વીતેલા સમય સાથે શૅરબજારની આ બદીઓને પણ દફનાવી જ દો

26 December, 2011 05:38 AM IST  | 

વીતેલા સમય સાથે શૅરબજારની આ બદીઓને પણ દફનાવી જ દો



(શૅરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા)

દર બે-ચાર વરસે રોકાણકારોની બૅન્ડ વાગી જાય છે. પરિણામે ભારતીય સામાન્ય રોકાણકાર વર્ગ આટલાં વરસો પછી પણ શૅરબજારમાં સોદા કરતાં, શૅરોમાં રોકાણ કરતાં ગભરાય છે અને શંકા કરે છે. તેમને શૅરબજારમાં બહુ જ ઓછો વિfવાસ બેસે છે અથવા બેસતો જ નથી. આશરે દોઢસો વરસનો ઇતિહાસ ધરાવતા આપણા શૅરબજાર-મૂડીબજારમાં રોકાણકારોને લાવવા માટે આજ સુધી સરકાર, નિયમન સંસ્થા સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) અને ખુદ શૅરબજારો તરફથી સતત પ્રયાસો ચાલુ રહે છે છતાં ફરી-ફરીને એ જ વાત વિfવાસ પર અટકી જાય છે. ૨૦૧૧ના આ છેલ્લા સોમવારે સરકાર, સેબી અને શૅરબજારોને વર્ષોથી ઘર કરી ગયેલી આ બદીઓને વીતેલા સમય સાથે દફનાવી દેવાનો અનુરોધ કરીએ. જો આમ થાય તો બજારમાં નવા વિfવાસની સ્થાપના થઈ શકે.

સટ્ટો જરૂરી, પણ માત્ર સટ્ટો ન ચાલવો જોઈએ
શૅરબજારમાં સટ્ટો હોવો જ ન જોઈએ એવું કહી ન શકાય. બજાર માટે સટ્ટો જરૂરી છે, પરંતુ સટ્ટાનો અતિરેક અથવા માત્ર સટ્ટો જ ચાલતો રહે તો આ બજારમાં નાના-સામાન્ય રોકાણકારો ક્યારેય પ્રવેશશે નહીં. સૌપ્રથમ શૅરબજાર એટલે માત્ર જુગારખાનુ કે કસીનો એ છાપ સરકારે દૂર કે નાબૂદ કરવી આવશ્યક છે. ૨૦૧૨માં સરકાર, સેબી તેમ જ શૅરબજારો આ પડકાર ઉપાડી લે એવી અપેક્ષા રાખીએ. વર્તમાન સમયમાં શૅરબજારમાં ડિલિવરી-લેવલ સાવ જ ઘટી ગયું છે જે દર્શાવે છે કે જે રોકાણકારો બજારમાં આવે છે તેમને પણ શૅરો રાખી મૂકવામાં રસ નથી, બલકે કેવળ લે-વેચ કરવામાં જ વધુ રસ છે. આ હકીકતના આંકડા શૅરબજારને કસીનોની છાપ આપે છે. આ માર્ગે બજારનું વૉલ્યુમ વધતું પણ હોય તો એમાં રાજી થવા કરતાં રડવાનું વધુ યોગ્ય છે.

પબ્લિક ઇશ્યુ માર્ગે થતી લૂંટ બંધ કરાવો
છેલ્લાં કેટલાંય વર્ષોથી શૅરબજારમાં પબ્લિક ઇશ્યુ માર્ગે પ્રવેશતી કંપનીઓએ જે ભાવમાં ઑફર કરી હતી એની સામે પછીથી જે ભાવ બજારે રોકાણકારોને આપ્યા હતા એને લીધે વિશાળ રોકાણકાર વર્ગને જબ્બર નુકસાન થયું છે, ખાસ કરીને નવા અને નાના રોકાણકારો આ માર્ગે બજારમાં પ્રવેશતા હોય છે. આજે એ જ માર્ગ કાંટાળો થઈ ગયો છે. મુક્ત ભાવનીતિને લીધે કંપનીઓના લેભાગુ પ્રમોટરો કમાતા રહ્યા છે અને રોકાણકારો ઘવાતા રહ્યા છે. આ ઉપરાંત નવા શૅરના લિસ્ટિંગ વખતે પાછી જે ચાલાકીઓ અજમાવી રોકાણકારોને જાળમાં લેવાય છે એ જુદું. આમ દસમાંથી આઠ ઇશ્યુઓમાં રોકાણકાર મોટા ભાગે ગુમાવે છે. સેબી આ માર્ગને વધુ પારદર્શક, શિસ્તબદ્ધ અને પ્રાઇસિંગની બાબતે રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ બનાવે એ જરૂરી છે. આ માર્ગે રોકાણકારોનો વિfવાસ વધારી શકાય છે. સરકાર પોતાનાં મજબૂત જાહેર સાહસોના શૅરોની ઑફરની વાતો કરે છે, પણ પછીથી એમાંય વિલંબ થાય છે અથવા ઇશ્યુ આવતા જ રહી જાય છે. પરિણામે રોકાણકારોને સારી તકો મળતી નથી. પ્રાઇવેટ સેક્ટરની સારી કંપનીઓના શૅરોની ઑફરમાં પણ વાજબીપણું લાવવામાં આવે તો આ માર્ગ સારો બની શકે, જે મૂડીસર્જનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે અને મૂડીબજારના તંદુરસ્ત વિકાસમાં પણ નોંધપાત્ર ફાળો આપી શકે.

