મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે પણ માર્કેટમાં સુસ્તીનો માહોલ

20 November, 2012 06:16 AM IST  | 

મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે પણ માર્કેટમાં સુસ્તીનો માહોલ



શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી

ગઈ કાલે સપ્તાહના પ્રથમ કામકાજના દિવસ દરમ્યાન ભારતીય શૅરબજારોમાં કોઈ મોટી વધઘટ જોવા નહોતી મળી. હકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે પણ બજારે વધવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. બરાક ઓબામા દ્વારા યુએસની ફિસ્કલ ક્લિફની સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણ આપવામાં આવી હોવાને કારણે ગઈ કાલે એશિયાનાં બજારો અપ હતાં. જોકે સ્થાનિક બજારમાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. સેશનના અંતે મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ અગાઉના ૧૮,૦૩૯.૩૭ના બંધ સામે ૨૯.૬૭ પૉઇન્ટ (૦.૧૬ ટકા) વધીને ૧૮,૩૩૯ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૨.૬૫ પૉઇન્ટ (૦.૦૫ ટકા) જેવો નજીવો ઘટીને ૫૫૭૧.૪૦ બંધ રહ્યો હતો. સોમવારે મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅર્સમાં નોંધપાત્ર નબળાઈ જોવા મળી હતી. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૦.૮૯ ટકા અને ૦.૮૫ ટકા ઘટ્યાં હતા. બીએસઈનું માર્કેટ કૅપ ૬૪.૯૩ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૬૪.૭૧ લાખ કરોડ રૂપિયાનું થયું હતું.

ઑટો શૅર્સ સૌથી અધિક વધ્યા

ગઈ કાલે બીએસઈનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ફક્ત ચાર ઇન્ડેક્સ વધ્યાં હતાં. ઑટો ઇન્ડેક્સ સૌથી અધિક ૧.૦૪ ટકા એટલે કે ૧૦૭ પૉઇન્ટ વધ્યો હતો. ઑટો સેક્ટરની ૧૦માંથી પાંચ કંપનીઓ અપ હતી. આ ઇન્ડેક્સમાં મારુતિ સુઝુકી સૌથી અધિક ૫૫ રૂપિયા (૩.૮૭ ટકા) વધ્યો હતો. ત્યાર બાદ બજાજ ઑટો, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર અને હીરો મોટોકૉર્પ સૌથી અધિક વધ્યા હતા.

સેક્ટરલ ઇન્ડાઇસિસમાં સૌથી વધુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઘટ્યો હતો. આ ઇન્ડેક્સમાં ૧.૧૪ ટકાની નબળાઈ જોવા મળી હતી. આ ઇન્ડેક્સમાં ટીટીકે પ્રેસ્ટિજ ૨.૬૮ ટકા, બ્લુસ્ટાર ૨.૬૦ ટકા અને ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ ૧.૮૪ ટકા ગબડ્યા હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૮૩ ટકા ઘટ્યો હતો.

ઑટો ઇન્ડેક્સ બાદ એફએમસીજી ઇન્ડેક્સ સૌથી અધિક ૪૯ પૉઇન્ટ (૦.૮૭ ટકા) અપ હતો. આ ઇન્ડેક્સના સુધારામાં આઇટીસીનો મુખ્ય ફાળો હતો. આઇટીસી ૨.૭૦ ટકાના સુધારા સાથે ૨૮૧.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સમાં ૫૭ પૉઇન્ટનું ગાબડું પડ્યું હતું. આ ઇન્ડેક્સના બાયોકૉન ૩.૨૩ ટકા, લુપિન ૨.૨૭ ટકા, ગ્લેનમાર્ક ફાર્મા ૨.૦૫ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૧.૮૫ ટકા અને ડૉ. રેડ્ડી લૅબ ૧.૦૯ ટકા ડાઉન હતા.

મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅર્સ તૂટ્યાં

સેન્સેક્સના ૨૯ પૉઇન્ટના વધારાની સામે મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅર્સ ૬૦ પૉઇન્ટ ઘટ્યાં હતા. મિડ કૅપની ૨૪૬ સ્ક્રિપ્સમાંથી ૬૬ સ્ક્રિપ્સ અપ હતી, જ્યારે ૧૭૭ ડાઉન હતી. સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં પણ ઘટનારા શૅર્સની સંખ્યા વધારે હતી. ૧૪૮ વધેલા સ્ટૉક્સ સામે ૩૫૫ સ્ટૉક્સ ઘટ્યાં હતા.

૧૧૬ શૅર્સ એક વર્ષના શિખરે

ગઈ કાલે સેન્સેક્સની ૧૧૬ સ્ક્રિપ્સ તેના બાવન સપ્તાહના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં સેન્ચુરી એન્કા, આરએસડબ્લ્યુએમ, મૈસોર પેટ્રો, વેલસ્પન ઇન્ડિયા, હનીવેલ ઑટો, શ્રેઇ ઇન્ફ્રા, ગોદાવરી ડ્રગ્સ, વૈભવ જેમ્સ, મારુતિ સુઝુકી, કાવેરી સીડ, ટીબીઝેડ, રુશિલ ડેકોર વગેરેનો સમાવેશ છે. ઉત્તમ ગાલ્વા લૉઇડ્સ સ્ટીલને હસ્તગત કરશે એવી બજારની અફવાઓને કારણે લૉઇડ્સ સ્ટીલ પણ બાવન સપ્તાહના નવા શિખરે હતો.

આ ઉપરાંત ૧૧૫ સ્ક્રિપ્સ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં ઝાઇલોગ સિસ્ટમ્સ, ગોકુલ રિફોઇલ્સ, રુચિ સોયા, ધનલક્ષ્મી ફેબ્રિક્સ, ઑર્કિડ કેમિકલ, જીઈઆઇ ઇન્ડસ્ટ્રિયલ, પેટ્રન એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ છે. માર્કેટ બ્રેડ્થ ગઈ કાલે પણ નકારાત્મક રહી હતી. બીએસઈમાં ૧૦૬૨ કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૭૬૬ સ્ક્રિપ્સના ઘટ્યાં હતા.

સેન્સેક્સની ૧૩ કંપનીઓ વધી

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓના ભાવ ઘટ્યાં હતા. સેન્સેક્સમાં સમાવિષ્ટ શૅર્સમાં તાતા પાવર ૨.૫૨ ટકા, ટીસીએસ ૧.૯૦ ટકા, તાતા સ્ટીલ ૧.૬૧ ટકા અને એચડીએફસી ૧.૨૩ ટકા સૌથી અધિક ઘટ્યાં હતા. સેન્સેક્સના સુધારામાં આઇટીસી, ભારતી ઍરટેલ અને એચડીએફસી બૅન્કનો મુખ્ય ફાળો હતો.

છેલ્લાં ૬ ટ્રેડિંગ સેશનમાં આશરે પંચાવન ટકાના ઉછાળા બાદ ગઈ કાલે એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. સત્રના અંતે આ સ્ક્રિપ ૯.૫૮ ટકા એટલે કે આઠ રૂપિયા ઘટીને ૭૫.૫૫ બંધ રહ્યો હતો.

હનીવેલ ઑટોમાં ડીલિસ્ટિંગની અફવા

હનીવેલ ઑટોમેશન ઇન્ડિયાના ડીલિસ્ટિંગની બજારમાં થઈ રહેલી વાતોને કારણે ગઈ કાલે આ સ્ક્રિપમાં કરન્ટ જોવા મળ્યો હતો. દિવસના અંતે આ સ્ક્રિપ ૧૬ ટકા વધીને ૩૩૧૫ રૂપિયા બંધ રહી હતી. બે સપ્તાહના સરેરાશ ૪૧૩ શૅર્સના વૉલ્યુમમાં સામે ગઈ કાલે આ સ્ક્રિપમાં ૧.૧૬ લાખ શૅર્સનું વૉલ્યુમ જોવા મળ્યું હતું.

યુરોપિયન બજાર ઝળક્યાં

સોમવારે એશિયાની અને યુરોપની માર્કેટમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. ગઈ કાલે સવારે જપાનનો નિક્કી ૧.૪૧ ટકા વધ્યો હતો. જ્યારે હૉન્ગકૉન્ગનો હૅન્ગ સૅન્ગ ૦.૪૯ ટકા (૧૦૩ પૉઇન્ટ) અપ હતો. એશિયન માર્કેટની સાથે-સાથે યુરોપિયન બજારોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ગઈ કાલે સાંજ સુધી એફટીએસઈ ૧.૨૪ ટકા વધ્યો હતો, જ્યારે સીએસી અને ડેક્સમાં પણ ૧.૬૫ ટકાનો જમ્પ જોવા મળ્યો હતો.

એફઆઇઆઇની વેચવાલી

ગઈ કાલે બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૧૭૩૮.૨૫ કરોડ રૂપિયાની લેવાલી તથા ૧૭૩૯.૭૭ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક નાણાસંસ્થાઓની ૭૬૬.૪૭ કરોડ રૂપિયાની લેવાલી અને ૧૨૬૯.૦૭ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૧.૫૨ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી અને સ્થાનિક નાણાસંસ્થાઓની ૫૦૨.૬૦ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.