ઘરઆંગણે સેન્સેક્સ સુધર્યો પણ નિફ્ટી સતત છઠ્ઠા દિવસે ઘટાડામાં

28 February, 2025 07:01 AM IST  |  Mumbai | Anil Patel

ક્રિપ્ટોકરન્સીમાં ભારે વેચવાલી, બિટકૉઇન નીચામાં ૮૭,૧૯૦ ડૉલરની સવાત્રણ મહિનાની નીચી સપાટીએ : બજારની માર્કેટ બ્રેડ્થ નબળી, માર્કેટકૅપમાં વધુ ૧.૪૮ લાખ કરોડનું ધોવાણ

પ્રતીકાત્મક તસવીર

ક્રિપ્ટોકરન્સીમાં ભારે વેચવાલી, બિટકૉઇન નીચામાં ૮૭,૧૯૦ ડૉલરની સવાત્રણ મહિનાની નીચી સપાટીએ : બજારની માર્કેટ બ્રેડ્થ નબળી, માર્કેટકૅપમાં વધુ ૧.૪૮ લાખ કરોડનું ધોવાણ : બિઝાસણ એક્સ્પ્લોટેકમાં ઇશ્યુ પૂરો થતાંની સાથે જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગાયબ : સ્ટેટ બૅન્કમાં નવી નીચી સપાટી, સનફાર્માની સ્પાર્ક ૧૦ મહિનામાં ૪૭૪ની ટૉપથી ૧૨૪ના તળિયે : અનલિસ્ટેડ માર્કેટમાં તાતા કૅપિટલ સપ્તાહમાં ૯૦૫થી વધીને ૧૧૦૦ રૂપિયા થયો : સેરા સૅનિટરી છ મહિનામાં ૫૧ ટકાના ધોવાણમાં બે વર્ષના વર્સ્ટ લેવલે : ટીસીએસ વર્ષના તળિયે જવાની તૈયારીમાં

ચાલુ કૅલેન્ડર વર્ષના મોટા કડાકા સાથે પાંચ દિવસમાં કુલ ૧૫૪૨ પૉઇન્ટની નબળાઈ બાદ મંગળવારે સેન્સેક્સ ૧૪૬ પૉઇન્ટ જેવા સુધારામાં ૭૪,૬૦૨ બંધ થયો છે, પરંતુ સળંગ છઠ્ઠા દિવસની પીછેહઠમાં છ પૉઇન્ટ ઘટી ૨૨,૫૪૭ રહ્યો છે. સેન્સેક્સ નેગેટિવ બાયસમાં ફ્લૅટ ૭૪,૪૪૦ ખૂલી નીચામાં ૭૪,૪૦૦ અને ઉપરમાં ૭૪,૭૮૫ થયો હતો. અથડાયેલા બજારના સેક્ટોરલ પણ અથડાયેલા કે મિશ્ર વલણમાં હતા. મેટલ ઇન્ડેક્સ પોણાબે ટકા નજીક, રિયલ્ટી તથા ઑઇલ-ગૅસ સવા ટકા આસપાસ, એનર્જી ઇન્ડેક્સ એક ટકાથી વધુ, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, નિફ્ટી આઇટી પોણો ટકો તો કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ માઇનસ થયો છે, સામે નિફ્ટી મીડિયા પોણો ટકો, ટેલિકૉમ પોણો ટકા નજીક તો નિફ્ટી ઑટો અડધો ટકો પ્લસ હતા. રોકડું અને બ્રૉડર માર્કેટ સાધારણથી અડધો ટકો ઘટ્યું છે. સરવાળે નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૧૧૭ શૅરની સામે ૧૭૧૭ કાઉન્ટર ઘટ્યાં હતાં. બજારનું માર્કેટકૅપ પણ ૧.૪૮ લાખ કરોડ ઘટી હવે ૩૯૬.૪૯ લાખ કરોડની અંદર આવી ગયું છે. ડૉલર સામે રૂપિયો ૫૫ પૈસા ગગડી ફરી પાછો ૮૭ની પાર થયો છે.

એશિયન બજાર વધુ ઢીલાં પડ્યાં છે. ગઈ કાલે ઇન્ડોનેશિયા તથા થાઇલૅન્ડ અઢી ટકા, જપાન દોઢ ટકા નજીક, હૉન્ગકૉન્ગ અને તાઇવાન સવા ટકો, ચાઇના પોણો ટકો, સાઉથ કોરિયા અડધા ટકાથી વધુ કટ થયાં હતાં. યુરોપ રનિંગમાં નજીવી વધઘટે ફ્લૅટ હતું. બિટકૉઇન આગલા દિવસના ધોવાણને આગળ વધારતાં નીચામાં ૮૭,૧૯૦ ડૉલર બતાવી સવાઆઠ ટકાની ખરાબીમાં ૮૭,૮૩૧ ડૉલર ચાલતો હતો. આજની તારીખે બિટકૉઇન સવાત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ સાત ટકા ગગડી ૨.૯૨ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૫,૮૮૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨૯૯ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૧૪,૬૨૯ બંધ આવ્યું છે.

પ્રાઇમરી માર્કેટમાં ગાંધીનગર, ગુજરાતની બિઝાસણ એક્સ્પ્લોટેકનો શૅરદીઠ ૧૭૫ના ભાવનો ૬૦ કરોડનો SME ઇશ્યુ કુલ ૫.૪ ગણો ભરાઈને પૂરો થયો છે. એની સાથે જ ગ્રે માર્કેટમાં બોલાતું ૪ રૂપિયાનું પ્રીમિયમ પણ ગાયબ થયું છે. શૅરદીઠ ૨૩૪ના ભાવનો ન્યુક્લિયસ ઑફિસ સૉલ્યુશન્સ અત્યાર સુધીમાં ૬૭ ટકા ભરાયો છે. ઇશ્યુ ગુરુવારે બંધ થશે. જ્યારે શ્રીનાથ પેપરનો શૅરદીઠ ૪૪ના ભાવનો ૨૩૩૬ લાખનો BSE SME IPO એના પ્રથમ દિવસે માત્ર ૧૪ ટકા ભરાયો છે.

ઇન્દોરની બાલાજી ફૉસ્ફેટ્સ ૧૦ના શૅરદીઠ ૭૦ રૂપિયાની અપર બૅન્ડમાં ૮૫૩ લાખની OFS સહિત કુલ ૫૦૧૧ લાખનો NSE SME ઇશ્યુ શુક્રવારે કરવાની છે. ઑફર ફૉર સેલના ૮૫૩ લાખ પ્રમોટર્સના ઘરમાં જશે. તેમની શૅરદીઠ સરેરાશ પડતર પોણાત્રણ રૂપિયા જેવી છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ EPS ત્રણ રૂપિયા કરતાં સહેજ વધુની છે. ગત વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૭ કરતાં ઊંચો પીઇ સૂચવે છે.

આઇટીસી હોટેલ્સ નવા તળિયે, ૬૩ મૂન્સમાં ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક

ભારતી ઍરટેલ ૨.૬ ટકાની મજબૂતીમાં ૧૬૪૧ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે મોખરે હતો. મહિન્દ્ર પણ આટલો જ વદ્યો હતો. બજાજ ફાઇનૅન્સ ૮૫૨૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧.૭ ટકા વધી ૮૪૯૨ હતો. નેસ્લે તથા ઝોમાટો સવા ટકા જેવા પ્લસ હતા. નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ સાડાત્રણ ટકા, હિન્દાલ્કો અઢી ટકા અને ટ્રેન્સ સવાબે ટકા ખરડાયા હતા. સેન્સેક્સમાં સનફાર્મા ૧.૬ ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકા તથા પાવરગ્રીડ ૧.૪ ટકા બગડી વર્સ્ટ પર્ફોર્મર બન્યા છે. રિલાયન્સ એક ટકાની નબળાઈમાં ૧૨૦૨ બંધ આપી બજારને ૭૧ પૉઇન્ટ નડ્યો છે. ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો સવા ટકો અને હીરો મોટોકૉર્પ દોઢ ટકો ડાઉન હતા.

સાડાદસ મહિનામાં ૨૫૬૬ ટકાની તેજી દાખવનારી થાણેની સતત ખોટ કરતી, કસ વગરની કંપની RRP સેમિકન્ડક્ટર માત્ર બે શૅરના કામકાજમાં બે ટકાની એક વધુ ઉપલી સર્કિટમાં ૪૦૮ નજીક નવા સર્વોચ્ચ શિખરે બંધ રહ્યો છે. બીજી એપ્રિલે ભાવ માત્ર ૧૫ રૂપિયા હતો. કેમલીન ફાઇન ૧૬૫ના શિખરે ગયા બાદ ચાર ટકા ગગડી ૧૫૫ બંધ થયો છે. એલકેપી ફાઇનૅન્સ ૩૬૨ની નવી ટૉપ બતાવી સવાબે ટકા વધી ૩૪૦ રહ્યો છે. ૬૩ મૂન્સ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં પાંચ ટકા વધી ૭૫૫ નજીક સરક્યો છે. કેનફીન હોમ્સ અઢી ગણા વૉલ્યુમે ૫૫૮ની વર્ષની બૉટમ બનાવી પોણાપાંચ ટકાની ખરાબીમાં ૫૭૬ હતો. ૧૩ સપ્ટેમ્બરે અહીં ૯૫૧ની ટૉપ બની હતી.

૨૬ ઑગસ્ટે ૧૧,૫૦૦ નજીક ઑલટાઇમ હાઈ થયેલી સેરા સૅનિટરી મંદીની ચાલમાં ૫૩૭૭ની બે વર્ષની નીચી સપાટી નોંધાવી સવાત્રણ ટકા ખરડાઈ ૫૪૦૦ બંધ આવ્યો છે. ડી-મર્જરના પગલે અસ્તિત્વમાં આવેલી અને તાજેતરમાં લિસ્ટેડ થયેલી આઇટીસી હોટેલ્સ ૧૫૮નું વર્સ્ટ લેવલ દેખાડી સામાન્ય સુધારે ૧૬૧ હતો. સ્ટેટ બૅન્ક ૭૧૦ નીચે નવી ઐતિહાસિક બૉટમ બનાવી પોણો ટકો ઘટી ૭૧૧ રહ્યો છે. સનફાર્માની સ્પાર્ક ૧૨૪ની નવી નીચી સપાટીએ જઈ બે ટકા બગડી ૧૨૪ ઉપર બંધ આવ્યો છે. ભાવ દસેક મહિના પહેલાં ૪૭૪ના બેસ્ટ લેવલે જોવાયો હતો.

તાતા ગ્રુપના ચાર શૅર નવા તળિયે, તાતા ઇન્વેસ્ટમેન્ટમાં ઝમક

તાતા ગ્રુપની તાતા કૅપિટલ આશરે ૧૫,૦૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ લાવવાની દિશામાં આગળ વધી રહી છે. ઇશ્યુમાં ૧૦ રૂપિયાનો એક એવા ૨૩ કરોડ શૅર ઑફર ફૉર સેલ મારફત રોકાણકારોને ઇશ્યુ કરાશે. આ ધોરણે સૂચિત ૧૫,૦૦૦ કરોડના ભરણાની વાત શૅરદીઠ ૬૫૦ આસપાસની સંભવિત ઇશ્યુ પ્રાઇસ સૂચવે છે. પબ્લિક ઇશ્યુ આવે એ પહેલાં કંપનીએ ૧૫૦૪ કરોડનો રાઇટ ઇશ્યુ કરવાનું નક્કી કર્યું છે. રાઇટના રેશિયો તથા ભાવ હવે નક્કી થશે. દરમ્યાન અનલિસ્ટેડ માર્કેટમાં તાતા કૅપિટલનો શૅર છેલ્લા એકાદ સપ્તાહમાં ૯૦૫ રૂપિયાથી ઊચકાઈ ૧૧૦૦ થઈ ગયો છે. તાતા કૅપિટલમાં પ્રમોટર તાતા સન્સ ૯૩ ટકા હિસ્સો ધરાવે છે. તાતા ગ્રુપની લિસ્ટેડ કંપની તાતા ઇન્વેસ્ટમેન્ટ પાસે પણ બે ટકા માલ છે. આના લીધે ગઈ કાલે તાતા ઇન્વેસ્ટમેન્ટનો શૅર ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૬૩૪૪ થઈ ૭.૩ ટકા કે ૪૧૯ રૂપિયાની મજબૂતીમાં ૬૧૬૯ બંધ રહ્યો છે.

તાતા ગ્રુપના અન્ય શૅરમાં તાતા મોટર્સ ૬૬૦ની ૧૬ મહિનાની નવી બૉટમ બનાવી એક ટકો ઘટી ૬૬૨ હતો. તાતા કેમિકલ્સ ૮૨૫ની ૩૧ મહિનાની નવી નીચી સપાટી નોંધાવી એક ટકો ઘટી ૮૨૭ રહ્યો છે. તાતા કમ્યુનિકેશન્સ ૧૪૦૧નું ૨૦ મહિનાનું તળિયું દેખાડી સવાબે ટકાના ઘટાડે ૧૪૦૫ થયો છે, જ્યારે તાતા ઍલેક્સી ૫૬૭૫ની લગભગ સવાત્રણ વર્ષની નીચી સપાટીએ જઈ ૨.૭ ટકા ગગડી ૫૬૯૫ હતો. ૨૦૨૪ની ૨૭ ઑગસ્ટે ભાવ ૯૦૮૩ની વર્ષની ટોચે ગયો હતો. હેવી વેઇટ ટીસીએસ નીચામાં ૩૬૨૩ થઈ સવા ટકો ઘટી ૩૬૩૧ રહ્યો છે. અહીં વર્ષનું બૉટમ ૩૫૯૩નું છે. તાજ જીવીકે ચાર ટકાની તેજીમાં ૪૬૩ હતો. બનારસ હોટેલ્સ ૨.૯ ટકાની નરમાઈમાં ૧૧,૮૬૧ હતો. ટીઆરએફ બે ટકા, તાતા સ્ટીલ અડધો ટકો, તાતા પાવર એક ટકો ઘટ્યા છે. ટાઇટન પોણો ટકો પ્લસ હતો. વૉલ્ટાસ અને તાતા કન્ઝ્યુમર સાધારણ અને રાલિસ ઇન્ડિયા સવા ટકો વધ્યા છે. તેજસ નેટ નજીવી સુધરી ૭૬૧ હતો. તાતા ટેલિ અડધો ટકો વધ્યો છે. તાતા ટેક્નૉ નહીંવત્ ઢીલો થયો છે. ટ્રેન્ટ સવાબે ટકા કે ૧૧૫ રૂપિયાની નરમાઈમાં ૪૯૫૭ હતો. ૧૪ ઑક્ટોબરે અહીં ૮૩૪૬નું બેસ્ટ લેવલ બન્યું હતું.

