પ્રારંભિક મજબૂતી બાદ બજાર છેવટે હળવા સુધારામાં બંધ, રોકડું મોજમાં

17 May, 2025 06:51 AM IST  |  Mumbai | Anil Patel

અમેરિકા ચાઇના વચ્ચે શરૂ થયેલા પ્રેમાલાપ અને ઍલ્યુમિનિયમ તથા સ્ટીલ ઉપરની અમેરિકાની ટૅરિફ સામે ભારતે નોંધાવેલા વિરોધના પગલે મેટલ શૅર ગઈ કાલે ઝમકમાં હતા

પ્રતીકાત્મક તસવીર

ડિફેન્સ શૅરોમાં તેજી વધુ બળૂકી બની, નૅસ્ડૅક પાછળ ITમાં કરન્ટ : માથે પરિણામ વચ્ચે કાવેરી સીડ્સ બગડ્યો, મેટ્રોપોલિસને પરિણામ નડ્યાં : એક્સ-ડીમર્જર થતાં રેમન્ડ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં બંધ : એક્સ-રાઇટમાં મહિન્દ્ર ફાઇનૅન્સ સુધર્યો: થાણેની RRP સેમિકન્ડક્ટર ૧૧ મહિનામાં ૨૧થી વધી ૧૦૫૩ના શિખરે બંધ : પાકિસ્તાની શૅરબજાર ૪ દિવસમાં ૧૫,૨૬૦ પૉઇન્ટ ઊછળી નવી ટોચ ભણી : શુગર ઉદ્યોગના ૩૭માંથી માત્ર બે શૅર ડાઉન, દાલમિયા શુગર સવાઆઠ ટકાની તેજીમાં

સેન્સેક્સ આગલા બંધથી ૧૩૦ પૉઇન્ટ પ્લસમાં ૮૧,૨૭૮ ખૂલી છેવટે ૧૮૨ પૉઇન્ટના હળવા સુધારે ૮૧,૩૩૦ તથા નિફ્ટી ૮૮ પૉઇન્ટ વધીને ૨૪,૬૬૭ બુધવારે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ માર્કેટ ઉપરમાં ૮૧,૬૯૨ નજીક ગયું હતું અને ત્યાંથી ૭૮૨ પૉઇન્ટ બગડી નીચામાં ૮૦,૯૧૦ દેખાયું હતું. સેન્સેક્સ નિફ્ટીના સામાન્ય સુધારા સામે સ્મૉલકૅપ દોઢ ટકાથી વધુ, મિડકૅપ સવા ટકા નજીક અને બ્રૉડર માર્કેટ અડધા ટકાથી ક્યાંય વધુ પ્લસ હતું. બૅન્ક નિફ્ટી, નિફ્ટી ફાઇનૅન્સ તથા નિફ્ટી FMCGની નહીંવતથી સાધારણ નબળાઈ બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. નિફ્ટી ડિફેન્સ સર્વાધિક ત્રણ ટકા મજબૂત હતો. મેટલ બેન્ચમાર્ક અઢી ટકા નજીક, IT ઇન્ડેક્સ ૧.૪ ટકા, કૅપિટલ ગુડ્સ દોઢ ટકો, રિયલ્ટી પોણાબે ટકા, ટેલિકૉમ એક ટકાથી વધુ, ઑટો બેન્ચમાર્ક પોણો ટકો અપ હતો. માર્કેટ બ્રેડ્થ મઝેદાર રહી છે. NSEમાં વધેલા ૨૧૮૩ શૅરની સામે લગભગ ત્રીજા ભાગની ૬૯૪ જાતો ઘટી હતી. બજારનું માર્કેટકૅપ ૩.૮૦ લાખ કરોડ વધીને ૪૩૪.૯૦ લાખ કરોડ નજીક પહોંચ્યું છે. 

એશિયા ખાતે જપાન અને સિંગાપોર નહીંવત નરમ હતા. હૉન્ગકૉન્ગ સવા બે ટકા, તાઇવાન અને ઇન્ડોનેશિયા બે ટકાથી વધુ, સાઉથ કોરિયા સવા ટકો, ચાઇના પોણા ટકાથી વધુ સુધર્યું છે. યુરોપ રનિંગમાં નહીંવતથી સામાન્ય ઘટાડો દર્શાવતું હતું. બ્રૅન્ટ ક્રૂડ સવા ટકાના ઘટાડે ૬૬ ડૉલર નજીક હતું. બિટકૉઇન  ૧,૦૪,૧૦૩ ડૉલરે મજબૂત દેખાતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૮,૫૭૬ના આગલા બંધ સામે ઉપરમાં ૧,૧૯,૪૬૦ વટાવી છેવટે ૨૦૧ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૧૮,૭૮૬ જોવાયું છે. 

