શૅરબજારમાં સંજોગો જોઈ ખેલાડીઓ સક્રિય

10 December, 2012 07:54 AM IST  | 

શૅરબજારમાં સંજોગો જોઈ ખેલાડીઓ સક્રિય





(શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા)

સાવધાન! કન્યા પધરાવો, વરરાજા આવી રહ્યા છે! અરે, તમને થશે કે શૅરબજારની સાદી વાતમાં વર-કન્યા ક્યાંથી આવી ગયાં? લગ્ન્ાની સીઝન ચાલી રહી છે એટલે તમે પણ આજકાલ આ શબ્દો સાંભળતા હશો અથવા આવાં દૃશ્યો જોતા હશો, પરંતુ અમારે અહીં લગ્ન્ાની વાત નથી કરવી, પણ પેલી કહેવત છેને, વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરોને યાદ કરી શૅરબજારમાં સક્રિય થઈ ગયેલા પ્રમોટર્સ-ઑપરેટર્સરૂપી ગોરમહારાજોથી રોકાણકારોને સાવધાન કરવા છે. અન્યથા, રોકાણકારો ઑપરેટરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય એવી સંભાવના વધી જશે. દરેક તેજી વખતે લેભાગુ ખેલાડીઓ સક્રિય થઈ જાય છે અને રોકાણકારો આ હકીકત ભૂલી જાય છે.

કમાવા સાથે ફસાવાનો માહોલ પણ


તેજીની સાથે, નવા સમાચારો-સંકેતોની સાથે, આર્થિક સુધારામાં આવેલી ગતિવિધિની સાથે નવા ઇશ્યુઓની નવેસરથી કતાર લાગવાની શરૂઆત થઈ છે. આ સાથે ગ્રે માર્કેટ (નવા ઇશ્યુઓનું બિનસત્તાવાર બજાર) પણ સક્રિય થઈ ગયું છે. બીજી તરફ ઑપરેટરો પોતાની બાજી ગોઠવી કઈ-કઈ સ્ક્રિપ્સ ચલાવવી એની વ્યૂહરચનામાં લાગી ગયા છે. તેજીની વાતોનું વતેસર કરી, એના આધારે રોકાણકારો પાસેથી ભંડોળ મેળવવા એક યા બીજી રીતે પ્રમોટરો-ઑપરેટરો ઍક્ટિવ બની જાય એવો માહોલ ફરી જામી ગયો છે. આ સંજોગોમાં રોકાણકારો સમજદારી અને સાવચેતી સાથે આગળ વધે તો કમાઈ પણ શકે છે અને લલચાઈને ગેરમાર્ગે દોરાશે તો ફસાઈ પણ શકે છે.

ગ્રે માર્કેટ શું છે? ધ્યાન શું રાખવું?


જ્યાં નવા ઇશ્યુના શૅર સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ થાય એ પહેલાં એ શૅરના સોદા થવા લાગે એને ગ્રે માર્કેટ કહે છે. એને પ્રીમિયમ માર્કેટ પણ કહેવાય છે. તાજેતરમાં અગ્રણી રેટિંગ કંપની કૅર રેટિંગ્સ, પીસી જ્વેલર્સ અને ભારતી ઇન્ફ્રાટેલના આઇપીઓની જાહેરાત સાથે આ બિનસત્તાવાર પ્રીમિયમ માર્કેટમાં સંબંધિત શૅરોના સોદા થવા શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં વિશેષ જાણીતા આ માર્કેટ મુંબઈમાં પણ સક્રિય ગણાય છે તેમ જ અહીં પણ એનાં કામકાજ થાય છે અથવા અહીં બેસી લોકો ગુજરાતમાં પણ સોદા કરે છે. જો શૅર પછીથી સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ થાય ત્યારે એનું જેટલું ઊંચું પ્રીમિયમ બોલાય એમ સોદા કરનારને નફો થાય. આ બિનસત્તાવાર માર્કેટમાં વિશ્વાસ પર જ કામકાજ થતાં હોય છે. આમાં જોખમ એ જ રહે છે કે એમાં કોઈ પાર્ટી ફરી જાય તો કાનૂની સહાય મળતી નથી. એમ છતાં અત્યારે તો આમાં નવો કરન્ટ ઘણા સમય પછી આવ્યો છે. આ માર્કેટમાં આ ત્રણેય શૅરોનાં જુદાં-જુદાં પ્રીમિયમ ક્વૉટ થઈ રહ્યાં છે, તેથી રોકાણકારોનો રસ વધ્યો છે તેમ જ ઇશ્યુ છલકાઈ જવાની સંભાવના પણ વધી છે. જોકે અહીં સાવધાની એ વર્તવાની છે કે આ માર્કેટ તો એક પ્રકારનો સટ્ટો જ છે, માત્ર એને આધારે રોકાણનો નિર્ણય લેનારા ફસાઈ પણ શકે છે. વધુ પડતાં ઊંચાં પ્રીમિયમે શૅર લિસ્ટ થાય એ માટે પણ ઑપરેટરો કામ કરતા હોય છે, વાસ્તે આવા પેંતરાઓથી દોરવાઈ જવાને બદલે કંપનીના-ઈશ્યુનાં ફન્ડામેન્ટલ્સના આધારે જ આગળ વધવું બહેતર રહેશે.

બ્લૅક મની અને શૉર્ટ ટર્મ સટ્ટો


ગ્રે માર્કેટમાં રોકડેથી કામકાજ થઈ શકતાં હોવાથી ઑપરેટરો-સટોડિયા અહીં કાળાં નાણાં ધરાવનારા વર્ગને વધુ આકષીર્ શકે છે. બીજું, આ માર્કેટમાં સાવ જ ટૂંકા સમય માટે રોકાણ કરવાનું હોય છે. ઇશ્યુ ખૂલે અને બંધ થાય એ વચ્ચેનો સમયગાળો હવે એકદમ ઘટીને માંડ ૧૨-૧૫ દિવસનો રહ્યો હોવાથી પંદર દિવસમાં તો લગાડેલાં નાણાં છૂટાં થઈ જાય છે. ઇશ્યુ સારો હોય તો કમાવાના ચાન્સ વધુ રહે છે.

ઊંચા પ્રીમિયમથી સાવધાન


અત્યારે તો લેટેસ્ટ ત્રણ ઇશ્યુઓ પર મીટ મંડાઈ છે. જો આ ઇશ્યુ સફળ રહ્યા કે એમને રિસ્પૉન્સ સારો મળશે તો વધુ ઇશ્યુ કતારમાં ઊભા જ છે. ગયા વરસે આવેલા એમસીએક્સના સફળ ઇશ્યુ પછી ફરી વાર આ માર્કેટમાં નવું ચેતન આવ્યું છે. એમસીએક્સના ઇશ્યુમાં અરજી કરી શૅરો મેળવનારા અને પછીથી માર્કેટમાંથી ખરીદી કરનારા બન્ને પ્રકારના રોકાણકારોએ ઊંચું વળતર મેળવ્યું છે. પરિણામે હાલ બજારમાં આર્થિક સુધારાની અસરરૂપે પણ જ્યારે તેજીના સંકેત વધી રહ્યા છે, વિદેશી રોકાણકારોની ખરીદી સતત પત્ૅઝિટિવ બની રહી છે ત્યારે રોકાણકારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શૅરબજારની અને નવા ઇશ્યુઓની સફળતા પછી કંપનીઓના પ્રમોટરોની વધુ ઊંચું પ્રીમિયમ પડાવવાની અને કંપનીઓને ઊંચાં પ્રીમિયમ અપાવવાની મર્ચન્ટ બૅન્કર્સની મનોવૃત્તિ વધી શકે છે. આ ઉત્સાહમાં ખોટા ઇશ્યુ તેમના હાથમાં ન ભેરવાઈ જાય એ માટે પણ રોકાણકરોએ સાવચેત રહેવું જોઈશે. રોકાણકારો શરૂના ઉત્સાહનો અતિરેક શમી જાય એ પછી પણ બજારમાંથી એ શૅર ખરીદી શકે છે.

અનુભવોને યાદ કરજો


રીટેલમાં એફડીઆઇની મંજૂરીને મામલે સરકારના વિજય પછી વધુ આર્થિક સુધારા માટેની આશા વધી રહી છે. આમ તેજીને ટેકો આપે એવી ઘટનાનો માહોલ જામી રહ્યો છે ત્યારે હવે શૅરબજાર માટે પણ ૨૦ હજારથી ૨૧ હજારની આકર્ષક વાતો વધુ જોર પકડી રહી છે. નાના રોકાણકારો હજી અવઢવમાં હોઈ શકે છે. તેજી આગળ ચાલશે? હાલ ખરીદી કરવી કે રાહ જોવી? વધે તો નફો તરત બુક કરવો કે શૅરો રાખી મૂકવા? જેવા સવાલોના સ્પષ્ટ જવાબ મળતા નથી અને મળશે કે કેમ એ પણ સવાલ છે. આ સંજોગોમાં નબળા શૅરો ચલાવવાની પ્રવૃત્તિ પણ ચાલવા લાગી છે. સેબી અને એક્સચેન્જના સર્વેલન્સ વિભાગ સક્રિય બની શૅરોની વધઘટ પર નજર રાખી રહ્યા છે, એમ છતાં રોકાણકારોએ ભેરવાઈ ન જવાય એ માટે પોતે પણ જાગૃત રહેવું જોઈશે. જો આ વખતની તેજી ખરેખર ચાલી તો પણ કમાવા માટે સાચવીને નર્ણિયો લેવાનું યાદ રાખશો. આ માટે અગાઉ ૨૧ હજારે પહોંચેલા અને એ પછીના ઇન્ડેક્સના સમયને યાદ કરજો. અનુભવો ઘણું બધું શીખવી દેતા હોય છે.