નારાયણા હૃદયાલય ઑલટાઇમ હાઈ, ડૉ. લાલ પૅથલૅબ્સ પટકાયો

અદાણી ગ્રુપ જેમાં સહપ્રમોટર છે એ અદાણી વિલ્મરનું નામ બદલી AWL ઍગ્રી બિઝનેસ લિમિટેડ કરવામાં આવ્યું છે. શૅર ગઈ કાલે બે ટકા ઘટી ૨૫૭ બંધ હતો. કંપનીમાં અદાણી ગ્રુપનું હોલ્ડિંગ ૪૪ ટકા જેવું છે અને આ હિસ્સો વેચી કંપનીમાંથી એક્ઝિટ લેવાનો ઇરાદો કયારનોય અદાણી ગ્રુપ જાહેર કરી ચૂક્યું છે. આ સંજોગોમાં નામ બદલાનું લૉજિક સમજાતું નથી. અદાણી ગ્રુપના ૧૧માંથી ૬ શૅર મંગળવારે વધ્યા છે. અદાણી પાવર સર્વાધિક ૫.૯ ટકાની તેજીમાં ૪૯૮ હતો. અદાણી એન્ટર, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન અડધાથી એક ટકો જેવા પ્લસ હતા.

વેલસ્પન સ્પેશ્યલિટીએ છ રૂપિયાનો એક એવા ચાર શૅરદીઠ એકેના ધોરણે શૅરદીઠ ૨૬.૪૦ના ભાવથી રાઇટ ઇશ્યુ માટેની નવી રેકૉર્ડ ડેટ પહેલી માર્ચ જાહેર કરી છે. શૅર ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૨ નજીક જઈ અંતે પોણાબે ટકા ઘટી ૩૯ બંધ થયો છે. જેનસોલ એન્જિનિયરિંગે તેની અમેરિકન સબસિડિયરી ૩૫૦ કરોડમાં વેચી મારવાના કરાર કર્યા છે. ભાવ ઉપરમાં ૫૮૦ થયા બાદ અંતે અડધો ટકો ઘટી ૫૭૦ બંધ થયો છે. લગભગ વર્ષ પહેલાં, ૨૮ ફેબ્રુઆરીએ આ શૅર ૧૨૭૧ના શિખરે હતો. પેઇન્ટ્સ કંપની એક્ઝોનોબલ ઇન્ડિયા એનો પાઉડર કોટિંગ બિઝનેસ ૨૦૭૩ કરોડમાં તથા આરઍન્ડડી સેન્ટર ૭૦ કરોડમાં વિદેશી પેરન્ટ્સને વેચવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૩૪૦ થયા બાદ સવા ટકો વધી ૩૩૧૩ રહ્યો છે.

આવાસ ફાઇનૅન્શિયર્સમાં એકીલો હાઉસ તરફથી શૅરદીઠ ૧૭૭૫ના ભાવની ઓપન ઑફર જાહેર થઈ છે. શૅર ૧૭૦૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણો ટકો સુધરીને ૧૬૯૪ બંધ આવ્યો છે. વિજયા ડાયગ્નોસ્ટિક ચાર ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૧૦૮ થઈ ૧૦૬૬ બંધ રહ્યો છે. નારાયણા હૃદયાલયા ખરાબ બજારમાં તેજી આગળ ધપાવતાં ૧૫૧૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૫.૨ ટકાના ઉછાળે ૧૪૬૪ થયો છે. વૉલ્યુમ આઠ ગણું હતું. આ શૅર સપ્તાહમાં સાત ટકા અને એક મહિનામાં બારેક ટકા વધ્યો છે. ડૉ. લાલ પેથલૅબ્સ છ ગણા કામકાજમાં નીચામાં ૨૩૮૯ થઈ ૬.૮ ટકા કે ૧૭૬ રૂપિયા ગગડી ૨૪૧૩ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે.

sensex nifty stock market share market crypto currency bitcoin bombay stock exchange national stock exchange ipo business news