કાવેરી સીડ્સનાં પરિણામ તો ૧૯મીએ છે, પણ શૅર ગઈ કાલે લગભગ નવ ટકા લથડી ૧૩૫૦ બંધ આપી એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. મુંબઈની મેટ્રોપોલિસ હેલ્થકૅરની આવક સવાચાર ટકા વધવા છતાં નેટ નફો ૨૦ ટકા ઘટી ૨૯ કરોડ થયો છે. શૅર છ ગણા વૉલ્યુમે સવાપાંચ ટકા ગગડી ૧૬૧૨ રહ્યો છે. મેટ્રોપોલિસવાળા વાતો બહુ સારી કરે છે, પણ સર્વિસિસ ખાડે ગયેલી હોવાની વ્યાપક ફરિયાદ છે. દાલમિયા ભારત શુગરનો નફો ૧૨૬ ટકા વધીને આવતાં શૅર ૧૪ ગણા કામકાજે સવાઆઠ ટકાના જમ્પમાં ૪૪૮ બંધ થયો છે. એની સાથે સમગ્ર શુગર સેક્ટરમાં માનસ પૉઝિટિવ જોવાયું છે. ગઈ કાલે ઉદ્યોગના ૩૭માંથી માત્ર બે શૅર નરમ હતા. દ્વારકેશ શુગર આઠ ટકા, રાજશ્રી શુગર અને ધામપુર શુગર પોણા પાંચ ટકા મીઠા બન્યા છે. 

BSE લિમિટેડ નવી ટૉપ સાથે લાખેણી થવાની તૈયારીમાં રિયલ્ટી બિઝનેસના ડીમર્જરની 

એક્સ-ડેટમાં રેમન્ડ ૫૩૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૫૬ બંધ થયો છે. રેમન્ડ તરફથી એના રિયલ્ટી બિઝનેસનું રેમન્ડ રિયલ્ટી નામની નવી કંપનીમાં ડીમર્જર કરાયું છે, જેમાં શૅરધારકને એક શૅરદીઠ રેમન્ડ રિયલ્ટીનો એક શૅર અપાયો છે. રેમન્ડનો શૅર આગલા દિવસે ૧૫૬૧ બંધ થયો હતો એની સામે ગઈ કાલે એક્સ-ડીમર્જરમાં ૫૩૦ ખૂલ્યો અર્થાત્ નવી કંપની રેમન્ડ રિયલ્ટીની ફેરપ્રાઇસ આ ધોરણે ૧૦૩૧ રૂપિયા બેસે છે. સવાલ છે રેમન્ડ રિયલ્ટી જ્યારે પણ લિસ્ટ થાય ત્યારે આ ભાવ જોવાશે ખરો? રેમન્ડના ગાર્મેન્ટ્સ અને એપેરલ્સ બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલો રેમન્ડ લાઇફ સ્ટાઇલ ગઈ કાલે ૨.૮ ટકા ગગડી ૯૮૦ રહ્યો છે. પાંચ સપ્ટેમ્બરે શૅર ૩૧૦૦ના શિખરે હતો. 

BSE લિમિટેડમાં શૅરદીઠ બે બોનસની રેકૉર્ડ ડેટ ૨૩ મે છે. ભાવ ગઈ કાલે ૭૪૨૨ ઉપર નવી વિક્રમી સપાટી બનાવી છેવટે અડધો ટકો વધીને ૭૩૪૭ બંધ થતાં માર્કેટકૅપ ૯૯,૪૬૧ કરોડ રૂપિયા નોંધાયું છે. આગલા દિવસે બે ટકા ઘટેલો MCX બુધવારે સાડાચાર ટકા કે ૨૬૫ની તેજીમાં ૬૨૦૦ થયો છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શ્યલ આઠ શૅરદીઠ એક રાઇટ ઇશ્યુ શૅરદીઠ ૧૯૪ના ભાવે કરવાનો છે. ૨૯૯૬ કરોડનો આ રાઇટ ઇશ્યુ ૨૨મીએ ખૂલશે. શૅર ગઈ કાલે એક્સ-રાઇટ થતાં ભાવ BSE ખાતે ૪.૨ ટકા વધી ૨૬૦ તથા NSEમાં સવા ટકો સુધરી ૨૫૯ બંધ થયો છે. થાણેની RRP સેમિકન્ડક્ટર એકધારી તેજીની સર્કિટ મારતા રહી બે ટકા વધી ૧૦૫૩ના શિખરે બંધ રહ્યો છે. ૧૦ જૂને ભાવ ૨૧ના તળિયે હતો.

તાતા મોટર્સ અને ભારતી ઍરટેલને સારાં પરિણામ કામ ન આવ્યાં

અમેરિકા ચાઇના વચ્ચે શરૂ થયેલા પ્રેમાલાપ અને ઍલ્યુમિનિયમ તથા સ્ટીલ ઉપરની અમેરિકાની ટૅરિફ સામે ભારતે નોંધાવેલા વિરોધના પગલે મેટલ શૅર ગઈ કાલે ઝમકમાં હતા. JSW સ્ટીલની નજીવી નરમાઈ બાદ કરતાં તમામ શૅરના સુધારે બન્ને બજારના મેટલ ઇન્ડેક્સ લગભગ અઢી ટકા વધ્યા છે. સેઇલ પોણાછ ટકાની તેજીમાં ૧૨૩ બંધ આપી એમાં મોખરે હતો. નાલ્કો, જિંદાલ સ્ટેનલેસ, NMDC, લૉઇડ્સ મેટલ્સ, હિન્દુસ્તાન કૉપર સવાચાર ટકાથી માંડી સવાપાંચ ટકા મજબૂત હતા. તાતા સ્ટીલ ચાર ટકા નજીકના ઉછાળે ૧૫૫ ઉપર બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર હતો. શ્રીરામ ફાઇનૅન્સ ૩.૯ ટકા, ભારત ઇલે. અઢી ટકા, હિન્દાલ્કો અઢી ટકા, ઝોમાટો સવાબે ટકા, ટેક મહિન્દ્ર બે ટકા, મારુતિ અને મહિન્દ્ર દોઢ ટકો, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૪ ટકા, HCL ટેક્નૉ એક ટકો, ONGC તથા કોલ ઇન્ડિયા બે-બે ટકા, TCS-ગ્રાસિમ તથા ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકા જેવા પ્લસ હતા. 

ઇન્ફી દોઢ ટકાના સુધારામાં ૧૫૯૨ બંધ આપી બજારને ૭૯ પૉઇન્ટ ફળ્યો છે. રિલાયન્સ અડધો ટકો સુધરી ૧૪૨૪ હતો. મૉર્ગન સ્ટૅનલીએ બજાર ઑટોમાં ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૧૧,૩૨૩ કરી છે. શૅર સાધારણ સુધારામાં ૮૧૦૨ હતો. તાતા મોટર્સે ૭૬૬૨ કરોડની ધારણા કરતાં વધુ, ૮૪૭૦ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે, પરંતુ શૅર સવા ટકો ઘટીને ૬૯૯ બંધ થયો છે. ભારતી ઍરટેલ તરફથી અગાઉના ૨૦૭૧ કરોડ સામે આ વેળા ૧૧,૦૨૨ કરોડનો કૉન્સોનેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર પોણો ટકો સુધરી ૧૮૩૪ હતો. ભારતી હેક્સાકૉમ ૧૭૯૪ના શિખરે જઈ નજીવા ઘટાડે ૧૭૦૩ હતો. ક્રૂડ મજબૂત બનતાં એશિયન પેઇન્ટ્સ પોણાબે ટકા ઝંખવાઈ ૨૨૮૩ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. 

માઝગાવ ડૉક તથા ભારત ડાયનૅમિક્સમાં નવાં બેસ્ટ લેવલ

ડિફેન્સ શૅરમાં તેજી વધુ બળૂકી બની છે. મિશ્ર ધાતુ નિગમ છ ગણા વૉલ્યુમે ૧૫ ટકાની તેજીમાં ૩૯૩ બંધ આપી એ-ગ્રુપમાં બેસ્ટ ગેઇનર હતો. ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સનો નફો ૧૧૯ ટકા વધી ૨૪૪ કરોડ વટાવી જતાં ભાવ સવા ૧૪ ટકા કે ૨૭૫ના ઉછાળે ૨૧૯૦ થયો છે. માઝગાવ ડૉક પણ ૩૨૨૯ રહ્યો છે તો કોચિન શિપયાર્ડ ઉપરમાં ૧૭૯૭ હતો. એનાં રિઝલ્ટ ૧૫મીએ છે. ભારત ડાયનૅમિક્સ બમણા વૉલ્યુમે ૧૮૨૨ નજીક સર્વાચ્ચ સપાટી નોંધાવી સવા ટકો સુધરી ૧૭૬૫ બંધ હતો. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સનો નેટ નફો પોણાઆઠ ટકા ઘટી ૩૯૭૭ કરોડ આવ્યો છે, પરંતુ શૅર સાડાત્રણ ટકા વધીને ૪૭૬૯ બંધ થયો છે. ઝેન ટેક્નૉલૉજીઝ સતત ચોથી ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધીને ૧૬૨૮ થયો છે. ડેટા પૅટર્ન્સ ત્રણ ટકાની નજીક તો પારસ ડિફેન્સ ચાર ટકા વધ્યો છે. ઍ​ક્સિસ કેડ્સ સતત બીજા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૮૯૪ બંધ આવ્યો છે. તનેજા ઍરોસ્પેસ સુધારાની હૅટ-ટ્રિકમાં સતત બીજી તેજીની સર્કિટ મારીને પાંચ ટકા વધી ૩૩૫ થયો છે. યુનિમેક ઍરોસ્પેસ ત્રણગણા કામકાજમાં ૧૦૭૫ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવીને ૫.૪ ટકાની મજબૂતીમાં ૧૦૩૦ થયો છે. સિકા ઇન્ટર પ્લાન્ટ પોણાબે ટકા, ભારત અર્થમૂવર બે ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરના સથવારે ત્રણ ટકા વધ્યો છે.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex