સેન્સેક્સમાં સતત નવમા દિવસે સુધારો જળવાઈ રહ્યો

18 September, 2012 07:12 AM IST  | 

સેન્સેક્સમાં સતત નવમા દિવસે સુધારો જળવાઈ રહ્યો




રિઝર્વ બૅન્કે સીઆરઆરમાં ઘટાડો કરવાથી રેટ સેન્સિટિવ સેક્ટર્સના શૅરના ભાવ વધ્યા : બૅન્કેક્સ, કૅપિટલ ગુડ્સમાં ઉછાળો, આઇટી, એફએમસીજીમાં ગાબડું

(શૅરબજારનું ચલકચલાણું)

અપેક્ષા મુજબ જ ગઈ કાલે ઇક્વિટી માર્કેટ્સમાં સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ સતત નવમા દિવસે વધ્યો હતો. નવ ટ્રેડિંગ સેશન્સમાં ૧૨૦૦ પૉઇન્ટ્સ કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

રિઝર્વ બૅન્કે ગઈ કાલે મૉનિટરી પૉલિસીના રિવ્યુમાં સીઆરઆર (કૅશ રિઝર્વ રેશિયો)માં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો એને કારણે લિક્વિડિટીમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે. અન્ય રેટ્સમાં રિઝર્વ બૅન્કે કોઈ જ ફેરફાર કર્યા નથી. રિઝર્વ બૅન્કના પગલાને કારણે રેટ સેન્સિટિવ સેક્ટર્સ, બૅન્કિંગ, રિયલ્ટી, ઑટો, કૅપિટલ ગુડ્સના શૅર્સના ભાવ વધ્યા હતા. જ્યારે આઇટી અને એફએમસીજી સેક્ટર્સના શૅર્સના ભાવ ઘટ્યા હતા.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ૭૮.૦૪ વધીને ૧૮,૫૪૨.૩૧ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ ૧૮,૭૧૫.૦૩ના સ્તરે પહોંચ્યો હતો. શુક્રવારના ૧૮,૪૬૪.૨૭ના બંધ સામે ગઈ કાલે સેન્સક્સ ૧૮,૬૧૯.૯૦ ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ઘટીને નીચામાં ૧૮,૪૮૦.૫૪ના લેવલે પહોંચ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૭૧.૧૨ વધીને ૬૩૧૬.૦૨ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૭૪.૫૪ વધીને ૬૬૯૭.૬૬ના સ્તરે બંધ રહ્યા હતા.

નિફ્ટી ૩૨.૩૫ વધીને ૫૬૧૦ પૉઇન્ટ્સ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન નિફ્ટી ઘટીને ૫૬૦૦ પૉઇન્ટ્સની નીચે ગયો હતો. નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ગઈ કાલે દિલ્હીમાં કહ્યું હતું કે આગામી દોઢ મહિનામાં સરકાર ગ્રોથ રિવાઇવલ માટે હજી વધુ પગલાં જાહેર કરશે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં બજારમાં સુધારો આગળ વધવાની અપેક્ષા છે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૯ વધ્યાં હતાં અને ૪ ઘટ્યાં હતાં. બૅન્કેક્સ સૌથી વધુ ૩૯૪.૫૦ વધીને ૧૨,૫૮૩.૩૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૨ના ભાવ વધ્યા હતા. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૭.૩૫ ટકા વધીને ૧૭૬.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્ક ઑફ બરોડાનો ભાવ ૬.૯૩ ટકા, યસ બૅન્કનો ૬ ટકા, કૅનેરા બૅન્કનો ૫.૮૧ ટકા, પંજાબ નૅશનલ બૅન્કનો ૫.૫૮ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્કનો ૫.૩૯ ટકા અને એસબીઆઇનો ૫.૩૬ ટકા વધ્યો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૭૫.૫૫ વધીને ૧૦,૪૧૮.૩૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૧૬ના ભાવ વધ્યા હતા. બીઈએમએલનો ભાવ સૌથી વધુ ૧૨.૪૨ ટકા વધીને ૩૧૨.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. પુંજ લૉઇડનો ભાવ ૫.૫૨ ટકા, એલ ઍન્ડ ટીનો ૪.૩૫ ટકા, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો ૪.૩૪ ટકા, ભેલનો ૪.૩૦ ટકા અને ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ૪.૨૮ ટકા વધ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૧૭૯.૫૩ વધીને ૧૦,૧૨૪.૯૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવ વધ્યા હતા. અશોક લેલૅન્ડનો ભાવ સૌથી વધુ ૫.૨૬ ટકા વધીને ૨૩ રૂપિયા બંધ રહ્યો હતો. હીરો મોટોકૉર્પનો ભાવ ૩.૦૭ ટકા, તાતા મોટર્સનો ૨.૭૨ ટકા અને કમિન્સ ઇન્ડિયાનો ભાવ ૨.૬૧ ટકા વધ્યો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૧૬૯.૫૩ અને મેટલ ઇન્ડેક્સ ૧૫૦.૮૧ વધ્યા હતા.

