ગ્રીસની નાણાકીય સમસ્યાના ઉકેલની આશાએ સેન્સેક્સમાં ૪૭૩ પૉઇન્ટ્સનો ઉછાળો

28 September, 2011 03:52 PM IST  | 

ગ્રીસની નાણાકીય સમસ્યાના ઉકેલની આશાએ સેન્સેક્સમાં ૪૭૩ પૉઇન્ટ્સનો ઉછાળો

 

શૅરબજારનું ચલકચલાણું

યુરોપિયન દેશો ગ્રીસની નાણાકીય કટોકટીનો ઉકેલ લાવવા માટે કોઈ પ્લાન તૈયાર કરશે એવી આશાને પગલે ગઈ કાલે યુરોપિયન બજારો તેમ જ એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો એને પગલે ગઈ કાલે મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૪૭૨.૯૩ વધીને ૧૬,૫૨૪.૦૩ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી ૧૪૨.૩૫ વધીને ૪૯,૭૭.૭૫ના લેવલે બંધ રહ્યા હતા. ગઈ કાલે મિડ કૅપ ઇન્ડેક્સ માત્ર ૯૮.૪૦ વધીને ૬૨૨૯.૭૭ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૯૩.૮૬ વધીને ૭૦૧૭.૨૭ના સ્તરે બંધ રહ્યા હતા.


જોકે ઍનલિસ્ટ્સનું માનવું છે કે બજારમાં જોવા મળેલો આ ઉછાળો કેટલું ટકશે એની કોઈ ગૅરન્ટી નથી. જ્યાં સુધી ગ્રીસની નાણાકીય કટોકટી તેમ જ યુરોપના અન્ય દેશોની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય એવાં કોઈ નક્કર પગલાંની જાહેરાત ન થાય ત્યાં સુધી બજારમાં સુધારો ટકી રહેવાની અપેક્ષા રાખી ન શકાય. આ ઉપરાંત રોકાણકારોના સેન્ટિમેન્ટમાં પણ સુધારો થવો જરૂરી છે. ઇન્વેસ્ટરોનો કૉન્ફિડન્સ બજારમાં પાછો આવવો જરૂરી છે.


સેન્સેક્સની ૨૯ કંપનીઓ વધી સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૨૯ કંપનીઓમાં શૅરના ભાવ વધ્યા હતા. માત્ર એક જ કંપની સિપ્લાનો ભાવ ફક્ત ૦.૨૮ ટકા ઘટીને ૨૮૫.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. ડીએલએફનો ભાવ સૌથી વધુ ૮.૪૬ ટકા વધીને ૨૧૭.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો.

બધા જ ઇન્ડાઇસિસમાં વૃદ્ધિ ગઈ કાલે મુંબઈ શૅરબજારના બધા જ ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાં વધારો થયો હતો. બૅન્કેક્સ સૌથી વધુ ૨૯૪.૦૯ વધીને ૧૧,૦૩૨.૯૫, મેટલ ૨૮૬.૭૦ વધીને ૧૧,૪૬૯.૬૬ અને ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૨૮૨.૩૬ વધીને ૮૪૧૬.૬૭ વધ્યા હતા. આ ઉપરાંત ઑટો ઇન્ડેક્સમાં ૨૨૫.૪૧, કન્ઝ્યુમર ગુડ્સમાં ૧૯૪.૮૯, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૧૭૮.૧૬ અને આઇટી (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) ઇન્ડેક્સમાં ૧૭૮.૧૦નો વધારો થયો હતો.


૧૪ શૅર ટૉપ પર

ગઈ કાલે ૧૪ કંપનીના શૅર છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. આ કંપનીઓમાં પી. જી. ઇલેક્ટ્રોપ્લાસ્ટ, રુશિલ ડેકોર, એસ્સાર ઇન્ડિયા, સુરાના ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન મિલ્સનો સમાવેશ થાય છે.
૨૧ શૅર્સ નીચા લેવલે ગઈ કાલે ૨૧ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બ્રુક્સ લૅબોરેટરીઝ, ટિમ્બોર હોમ, વેલસ્પન ગ્લોબલ, સેમટેલ કલર અને તાનલા સૉલ્યુશન્સનો સમાવેશ થાય છે.


રિલાયન્સનો ફાળો સૌથી વધુ


મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરનો ભાવ ગઈ કાલે ૫.૦૯ ટકા વધીને ૭૯૭.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગઈ કાલે સેન્સેક્સમાં જે ૪૭૩ પૉઇન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો એમાં સૌથી વધુ ફાળો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ૮૫ પૉઇન્ટ્સ જેટલો હતો.