ITના જોરમાં શૅરઆંક નીચલા મથાળેથી ૯૩૨ પૉઇન્ટ બાઉન્સ થઈ છેવટે નજીવો પ્લસ

14 July, 2026 10:15 AM IST  |  Mumbai | Anil Patel

રિલાયન્સનાં રિઝલ્ટ્સ શુક્રવારે, શૅર આરંભથી અંત સુધી નરમ વલણમાં : TCS તથા ઇન્ફોસિસની મજબૂતી સેન્સેક્સને ૧૯૭ પૉઇન્ટ ફળી : HCL ટેક્નૉલૉજીઝ પરિણામ પૂર્વે પાંચ ટકા વધીને બંધ : કલ્યાણ જ્વેલર્સ ૪ દિવસમાં ૩૫૫થી ઊછળીને ૫૧૧ બંધ થઈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે હવાઈ હુમલા વધુ ઉગ્ર બન્યા છે. હોર્મુઝ ખાડી રાબેતા મુજબ ફરી બંધ થઈ ચૂકી છે. જોકે અમેરિકાનો દાવો છે કે ખાડી ખુલ્લી છે. બ્રૅન્ટ ક્રૂડ ત્રણેક ટકા વધી ૭૮ ડૉલર વટાવી ગયું છે. ક્રૂડમાં હજી અગાઉ જેવો ભડકો નથી થયો એ એક સારી વાત છે. સોનું એક ટકો ઘટી હાજરમાં ૪૦૭૮ ડૉલર અને વાયદામાં ૪૦૮૧ ડૉલર થયું છે. ચાંદી દોઢ ટકો ઘટી ૬૦ ડૉલરની અંદર આવી ગઈ છે. બિટકૉઇન સવા ટકો ઘટી ૬૩,૦૩૮ ડૉલર હતો. ડૉલરની સામે રૂપિયો ૯૫.૩૩ના આગલા બંધ સામે ગગડી ૯૫.૮૬ વટાવી રનિંગમાં ૯૫.૬૨ જોવાયો છે. એશિયા ખાતે સાઉથ કોરિયન માર્કેટ ૯ ટકા તૂટી ૬૮૦૬ બંધ થયું છે. ચાઇના બે ટકા, જપાન પોણાબે ટકા અને સિંગાપોર નહીંવત નરમ હતું. સામે અન્ય બજાર નહીંવતથી સામાન્ય પ્લસ હતાં. યુરોપ રનિંગમાં બહુધા નેગેટિવ બાયસમાં ફ્લેટ જણાયું છે.

ઘરઆંગણે આ બધા વચ્ચે નબળા ચોમાસાની વિમાસણ ચાલુ છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૦૬ પૉઇન્ટ નીચે, ૭૬,૯૬૩ પૉઇન્ટ ખૂલી છેવટે ૪૭ પૉઇન્ટ જેવો સુધરી ૭૭,૬૧૬ તથા નિફ્ટી ચાર પૉઇન્ટ વધી ૨૪,૨૧૧ સોમવારે બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૬,૮૫૭ થયા બાદ ક્રમશઃ પૉઝિટિવ વલણમાં મજબૂત બનતો જઈ ઉપરમાં ૭૭,૭૮૯ દેખાયો હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૭૭૬ શૅર સામે ૧૫૫૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૬૬,૦૦૦ કરોડ વધી ૪૮૨.૪૧ લાખ કરોડ થયું છે. બજારની ગઈ કાલે સુધારાની ચાલ મુખ્યત્વે ITને આભારી છે. આ બેન્ચમાર્ક ૩.૫ ટકા ઊચકાયો હતો. ઑટો ઇન્ડેક્સ ૧૮૨ પૉઇન્ટ જેવો સાધારણ વધ્યો હતો. નિફ્ટી મીડિયા ૨.૧ ટકા વધ્યો છે. અત્રે ઝી એન્ટરપ્રાઇઝિસ પોણાચાર ટકા, પ્રાઇમ ફોક્સ પાંચ ટકા, સારેગામા ચારેક ટકા ઝળકી હતી.

સેન્સેક્સ નિફ્ટી ખાતે વધવામાં IT શૅર મોખરે હતો. અે ઉપરાંત NTPC ૨.૨ ટકા, કોટક મહિન્દ્રા બૅન્ક પોણાબે ટકા, બજાજ ઑટો સવાબે ટકા, ONGC દોઢ ટકા, HDFC લાઇફ એક ટકા અપ હતી. સામે તાતા સ્ટીલ ૨.૧ ટકા, ગ્રાસીમ ૨.૨ ટકા, ઇન્ડીગો ૧.૩ ટકા, મારુતિ સુઝુકી ૧.૧ ટકા, નેસ્લે બે ટકા, અલ્ટ્રાટેક ૧.૧ ટકા, તાતા કન્ઝ્યુમર સવા ટકો ઘટી છે. ICICI બૅન્ક અડધો ટકો પ્લસ તો HDFC ૦.૭ ટકા નરમ હતી.

વાર્ષિક ધોરણે નફામાં માત્ર ૪.૪ ટકાના વધારા વચ્ચે Q to Q ધોરણે નફો ૬૬ ટકા વધ્યો હોવાની થીમ ચાલતાં જસ્ટ ડાયલ ૨૦ ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની હતી. અગાઉ મેઘમણિ ફાઇનકેમ તરીકે ઓળખાતી એપિગ્રેલ લિમિટેડ ૬ ગણા કામકાજે સવાનવ ટકા ઊછળી ૧૦૬૯ થઈ છે. જેકે બૅન્ક પાંચ ટકા ગગડી ૧૮૨ હતી. થંગમયિલ જ્વેલરી ઘટાડાની ચાલમાં ૪.૪ ટકા બગડી ૬૨૫૦ રહી છે. સામે કલ્યાણ જ્વેલર્સ બુલરન જાળવી રાખતાં ૫૩૨ નજીક જઈ સવાસાત ટકાની આગેકૂચમાં ૫૧૧ નજીક જઈ ૫૧૧ હતી. ભાવ ૭મીએ ૩૫૫ અંદર હતો. રોકડામાં હેસ્ટર બાયો આઠ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની સર્કિટમાં ૨૪૩૧ની ૧૯ માસની ટોચે જઈ ત્યાં જ બંધ થઈ છે. તો PNGS ગાર્ગી ફૅશન જ્વેલરી ૧૧ ટકા ગગડી ૭૧૬ હતી. સ્મૉલ બૅન્ક ફીનો પેમેન્ટ બૅન્ક બિઝનેસ અપડેટના કરન્ટમાં છ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૨ વટાવી ૧૬૧ બંધ આવી છે. રિલાયન્સ ૦.૯ ટકા ઘટી ૧૨૯૭ બંધ હતી. અેનાં પરિણામ ૧૭મીએ જાહેર થવાનાં છે. 

TCSમાં ૨૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ છૂટ્યો

TCSમાં ધારણાથી સારાં પરિણામ પછી કંપની તરફથી ટૉપ-લેવલ લીડરશિપમાં મોટા ફેરફાર હાથ ધરવામાં આવ્યા છે. મલ્ટિ-નૅશનલ કંપની ABB સાથે મલ્ટિ-મિલ્યન મલ્ટિ-યર ડીલ કરાઈ હોવાના પણ અહેવાલ છે. TCS દ્વારા AI ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા ૮૯૦૦ જેટલા એન્જિનિયર્સની ટીમ આ સેક્ટર માટે અલગથી ફાળવવાનો તથા AI ક્ષેત્રે ટેકઓવર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ બધાના પગલે કંપનીમાં ૨૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ છૂટ્યા છે. શૅર ગઈ કાલે ચાર ગણા કામકાજે ઉપરમાં ૨૨૦૫ આપી સેન્સેક્સને ૯૬ પૉઇન્ટ ફળ્યો છે. અન્ય AI અગ્રણી ઇન્ફોસિસ ઉપરમાં ૧૧૧૪ બતાવી સવાત્રણ ટકાના જમ્પમાં ૧૧૦૨ બંધ આપી ૧૦૦ પૉઇન્ટ લાભદાયી નીવડી હતી. અેનાં પરિણામ ૨૩મીએ છે. HCL ટેક્નૉલૉજીઝ ઉપરમાં ૧૨૩૭ વટાવીને પરિણામ પૂર્વે બમણા ગણા કામકાજે પાંચ ટકા વધીને ૧૨૨૧ બંધ આવી છે. ટેક મહિન્દ્રાનાં રિઝલ્ટ્સ ૧૬મીએ છે. શૅર સવાત્રણ ટકા ઊંચકાઈ ૧૫૦૪ હતો. આ શૅર થકી બજારને ગઈ કાલે કુલ ૨૭૫ પૉઇન્ટ મળ્યા હતા. વિપ્રો પોણાબે ટકા વધી ૧૭૮ થઈ છે. અેનાં પરિણામ ગુરુવારે છે. લાર્સન માઇન્ડ ટ્રી કે લાટિમ દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૧૭.૯ ટકા વધારામાં ૧૧,૬૦૮ કરોડની આવક ઉપર ૧૬.૯ ટકા વૃદ્ધિદરથી ૧૪૬૬ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર છ ગણા કામકાજમાં ઉપર ૪૨૩૯ નજીક જઈ બે ટકા વધી ૪૧૨૨ હતી. સાઇડ શૅરમાં ન્યુ જેન ચૌદ ટકા, રામકો સિસ્ટમ્સ ૧૦ ટકા, મેપમાય ઇન્ડિયા ૯.૪ ટકા, ૬૩ મૂન્સ ૭.૮ ટકા, સોનાટા સૉફ્ટવેર ૧૧ ટકા, હૅપીએસ્ટ માઇન્ડ ૫.૬ ટકા, ઝેનસાર સાડાછ ટકા, તાતા ટેક્નૉલૉજી ૫.૯ ટકા ઝળકી હતી. IT ઇન્ડેક્સ સાડાત્રણ ટકા કે ૯૫૧ પૉઇન્ટ મજબૂત હતો. 

માથે બોનસ વચ્ચે ફ્રેદુન ફાર્મામાં ૧૫૬ રૂપિયાની તેજી

મુંબઈના લોઅર પરેલ, ડીલાઇલ રોડ ખાતેની ફ્રેદુન ફાર્માસ્યુટિકલ્સ એક શૅરદીઠ બે શૅરના મેઇડન બોનસમાં ૧૬મીએ બોનસ બાદ થવાની છે. ભાવ ગઇકાલે ઉપરમાં ૨૭૬૯ વટાવી છ ટકા ઊછળી ૨૭૩૯ બંધ આવ્યો છે. ઉત્તર પ્રદેશના રામપુરની ઇન્ડિયન ટોનર્સ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં શુક્રવારે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૯૬ થઈ અડધો ટકો ઘટી ૨૯૧ હતો. આગલા દિવસે ૭૬ ટકા લિસ્ટિંગ ગેઇન આપનારી આઇસી ઇલેક્ટ્રીકલ્સ ગઇકાલે પાંચ ટકા ઉપલી સર્કિટે ૧૮૩ના બેસ્ટ લેવલે જઇ પોણા ચાર ટકા ઘટી ૧૬૮ બંધ હતી. 
મિસાઇલ્સનાં ઉત્પાદનમાં ખાનગી કંપનીઓને સહભાગી બનાવવાની સરકારી યોજનાના પગલે જાહેર ક્ષેત્રની ભારત ડાયનેમિક્સનો શૅર ગઇકાલે નીચામાં ૧૨૯૩ બતાવી સવાત્રણ ટકા ગગડી ૧૩૦૨ રહ્યો છે. ડિફેન્સ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૯માંથી ૧૫ શૅરના ઘટાડામાં પોણો ટકો ડાઉન હતો. એમટાર ટેકનૉલૉજીઝ પાંચ ટકા, એસ્ટ્રા માઇક્રો સાડાપાંચ ટકા, પારસ ડિફેન્સ સવાબે ટકા, ઝેન્ટેક અઢી ટકા, જેટીએલ ડિફેન્સ પાંચ ટકા ઘટી હતી. આઇડિયા ફોર્જ સવાબે ટકા વધી ૯૧૪ થઈ છે. રિલાયન્સની ૬૩.૮ ટકા માલિકીની જસ્ટ ડાયલની ત્રિમાસિક આવક દસેક ટકા વધી ૩૨૭ કરોડ થઈ છે, નેટ નફો માંડ સાડાચાર ટકા વધી ૧૬૬ કરોડ નોંધાયો છે. અેમાં શૅર ૭૯ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી ૬૭૭ બતાવી ત્યાં જ બંધ થયો છે.

