બૅન્કિંગમાં ઉઠમણાનો પૅનિક હળવો થતાં વિશ્વબજારો સાથે સેન્સેક્સ ૩૫૫ પૉઇન્ટ સુધર્યો

18 March, 2023 11:37 AM IST  |  Mumbai | Anil Patel

જેપી મૉર્ગન રિલાયન્સમાં બુલિશ બની, પણ શૅર વધુ સુસ્ત બન્યો : અદાણીના ૧૦માંથી ૭ શૅર વધ્યા, પતંજલિ ફૂડ્સમાં નરમાઈ આગળ વધી

પ્રતીકાત્મક તસવીર

ગોકુળ ઍગ્રોનાં રાઇટ એન્ટાઇટલમેન્ટ વધુ ૪૦ ટકા ઊછળ્યાં, તો આરતી સર્ફક્ટન્ટનો પાર્ટપેઇડ ૨૦ ટકા તૂટ્યો : ઇન્ફીનાં પરિણામ ૧૩ એપ્રિલે, શૅર એક ટકો સુધર્યો : બજારના બહુમતી ઇન્ડાઇસિસ વધ્યા, માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની : વીકલી ધોરણે સેન્સેક્સમાં ૧.૯ ટકાની નબળાઈ

ક્રેડિટ સ્વિસને ૫૪ અબજ ડૉલરનો લિક્વિડિટી સપોર્ટ કે લાઇફલાઇન મળી જતાં ક્રેડિટ સ્વિસ ગ્રુપનો શૅર ઉપરમાં ૨૩૦ સેન્ટ થઈ ૨૧૬ સેન્ટના આગલા લેવલે જૈસે-થે બંધ થયો છે. આ ઉપરાંત જેપી મૉર્ગન સહિત ૧૧ અમેરિકન બૅન્કોએ ફર્સ્ટ રિપબ્લિક બૅન્કમાં ૩૦ અબજ ડૉલરની થાપણ મૂકી તએને કટોકટીમાંથી હાલ પૂરતી બચાવી લીધી છે. અમેરિકન સત્તાવાળા તરફથી પણ બૅન્કિંગ ક્રાઇસિસને ટાળવા જરૂરી તમામ પગલાં લેવાની ખાતરી અપાઈ છે એને પગલે શૅરબજારોનો ઊઉચાટ ખાસ્સો હળવો થયો છે. ગુરુવારની મોડી રાતે અમેરિકન ડાઉ સવા ટકા જેવો અને નૅસ્ડૅક અઢી ટકા વધીને બંધ આવ્યો છે એને અનુસરતાં તમામ અગ્રણી એશિયન બજારોય શુક્રવારે પ્લસમાં બંધ થયાં છે. ઇન્ડોનેશિયા ૧.૭ ટકા, તાઇવાન દોઢ ટકા, હૉન્ગકૉન્ગ ૧.૬ ટકા, જૅપનીઝ નિક્કી સવા ટકો, ચાઇના તથા સાઉથ કરિયા પોણો ટકો અને સિંગાપોર ૦.૯ ટકા વધ્યા હતા. યુરોપ એકથી બે ટકા જેવા આગલા દિવસના સુધારા બાદ રનિંગમાં ગઈ કાલે સવાથી અઢી ટકાની રેન્જમાં ઉપર દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ ૭૫ ડૉલર આસપાસ ટકેલું હતું.

ઘરઆંગણે સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટ પ્લસના ગૅપ-અપ ઓપનિંગ બાદ ઉપરમાં ૫૮૧૭૯ અને નીચામાં ૫૭૫૦૪ થઈ અંતે ૩૫૫ પૉઇન્ટ વધી ૫૭૯૯૦ બંધ થયો છે. નિફ્ટી ૧૧૪ પૉઇન્ટ વધીને બંધ હતો. બજારોના બહુમતી બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં રહ્યા છે. નૅસ્ડૅકની હૂંફમાં આઇટી ઇન્ડેક્સ ઘટતો અટકી ૩૧૨ પૉઇન્ટ કે ૧.૧ ટકા વધ્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૨ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકા સુધર્યા છે. નિફ્ટી મીડિયા પોણો ટકો ડૂલ થયો હતો. ઑટો અને એફએમસીજીમાંય અડધા ટકાની આસપાસ નરમાઈ હતી. મેટલ ઇન્ડેક્સ અઢી ટકા વધ્યો છે. માર્કેટ બ્રેડ્થ ઘણા દિવસે પૉઝિટિવ બની છે. એનએસઈમાં વધેલા ૧૨૮૫ શૅરની સામે ૭૪૪ શૅર ડાઉન હતા.