એફએમસીજી ઇન્ડેક્સ

એફએમસીજી ઇન્ડેક્સ સૌથી વધુ ૧૯૮.૦૧ ઘટીને ૫૨૦૮.૬૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવ ઘટ્યા હતા. આઇટીસીનો ભાવ સૌથી વધુ ૫.૪૮ ટકા ઘટીને ૨૫૩.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા ગ્લોબલ બેવરેજિસનો ભાવ ૩.૫૨ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવરનો ૨.૭૬ ટકા ઘટ્યો હતો. જ્યુબિલન્ટ ફૂડ્સનો ભાવ સૌથી વધુ ૫.૩૧ ટકા વધીને ૧૨૯૯.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. યુનાઇટેડ બ્રુઅરીઝનો ભાવ ૪.૮૯ ટકા વધ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૩૫.૯૧ ઘટીને ૭૩૮૬.૦૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭ કંપનીમાંથી ૧૩ના ભાવ ઘટ્યા હતા. ઇપ્કા લૅબોરેટરીઝનો ભાવ સૌથી વધુ ૫.૬૦ ટકા ઘટીને ૪૧૮.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. બાયોકૉનનો ભાવ સૌથી વધુ ૪.૪૫ ટકા વધીને ૨૮૦.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો.

આઇટી ઇન્ડેક્સ

આઇટી ઇન્ડેક્સ ૧૯૭.૪૦ ઘટીને ૬૦૦૬.૨૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૮ કંપનીના ભાવ ઘટ્યા હતા. હેક્ઝાવેર ટેક્નૉલૉજીઝનો ભાવ સૌથી વધુ ૪.૯૪ ટકા ઘટીને ૧૨૮.૩૫ રૂપિયા બંધ  રહ્યો હતો. ટીસીએસનો ભાવ ૫.૦૩ ટકા અને એચસીએલ ટેક્નૉલૉજીઝનો ભાવ ૩ ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૧૮ના ભાવ વધ્યા હતા અને ૧૨ના ઘટ્યા હતા. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૫.૯૯ ટકા વધીને ૩૯૪.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. આઇટીસીનો ભાવ સૌથી વધુ ૫.૪૮ ટકા ઘટીને ૨૫૩.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૩૪ શૅર્સના ભાવ સર્વોચ્ચ સપાટીએ

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૪ કંપનીના શૅર્સના ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં એચડીએફસી, એચડીએફસી બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, અમ્બુજા સિમેન્ટ્સ, શ્રીરામ સિટી યુનિયન ફાઇનૅન્સ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, કાવેરી સીડ વગેરેનો સમાવેશ છે. ૧૩ કંપનીના શૅર્સના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં જી. આર. કેબલ્સ, સૂર્યા ફાર્મા, વિકાસ મેટલ, અલાઇડ કમ્પ્યુટર્સ, બિરલા પૅસિફિક મેડસ્પા વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૬૨૮ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૨૬૨ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

રીટેલ શૅરો

સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલ સેક્ટરમાં ૪૯ ટકા વિદેશી રોકાણ માટે છૂટ આપી હોવાથી ગઈ કાલે રીટેલ સેક્ટરની કંપનીઓના ભાવ વધ્યા હતા. પૅન્ટૅલૂન રીટેલનો ભાવ ૧૯.૦૪ ટકા વધીને ૧૮૭.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૦૯ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૫૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. પ્રોવોગ ઇન્ડિયાનો ભાવ ૧૨.૪૧ ટકા વધીને ૧૮.૦૩ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૯.૧૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૭.૫૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. બ્રૅન્ડહાઉસ રીટેલ્સનો ભાવ ૧૧.૩૮ ટકા વધીને ૧૪.૯૮ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૫.૯૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૪.૫૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

ટ્રેન્ટ લિમિટેડનો ભાવ ૪.૨૧ ટકા વધીને ૧૧૩૩.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૬૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૨૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. શૉપર્સ સ્ટૉપનો ભાવ ૬.૪૦ ટકા વધીને ૩૮૩.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૧૫.૦૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૭૮ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

ઍરલાઇન્સ શૅરો

ભારતીય ઍરલાઇન્સ કંપનીઓમાં વિદેશી ઍરલાઇન્સ કંપનીઓને રોકાણની સરકારે છૂટ આપી છે એને કારણે ગઈ કાલે ઍરલાઇન્સ કંપનીઓના શૅર્સના ભાવ વધ્યા હતા. સ્પાઇસ જેટનો ભાવ ૧૧.૮૮ ટકા વધીને ૩૮.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને નીચામાં ૪૧.૩૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૭.૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. કિંગફિશર ઍરલાઇન્સનો ભાવ ૧૯.૯૮ ટકા વધીને ૧૨.૯૭ રૂપિયા બંધ રહ્યો હતો.

દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨.૯૭ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧.૮૨ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૫૮૮૯.૩૩ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૬૩૭.૧૬ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૨૨૫૨.૧૭ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૨૨૪૮.૯૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૦૮૬.૬૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૮૩૭.૭૨ કરોડ રૂપિયા જોવા મળી હતી.