બજાર નવા શિખર ભણી ગતિમાન સેન્સેક્સ વધીને ૮૪૦૦૦ની પાર

30 June, 2025 06:57 AM IST  |  Mumbai | Anil Patel

ટીડી પાવર નવી ટૉપ બનાવી સાડાછ ટકા ગગડીઃ આકાર મેડિકલનું નબળું લિસ્ટિંગ, માયાશીલમાં ૨૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

HDB ફાઇનૅન્સનો ૧૨૫૦૦ કરોડ રૂપિયાનો IPO કુલ ૧૭.૭ ગણો છલકાયોઃ અન-લિસ્ટેડ માર્કેટમાં NSEના શૅરનો ભાવ ૨૩૭૫ના બેસ્ટ લેવલે, તાતા કૅપિટલ ઘટીને હાલમાં ૯૬૫ રૂપિયે : એબોટ ઇન્ડિયા ૧૬૫૫ રૂપિયાની તેજીમાં નવા શિખરે, MCXમાં નવી ટોચની હારમાળા : ટીડી પાવર નવી ટૉપ બનાવી સાડાછ ટકા ગગડીઃ આકાર મેડિકલનું નબળું લિસ્ટિંગ, માયાશીલમાં ૨૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન

દેશમાં મારધાડ કે લૂંટફાટ થતી હોય તો થાય, અશાંતિ વધવાની હોય તો ભલે વધે, અર્થતંત્ર ખાડે જતું હોય તો જાય, વિશ્વમાં વૉર થવાની હોય તો થાય, લાશો પડતી હોય તો પડે; પણ શૅરબજારને હવે કશાનો બાધ રહ્યો નથી. ગમે તે થાય, એ તો વધવાનું જ છે. શરત એક જ છે, લિક્વિડિટી ઘટવી ન જોઈએ. ન્યુ ઇન્ડિયાની માર્કેટનો આ નવો ગુરુમંત્ર છે. બજારમાં ગમે ત્યાંથી ગમે એ રીતે નાણાં ઠલવાતાં રહેવાં જોઈએ, બસ, અને આ ન્યાયે તમામ ધારી-અણધારી આફત, નાની-મોટી હોનારત તેમ જ સઘળી અનિશ્ચિતતાને પચાવી શૅરબજાર એની આગવી ચાલમાં મસ્ત છે. બજાર જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં લાગે છે કે નવાં શિખર હવે બહુ દૂર નથી.

સેન્સેક્સ આગલા બંધથી પરચૂરણ સુધારામાં ૮૩૭૭૪ ખૂલી છેવટે ૩૦૩ પૉઇન્ટ વધીને ૮૪૦૫૯ તથા નિફ્ટી ૮૯ પૉઇન્ટ વધીને ૨૫૬૩૮ શુક્રવારે બંધ થયો છે. પૉઝિટિવ બાયસમાં ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૩૬૪૫ વટાવી ગયો હતો. રોકડું તથા બ્રૉડર માર્કેટ મેઇન બેન્ચમાર્ક કરતાં પ્રમાણમાં વધુ સારું હતું. જૂજ અપવાદ સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ હતાં. ઑઇલ-ગૅસ, પાવર, એનર્જી, નિફ્ટી ડિફેન્સ જેવાં સેક્ટોરલ એકથી સવા ટકા નજીક તો પીએસયુ બૅન્ક નિફ્ટી, કૅપિટલ ગુડ્સ, હેલ્થકૅર ઇન્ડેક્સ પોણા ટકા આસપાસ વધ્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો અને આઇટી બેન્ચમાર્ક નહીંવત્ નરમ હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૮૧ શૅર સામે ૧૨૨૯ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૨૮ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૫૯.૮૧ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૬૫૧ પૉઇન્ટ કે બે ટકા અને નિફ્ટી ૨.૧ ટકા કે ૫૨૫ પૉઇન્ટ વધ્યો છે. બૅન્ક નિફ્ટી ૫૭૪૭૫ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૨૩૭ પૉઇન્ટ વધી ૫૭૪૪૪ બંધ થયો છે. જૂન ક્વૉર્ટરનાં કંપની પરિણામની મોસમ ટૂંક સમયમાં શરૂ થશે. પરિણામ આધારિત અટકળ અને આંકડા પ્રમાણે બજારમાં સ્ટૉક સ્પેસિફિક મોમેન્ટમ જોર પકડશે.

NSE એનો IPO લાવવા વધુ સક્રિય બની રહી છે તેમ-તેમ અનલિસ્ટેડ માર્કેટમાં શૅરના ભાવ વધી રહ્યા છે. રેટ હાલમાં ૨૩૭૫ના શિખરે બોલાય છે. ૩ મેએ ભાવ ૧૬૨૫નો હતો. NSDLનો રેટ આ ગાળામાં ૯૯૯થી વધી ઉપરમાં ૧૧૯૯ થઈ અત્યારે ૧૧૮૫ છે. તાતા કૅપિટલ ૯૬૫ બોલાય છે, જે મહિના પૂર્વે ૧૦૪૫ ચાલતો હતો.

ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પ્રિસિઝન કાસ્ટિંગ્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ૫૬૭ના શિખરે જઈ સાડાચાર ટકા વધી ૫૬૫ બંધ રહ્યો છે. પદ્‍મ કૉટન યાર્ન્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સસ્પ્લિટ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪.૩૭ બંધ થયો છે. મિર્ક ઇલેક્ટ્રૉનિક્સ ૧૪ શૅરદીઠ ૩ના રાઇટમાં સોમવારે એક્સ-રાઇટ થશે. શૅર ગઈ કાલે દોઢ ટકો ઘટી ૧૭ નજીક હતો.

ગઈ કાલે એશિયામાં થાઇલૅન્ડ સવાબે ટકા, ચાઇના અને સાઉથ કોરિયા પોણો ટકો તથા હૉન્ગકૉન્ગ સાધારણ નરમ હતું. સામે જપાન દોઢ ટકા નજીક, સિંગાપોર પોણા ટકા નજીક અને તાઇવાન અડધા ટકા નજીક પ્લસ હતું. યુરોપ રનિંગમાં અડધા ટકાથી માંડીને સવા ટકા સુધી મજબૂત દેખાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧૨૨૦૪૬ના આગલા બંધ સામે રનિંગમાં ૨૪૩૭ પૉઇન્ટ કે બે ટકા વધીને ૧૨૪૪૮૭ ચાલતું હતું. બિટકૉઇન ૧૦૭૦૮૯ ડૉલરે પડેલો હતો. બ્રેન્ટ ક્રૂડ પોણો ટકો સુધરી ૬૮.૫૦ ડૉલર આસપાસ મક્કમ હતું.

રિલાયન્સમાં મહિના અને જિયો ફાઇનૅન્સમાં મહિનાની નવી ટોચ

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર પ્લસ હતા. HDFC લાઇફ ૮૧૧ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૦.૭ ટકા વધી ૮૦૫ થઈ છે. ગ્રાસિમ ૨૮૯૭ ઉપર નવું બેસ્ટ લેવલ દેખાડી અડધો ટકો ઘટી ૨૮૬૫ બંધ હતી. ભારતી ઍરટેલ ૨૦૩૮ની ઑલટાઇમ હાઈ હાંસલ કરીને સાધારણ સુધારામાં ૨૦૨૨ હતી. જિયો ફાઇનૅન્શિયલ નિફ્ટી ખાતે ૩૨૯ની ૬ મહિનાની ટોચે જઈ ૩.૫ ટકાની આગેકૂચમાં ૩૨૩ હતો. શૅર ૩ મહિનામાં ૪૪ ટકા વધી ગયો છે. રિલાયન્સ ૧૫૨૨ની ૯ મહિનાની નવી ઊંચી સપાટી મેળવી ૧.૪ ટકા વધી ૧૫૧૬ના બંધમાં બજારને ૧૨૦ પૉઇન્ટ ફળી છે. આ શૅર ૮ જુલાઈની ૧૬૦૯ નજીકની સર્વોચ્ચ સપાટી ટૂંકમાં વટાવી જશે એવી હવા ચાલે છે. મેઇન બેન્ચમાર્ક ખાતે નોંધપાત્ર વધેલા શૅરમાં એશિયન પેઇન્ટ્સ ત્રણ ટકા, પાવરગ્રિડ ૨.૧ ટકા, અદાણી પોર્ટ્સ પોણો ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક અઢી ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ સવાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૨.૯ ટકા, હીરો મોટોકૉર્પ એક ટકો, ICICI બૅન્ક દોઢ ટકો, અલ્ટ્રાટેક અઢી ટકા પ્લસ થયા છે. સામે ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકો, બજાજ ફાઇનૅન્સ અડધો ટકો, વિપ્રો સવા ટકો, એટર્નલ ૧.૧ ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૮ ટકા, ટ્રેન્ટ દોઢ ટકો, ટેક મહિન્દ્ર પોણા ટકા નજીક નરમ હતી. HDFC બૅન્ક ૦.૪ ટકા ઘટી ૨૦૧૪ રહી છે. ICICI બૅન્ક દોઢ ટકો વધી બજારને સર્વાધિક ૧૩૬ પૉઇન્ટ ફળી છે.

ઉતર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેની માયાશીલ વેન્ચર્સ શૅરદીઠ ૪૭ના ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે ૧૩ના પ્રીમિયમ સામે ૫૮ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૧ નજીક જઈ ત્યાં જ બંધ રહેતાં એમાં ૨૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. થાણેની સેફ એન્ટરપ્રાઇઝિસ રીટેલ શૅરદીઠ ૧૩૮ની ઇશ્યુ પ્રાઇસ અને ૬ રૂપિયાના પ્રીમિયમ સામે ૧૫૧ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૫૮ વટાવી ત્યાં બંધ થતાં એમાં ૧૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે અંધેરી-ઈસ્ટની આકાર મેડિકલ ટેક્નાલૉજીઝ શૅરદીઠ ૭૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ૭૫ ખૂલી પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૭૧ થઈને ત્યાં બંધ રહેતાં એમાં એક ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે.

સોમવારે એકસાથે પાંચ SME ભરણાં મૂડીબજારમાં

મેઇન બોર્ડમાં HDB ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૭૪૦ની અપરબૅન્ડ સાથે ૧૨૫૦૦ કરોડનો મેગા ઇશ્યુ કુલ ૧૭.૭ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ વધીને ૬૦ થયું છે. સંભવ સ્ટીલનો શૅરદીઠ ૮૨ના ભાવનો ૫૪૦ કરોડનો ઇશ્યુ પણ કુલ ૩૦ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. હાલ પ્રીમિયમ ૧૨ બોલાય છે. ઇન્ડો-ગલ્ફ ક્રૉપ સાયન્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૧ની અપરબૅન્ડ સાથે ૨૦૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ એકાદ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૯નું છે.

SME સેગમેન્ટમાં પાંચના શૅરદીઠ ૭૫ની અપરબૅન્ડ સાથે ૭૭૦૪ લાખનો નીતુ યોશીનો BSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૫૫ ટકા અને ઍડ્કાઉન્ટી મીડિયાનો ૧૦ના શૅરદીઠ ૮૫ની અપરબૅન્ડ સાથે ૫૦૬૯ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૧.૯ ગણો ભરાયો છે. ઍડ્કાઉન્ટીમાં ગ્રેમાર્કેટમાં ૩૮ રૂપિયા અને નીતુ યોશીમાં ૨૪ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. સોમવારે બંધ થનારા SME IPOમાં મૂવિંગ મીડિયા એન્ટરપ્રાઇઝિસનો શૅરદીઠ ૭૦ના ભાવનો ૩૨૯૧ લાખનો ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ ૧.૬ ગણો, વેલેન્સિયા ઇન્ડિયાનો શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૪૬૪૯ લાખનો ઇશ્યુ ૭૦ ટકા, એઇસ આલ્ફાટેકનો શૅરદીઠ ૬૯ના ભાવનો ૩૦૪૦ લાખનો ઇશ્યુ એક ગણો અને પ્રોફેક્સ ટેક લિમિટેડનો શૅરદીઠ ૮૭ના ભાવનો ૩૮૨૧ લાખનો ઇશ્યુ ૧.૪ ગણો ભરાઈ ચૂક્યો છે. હાલ મૂવિંગ મીડિયામાં ગ્રેમાર્કેટ ખાતે ૧૧ રૂપિયાનું, વેલેન્સિયામાં ૨૧ રૂપિયાનું અને એઇસ અલ્કામાં ૧૩ રૂપિયાનું પ્રીમિયમ ચાલે છે. ગઈ કાલે ત્રણ SME ઇશ્યુ પૂરા થયા છે જેમાં સુપરટેક ઇવીનો શૅરદીઠ ૯૨ના ભાવનો ૨૮૩૯ લાખનો ઇશ્યુ કુલ ૪.૪ ગણો, રામા ટેલિકૉમનો શૅરદીઠ ૬૮ના ભાવનો ૨૩૮૭ લાખનો ઇશ્યુ કુલ ૧.૬ ગણો તેમ જ સનટેક ઇન્ફ્રાનો શૅરદીઠ ૮૬ના ભાવનો ૪૨૧૬ લાખનો ઇશ્યુ કુલ ૨૨૩ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. હાલ સનટેક ઇન્ફ્રામાં ૩૩નું પ્રીમિયમ બોલાય છે. રામા ટેલિકૉમમાં છેલ્લે સાડાસાતનો રેટ હતો એ હાલ ઝીરો થઈ ગયો છે. સુપરટેક ઇવીનું પ્રીમિયમ ઉપરમાં ૧૫ બોલાયું હતું, અત્યારે ૫૦ પૈસા છે.

સોમવારે એકસાથે પાંચ SME ભરણાં ખૂલવાનાં છે. કલકત્તાની પુષ્પા જ્વેલર્સ ૧૦ના શૅરદીઠ ૧૪૭ની અપર બૅન્ડ સાથે ૯૮૬૫ લાખ રૂપિયાનો NSE SME IPO સૌથી મોટો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ નથી. કર્ણાટકની સીડાર ટેક્સટાઇલ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપરબૅન્ડમાં ૬૦૯૦ લાખનો, અમદાવાદી વંદન ફૂડ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૫ના ભાવથી ૩૦૩૬ લાખનો, નવી દિલ્હીની સિલ્કી ઓવરસીઝ ૧૦ના શૅરદીઠ ૧૬૧ની અપરબૅન્ડમાં ૩૦૬૮ લાખનો તથા નવી દિલ્હીની માર્ક લુવા ફૅશન્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ ભાવે ૨૧ કરોડનો SME IPO સોમવારે કરશે જેમાંથી સિલ્કી ઓવરસીઝમાં હાલ ગ્રેમાર્કેટમાં ૧૬નું પ્રીમિયમ બોલાય છે. સીડાર ટેક્સટાઇલમાં ૧૦થી કામકાજ શરૂ થયાં છે.

એક્ઝોનોબલ જંગી વૉલ્યુમે ૨૧૩ રૂપિયાની તેજીમાં

JSW પેઇન્ટ્સ દ્વારા એક્ઝોનોબલ ઇન્ડિયામાં વિદેશી પ્રમોટર્સ પાસેથી ૭૪.૮ ટકા જેવો હિસ્સો હસ્તગત કરવાનું નક્કી થયું છે. આ સમગ્ર ડીલ ૮૯૮૬ કરોડ રૂપિયામાં થયું છે. જે દેશના પેઇન્ટ્સ ઉદ્યોગમાંનું સૌથી મોટું ટેકઓવર છે. નિયમ મુજબ JSW પેઇન્ટ્સ તરફથી એક્ઝોનોબલમાં શૅરદીઠ ૩૪૧૮ જેવા ભાવે ઓપન ઑફર શૅરધારકો માટે આવશે. એક્ઝોનોબલના ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૩૧૩ જેવી છે. ૯ ઑક્ટોબરે અહીં ૪૬૪૯ની વિક્રમી સપાટી બની હતી. શૅર ગઈ કાલે જંગી વૉલ્યુમે ઉપરમાં ૩૫૩૩ થઈ ૬.૭ ટકા કે ૨૧૩ રૂપિયાની તેજીમાં ૩૪૦૬ બંધ થયો છે ગઈ કાલે પિ‍યર ગ્રુપમાં રેટિના પેઇન્ટ્સ ૪.૨ ટકા, એશિયન પેઇન્ટ્સ ત્રણ ટકા, કન્સાઇ નેરોલેક દોઢ ટકો અને બર્ગર પેઇન્ટ્સ બે ટકા અપ હતી.

MCX બુલરનમાં ૯૦૭૫ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી એકાદ ટકો વધીને ૮૯૧૬ રહી છે. BSE લિમિટેડ ઉપરમાં ૨૮૩૮ બતાવી એક ટકો ઘટી ૨૭૭૫ હતી. સાઉદી અરેબિયા સાથે સંયુક્ત સાહસમાં ONGC ગુજરાતના જામનગર ખાતે નવી રિફાઇનરી નાખવાનું વિચારી રહી હોવાના અહેવાલ વચ્ચે શૅર પોણો ટકો ઘટી ૨૪૩ હતો. ઑઇલ ઇન્ડિયા ૧.૮ ટકા નરમ હતી. બ્રોકરેજ હાઉસ UBS તરફથી PNB હાઉસિંગમાં ૧૩૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે. શૅર પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૧૧૩૫ થઈ અડધો ટકો ઘટી ૧૧૦૪ બંધ રહ્યો છે. સરકાર જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશનમાં ૮૨.૪ ટકા તથા ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સમાં ૮૫.૪ ટકા હોલ્ડિંગ છે. એ ઘટાડવા સક્રિય બની હોવાના અહેવાલ છે. ગઈ કાલે ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ સવા ટકો ઘટીને ૧૮૪ તથા જનરલ ઇન્શ્યૉરન્સ સવા ટકો વધીને ૩૮૭ બંધ થયો હતો. હિમાદ્રી સ્પેશ્યલિટી કેમિકલ્સ ૮૨ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૨૮ બતાવી ૧૨.૮ ટકાની તેજીમાં ૫૦૫ થઈ છે. ફેસવૅલ્યુ એકની છે. લૉયડ્સ એન્જિનિયરિંગનો પાર્ટપેઇડ શૅર ૫૨ના બેસ્ટ લેવલે જઈ દસ ટકાની આગેકૂચમાં ૪૯ હતો. જ્યારે લૉયડ્સ એન્જિનિયરિંગનો શૅર ૬.૭ ટકા ઊંચકાઈ ૬૮ થયો છે. સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૪૫૩ના બેસ્ટ લેવલે જઈ ૪૫૬ રૂપિયા ઊછળી ૯૦૫૦ રહી છે. કામકાજ આઠ ગણું હતું. ફેસવૅલ્યુ બેની છે.

ફાર્મા કંપની એબોટ ઇન્ડિયા ૩૫૮૨૧ની વિક્રમી સપાટી હાંસલ કરી પાંચ ટકા કે ૧૬૫૫ રૂપિયા વધીને ૩૪૮૦૧ રહી છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા ૪૨૫ની નવી મલ્ટિયર ટૉપ બનાવી એક ટકો ઘટી ૪૧૩ હતી. રિલાયન્સ પાવર સાડાત્રણ ટકા વધી હતી. ટીડી પાવર સિસ્ટમ્સ ૫૫૩ની વર્ષની ટોચે જઈ હેવી પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં નીચામાં ૪૯૯ થઈ સાડાછ ટકા ગગડી ૫૦૬ રહી છે.

share market stock market business news nifty sensex mumbai bombay stock exchange national stock exchange news ipo