દરમ્યાન વીકલી ધોરણે સેન્સેક્સમાં ૧૪૪૫ પૉઇન્ટ કે ૧.૯ ટકા અને નિફ્ટીમાં ૧.૮ ટકાની નરમાઈ સાથે સપ્તાહ પૂરુ થયું છે. બૅન્ક નિફ્ટી ૨.૨ ટકા કે ૮૮૭ પૉઇન્ટ ડાઉન થયો છે. ઑટો ઇન્ડેક્સ ૩.૮ ટકા, સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૨.૮ ટકા ઘટ્યા છે.

બાયોકૉન જંગી વૉલ્યુમ સાથે ૯ ટકા તૂટીને એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર વધ્યા છે. એચસીએલ ટેક્નૉલૉજીઝ ૩.૬ ટકાની મજબૂતીમાં ૧૧૧૦ બંધ આપીને ખાસ ઝળક્યો છે. ઇન્ફી એક ટકા, નેસ્લે ૨.૩ ટકા, અલ્ટ્રાટેક અઢી ટકા, લાર્સન એક ટકા, તાતા સ્ટીલ ૧.૯ ટકા પ્લસ હતા. એચડીએફસી લાઇફ ૨.૩ ટકા વધી ૪૭૨ થયો છે. આઇટીસી બે ગણા કામકાજે નીચામાં ૩૭૦ થઈ દોઢ ટકા ગગડી ૩૭૬ના બંધમાં બજારને ૪૫ પૉઇન્ટ નડ્યો છે. મારુતિ સુઝુકી દોઢ ટકો, સનફાર્મા એક ટકો, આઇશર ૧.૮ ટકા, હીરો મોટોકૉર્પ અડધો ટકો, એનટીપીસી ૧.૮ ટકા નરમ હતા.

ગોકુલ ઍગ્રોનાં રાઇટ એન્ટાઇટલમેન્ટ વધુ ૪૦ ટકા ઊછળી ૨૫.૫૭ થઈને ત્યાં જ બંધ હતાં. ઑનવર્ડ ટેક્નૉલૉજીઝ ૧૩ ગણા કામકાજે ૧૩.૮ ટકાના જમ્પમાં ૩૧૦ હતો. મોન્ટેકાર્લો ૧૫ ગણા વૉલ્યુમે ૧૩.૪ ટકા ઊછળી ૬૦૯ રહ્યો છે. જ્યુબિલન્ટફાર્મા નરમાઈની ચાલ અટકાવી ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૩૧૮ બતાવી ૧૨.૫ ટકા મજબૂત થયો છે. સ્વાન એનર્જી ઉપરમાં ૨૬૧ થઈ ૬.૪ ટકા ગગડી ૨૩૧ હતો. જેકે પેપર દસેક ટકાના જમ્પમાં ૩૮૫ વટાવી ગયો છે. આરતી સર્ફકટન્ટ્સનો શૅર નજીવો ઘટીને ૪૩૦ થયો છે, પરંતુ એનો પાર્ટપેઇડ ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૭૨ના નવા તળિયે બંધ હતો. બાયોકૉન જંગી કામકાજે ૧૯૯ના નવા મલ્ટિયર તળિયે જઈ ૯ ટકા તૂટીને ૨૦૨ના બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર હતો.

રિલાયન્સમાં મૉર્ગનનો બુલિશ વ્યુ જરાય કામ ન આવ્યો

જેપી મૉર્ગન તરફથી રિલાયન્સમાં ૨૯૬૦ના ટાર્ગેટને અપવર્ડ કરી ૩૦૧૫ની પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી કરાયો છે. સળંગ ૪ દિવસથી નવાં ઐતિહાસિક બૉટમ બનાવતો આ શૅર ૨૨૨૬ના આગલા બંધ સામે ૨૨૪૯ ખૂલી ઉપરમાં ૨૨૫૧ અને નીચામાં ૨૨૧૩ બતાવી નજીવા ઘટાડે ૨૨૨૩ બંધ આવ્યો છે. રિલાયન્સમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ડિસેમ્બર ક્વૉર્ટરના અંતે ૨૩.૪ ટકાની અંદર આવી ગયું છે, જે વર્ષ પૂર્વે ૨૭.૫ ટકા હતું. મતલબ કે એફઆઇઆઇનું આકર્ષણ આ શૅરમાં ઘટ્યું છે.

દરમ્યાન અદાણીના ૧૦માંથી ૭ શૅર ગઈ કાલે વધ્યા છે. ફ્લૅગશિપ અદાણી એન્ટર. ૧.૯ ટકા વધી ૧૮૭૭, અદાણી પોર્ટ્સ નહીંવત્ વધી ૬૮૦, અદાણી પાવર અડધો ટકો સુધરી ૨૦૦, અદાણી ટ્રાન્સ પાંચ ટકા વધી ૧૦૨૫, અદાણી ગ્રીન પાંચ ટકા વધીને ૮૧૭, અદાણી ટોટલ એક ટકો વધીને ૮૯૮, અદાણી વિલ્મર દોઢ ટકો વધી ૪૨૭ બંધ હતી. એસીસી ૧.૪ ટકા ઘટી ૧૭૨૯ તો અંબુજા સિમેન્ટ ૩૦૮ના લેવલે ફ્લૅટ રહી છે.

ઑનવર્ડ ટેક્નૉલૉજીઝમાં પોણાચૌદ ટકાની તેજી, ટીસીએસ નરમ

આઇટી ઇન્ડેક્સ ૧.૧ ટકા કે ૩૧૨ પૉઇન્ટ વધ્યો છે. ઇન્ડેક્સના ૬૦માંથી ૪૧ શૅર પ્લસ હતા. ઇન્ફી માર્ચ ક્વૉર્ટરનાં પરિણામ ૧૩ એપ્રિલે જાહેર કરવાની છે. શૅર એક ટકાની મજબૂતીમાં ૧૪૨૧ બંધ આપી સેન્સેક્સને ૪૭ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. એચસીએલ ટેક્નૉ ૩.૬ ટકા, વિપ્રો એક ટકા, લાટિમ ૨.૭ ટકા કે ૧૨૨ રૂપિયા ઊછળી ૪૬૭૪ અને ટેક મહિન્દ્ર પોણો ટકો વધીને બંધ થયા છે. ઑનવર્ડ ટેક્નૉ ૧૩.૮ ટકાની તેજીમાં ૩૧૦ જોવા મળ્યો છે. એક્સેલ્યા ૯ ટકા, કેપીઆઇટી ટેક્નૉ ૬.૭ ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન ૪.૬ ટકા ઊંચકાયા હતા. ટેલિકૉમ સ્પેસમાં ભારતી ઍરટેલ દોઢ ટકા વધીને ૭૫૭ હતો. નેટવર્ક૧૮ ૩.૪ ટકા, ટીવી૧૮ દોઢ ટકા, વોડાફોન પોણો ટકો, સન ટીવી ૦.૯ ટકા ઘટવા છતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ આઇટીની હૂંફમાં એક ટકો વધ્યો છે.

ગોદરેજ પ્રૉપર્ટીઝ, મેક્રોટેક ડેવલપર્સ, ફિનિક્સ, શોભા, પ્રેસ્ટિજ, બ્રિગેડ બેથી પાંચ ટકા અને ડીએલએફ ૪.૨ ટકા પ્લસમાં આપીને રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૨ ટકા મજબૂત થયો છે. હિન્દુ. ઝિન્કમાં ઇન્ટરિમ માટે મંગળવારે બોર્ડ-મીટિંગ છે. શૅર ૨.૪ ટકા વધી ૩૧૨ થયો છે. કોલ ઇન્ડિયા, સેઇલ, જિન્દલ સ્ટીલ, વેદાન્તા, નાલ્કો પોણાથી ૪.૮ ટકા વધતાં મેટલ ઇન્ડેક્સ ૨.૪ ટકા પ્લસ થયો છે. હિન્દાલ્કો ત્રણ ટકા વધી ૩૯૬, તો તાતા સ્ટીલ ૧.૯ ટકા વધી ૧૦૭ બંધ આવ્યો છે.

બૅન્કિંગના ૩૭માંથી ૩૦ શૅર પ્લસમાં, આઇડીબીઆઇ બૅન્ક પાંચ ટકા મજબૂત

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારા વચ્ચે ૪૬૫ પૉઇન્ટ વધીને બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૨ શૅરના ઘટાડામાં પોણો ટકો પ્લસ રહ્યો છે. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૩૦ શૅર સુધર્યા છે. આઇડીબીઆઇ બૅન્કમાં ડાઇવેસ્ટ વિલંબમાં પડવાના અહેવાલ વચ્ચે શૅરપાંચ ટકા વધી ૪૭ હતો. બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બૅન્ક, ડીસીબી બૅન્ક, યસ બૅન્ક, ઇક્સિટાસ બૅન્ક બેથી પાંચ ટકા અપ હતા. બંધન બૅન્ક દોઢ ટકો સુધરી ૨૦૭ હતો. ઉજ્જીવન બૅન્ક ૨.૪ ટકા ઘટી છે. સ્ટેટ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, એચડીએફસી બૅન્ક પોણાથી સવા ટકો વધ્યા હતા. કોટક બૅન્ક દોઢ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૬ ટકા વધ્યા છે.

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૬માંથી ૯૦ શૅરના સુધારામાં એક ટકો વધ્યો હતો. એન્જલ વન પાંચ ટકા, મેક્સ વેન્ચર્સ ૪.૬ ટકા, બીએફ ઇન્વેસ્ટમેન્ટ ૩.૧ ટકા, આદિત્ય બિરલા કૅપિટલ ૩.૨ ટકા, પૂનાવાલા ફિનકૉર્પ ૨.૨ ટકા વધ્યા હતા. એલઆઇસી એક ટકો વધી ૫૭૯ હતો. નાયકા ૨.૩ ટકા વધીને ૧૪૧ થયો છે. નવાં નીચાં ઑલટાઇમ બૉટમ બનાવતો આદિત્ય બિરલા સન લાઇફ ઉપરમાં ૩૬૫ થઈ એક ટકો વધી ૩૬૦ રહ્યો છે. એફએમસીજી ઇન્ડેક્સ ૮૧માંથી ૪૦ શૅરના સુધારામાં ૦.૩ ટકા નરમ થયો છે, જેમાં આઇટીસીની નબળાઈ મોટો ભાગ ભજવી ગઈ છે. હિન્દુ યુનિલીવર અડધો ટકો નરમ હતો. પતંજલિ ફૂડ્સ ૪.૪ ટકા, જીલેટ ઇન્ડિયા ૩.૪ ટકા, ગોદરેજ ઇન્ડ. દોઢ ટકા, વાડીલાલ અઢી ટકા નરમ હતા. શુગર ઉદ્યોગના ૧૯ શૅર સુધર્યા હતા.

સિમ્ફનીમાં શૅરદીઠ ૨૦૦૦ના ભાવે બાયબૅકની રેકૉર્ડ ડેટ ૨૯ માર્ચ

સિમ્ફની લિમિટેડમાં શૅરદીઠ ૨૦૦૦ રૂપિયાના ભાવે બાયબૅકમાં રેકૉર્ડ ડેટ ૨૯ માર્ચ ઠરાવાઈ છે. શૅર ઉપરમાં ૧૧૫૪ થઈ દોઢ ટકાના સુધારા સાથે ૧૧૨૯ બંધ આવ્યો છે. બિઝનેસ આઉટલુક બ્રાઇટ હોવાના અહેવાલમાં સ્ટર્લિંગ ટૂલ્સ ૩૯૩ નજીક પાંચ વર્ષની ટૉપ બનાવી ૫.૬ ટકા ઊછળી ૩૭૬ રહ્યો છે. જેટ ઇન્ફ્રામાં શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ ડેટ ૨૨ માર્ચ હોવાથી ભાવ ૨૧મીએ એક્સ-બોનસ થશે. શૅર ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૯ની અંદર બંધ હતો. આરઓ જ્વેલ્સનો ૧૦નો શૅર શુક્રવારે બે રૂપિયામાં વિભાજિત થતાં ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં પોણાસાત રૂપિયા બંધ હતો. જ્યારે હાઇટેક પાઇપ્સ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ત્રણ ટકા વધીને ૯૨ થયો છે. કેપીઆઇટી ટેક્નૉ ૮૭૯નું બેસ્ટ લેવલ હાંસલ કરીને ૬.૭ ટકા વધી ૮૭૦ બંધ આવ્યો છે. વૉલ્યુમ અઢી ગણું હતું. બીએસઈ ખાતે ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ભાવની રીતે ઍડ્વાન્સ એક્ઝીસ, અનુહ ફાર્મા, એસ્ટેક લાઇમ, બાલ ફાર્મા, એરિસ લાઇફ, ગુફિક બાયો, ઇન્ડસ્વિફ્ટ લૅબ, આઇઓએલ કેમિકલ્સ, પિરામલ ફાર્મા, તત્ત્વ ચિંતન, વેનબેરી લિમિટેડ જેવા હેલ્થકૅર ફાર્મા શૅર નવા નીચા તળિયે ગયા હતા.

business news share market stock market nifty sensex national stock exchange bombay stock exchange