નફારૂપી વેચવાલીને પગલે બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં

08 December, 2012 09:19 AM IST  | 

નફારૂપી વેચવાલીને પગલે બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં




(શૅરબજારનું ચલકચલાણું)


રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણને મંજૂરી માટે ગઈ કાલે રાજ્યસભામાં વોટિંગમાં સરકાર જીતી જશે એવી અપેક્ષાને પગલે પ્રારંભમાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ બજારમાં વૃદ્ધિને પગલે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત રોકાણકારોએ સાવચેતીનો વ્યૂહ અપનાવ્યો હતો એને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થયા પછી એવા સમાચાર આવ્યા હતા કે રાજ્ય સરકારમાં પણ રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણની મંજૂરીની બાબતે સરકારની જીત થઈ છે.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ગુરુવારના ૧૯,૪૮૬.૮૦ના બંધ સામે ૧૯,૫૧૪.૮૮ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૯૫૬૧.૮૭ અને ઘટીને નીચામાં ૧૯,૩૬૩.૧૩ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૬૨.૭૦ ઘટીને ૧૯,૪૨૪.૧૦ બંધ રહ્યો હતો. મિડ કેપ ઇન્ડેક્સ માત્ર ૫.૫૫ ઘટીને ૭૦૭૦.૩૭ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૭.૭૯ ઘટીને ૭૪૪૫.૯૮ બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૩.૫૦ ઘટીને ૫૯૦૭.૪૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૯૦૦ પૉઇન્ટ્સની ઉપર બંધ આવ્યો હતો.

રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ બાબતે સરકારની જીત થઈ છે એટલે હવે આગામી સમયમાં સરકાર અન્ય આર્થિક સુધાર તેમ જ અર્થતંત્ર સંબંધિત અન્ય પેન્ડિંગ બિલ્સ પણ પસાર કરી શકશે એવી અપેક્ષા છે. એને કારણે હવે બજારમાં સુધારો જોવા મળશે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ


મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૧ ઘટ્યાં હતાં અને માત્ર બે જ ઇન્ડાઇસિસમાં વૃદ્ધિ થઈ હતી.

ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૫૫.૬૮ વધીને ૧૦,૯૩૬.૩૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવમાં વધારો થયો હતો. મારુતિ સુઝુકીનો ભાવ સૌથી વધુ ૧.૯૪ ટકા વધીને ૧૫૧૦.૯૫ બંધ રહ્યો હતો. કમિન્સ ઇન્ડિયાનો ભાવ ૧.૨૭ ટકા વધ્યો હતો.

ક્ન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૪૩.૩૩ વધીને ૮૧૪૪.૭૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૫ કંપનીના ભાવ વધ્યા હતા. ગીતાંજલિ જેમ્સનો ભાવ સૌથી વધુ ૮.૯૨ ટકા વધીને ૫૨૦.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો.

મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૮૨.૩૬ ઘટીને ૧૦,૫૬૯.૩૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૭ કંપનીના શૅરના ભાવમાં ઘટાડો થયો હતો.

નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનો ભાવ સૌથી વધુ ૩.૧૧ ટકા ઘટીને ૧૫૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૨૫ ટકા અને સેસાગોવાનો ૨.૧૧ ટકા ઘટ્યો હતો.

બૅન્કેક્સ ૭૪.૦૧ ટકા ઘટીને ૧૪,૧૮૩.૨૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૧ના ભાવ ઘટ્યા હતા.

ઇન્ડસઇન્ડ બૅન્કનો ભાવ સૌથી વધુ ૩.૪૫ ટકા વધીને ૪૧૧.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. યસ બૅન્કનો ભાવ ૨.૪૯ ટકા અને ઍક્સિસ બૅન્કનો ૨.૨૮ ટકા ઘટ્યો હતો.

આઇટી ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે પણ ઘટ્યો હતો. ગઈ કાલે ૫૫.૮૪ ઘટીને ૫૬૪૪.૪૧ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો


સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૧૧ના ભાવ વધ્યા હતા, જ્યારે ૧૯ના ભાવમાં ઘટાડો થયો હતો. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૧.૯૪ ટકા વધ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૨૫ ટકા ઘટ્યો હતો.

૪૪ શૅર્સ ટૉપ પર


ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૪૪ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ગીતાંજલિ જેમ્સ, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, અતુલ, અતુલ ઑટો, સિટી યુનિયન બૅન્ક વગેરેનો સમાવેશ છે.

૮ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ડાયનાકૉન્સ ટેક્નૉલૉજીઝ, માર્સ સૉફ્ટવેર, પ્રદીપ ઓવરસીઝ, તારા જ્વેલ્સ વગેરેનો સમાવેશ છે.

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૪૩૬ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૮૬ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

ગીતાંજલિ જેમ્સ


ગીતાંજલિ જેમ્સનો ભાવ ૮.૯૨ ટકા વધીને ૫૨૦.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૨૭ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૭૮.૯૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૩૧.૦૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્ત્ાાહમાં દૈનિક સરેરાશ ૨.૩૧ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૬.૦૪ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં.

સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીએ પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૧૫ ટકા વધીને ૧૫૨ કરોડ રૂપિયા થયો છે. છેલ્લા એક મહિનામાં શૅરના ભાવમાં ૩૧ ટકા વૃદ્ધિ થઈ ગઈ છે.

ક્લેરીસ લાઇફસાયન્સિસ


ક્લેરીસ લાઇફસાયન્સિસનો ભાવ ૩.૭૫ ટકા ઘટીને ૨૬૪.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૮૨.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૬૦.૦૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૪.૨૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્ત્ાાહમાં દૈનિક સરેરાશ ૪.૧૧ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૮.૯૨ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

કંપનીએ ઇન્ફયુઝન્સ બિઝનેસનું ૧૦૫૦ કરોડ રૂપિયામાં વેચાણ કરી દીધું છે. આ બિઝનેસનું મૂલ્ય ૧૩૧૩ કરોડ રૂપિયા હતું.

હેક્ઝાવેર ટેક્નૉલૉજીઝ

હેક્ઝાવેર ટેક્નૉલૉજીઝનો ભાવ ૯.૩૦ ટકા ઘટીને ૯૬.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૦૭.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૯૫.૭૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૨.૫૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્ત્ાાહમાં દૈનિક સરેરાશ ૨.૮૧ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨૨.૭૬ લાખ શૅરનું કામકાજ રહ્યું હતું. કંપનીએ ડિસેમ્બરમાં પૂરા થનારા ક્વૉર્ટર તેમ જ વર્ષ માટે રિવાઇઝ્ડ ડાઉનવર્ડ રેવન્યુ ગાઇડન્સ જાહેર કરી હોવાથી ભાવ ઘટ્યો હતો.

એફઆઇઆઇની ચોખ્ખી લેવાલી


મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૮૫૪.૩૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૨૦૬.૨૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૬૪૮.૦૫ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૩૪.૪૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૮૩૨.૯૫ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૭૯૮.૪૮ કરોડ રૂપિયા રહી હતી.

એફઆઇઆઇ = ફૉરેન ઇસ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી