અમેરિકા-ચીન વચ્ચેનું ઘર્ષણ ઘટવાનો આશાવાદ કામે લાગતાં બજારમાં સુધારો

10 May, 2025 06:35 AM IST  |  Mumbai | Anil Patel

બન્ને બજારમાં માત્ર બૅન્કિંગ નરમ હતું. બૅન્ક નિફ્ટી અડધો ટકા તો બૅન્કેક્સ એક ટકા ઘટ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

માથે પરિણામ વચ્ચે સ્વિગીમાં સાડાબાર ટકાનો ઉછાળો, પરિણામની પૂર્વસંધ્યાએ પેટીએમ મજબૂત : રિઝલ્ટના જોશમાં નેટવેબ ટેક્નૉ તથા આર. આર. કેબલ ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર:  અદાણીના શૅરોમાં ઑલરાઉન્ડ તેજી, અદાણી ટોટલમાં ૧૧ ટકાનો ઉછાળો : મહિન્દ્રનો નફો ધારણાથી સારો, માર્જિનમાં ઢીલાશ પણ શૅર સુધર્યો: ક્રૂડ ૬૦ ડૉલરની અંદર જતાં ઑઇલ માર્કેટિંગ કંપનીઓના શૅરોમાં ઝમક : વૅગન્સ લર્નિંગના SME ઇશ્યુને માત્ર આઠ ટકા રિસ્પૉન્સ, આજે ઇશ્યુનો છેલ્લો દિવસ : શ્રીજી DLMનું ભરણું પ્રથમ દિવસે ૧૩.૮ ગણું છલકાતાં પ્રીમિયમ પચીસ થયું

અમેરિકા-ચીન વચ્ચે વાટાઘાટનો તખ્તો ગોઠવાતાં ટૅરિફ-વૉરનું ઘર્ષણ ઘટવાની આશા પ્રબળ બની છે. બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ૬૦ ડૉલરની અંદર તથા નાયમેક્સ ક્રૂડ ગગડી ૫૭ ડૉલર બોલાયું છે. ડૉલર ઇન્ડેક્સ પણ ઢીલો પડવા માંડ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વૉરની વાતો હજી સુધી કેવળ પ્રચાર માધ્યમો પૂરતી જ સીમિત રહી છે. આર્મીની વેશભૂષામાં ફાંકા-ફોજદારી મારતા ટીવી ઍન્કર્સને બૉર્ડર પર મોકલી દેવાની જરૂર છે. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૬૧ પૉઇન્ટ પ્લસ, ૮૦,૬૬૨ ખૂલી છેવટે ૨૯૫ પૉઇન્ટ વધી ૮૦,૭૯૭ તથા નિફ્ટી ૧૧૪ પૉઇન્ટ સુધરી ૨૪,૪૬૧ બંધ થયો છે. બજાર સોમવારે આરંભથી અંત સુધી પોઝિટિવ ઝોનમાં હતું. શૅર આંક નીચામાં ૮૦,૬૫૭ અને ઉપરમાં ૮૧,૦૪૯ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકાના સુધારાની સામે બ્રૉડર માર્કેટ એકાદ ટકો, સ્મૉલકૅપ સવા ટકો અને મિડકૅપ દોઢ ટકો વધતાં માર્કેટ બ્રેડ્થ મઝેદાર બની છે. NSEમાં વધેલા ૨૦૨૨ શૅર સામે ૮૬૫ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૪.૬૭ લાખ કરોડ વધીને ૪૨૭.૪૮ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. ક્રૂડ ગગડતાં ઑઇલ માર્કેટિંગ કંપનીઓના શૅરોની ઝમક પાછળ ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક બે ટકા ઊંચકાયો છે. પાવર-યુટિલિટીઝ-એનર્જી-નિફ્ટી મેટલ, FMCG જેવા ઇન્ડેક્સ સવાથી દોઢ ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એક ટકો વધ્યા છે. બન્ને બજારમાં માત્ર બૅન્કિંગ નરમ હતું. બૅન્ક નિફ્ટી અડધો ટકા તો બૅન્કેક્સ એક ટકા ઘટ્યો છે.

પાકિસ્તાની શૅરબજાર ૧,૧૪,૧૧૪ના આગલા બંધ સામે ગઈ કાલે ૧૦૩૬ પૉઇન્ટ લથડી નીચામાં ૧,૧૩,૦૭૮ થયા બાદ નીચલા મથાળેથી ૧૪૭૪ પૉઇન્ટ ઊંચકાઈ ૧,૧૪,૫૫૨ બતાવી અંતે ૩૬ પૉઇન્ટ ઘટીને ૧,૧૪,૦૭૭ બંધ થયું છે. એશિયા ખાતે જપાન, હૉન્ગકૉન્ગ, ચાઇના, સાઉથ કોરિયા, થાઇલૅન્ડ રજામાં હતાં. તાઇવાન સવા ટકો નરમ તો સિંગાપોર અને ઇન્ડોનેશિયા નહીંવત પ્લસ હતાં. યુરોપ ખાતે લંડન બજાર રજામાં હતું. અન્યત્ર અડધા ટકાની વધઘટે રનિંગમાં મિશ્ર વલણ જોવાયું છે. બિટકૉઇન ગયા શુક્રવારે ઉપરમાં ૯૭,૮૨૦ ડૉલર વટાવી જતાં હવે ફરી વાર એ લાખેણો થવાની શક્યતા વધી ગઈ છે. જોકે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રેટ નીચામાં ૯૩,૯૦૨ ડૉલર થઈ આ લખાય છે ત્યારે ૯૪,૫૬૬ ચાલતો હતો.

રેટિંગ એજન્સી ઇકરા દ્વારા ઓલા ઇલેક્ટ્રિકનું રેટિંગ ડાઉન ગ્રેડ કરાયું છે, પણ શૅર ગઈ કાલે સવા ટકો સુધરી ૪૯ ઉપર બંધ હતો. BSE લિમિટેડ સવાબે ટકા વધી ૬૪૫૩ થઈ છે ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૭ ટકા, હિન્દુસ્તાન પેટ્રો પોણાસાત ટકા, ગુજરાત ગૅસ પોણાચાર ટકા, ઇન્ડિયન ઑઇલ સાડાત્રણ ટકા, મહાનગર ગૅસ અને ભારત પેટ્રો સવાત્રણ ટકા મજબૂત હતી. પરિણામની પૂર્વસંધ્યાએ ખોટ નોંધપાત્ર ઘટવાના વરતારા પાછળ પેટીએમ સવાત્રણ ટકા વધી ૮૫૯ વટાવી ગઈ છે. ગ્રેવિટા ઇન્ડિયાનો નફો ૬૯ કરોડથી વધી ૯૫ કરોડ થતાં શૅર ઉપરમાં ૧૯૯૫ થઈ પોણાસાત ટકા કે ૧૨૧ના ઉછાળે ૧૯૩૩ બંધ આવ્યો છે.

વી-માર્ટ રીટેલનાં સારાં પરિણામ અને ઉદાર બોનસ એળે ગયાં

આર. આર. કેબલ્સે માર્ચ ક્વૉર્ટરમાં ૬૪ ટકાના વૃદ્ધિદર સાથે ૧૨૯ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ગઈ કાલે ૧૫ ગણા વૉલ્યુમમાં સૌથી તગડા જમ્પમાં ૧૨૧૮ નજીક જઈ ૧૪.૨ ટકા ઊછળી ૧૧૭૧ બંધ થઈ છે. નેટવેબ ટેક્નૉલૉઝિસ ૪૫ ટકાના વધારામાં ૪૩ કરોડનો નેટ પ્રૉફિટ તથા ૧૨૫ ટકા ડિવિડન્ડ પાછળ ૧૨ ગણા કામકાજે ઉપરમાં ૧૬૮૧ બતાવી ૧૪.૩ ટકા કે ૨૦૩ રૂપિયા ઊચકાઈ ૧૬૨૪ હતી. ઇઝી ટ્રીપ પ્લાનર્સ ૯ ટકાની મજબૂતીમાં ૧૩ નજીક ગઈ છે. વૉલ્યુમ સાત ગણું હતું.

વી-માર્ટ રીટેલ દ્વારા ૩૯ કરોડની નેટલૉસ સામે આ વખતે માર્ચ ક્વૉર્ટરમાં ૧૯ કરોડનો નેટ પ્રૉફિટ હાંસલ કરાયો છે. કંપનીએ એક શૅરદીઠ ત્રણનું ઉદાર બોનસ પણ જાહેર કર્યું છે. આમ છતાં ભાવ ૪ ગણા વૉલ્યુમે નીચામાં ૩૦૫૪ બતાવી પાંચ ટકા કે ૧૭૩ રૂપિયા ગગડી ૩૧૯૭ બંધ આવ્યો છે. જિંદલ સૉનો નફો ૮૨ ટકા ગગડી ૮૭ કરોડ આવ્યા પછી શૅર અઢી ગણા કામકાજે નીચામાં ૨૨૯ થઈ ચાર ટકા ખરડાઈ ૨૩૫ રહ્યો છે. કેસોલ્વ્સ ઇન્ડિયા નબળાં પરિણામ પાછળ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૪૧૫ ખૂલી ત્યાં જ બંધ થયો છે. પરાગ મિલ્ક ફૂડ્સનો ત્રિમાસિક નફો ૧૬૭ ટકા ઊછળી ૨૬ કરોડ રૂપિયા થતાં શૅર ૧૪ ગણા કામકાજે ઉપરમાં ૨૧૩ થઈને ૧૪ ટકાના જમ્પમાં ૨૦૮ રહ્યો છે. લિબર્ટી શૂઝ સવાઆઠ ટકાની તેજીમાં ૪૧૭ દેખાઈ છે.

ફોર્સ મોટર્સ તેજીની ચાલ પકડી રાખતાં ૧૦,૫૯૦ના નવા શિખરે જઈ સવા ટકો વધી ૧૦,૧૭૬ રહી છે. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળી ગોડફ્રે ફિલિપ્સે ૮૮૦૧ની ઑલટાઇમ હાઈ બનાવી પાંચ ટકાના કે ૪૧૯ રૂપિયાના વધારામાં ૮૮૦૧ના ભાવે બંધ આવ્યો છે. અગરવાલ હેલ્થકૅર ૩૪૫ નીચે નવી વર્સ્ટ બૉટમ બનાવી નજીવા ઘટાડે ૩૫૨ હતી. જેનસોલ એન્જિનિયરિંગ એકધારી નીચલી સર્કિટ ચાલુ રાખતાં પાંચ ટકા તૂટી ૭૦ના નવા ઑલટાઇમ તળિયે ગયો છે.

એથર એનર્જીનું આજે લિસ્ટિંગ, પ્રીમિયમ સુધરી ૭ રૂપિયા

ગ્રેટર નોએડા ખાતેની શ્રીજી ડીએલએમ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૯૯ની અપર બૅન્ડમાં ૧૬૯૮ લાખનો BSE SME ઇશ્યુ લાવી છે જે સોમવારે પ્રથમ દિવસે જ ૧૩.૮ ગણો છલકાઈ ગયો છે. એના પગલે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ જે ૯૯ આસપાસ હતું એ ઊછળી હાલ પચીસ રૂપિયા થઈ ગયું છે. તો ચેન્નઈની મનોજ જ્વેલર્સ ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવથી ૧૬૨૦ લાખનો BSE SME IPO લાવી છે એ પ્રથમ દિવસે ૪૦ ટકા જ ભરાયો છે. ગ્રે માર્કેટમાં કોઈ સોદા નથી. કૅનરિક ઇન્ડસ્ટ્રીઝ અને વૅગન્સ લર્નિંગના SME ઇશ્યુ આજે બંધ થશે. ૧૦ના શૅરદીઠ પચીસના ભાવવાળી ગુજરાતી કંપની કૅનરિક ઇન્ડસ્ટ્રીઝનો ઇશ્યુ અત્યાર સુધીમાં સવા ગણો ભરાયો છે. HNI પોર્શન માત્ર ૧૬ ટકા જ ભરાયો છે. ગ્રે માર્કેટમાં કામકાજ નથી. જ્યારે ૧૦ના શૅરદીઠ ૮૨ની અપર બૅન્ડવાળી વૅગન્સ લર્નિંગનો ૩૮૩૮ લાખનો ઇશ્યુ માત્ર આઠ ટકા જ ભરાતાં ગ્રે માર્કેટ ખાતે બે રૂપિયા ડિસ્કાઉન્ટ બોલાવા માંડ્યું છે. ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવવાળી અમદાવાદી આઇવેર સપ્લાય ચેઇનનો ૨૭૧૩ લાખનો NSE SME ઇશ્યુ આજે લિસ્ટિંગમાં જશે. મેઇન બોર્ડમાં હીરો ગ્રુપના બૅન્કિંગવાળી એથર એનર્જીનું લિસ્ટિંગ પણ આજે સંભળાય છે. શુક્રવારે પ્રીમિયમ જે રીતસર શૂન્ય થઈ ગયું હતું એ હાલમાં ૭ રૂપિયા બોલાઈ રહ્યું છે.

 

પરિણામ પાછળ કોટક બૅન્ક વર્સ્ટ પર્ફોર્મર, સ્ટેટ બૅન્કમાં નરમાઈ

કોટક મહિન્દ્ર બૅન્કનો ત્રિમાસિક નફો ૧૪ ટકા ઘટી ૩૫૫૨ કરોડ નજીક થયો છે, ધારણા એકંદર ૩૭૪૬ કરોડના નેટ નફાની હતી. દરમ્યાન ઉદય કોટકે મુંબઈના વરલી સીફેસ ખાતે બે માળની ખાખી બિલ્ડિંગ ૪૦૦ કરોડ રૂપિયામાં ખરીદી લઈ દેશના રિયલ્ટી ક્ષેત્રે નવો વિક્રમ નોંધાવ્યો છે. નબળાં પરિણામ પાછળ કોટક બૅન્કનો શૅર ગઈ કાલે નીચામાં ૨૦૫૮ થઈ સાડાચાર ટકા કે ૧૦૦ રૂપિયાની ખરાબીમાં ૨૦૮૫ બંધ થયો છે. એના લીધે બજારને ૧૨૭ પૉઇન્ટની હાનિ થઈ છે. સ્ટેટ બૅન્કનો ચોખ્ખો નફો માર્ચ ક્વૉર્ટરમાં ૧૦ ટકા ઘટી ૧૮,૬૪૩ કરોડ આવ્યો છે. એકંદર ધારણા ૧૮,૧૦૬ કરોડ હતી એ જોતાં પરિણામ સારું કહેવાય, પરંતુ શૅર નીચામાં ૭૮૪ની અંદર જઈ સવા ટકો ઘટી ૭૯૦ બંધ થયો છે. HDFC બૅન્ક અડધો ટકો વધી ૧૯૩૬ના બંધમાં બજારને ૭૬ પૉઇન્ટ ફળી છે. ઍક્સિસ બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક અડધો ટકો ડાઉન હતી.

મહિન્દ્રનો નફો બાવીસ ટકા વધી ૨૪૩૭ કરોડ થતાં શૅર ત્રણ ટકા વધી ૩૦૨૧ રહ્યો છે. કંપનીનું નફા માર્જિન નહીંવત ઘટ્યું છે. બજાજ ફીનસર્વ સુધારાની આગેકૂચમાં પોણાચાર ટકા વધી ૨૦૩૦ થઈ છે. ઝોમાટો અઢી ટકા, તાતા મોટર્સ દોઢ ટકા, આઇટીસી ૧.૬ ટકા, પાવરગ્રીડ દોઢ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૨ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર એક ટકો, બજાજ ફાઇનૅન્સ પોણો ટકા, ટ્રેન્ટ ૪.૩ ટકા કે ૨૨૨ રૂપિયા, શ્રીરામ ફાઇનૅન્સ ચાર ટકા, ગ્રાસિમ ૧.૪ ટકા, HDFC લાઇફ દોઢ ટકા, બજાજ ઑટો એક ટકો, ભારત ઇલેક્ટ્રિક સવા ટકો, જિયો ફાઇનૅન્સ પોણો ટકો પ્લસ હતી. રિલાયન્સ અડધો ટકો વધીને ૧૪૩૧ વટાવી ગઈ છે. સામે ક્રૂડના ભાવ ઘટી ૬૦ ડૉલરની નીચે ચાલી જતાં ONGC ૧.૭ ટકા ઘટી ૨૩૯ થયો છે. JSW સ્ટીલ પોણાબે ટકા ઘટીને ૯૫૫ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો ડાઉન હતી. ઑઇલ ઇન્ડિયા નીચામાં ૩૯૦ બતાવી નહીંવત ઘટી ૪૦૪ રહી છે. સ્વિગીનાં પરિણામ ૯મીએ છે. શૅર સાડાબાર ટકાની તેજીમાં ૩૪૪ બંધ થયો છે.

લૉબિંગ કારગત નીવડવાની આશામાં અદાણી ગ્રુપના શૅર લાઇમલાઇટમાં

લાંચ આપીને બિઝનેસ મેળવવાની ગુનાહિત પ્રવૃત્તિ આચરવા બદલ ગૌતમ અદાણી અને સાગર અદાણી અમેરિકા ખાતે વૉન્ટેડ લિસ્ટમાં છે. અમેરિકન સિક્યૉરિટીઝ એક્સચેન્જ કમિશન તથા અમેરિકન કોર્ટ દ્વારા આ વિશે વિધિવત સમન્સ પણ જારી થયેલું છે. આશરે ૨૬૫૦ લાખ ડૉલરના આ બ્રાઇબ પ્રકરણનો વીંટો વાળી લેવા કે કેસ લૂલો કરવા અદાણી ઍન્ડ પાર્ટી છેલ્લા કેટલાક મહિનાથી તનતોડ પ્રયાસ કરી રહી છે. આ લૉબિંગના ભાગરૂપ અદાણીના પ્રતિનિધિ અને ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનના કેટલાક અધિકારી વચ્ચે એકથી વધુ વાર બેઠક યોજાઈ ચૂકી છે. હવે આ બેઠક ફળીભૂત થઈ રહી હોવાના અહેવાલ વહેતા થયા છે જે સાચા ઠરે તો ગૌતમ બાબુને જલસા થઈ જશે એવી ગણતરી કામે લાગી છે. એની અસર ગઈ કાલે અદાણીના શૅરમાં જોવાઈ છે.

અદાણીની ફ્લૅગશિપ અદાણી સાત ટકા કે ૧૬૧ રૂપિયા ઊછળી ૨૪૫૫ના બંધમાં તથા અદાણી પોર્ટ્સ ૬.૩ ટકાની તેજીમાં ૧૩૪૭ બંધ આપી નિફ્ટી સેન્સેક્સ ખાતે ઝળકી છે. અન્યમાં અદાણી પાવર છ ટકાના ઉછાળે ૫૫૬, અદાણી એનર્જી સવાત્રણ ટકા ઊંચકાઈ ૯૩૬, અદાણી ગ્રીન સાડાછ ટકાનો જમ્પ મારીને ૯૬૫, અદાણી ટોટલ અગિયાર ટકાની છલાંગમાં ૬૬૫, અદાણી વિલ્મર બે ટકા વધીને ૨૭૪, ACC એક ટકાના સુધારામાં ૧૮૮૫, અંબુજા સિમેન્ટ્સ ૧.૮ ટકાની મજબૂતીમાં ૫૪૧, NDTV પોણાપાંચ ટકાના જોશમાં ૧૨૩, સાંધી ઇન્ડસ્ટ્રીઝ પોણો ટકો વધી ૬૦ નજીક બંધ રહી છે. અદાણી જેને ટેકઓવર કરવાના છે એ ઓરિયેન્ટ સિમેન્ટ્સ સાધારણ વધી ૩૫૨, PSP પ્રોજેક્ય્સ ૬૩૬ના લેવલે ફ્લેટ તથા ITD સિમેન્ટેશન ૧૦.૭ ટકાની તેજીમાં ૫૩૩ બંધ રહી છે. અદાણી સાથે ઘરોબો ધરાવતી મોનાર્ક નેટવર્થ દોઢ ટકો ઘટી ૩૦૫ હતી. અદાણીના શૅરોમાં જેનું મોટું રોકાણ છે એ GQG પાર્ટનર્સ ૨૧૮ સેન્ટ ઑસ્ટ્રેલિયા ડૉલરના આગલા બંધથી ઉપરમાં ૨૨૫ સેન્ટ થઈ એક ટકો ઘટી ૨૧૬ સેન્ટ બંધ થયો છે.

business news Tarrif donald trump share market stock market national stock exchange bombay stock exchange nifty sensex