમાં બુલિશ વ્યુ જારી થવા માંડ્યા છે. નુવામાવાળાને વર્ષમાં ૧૭૦૮નો ભાવ નક્કી દેખાય છે. CLSA તરફથી ૧૬૫૦ રૂપિયા, જેપી મૉર્ગને ૧૫૩૦ રૂપિયા તો મેકવાયરે ૧૫૦૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. મુકેશ અંબાણી ગ્રુપના અન્ય શૅરમાં ગઈ કાલે જિયો ફાઇનૅન્સ બે ટકા, જસ્ટ ડાયલ ૨.૪ ટકા, રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા અઢી ટકા નજીક, લોટસ ચૉકલેટ અડધો ટકો પ્લસ હતી. સ્ટર્લિંગ વિલ્સન પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૯૫ હતી. નેટવર્ક ૧૮ તથા આલોક ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો ઘટી છે. બાય ધ વે, જાણકારો માને છે કે રિલાયન્સ એકાદ વર્ષમાં ટેલિકૉમ અગર રીટેલ બિઝનેસનો ઇશ્યુ લાવી શકે છે.
RBL બૅન્કનો નફો ૮૦ ટકા તૂટ્યો, પણ શૅર ‘એ’ ગ્રુપમાં ઝળક્યો
BSE લિમિટેડમાં એક શૅરદીઠ બે બોનસની રેકૉર્ડ ડેટની જાહેરાત નજીક આવતી જાય છે, શૅરમાં ફૅન્સી વધી રહી છે. ભાવ ગઈ કાલે ૬૫૯૭ના બેસ્ટ લેવલે જઈ ચાર ટકા કે ૨૬૧ની તેજીમાં ૬૫૬૪ બંધ થયો છે. MCXનાં પરિણામ ૮ મેએ છે. શૅર પોણાબે ટકા વધી ૬૧૬૫ બંધ હતો. આરબીએલ બૅન્કનો સ્ટૅન્ડઅલોન ધોરણે નફો ૮૦ ટકા ગગડ્યો છે, પણ શૅર સવાદસ ટકાની તેજીમાં ૨૦૭ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. ડીસીબી બૅન્ક સાડાનવ ટકા, પારસ ડિફેન્સ સવાનવ ટકા, ગાર્ડન રિચ સવાઆઠ ટકા ઊછળી હતી. પરિણામ પાછળ તાતાની તેજસ નેટ તેર ટકા તૂટીને ૧૧૨ રૂપિયાના કડાકામાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. અવાન્ટેલ સાડાનવ ટકા તો લોઇડ્સ એન્જિનિયરિંગ છ ટકા લથડી હતી. રિઝલ્ટના વસવસામાં કામત હોટેલ્સ ૨૬૧ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૪૩ થઈ પોણાનવ ટકાની ખરાબીમાં ૨૪૪ બંધ આવી છે. મઝગાવ ડૉક સાડાપાંચ ટકા તથા કોચિન શિપયાર્ડ સવાછ ટકા મજબૂત હતી. સોનાટા સૉફ્ટવેર સાડાસાત ટકા અને ડેટા પેટર્ન્સ સાત ટકા ઊચકાઈ હતી. કેસ્ટ્રોલ, હિન્દુસ્તાન પેટ્રો, ઇન્દ્રપ્રસ્થ ગૅસ, મહાનગર ગૅસ, ભારત પેટ્રો જેવા એનર્જી શૅર ત્રણથી પાંચ ટકા પ્લસ હતા. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ અને ભારત ડાયનેમિક્સ જેવા ડિફેન્સ શૅર પણ સવાપાંચ ટકા ઊછળ્યા છે. જેનસોલ એન્જી.માં પાંચ ટકાની નીચલી સર્કિટ ચાલુ જ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ્સ ૧૨,૩૪૧ની સર્વોચ્ચ સપાટી બનાવી એક ટકો ઘટી ૧૨,૧૦૮ બંધ હતો. પરિણામ અપેક્ષા કરતાં થોડાંક નબળાં આવ્યાં છે.