વિવિધ ગેરરીતિ-ગેરવાજબી પ્રવૃત્તિ અટકાવો
શૅરબજારમાં સામાન્ય રોકાણકારો પ્રવેશતા નથી એનું કારણ માત્ર તેમને આ બજારની ચાલ સમજાતી નથી એટલું જ નહીં, આ બજારમાં પ્રવેશતી વખતે કે પ્રવેશ્યા બાદ પણ એમાં જાત-જાતની ગેરરીતિ ચાલતી રહેતી હોય છે, કૃત્રિમ રીતે શૅરોના ભાવો વધારવા કે ઘટાડવા (પ્રાઇસ મૅનિપ્યુલેશન), સક્યુર્લર ટ્રેડિંગ, પ્રાઇસ રિગિંગ (ભાવો ઉછાળવા) જેવાં તરકટો ચાલતાં રહે છે. એમાં સામાન્ય રોકાણકારો ફસાઈ જાય એવું વારંવાર બનતું રહે છે. ઇન્સાઇડર ટ્રેડિંગથી માંડી બજારને, સ્ક્રિપ્સને ચલાવવાની આવી પ્રવૃત્તિઓ મહદંશે લેભાગુ સમાન કંપનીઓના શૅરોમાં ચલાવાય છે જેના ભાવનાં કોઈ ફન્ડામેન્ટલ્સ હોતાં નથી. અલબત્ત, ઘણી જાણીતી કંપનીઓમાં પણ આવી ભાવની ગોલમાલ થતી હોય છે. જોકે બજારના ઑપરેટરો દ્વારા થતી આ ચાલાકીમાં મોટા ભાગે નવા રોકાણકારો ઉપરાંત નાના રોકાણકારો વધુ પ્રમાણમાં ફસાઈ જતા હોય છે. પરિણામે લાખો રોકાણકારો આજ સુધી આ માર્ગે પૈસા ગુમાવતા રહ્યા છે. આમ જ્યાં છેતરપિંડી કે ગેરરીતિને કારણે નુકસાન ભોગવવાનું આવે ત્યાં કોઈનો વિfવાસ ટકી ન શકે એ સ્વાભાવિક છે.

દોષી સામે ઍક્શન લો અને પૈસાની રિકવરી કરો

શૅરબજારમાં ગેરરીતિ કે છેતરપિંડી વર્ષોથી ચાલ્યા કરે છે, પણ આ પ્રવૃત્તિ સામે અસરકારક ઍક્શન ભાગ્યે જ લેવાય છે. જેમનાં નાણાં આમાં ગયાં એ ગયાં. કોઈ કાનૂન કે નિયમ છેતરાયેલા રોકાણકારોને તેમના પૈસા પાછા અપાવી શકતો નથી. પબ્લિક ઇશ્યુઓમાં હોય કે શૅરબજારની અન્ય પ્રવૃત્તિઓમાં હોય, આખરે ભોગ નાના-સામાન્ય રોકાણકારો જ બને છે. આજ સુધી કોઈ કંપનીના પ્રમોટર સામે કે ઑપરેટર સામે કાર્યવાહી ચલાવીને એની પાસેથી પૈસાની વસૂલી કરી એ નાણાં નિર્દોષ રોકાણકારોને પાછાં આપવામાં આવ્યાં હોવાનું એકાદ અપવાદરૂપ કિસ્સા સિવાય બન્યું નથી. જે પૈસા પાછા આપવામાં આવ્યા છે એમાં પણ બહુ ઓછા લોકોને એ પૈસા પાછા મળ્યા છે અને એ પણ પૂરતા તો નહીં જ. જો હવે પછી સેબી શૅરબજાર-મૂડીબજારમાં રોકાણકારો સાથે થતી છેતરપિંડીના કિસ્સામાં અસરકારક-દાખલારૂપ ઍક્શન લઈને રોકાણકારોને પૈસા પાછા અપાવતો મજબૂત કાનૂન લાવે અને એનો અમલ સંભવ બનાવે તો ભવિષ્યમાં રોકાણકારોનો વિfવાસ બેસવાની તેમ જ જળવાઈ રહેવાની આશા ઊભી થાય.