શૅરબજારમાં બેતરફી વધઘટ વચ્ચે સુધારો આગળ વધવાની સંભાવના

26 December, 2011 05:41 AM IST  | 

શૅરબજારમાં બેતરફી વધઘટ વચ્ચે સુધારો આગળ વધવાની સંભાવના



(શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ)

યુએસ ઇકૉનૉમી વિશેના સાનુકૂળ અહેવાલથી યુરો-ઝોનની સમસ્યાનું ટેન્શન હાલપૂરતું સાઇડ ટ્રૅક થઈ ગયું છે. વિશ્વનાં તમામ અગ્રણી શૅરબજારો ગત સપ્તાહે પૉઝિટિવ ઝોનમાં બંધ આવ્યાં છે. ફ્રાન્સનું માર્કેટ ૪.૪ ટકાના જમ્પ સાથે સૌથી મોખરે છે. અમેરિકન ડાઉ ઇન્ડેક્સ ૩.૬ ટકા, જર્મન ડેક્સ ૩.૧ ટકો, બ્રાઝિલ ૨.૯ ટકા, લંડન ફુત્સી ૨.૩ ટકા, હૉન્ગકૉન્ગનો હૅન્ગસેન્ગ ૧.૯ ટકા, ભારતીય શૅરબજાર ૧.૬ ટકા વધ્યું છે. સિંગાપોરનો સ્ટ્રૅઇટ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ તો રશિયન માર્કેટ નામ કે વાસ્તે અપ હતું. સામે ચાઇનીઝ શૅરબજાર ૦.૬ ટકા અને જૅપનીઝ નિક્કી નહીંવત્ -૦.૧ ટકા માઇનસમાં જોવા મળ્યા છે. અન્ય ઍસેટ્સમાં ક્રૂડ ચાર ટકા ઊંચકાયું છે. સોનું ૦.૬ ટકા વધીને બંધ રહ્યું છે. ઘરઆંગણે સેન્સેક્સના ૧.૬ ટકાની સામે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ બમણો એટલે કે ૩.૨ ટકા પ્લસમાં જોવા મળ્યો છે. એફએમસીજી ઇન્ડેક્સ ૩.૨ ટકા, ઑટો ઇન્ડેક્સ ૨.૨ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ બે ટકા વધ્યા છે. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ માટે ગત સપ્તાહ પણ નબળાઈનું હતું. આ બેન્ચમાર્ક સવાત્રણ ટકા નબળો પડ્યો છે. મિડ કૅપ - સ્મૉલ કૅપ તેમ જ રિયલ્ટી ઇન્ડેક્સને દોઢ ટકાની આસપાસનો ઘસારો લાગ્યો છે.

ગયા સપ્તાહની અન્ય મહત્વની ઘટના ફૂડ-ઇન્ફ્લેશનમાં ઘટાડો છે. ૧૦ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે ખાદ્ય સામગ્રીના કિસ્સામાં ફુગાવાનો વૃદ્ધિદર બે આંકડાની નીચે -૧.૮૧ ટકા થઈ ગયો છે. ફુગાવાનો આટલો નીચો દર મુખ્યત્વે અગાઉના વખતની હાયર બેઝ ઇફેક્ટનું પરિણામ છે. ખાસ કરીને કાંદા-બટાટાએ ફુગાવાને નીચે લઈ જવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સમીક્ષા હેઠળના ગાળામાં કાંદાના ભાવ વર્ષ પૂર્વેની તુલનાએ ૪૯ ટકા અને બટાટાના ભાવ ૩૪ ટકા ગગડ્યા છે. જ્યારે કે કઠોળના ભાવ ૧૪ વધ્યા છે. એક વધુ સારા વાવડ સ્ટીલ સેક્ટરના સંદર્ભમાં આવ્યા છે. ઍસોચેમના અભ્યાસ પ્રમાણે વર્ષ ૨૦૧૫ સુધીમાં દેશમાં સ્ટીલની વપરાશ કે માગ વધીને ૧૨૨૦ લાખ ટનને વટાવી જશે. અત્યારે આ આંકડો ૭૦૦ લાખ ટન જેવો છે. સ્ટીલની ડિમાન્ડ વધવા માટે કૃષિ, કૅપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑઇલ-ગૅસ ઇત્યાદિ ક્ષેત્રના વિકાસનો સિંહફાળો હશે.

નવા સપ્તાહે ડેરિવેટિવ્ઝ કે એફ ઍન્ડ ઓનું ગુરુવારે સેટલમેન્ટ છે. બજારમાં બેતરફી વધ-ઘટ વચ્ચે સુધારાનો ટ્રેન્ડ આગળ વધવાનો સંભવ છે. ૯ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધી કામકાજના દસ દિવસમાં સતત નેગેટિવ ભૂમિકામાં રહી ૨૭૦૦ કરોડ રૂપિયાની પ્લસની રોકડી કરનાર એફઆઇઆઇ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ૨૩ ડિસેમ્બરના રોજ નેટ બાયર બન્યા છે. જોકે એમની ચોખ્ખી ખરીદીનો આંકડો મામૂલી ૮૪ કરોડ રૂપિયા જેવો જ છે, પરંતુ સળંગ ૧૦ દિવસની વેચવાલી અટકી એ એક આfવાસન કહી શકાય.

જાન્યુઆરી ૨૦૧૨ના બીજા સપ્તાહથી ડિસેમ્બર ક્વૉર્ટરનાં કંપનીપરિણામોની મોસમ શરૂ થવાની છે. એને અનુલક્ષી ખેલાડીઓ અત્યારથી પોઝિશન લેવાનું શરૂ કરશે તો જાન્યુઆરીના આરંભે સિમેન્ટ, સ્ટીલ તથા ઑટોના ડિસેમ્બરના વેચાણના આંકડા પણ આવશે. એટલે આ નવા સપ્તાહે આ સેક્ટર્સમાં હલચલ રહેવા વકી છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર થઈ ગયું છે. ચૂંટણીપંચની આચારસંહિતાના
કારણે આ વેળાનું કેન્દ્રીય બજેટ ૨૯ ફેબ્રુઆરીને બદલે હવે એકાદ સપ્તાહ મોડું જાહેર થવાની શક્યતા છે. ફુગાવાનો દર ઘટાડાતરફી હોવાથી જાન્યુઆરી મધ્યમાં થનારી નાણાનીતિની સમીક્ષા દરમ્યાન રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે. આ અપેક્ષા થકી હવે પછીના સમયમાં ઑટો, કૅપિટલ ગુડ્ઝ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બૅન્કિંગ જેવાં ઇન્ટરેસ્ટ-સેન્સિટિવ સેક્ટરની ચાલ એકંદર સુધારાતરફી રહેવા સંભવ છે. ઉક્ત ક્ષેત્રોના શૅર આમેય તાજેતરની મંદીમાં સૌથી વધુ તૂટ્યા છે. એટલે સુધારાની સીધી અને સૌથી વધુ અસર ત્યાં દેખાય એ સાહજિક છે.