ડીમાર્ટ ફેમ એવન્યુ સુપરમાર્ટ્સની આવક ૧૪.૮ ટકા વધીને ૧૮,૭૯૪ કરોડ થઈ છે, નેટ નફો સવાઅગિયાર ટકા વધી ૮૬૧ કરોડ આવ્યો છે. શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજે નીચામાં ૩૯૧૦ થઈ સવાબે ટકા ઘટીને ૩૯૯૫ બંધ થયો છે. કારટ્રેડ ટેકમાં બ્રોકરેજ હાઉસ UBS દ્વારા ૪૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ અપાયો છે. ભાવ ઉપરમાં ૨૮૭૩ વટાવી અંતે સાધારણ ઘટાડામાં ૨૮૦૦ બંધ રહ્યા છે. 

SBI ફન્ડ્સનો ૯૮૧૩ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ આજે ખૂલશે

આજે, મંગળવારે કુલ ૩ ભરણાં ખૂલશે. મેઇન બોર્ડમાં હાઈ-પ્રોફાઇલ SBI ફન્ડ્સ મૅનેજમેન્ટ એકના શૅરદીઠ ૫૭૪ની અપર બૅન્ડમાં કુલ ૯૮૧૩ કરોડનો ઇશ્યુ કરશે. આખો ઇશ્યુ  ઑફર ફોર સેલનો છે. અેમાંથી ૭૩૬૪ કરોડ સ્ટેટ બૅન્ક લૅ જવાની છે. કંપની એસેટ્સ મૅનેજમેન્ટ બિઝનેસમાં છે. સવાપંદર ટકાના બજાર હિસ્સા સાથે તે દેશની લાર્જેસ્ટ એસેટ્સ મૅનેજમેન્ટ કંપની ગણાય છે. મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેની આ કંપનીએ ગત વર્ષે ૧૭ ટકા વધારામાં ૪૯૭૬ કરોડની આવક ઉપર ૨૧ ટકા વધારામાં ૩૦૬૭ કરોડ નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ ૧૫ જેવી કમાણી મેળવી છે. ઇશ્યુ પ્રાઇસ ૩૮.૧નો પીઇ બતાવે છે. બુકવેલ્યુની તુલનામાં ઇશ્યુ પ્રાઇસ ૧૯.૬ ગણી વધુ છે. ઇક્વિટી ૨૦૪ કરોડ નજીકની છે. ઇશ્યુ બાદ કંપનીમાં SBIનો હિસ્સો ૮૯.૮ ટકા રહેશે. અેની શૅરદીઠ પડતર બહુધા ૧૫ પૈસાની છે. કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૫૪નું આશરે ૧૬.૩૨ લાખ કરોડની એસેટસનું મૅનેજમેન્ટ કરે છે. તેના ગ્રાહકોની સંખ્યા ૧૬૦ લાખથી વધુ છે. ગ્રેમાર્કેટમાં ૧૪૦ રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને ૭૫ થયા બાદ હાલમાં ૧૦૩ આસપાસ ચાલે છે.

અમદાવાદની અલ્પાઇન ટેક્સવર્લ્ડ ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપરબૅન્ડમાં ૧૨૬ કરોડનો ઇશ્યુ આજે મેઇન બોર્ડમાં કરશે. આ કંપની ભૂલથી મેઇન બોર્ડમાં આવી ગઈ લાગે છે. ઇશ્યુમાં QIB પોર્શન એક જ ટકા છે, રીટેલ પોર્શન ૭૦ ટકા છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ ટેક્સટાઇલ કંપની મુખ્યત્વે ફૅબ્રિક્સનું ડાઇંગ અને પ્રોસેસિંગ કરે છે. ગત વર્ષે ૪૭ ટકાના વધારામાં ૩૫૦ કરોડની આવક તથા ૧૫૨ ટકા વધારામાં ૨૧૭૨ લાખ નફો બતાવ્યો છે. દેવું ૧૭૭ કરોડ કરતાં વધુ છે. ઇશ્યુમાંથી ૫૨૨૦ લાખ દેવાની ચુકવણીમાં તથા ૩૨૦૮ લાખ નવા વીવિંગ યુનિટની સ્થાપનામાં વપરાશે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૨૬૨૨ લાખથી વધી ૩૮૨૫ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા બેથી અઢી રૂપિયા છે. ગ્રેમાર્કેટમાં બેથી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ત્યાં જ પડેલું છે.

SME સેગમેન્ટમાં આજે બૅન્ગલોર અર્બનની મિલવર્ક ટેક્નૉલૉજીઝના શૅરદીઠ ૩૩૧ની તગડી અપરબૅન્ડમાં કુલ ૧૬૦ કરોડનો BSE SME IPO કરવાની છે. ઇશ્યુમાં ૧૪ કરોડના શૅર માર્કેટ મેકર્સ માટે છે. QIB પોર્શન લગભગ ૫૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની પ્રિસિઝન એન્જિનિયરિંગ સેગમેન્ટમાં છે જે રેલવે, અૅરોસ્પેસ, ડિફેન્સ મેટ્રોરેલ, ડ્રૉન તથા સેમી-કન્ડક્ટર્સ ઉદ્યોગ માટે હાઈ પ્રિસીઝન કમ્પોનન્ટ્સનું ઉત્પાદન, ડિઝાઇન તથા ડેવલપમેન્ટમાં નિપૂણ હોવાનો દાવો કરે છે. કંપનીએ ગત વર્ષે ૫૮૪ ટકાના વધારામાં ૧૫૩ કરોડની આવક અને ૬૦૬ ટકા વધારામાં ૩૭૦૬ લાખનો ચોખ્ખો નફો બતાવી દીધો છે. દેવું ૯૬૩ લાખથી વધી ૧૭૦૨ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૮૧૫૦ લાખ વર્કિંગ કૅપિટલ તરીકે તથા ૬૧૦૩ લાખ પ્લાન્ટ અને મશીનરી વસાવવા ખર્ચાશે. કંપનીમાં ઘણી બધી ગરબડ હોવાની ચર્ચા છે. ઑર્ડર બુક માત્ર ૬૭ કરોડની છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર પાંચ પૈસા છે. રીસીવેબલ્સ ૬ કરોડથી વધી ૧૩૮ કરોડ થઈ ગઈ છે. રીલેટેડ કંપની ક્વીકપે સર્વિસીસ પ્રા.લિ.ને થયેલું વેચાણ વર્ષમાં ૧.૩૬ કરોડથી વધી ૧૦૦ કરોડને વટાવી ગયું છે.

પ્રૉફિટ-લોસના સ્ટેટમેન્ટ બેલેન્સ-શીટ સાથે મેળ ખાતા નથી. આવક–નફો બધો કાગળ ઉપર છે. કંપની પાસે કોઈ કૅશ નથી. ગ્રેમાર્કેટમાં ભારે પ્રીમિયમ બોલાવી રોકાણકારોને લલચાવવાના ખેલ શરૂ થયા લાગે છે. પ્રીમિયમ ૩૫૦થી શરૂ થયા બાદ ખેંચીને હાલ ૩૯૬ બોલાવાયું છે.

ગઈ કાલે ત્રણ ભરણાં પૂરાં થયાં છે. મેઇન બોર્ડમાં કલકત્તાની લેસર પાવરનો પાંચના શૅરદીઠ ૨૧૪ના ભાવનો ૭૪૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં સાતેક ગણા સહિત કુલ ૪૧ ગણો ભરાઈ પૂરો થયો છે. SME સેગમેન્ટમાં ગુજરાતના સુરેન્દ્રનગરની દેવસન કેટાલિસ્ટનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૪૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૪૨ ગણા સહિત કુલ ૨૨૦ ગણો તથા લુધિયાણાની હૅપી સ્ટીલ્સનો ૧૦ના શૅરદીઠ ૬૬ના ભાવનો ૨૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૭૩ ગણા સહિત કુલ ૭૮ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ લેસર પાવરમાં ૩૪ રૂપિયા, દેવસનમાં ૪૬ રૂપિયા તથા હૅપ્પી સ્ટીલ્સમાં ૮ રૂપિયા પ્રીમિયમ છે. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange