શાંતિ-પ્રયાસ સતેજ બનતાં શૅરબજારમાં રિલીફ-રૅલી

02 April, 2026 09:40 AM IST  |  Mumbai | Anil Patel

સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૦૧૭ પૉઇન્ટ ઊછળીને છેવટે ૧૧૮૭ પૉઇન્ટ વધ્યો, માર્કેટકૅપમાં ૯.૬૦ લાખ કરોડની વૃદ્ધિ : એશિયા ખાતે જપાન સાડાચાર ટકા, સાઉથ કોરિયા પોણાઆઠ ટકા, ઑસ્ટ્રેલિયા સવાબે ટકા સહિત સિંગાપોર, હૉન્ગકૉન્ગ, ઇન્ડોનેશિયા ભારતીય બજારથી વધુ મજબૂત થયા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઈરાનના મામલે આજે ૯ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે શુક્રવારે સવારે સાડાછ વાગ્યે) ટ્રમ્પે અમેરિકા ખાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને મહત્ત્વની જાહેરાત કરવાની વાત કરી છે. આ અગાઉ ટ્રમ્પ તરફથી પારોઠનાં પગલાં ભરવાના અણસાર અપાઈ ચૂક્યા છે. હોર્મુઝ ખાડી ખુલ્લી કરવાની જીદ કોરાણે મૂકી દીધી છે. જેને તેલની જરૂર હોય તે પોતાની રીતે મેળવી લે એમ કહીને વૈશ્વિક જમાદારીનો રોલ છોડી દીધો છે. બીજી તરફ યુદ્ધમાં મધ્યસ્થી માટે પહેલ કરનારા પાકિસ્તાનને હવે ચાઇનાનો જબરો સપોર્ટ મળી ગયો છે. તેણે સીઝફાયર માટે પાંચ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો છે. યુદ્ધમાં મધ્યસ્થીના મામલે પાકિસ્તાન સાથે ચાઇના મેદાનમાં ઊતરતાં એક રીતે ભારત માટે નામોશીભરી સ્થિતિ પેદા થઈ છે. જયશંકર આણિ મંડળી હવે દલાલ દેશનો ટોણો મારી શકે એમ નથી. ચાઇના સામે એક હરફ ઉચ્ચારવાની તેમની તાકાત નથી. ત્રીજી તરફ ઈરાને પણ એની કેટલીક શરત સાથે યુદ્ધવિરામ માટે દિલી ઇચ્છા બતાવી હોવાનું કહેવાય છે. મઝાની વાત એ છે કે આ બધા ખેલ વચ્ચે પણ સમગ્ર ગલ્ફ વિસ્તારમાં સામસામા હવાઈ હુમલા અને મિસાઇલમારો ચાલુ જ છે. દરમ્યાન બ્રેન્ટક્રૂડ યુદ્ધનો અંત નજીકમાં હોવાના આશાવાદ પાછળ નીચામાં ૯૮.૫૨ ડૉલર થઈ પોણાત્રણ ટકાના ઘટાડે ૧૦૧ ડૉલર ઉપર જોવાયું છે. અમેરિકન શૅરબજાર અઢી ટકા કે ૧૧૨૫ પૉઇન્ટના ઉછાળે ૪૬,૩૪૧ મંગળવારની મોડી રાતે બંધ રહ્યા પછી વિશ્વબજારોનો બુધવાર મઝેદાર ગયો છે. એશિયા ખાતે તાઇવાન સાડાચાર ટકા, સાઉથ કોરિયા પોણાઆઠ ટકા, હૉન્ગકૉન્ગ બે ટકા, જપાન સાડાચાર ટકા કે ૨૪૬૬ પૉઇન્ટ, સિંગાપોર પોણાબે ટકા, થાઇલૅન્ડ-ઇન્ડોનેશિયા તથા ચાઇના દોઢ-દોઢ ટકા, ઑસ્ટ્રેલિયા સવાબે ટકા વધીને બંધ રહ્યા છે. યુરોપ પણ રનિંગમાં સવાથી સવાબે ટકા ઉપર દેખાયું છે. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૫૭,૩૪૭ થઈ ૭૧૮૦ પૉઇન્ટની તેજીમાં ૧,૫૫,૯૨૪ ચાલતું હતું. હાજર સોનું એક ટકો વધીને ૪૭૧૮ ડૉલર તો કૉમેક્સ ગોલ્ડ દોઢ ટકો વધીને ૪૭૫૧ ડૉલરે આવી ગયું છે. કૉમેક્સ સિલ્વર અડધો ટકો ઘટીને ૭૪ ડૉલર ઉપર હતી. ઇન્ડસ્ટ્રિયલ મેટલમાં કૉપર, ઝિન્ક તથા ઍલ્યુમિનિયમ વાયદા એકથી બે ટકા પ્લસ થયા છે. બિટકૉઇન સામાન્ય સુધારામાં ૬૮,૫૩૫ ડૉલર હતો. ડૉલર સામે રૂપિયો જે ૩૦ માર્ચે ૯૫.૨૨ના ઑલટાઇમ તળિયે જઈને ૯૩.૪૫ બંધ થયો હતો એ ગઈ કાલે નીચામાં ૯૩.૮૮ બતાવી ૯૩.૩૦ ચાલતો હતો. ઇન-શૉર્ટ માર્ચ મહિનો દેશ અને દુનિયા માટે ઘણો કપરો હતો. એપ્રિલનો આરંભ ઘણો સારો થયો છે. હોપ-ફૅક્ટર કામે લાગ્યું છે એએપ્રિલફુલ પુરવાર ન થાય એવી પ્રાર્થના કરીએ.

જેટ-ફ્યુઅલ મોંઘું થવા છતાં ઇન્ડિગોમાં ૨૪૫ રૂપિયાની તેજી

સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૨૫ અને નિફ્ટીમાં ૫૦માંથી ૪૦ વધેલા શૅરમાં ઇન્ડિગો ઉપરમાં ૪૩૩૨ બતાવીને ૬.૨ ટકા કે ૨૪૫ રૂપિયાના જમ્પમાં ૪૧૮૯ થઈ છે. અદાણી એન્ટર ૪.૭ ટકા અને અદાણી પોર્ટ્‍સ ૫.૫ ટકા મજબૂત હતી. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર ૪.૪ ટકા, અદાણી એનર્જી ૨.૩ ટકા, અદાણી ગ્રીન સાડાપાંચ ટકા, અદાણી ટોટલ અઢી ટકા, ACC ૬ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૪.૮ ટકા, NDTV ૧૩.૭ ટકા ઊછળી છે. ટ્રેન્ટ ૬.૭ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૪.૫ ટકા, લાર્સન ૩ ટકા, એટર્નલ ૩.૩ ટકા, એશિયન પેઇન્ટસ અઢી ટકા, ટાઇટન ૨.૬ ટકા, મહિન્દ્ર અઢી ટકા, બજાજ ફાઇનૅન્સ અઢી ટકા, તાતા સ્ટીલ દોઢ ટકા, આઇશર મોટર્સ ૩.૬ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૩.૩ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર સવાબે ટકા, હિન્દાલ્કો ૨.૩ ટકા, ITC ૧.૩ ટકા વધી હતી.

HDFC બૅન્ક ૧.૪ ટકા વધી ૭૪૨ બંધમાં બજારને ૧૩૩ પૉઇન્ટ તો સ્ટેટ બૅન્ક ૩.૯ ટકા વધી ૧૦૧૮ બંધમાં ૧૩૪ પૉઇન્ટ ફળી છે. ઍક્સિસ બૅન્ક ૨.૭ ટકા, ICICI બૅન્ક અડધો ટકા, કોટક બૅન્ક પોણો ટકા પ્લસ હતી. રિલાયન્સ ઉપરમાં ૧૩૮૪ નજીક જઈ ૧.૮ ટકા વધીને ૧૩૬૮ બંધ આપી ૧૪૧ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. જિયો ફાઇનૅન્શ્યલ ૩.૫ ટકા ઊંચકાઈ છે. ITમાં હેવીવેઇટ TCS બે ટકા, ઇન્ફોસિસ બે ટકા, વિપ્રો ૧.૯ ટકા, ટેક મહિન્દ્ર સવા ટકો, HCL ટેક્નૉલૉજીઝ ૧.૨ ટકા વધ્યા છે. નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ સાડાત્રણ ટકા, HDFC લાઇફ ૨.૮ ટકા, સિપ્લા ૧.૮ ટકા ડાઉન હતી. સેન્સેક્સમાં સનફાર્મા ૧.૬ ટકા, NTPC ૧.૬ ટકા તથા પાવરગ્રીડ ૧.૧ ટકા ઘટીને મોખરે રહી છે.

તમામ શૅરની તેજીમાં નિફ્ટી ડિફેન્સ-ઇન્ડેક્સ બેસ્ટ ગેઇનર

વિશ્વબજારોના પગલે ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૮૧૫ પૉઇન્ટના તગડા બાઉન્સ બૅકમાં ૭૩,૭૬૨ ખૂલી છેવટે ૧૧૮૭ પૉઇન્ટ વધીને ૭૩,૧૩૪ તથા નિફ્ટી ૩૪૮ પૉઇન્ટ વધીને ૨૨,૬૭૯ ગઈ કાલે બંધ થયો છે. સ્ટ્રૉન્ગ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૭૩,૯૬૪ થયો હતો. ત્યાંથી બજાર નીચામાં ૭૨,૯૭૨ દેખાયું હતું. નિફ્ટીમાં ૨૨,૯૪૧ની ઇન્ટ્રા-ડે ટૉપ બની હતી. દમદાર માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૯૩૬ શૅરની સામે ૨૮૩ કાઉન્ટર નરમ હતાં. માર્કેટકૅપ ૯.૬૦ લાખ કરોડ ૪૨૨.૦૧ લાખ કરોડ રૂપિયા થયું છે. તમામ સેક્ટોરલ વધ્યા છે. નિફ્ટી ફાર્મા એક ટકો અને હેલ્થકૅર ઇન્ડેક્સ નહીંવત્ ઢીલો હતો. સેન્સેક્સ તથા નિફ્ટીના ૧.૬ ટકાના સુધારા સામે ગઈ કાલે બૅન્ક નિફ્ટી સવાબે ટકા કે ૧૧૭૩ પૉઇન્ટ, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાચાર ટકા, નિફ્ટી મીડિયા ૩.૭ ટકા, નિફ્ટી ડિફેન્સ ૫.૩ ટકા, મેટલ ઇન્ડેક્સ ૨.૪ ટકા, કૅપિટલ ગુડ્સ સવાત્રણ ટકા, ઑટો ઇન્ડેક્સ પોણાબે ટકા, ફાઇનૅન્સ ૨.૧ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવાબે ટકા, ટેલિકૉમ ૧.૭ ટકા, રિયલ્ટી ૨.૨ ટકા, પાવર ૧.૪ ટકા, યુટિલિટીઝ સવા ટકો, IT ઇન્ડેક્સ ૨.૪ ટકા વધ્યો હતો.

ડિફેન્સ ઇન્ડેક્સ તમામ ૧૯ શૅરની મજબૂતી સાથે ઉપરમાં ૭૭૧૩ નજીક જઈ ૭૮૪ પૉઇન્ટ કે ૫.૩ ટકા ઊછળીને ૭૫૯૮ રહ્યો છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ૨૩૬૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૯.૮ ટકા કે ૩૮૯ રૂપિયાની તેજીમાં ૨૩૬૦ થઈ છે. માઝગાવ ડૉક સવાબાર ટકા કે ૨૫૪ રૂપિયા, કોચિન શિપયાર્ડ ૧૨.૧ ટકા કે ૧૪૫ રૂપિયા, ભારત ડાયનૅમિક્સ ૧૦.૨ ટકા કે ૧૧૨ રૂપિયા, તનેજા ઍરોસ્પેસ ૧૭.૬ ટકા, નાઇબ લિમિટેડ ૭.૮ ટકા, અપોલો માઇક્રોવેવ ૭.૬ ટકા, પારસ ડિફેન્સ ૮.૨ ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ ૫.૪ ટકા, રસેલ ટેક્સિસ સાડાછ ટકા, DCX ઇન્ડિયા ૬.૬ ટકા, અવાન્ટેલ સવાછ ટકા, મિશ્રધાતુ નિગમ સાડાછ ટકા, એસ્ટ્રામાઇક્રોવેવ ૫.૨ ટકા ઊછળી છે.

મેઇન બોર્ડમાં ૩ સહિત આજે કુલ ૪ ભરણાં લિસ્ટેડ થશે

SME સેગમેન્ટમાં ગઈ કાલે હરિયાણાના સોનીપતની ટિપ્કો એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૮૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૮૯ ખૂલી ઉપરમાં ૯૦ અને નીચામાં ૮૪.૭૯ થઇ ૮૯.૭૯ બંધ રહેતાં ૪.૭ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આજે ગુરુવારે મેઇન બોર્ડ ખાતે પાવરિકા લિમિટેડ, સાંઈ પેરન્ટલ્સ તથા અમીર હાઇનેસ માઇક્રો ઇલેક્ટ્રૉનિક્સનાં લિસ્ટિંગ છે. હાલમાં ગ્રેમાર્કેટ ખાતે પાવરિકામાં પાંચ રૂપિયા, અમીરચંદમાં ૩ રૂપિયા તથા હાઇનેસમાં ૨૯ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. જયપુરની એમિયાક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૯૮ની અપર બેન્ડ સાથે ૩૨ કરોડનો ઇશ્યુ નિયત મુદતમાં ન ભરાતાં એની તારીખ લંબાવીને ૮ એપ્રિલ કરાઈ છે. ભરણું ગઈ કાલ સુધીમાં રીટેલમાં ૩૦ ટકા સહિત કુલ ૨૫ ટકા ભરાયું છે. ઇશ્યુ ૨૭ માર્ચે ખૂલ્યો હતો. આશરે સાડાદસ ટકા લિસ્ટિંગ લૉસમાં સોમવારે ૧૫૪ બંધ થયેલી સેન્ટ્રલ માઇન પ્લાનિંગ ગઈ કાલે ઉપર ૧૬૩ થઈ સવાચાર ટકા વધીને ૧૬૦ રહી છે. જ્યારે દોઢ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૬ બંધ થયેલી સ્પેશ્યલિટી મેડિસિન્સ ગઈ કાલે ઉપરમાં ૧૨૭ થઈને સાધારણ વધી ૧૨૬ હતી.

બીટુબી સૉફ્ટવેર બે શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે ૪ ગણા કામકાજે ઉપરમાં ૪૭ બતાવી એક ટકો સુધરીને ૪૫ રહી છે. સુરતની આર ઍન્ડ બી ડેનિમ્સે બે શૅરદીઠ એક બોનસ તથા બેના શૅરના એક રૂપિયામાં વિભાજન માટેની રેકૉર્ડ ડેટ હવે ૩ એપ્રિલ ઠરાવી છે. શૅર ગઈ કાલે પાંચ ટકા તૂટીને ૬૧.૬૧ની પોણાબે વર્ષની બૉટમ બતાવી ત્યાં જ બંધ થયો છે.

કૅપિટલ માર્કેટ રિલેટેડ શૅરોમાં રિઝર્વ બૅન્કની રાહતનો કરન્ટ

રિઝર્વ બૅન્ક તરફથી કૅપિટલ માર્કેટ રિલેટેડ બૅન્ક એક્સપોઝરને લગતા નવા ધોરણનો અમલ ૩ મહિના પાછો ઠેલાયો છે. આના પગલે ગઈ કાલે નિફ્ટીનો કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ ગઈ કાલે ૪.૬ ટકા વધ્યો હતો. એના ૧૭માંથી ૧૬ શૅર મજબૂત હતા. BSE લિમિટેડ ઉપરમાં ૨૯૦૦ બતાવી ૬.૯ ટકા કે ૧૮૪ રૂપિયાની તેજીમાં ૨૮૬૭ થયો છે. MCX લિમિટેડ ૨૫૦૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૩ ટકા વધીને ૨૪૬૯ હતો. NSDL ૬.૮ ટકાના જમ્પમાં ૮૪૪, CDSL પોણાછ ટકા ઊંચકાઈને ૧૧૮૩, એન્જલ વન ૫.૪ ટકાના જોશમાં ૨૪૦ મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્સ સર્વિસિસ ૬૯૦ નજીક જઈને સાડાસાત ટકાના ઉછાળે ૬૮૧ બંધ થયો છે. અન્યમાં ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૪.૭ ટકા, શૅર ઇન્ડિયા ૧૦.૮ ટકા, આદિત્ય બિરલા મની સવાતેર ટકા, જિયોજિત ફાઇનૅન્સ સાડાનવ ટકા, દામ કૅપિટલ સવાદસ ટકા, ગ્રો પેમ બિલિયન બ્રેઇન્સ સાડાસાત ટકા, IIFL કૅપિટલ્સ ૭ ટકા, સુમિત સિક્યૉરિટીઝ ૧૧.૭ ટકા, SMC ગ્લોબલ ૭.૯ ટકા, નુવામો વેલ્થ ઉપર ૧૨૦૧ બતાવી એક ટકો ઘટીને ૧૧૪૪, આનંદરાઠી શૅર ઍન્ડ સ્ટૉક બ્રોકિંગ ૭.૭ ટકા, આનંદરાઠી વેલ્થ ૨.૭ ટકા, કૅમ્સ પોણાપાંચ ટકા વધીને બંધ થઈ છે.

કાનપુરની અગાઉ ગણેશ પૉલિટૅક્સ તરીકે જાણીતી હાલની ગણેશ ઇકોસ્ફિયર ગઈ કાલે ૪ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૨૩ નજીક જઈને ૧૭૦ રૂપિયા ઊછળી ત્યાં જ બંધ થઈ છે. એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ ૧૬૮ વટાવી ૧૭.૬ ટકાના કરન્ટમાં ૧૬૫ થઈ છે. ઝગલ પ્રી-પેઇડ ત્રણગણા કામકાજમાં ૨૨૪ નજીક જઈને સોળ ટકાના જમ્પમાં ૨૧૭ હતી. એક્યુતાસ કેમિકલ્સ ૨૬૮૮ના બેસ્ટ લેવલે જઈને પ્રૉફિટ બુકિંગમાં ૯.૪ ટકા તૂટી ૨૩૧૭ રહી છે. ઇપ્કા લૅબ્સ ૫.૭ ટકા તથા હ્યુન્દાઇ મોટર્સ ૩.૫ ટકા ડૂલ થઈ છે. ઇન્ડોકો રેમેડીઝ ૧૩.૫ ટકાની તજીમાં ૧૮૭ થઈ છે. વેસ્ટલાઇફ ફૂડવર્ક‌્સ ૪.૪ ટકાની ખરાબીમાં ૪૬૨ હતી.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange