11 August, 2025 07:00 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ટ્રમ્પના ૫૦ ટકાના ટૅરિફના ઝાટકામાં ૭૩૩ પૉઇન્ટ તૂટ્યા પછી મર્દાનગી બતાવવાની ખોટી જીદમાં ૭૯ પૉઇન્ટ વધીને ગુરુવારે બંધ રહેલો સેન્સેક્સ વળતા દિવસે ઇન્ટ્રા-ડેમાં ૮૪૭ પૉઇન્ટ ખરડાઈ છેવટે ૭૬૫ પૉઇન્ટ લથડી ૭૯૮૫૮ નજીક બંધ થયો છે. નિફ્ટી ૨૩૩ પૉઇન્ટની ખરાબીમાં શુક્રવારે ૨૪૩૬૩ બંધ હતો. બજાજ આગલા બંધથી ૧૪૫ પૉઇન્ટ નરમ ખૂલી આખો દિવસ માઇનસ ઝોનમાં રહ્યું હતું. શૅરઆંક ૮૦૫૫૦ અને નીચામાં ૭૯૭૭૬ની અંદર ગયો હતો. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. મેઇન બેન્ચમાર્કની એક ટકા નજીકની નરમાઈ સામે બ્રૉડર માર્કેટ અને રોકડું એકથી દોઢ ટકો ડાઉન હતું. રિયલ્ટી બે ટકા, ટેલિકૉમ પોણાબે ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૬ ટકા કે ૧૦૯૭ પૉઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧૦૧૦ પૉઇન્ટ કે ૧.૭ ટકા, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ દોઢ ટકો, આઇટી એક ટકો, ઑટો બેન્ચમાર્ક ૧.૪ ટકા, હેલ્થકૅર ૧.૧ ટકા, બૅન્ક નિફ્ટી એક ટકા નજીક, નિફ્ટી મેટલ પોણાબે ટકા, નિફ્ટી ફાર્મા સવા ટકો, નિફ્ટી ડિફેન્સ અઢી ટકા સાફ થયો છે. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૯૮૩ શૅર સામે બમણા, ૧૯૬૬ શૅર ઘટ્યા છે. માર્કેટ કૅપ ૪.૮૬ લાખ કરોડના ગાબડામાં ૪૪૦.૬૩ લાખ કરોડ રહ્યું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૭૪૨ પૉઇન્ટ કે ૦.૯ ટકા અને નિફ્ટી ૨૦૨ પૉઇન્ટ કે ૦.૮ ટકા ઘટ્યો છે.
એયુ સ્મૉલ બૅન્કને રિઝર્વ બૅન્કે યુનિવર્સલ બૅન્ક તરીકે કામકાજ કરવાની મંજૂરી આપી છે. શૅર એની પાછળ મજબૂતીમાં ૮૦૦ ખૂલી છેવટે પોણો ટકો ઘટી ૭૩૯ નીચે રહ્યો છે. ગઈ કાલે ૪૧માંથી ૩૧ બૅન્ક-શૅર ડાઉન હતા. ઇસફ બૅન્ક સાડાત્રણ ટકા નજીક, ઇન્ડસઇન્ડ બૅન્ક ત્રણ ટકા, કોટક બૅન્ક બે ટકા, RBL બૅન્ક બે ટકા બગડી હતી. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ખરાબ બજારમાં ચારેક ટકા વધીને ૫૬ નજીક સરકી છે. ફીનો પેમેન્ટ બૅન્ક ૩.૪ ટકા અને ઉજ્જીવન બૅન્ક બે ટકા પ્લસ હતી.
બંધ બજારે તાતા મોટર્સે ૩૦ ટકાના ઘટાડામાં ૩૯૨૪ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવી ધારણા મુજબનાં પરિણામ આપ્યાં છે. તાતા કૅપિટલનો ૧૭૦૦૦ કરોડનો IPO લાવવા તાતા ગ્રુપે તૈયારી આદરી છે. અનલિસ્ટેડ માર્કેટમાં તાતા કૅપિટલનો શૅર હાલમાં ૭૯૫ બોલાય છે. ભાવ બે માસ પૂર્વે ૧૦૪૫ હતો. FIIની વેચવાલી સતત ચાલુ છે. ૭ ઑગસ્ટ સુધી કામકાજના પાંચ દિવસમાં તેણે ૧૫૯૫૧ કરોડની રોકડી કરી છે.
શુક્રવારે બહુમતી એશિયન બજાર ઢીલાં હતાં. હૉન્ગકૉન્ગ સવા ટકો, થાઇલૅન્ડ, સિંગાપોર અને સાઉથ કોરિયા અડધા ટકા આસપાસ તથા ચાઇના નહીંવત્ નરમ હતું. સામે જૅપનીઝ નિક્કી પોણાબે ટકા અન ઇન્ડોનેશિયા અડધો ટકો વધ્યું છે. યુરોપ રનિંગમાં નહીંવત્ વધ-ઘટે ફ્લૅટ હતું. પાકિસ્તાની શૅરબજાર ૧૪૫૬૪૭ના આગલા બંધ સામે ૧૪૬૮૧૩ની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૪૮ પૉઇન્ટની પીછેહઠમાં ૧૪૫૫૯૯ ચાલતું હતું. બિટકૉઇન ૧૧૬૭૮૯ ડૉલર દેખાયો છે.
સ્ટેટ બૅન્ક ધારણાથી સારાં પરિણામ છતાં નેગેટિવ ઝોનમાં
સ્ટેટ બૅન્ક દ્વારા ૧૨ ટકાના વધારામાં ૧૯૧૬૦ કરોડ ત્રિમાસિક નેટ નફો હાંસલ થયો છે. બજારની એકંદર ધારણા ૧૭૧૬૬ કરોડના નફાની હતી. શૅર નીચામાં ૭૯૦થી વધી ૮૦૮ થઈ નજીવા ઘટાડે ૮૦૪ બંધ રહ્યો છે. HDFC બૅન્ક ૧.૧ ટકા ઘટીને ૧૯૭૩ બંધમાં બજારને ૧૪૪ પૉઇન્ટ, કોટક બૅન્ક બે ટકા બગડીને બાવન પૉઇન્ટ તથા ઍક્સિસ બૅન્ક ૧.૮ ટકાની નરમાઈમાં ૪૭ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક સામાન્ય નરમ હતી. ઇન્ડસઇન્ડ બૅન્ક ત્રણ ટકા ખરડાઈને ૭૮૩ રહી છે. ભારતી ઍરટેલ સાડાત્રણ ટકા લથડીને ૧૮૫૯ બંધમાં સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની માર્કેટને સર્વાધિક ૧૪૬ પૉઇન્ટ ભારે પડી છે. રિલાયન્સે ૧.૭ ટકાની બૂરાઈમાં ૧૩૬૮ બંધ આપી ૧૩૧ પૉઇન્ટનો માર માર્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ નીચામાં ૨૧૬૫ની અંદર જઈને સવાત્રણ ટકા ગગડી નિફ્ટી ખાતે ૨૧૭૮ બંધ હતી. અદાણી પોર્ટ્સ વધુ દોઢ ટકો સાફ થઈ છે. અન્યમાં તાતા મોટર્સ પરિણામ પૂર્વે ૨.૨ ટકાની ખરાબીમાં ૬૩૩ હતી. આગલા દિવસે ડલ માર્કેટમાં ૪ ટકા ઊછળી નિફ્ટીમાં ઝળકેલી હીરો મોટોકૉર્પ ગઈ કાલે સવા ટકાની પીછેહઠ દાખવી ૪૫૯૮ થઈ છે. શ્રીરામ ફાઇનૅન્સ ૨.૮ ટકા, નેસ્લે એક્સ-બોનસમાં ૧.૯ ટકા, હિન્દાલ્કો બે ટકા, ગ્રાસિમ ૧.૯ ટકા, SBI લાઇફ દોઢ ટકો, JSW સ્ટીલ દોઢ ટકો, અપોલો હૉસ્પિટલ સવા ટકો, મહિન્દ્ર બે ટકા, એશિયન પેઇન્ટ્સ સવા ટકો ડાઉન હતી.
ટાઇટને બાવન ટકાની નફાવૃદ્ધિમાં સારાં રિઝલ્ટ આપતાં જેફરીઝે ટાર્ગેટ પ્રાઇસ વધારીને ૩૮૦૦ કરી છે. શૅર સવા ટકો વધીને ૩૪૬૦ બંધ આવ્યો છે. NTPC ૧.૪ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૦.૯ ટકા અને HDFC લાઇફ પોણો ટકો પ્લસ થતાં ઇન્ફી નીચામાં ૧૪૧૭ બતાવી એક ટકાની નબળાઈમાં ૧૪૨૪ હતી. વિપ્રો સવા ટકો, TCS અડધો ટકો, લાટિમ ઇલેક્ટ્રિક, તાતા સ્ટીલ પોણાથી એક ટકા ઘટ્યા છે. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ સવા ટકાના ઘટાડે ૩૨૧ થઈ છે. બજાજ ઑટો તથા આઇશર સાધારણ નરમાઈમાં બંધ હતા. સનફાર્મા પાંખા કામકાજે પોણો ટકો ઘટી છે.
NSDL સતત તેજીમાં, ભાવ ૧૭૭ વધીને ૧૩૦૦ના શિખરે
લિસ્ટિંગ પછી તેજી બરકરાર રાખતાં NSDL સવાયા વૉલ્યુમે ૧૩૪૩ નજીક નવી વિક્રમી સપાટી બનાવી ૧૫.૮ ટકા કે ૧૭૭ રૂપિયાના ઉછાળે ૧૩૦૦ થઈ છે. શ્રી લોટસ ડેવલપર્સ ૨૧૮ના શિખરે જઈ ૬.૧ ટકાની આગેકૂચમાં ૨૧૦ રહી છે. એમઍન્ડબી એન્જિનિયરિંગ ૪૮૯ની નવી ટૉપ દેખાડી ૩.૫ ટકા વધીને ૪૩૨ હતી. આદિત્ય ઇન્ફોટેક ૩.૪ ટકા તૂટીને ૧૦૯૦ બંધ આવી છે. લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ ૧૭૪ના બેસ્ટ લેવલે જઈ ૧૦.૨ ટકા વધીને ૧૬૩ થઈ છે. BSE લિમિટેડનો નેટ પ્રૉફિટ ૧૦૫ ટકા વધી ૭૦૪ કરોડ થયો છે છતાં શૅર નીચામાં ૨૩૮૨ થઈ બે ટકા બગડી ૨૩૯૩ રહ્યા છે. CDSL નજીવા સુધારે ૧૫૬૭ હતી. MCX સવાયા કામકાજે નીચામાં ૭૬૫૭ થઈ ૨.૨ ટકા કે ૧૭૫ રૂપિયા ખરડાઈ ૭૭૧૪ હતી. ઇન્ડિયન એનર્જી એક્સ ૩.૩ ટકા વધીને ૧૩૮ થઈ છે.
રાઇસ કંપની કેઆરબીએલનો નેટ નફો ૮૬૫૬ લાખથી વધી ૧૫૦ કરોડને વટાવી જતાં શૅર ૭૦ ગણા કામકાજે ૪૩૪ના શિખરે જઈ ૧૫ ટકાની તેજીમાં ૪૨૭ રહી એ-ગ્રુપ ખાતે ઝળક્યો છે. જીએસએફસી ૫૯ ટકાની નફાવૃદ્ધિના જોરમાં સાડાછ ટકાની મજબૂતીમાં ૨૧૨ નજીક પહોંચી છે. સંઘવી મૂવર્સ પોણાનવ ટકા, રેટગેઇન ટ્રાવેલ સવાઆઠ ટકા તથા ઇન્ડિયા શેલ્ટર સવાસાત ટકા ઊંચકાઈ હતી. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટનો નેટ પ્રૉફિટ ૮૩૬૯ લાખથી ઘટીને ૬૬૯૮ લાખ આવતાં શૅર બાર ગણા વૉલ્યુમે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૪૭ રૂપિયા ખરડાઈ ૫૮૯ બંધ રહ્યો છે.
કલ્યાણ જ્વેલર્સે ૪૮.૭ ટકાના વધારામાં ૨૬૪ કરોડ નોંધાયો છે, પરંતુ ટ્રમ્પની ટૅરિફની તાણમાં શૅર ૧૧ ગણા કામકાજે નીચામાં ૫૦૫ બતાવી ૧૦.૭ ટકા ઝંખવાઈ ૫૨૭ બંધ આવ્યો છે. વેરોક એન્જિનિયરિંગ પોણાઆઠ ટકા તથા કેઆઇઓસીએલ પરિણામ પૂર્વે સાત ટકા બગડી છે. બિન્ની મિલ્સ ૨૩૨ના વર્સ્ટ લેવલે જઈ ૧૯.૨ ટકા તૂટીને ૨૩૩ નજીક બંધ આવી છે. મુકંદ લિમિટેડ ૨૪ કરોડ સામે ૨૯ કરોડ નેટ પ્રૉફિટ કરતાં ભાવ ૧૧ ટકા ઊછળીને ૧૩૮ બંધ થયો છે.
સતત ખોટ કરતી બ્લુસ્ટોન જ્વેલરી મારફાડ ભાવે IPO કરશે
ગ્રેમાર્કેટમાં જેની ખાસ્સી ફૅન્સી હતી એ ચેન્નઈની ફ્લાયએસબીએશ એવિયેશન શૅરદીઠ ૨૨૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટના ૨૪૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૪૨૭ ખૂલી ઉપલી સર્કિટે ૪૪૯ નજીક બંધ થતાં એમાં લગભગ ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સોમવારે એકસાથે ૬ ભરણાં લિસ્ટિંગમાં જશે; જેમાં ભડોરા ઇન્ડસ્ટ્રીઝ, પાર્થ ઇલેક્ટ્રિકલ્સ, જ્યોતિ ગ્લોબલ, આરાધ્ય ડિસ્પોઝેબલ, ઍસેક્સ મરીન તથા BLT લૉજિસ્ટિક્સ સામેલ છે. હાલમાં ગ્રેમાર્કેટમાં પાર્થ ઇલેક્ટ્રિકમાં ૧૦ રૂપિયા તથા BLT લલૉજિસ્ટિકમાં ૨૫ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.
સોમવારે મેઇન બોર્ડમાં બૅન્ગલોરની બ્લુસ્ટોન જ્વેલરી એકના શૅરદીઠ ૫૧૭ની અપર બૅન્ડમાં ૭૨૧ કરોડ નજીકની OFS સહિત કુલ ૧૫૪૦ કરોડથી વધુનો IPO કરવાની છે. ભરણાં QIB ક્વોટા ૭૫ ટકા તથા રીટેલ ક્વોટા ૧૦ ટકા છે. કંપની સતત ખોટમાં છે. ગયા વર્ષે ૧૮૩૦ કરોડની આવક પર ૨૨૨ કરોડ જેવી નેટ લૉસ કરી છે. ગયા વર્ષે આવક ૪૦ ટકા વધવા છતાં ચોખ્ખી ખોટ ૫૬ ટકા વધી છે. દેવું ૭૨૯ કરોડ નજીક છે. કંપની બ્લુસ્ટોન બ્રૅન્ડથી જેમ જ્વેલરી સેગમેન્ટમાં છે. ટ્રમ્પના ટૅરિફને લઈ આ સેગમેન્ટમાં સ્થિતિ હાલ ડામાડોળ છે એટલે સતત ખોટ કરતી કંપનીમાં એકના શૅરના ૫૧૭ રૂપિયા આપવા જેવી બેવકૂફી બીજી કોઈ નથી. ઇશ્યુમાં ફૅન્સી ઊભી કરવા ગ્રેમાર્કેટમાં ૩૫ના ભાવથી સોદા શરૂ થયા હતા, રેટ ગગડીને હાલમાં ૧૬ થઈ ગયો છે.
દરમ્યાન બીજા દિવસના અંતે JSW સિમેન્ટનો ઇશ્યુ કુલ ૫૯ ટકા તથા ઑલટાઇમ પ્લાસ્ટિક્સનો IPO કુલ એક ગણાથી વધુ ભરાઈ ગયો છે. JSW સ્ટીલમાં ૮ રૂપિયા અને ઑલટાઇમમાં ૨૦ રૂપિયા પ્રીમિયમ છે. સોમવારે પુણેની આઇકોડેક્સ પબ્લિશિંગ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપર બૅન્ડમાં ૪૨૦૩ લાખનો BSE SME IPO કરવાની છે. કંપનીએ ગયા વર્ષે ૧૦૧ ટકાના વધારામાં ૨૨૦૮ લાખની આવક પર ૧૦૪ ટકાના વધારામાં ૮૯૬ લાખ નેટ નફો બનાવી દીધો છે. ૬૧ ટકાનું ગ્રોસ અને ૪૦ ટકાથી વધુનું નેટ માર્જિન થયું એ શક્ય નથી. ગ્રમાર્કેટમાં બે રૂપિયા પ્રીમિયમ સંભળાય છે.
ગ્રાસિમની આવકની સાથે-સાથે ખોટ પણ વધી, શૅર ઘટ્યો
ઇન્શ્યૉરન્સ જાયન્ટ LICનો નફો પાંચ ટકા વધી ૧૦૯૮૭ કરોડ રૂપિયા થયો છે. ઍસેટ્સ ક્વૉલિટી સુધરી છે એટલે શૅર સાડાછ ગણા કામકાજે ઉપરમાં ૯૨૭ બતાવી ત્રણ ટકા વધી ૯૧૨ બંધ થયો છે. બાયોકૉનની આવક ૧૫ ટકા વધી છે, પણ નેટ નફો ૯૫ ટકા ગગડી ૩૧ કરોડ રહ્યો છે. શૅર પોણાછ ટકા પટકાઈ ૩૪૩ થયો છે. વેન્કીઝ ઇન્ડિયાનો નફો ૭૯ પૉઇન્ટ ઘટીને આવતાં શૅર નીચામાં ૧૪૩૫ થયો હતો. ત્યાર બાદ બાઉન્સબૅકમાં ૧૫૨૩ થઈ એક ટકો વધી ૧૫૦૮ રહ્યો છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની આવક ૩૩.૮ ટકા વધી છે. એની સાથે ચોખ્ખી ખોટ પણ ૫૨ કરોડથી વધી ૧૧૮ કરોડ થઈ છે. શૅર ૨૭૫૬ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૨૫૬૪ થઈ બે ટકા બગડી ૨૬૯૦ બંધ આવ્યો છે.
વૉકહાર્ટની આવક ૭૩૮ કરોડના લેવલે ફ્લૅટ રહી છે, પરંતુ નેટ લૉસ ૧૪ કરોડથી તગડા વધારામાં ૯૦ કરોડે પહોંચી છે. ભાવ નીચામાં ૧૪૪૯ થઈ ત્રણ ટકાના ઘટાડે ૧૪૭૪ રહ્યો છે. ઇન્ફોએજ ઇન્ડિયાનો નફો ધારણાથી નીચો, ૨૯૬ કરોડ આવતાં શૅર પોણાબે ટકા ઘટી ૧૩૩૭ થયો છે. નીટ લિમિટેડનો નફો ૪૩.૬ ટકા ઘટી ૪૪૦ લાખ થયો છે, પણ શૅર માત્ર અડધો ટકો ઘટીને ૧૧૬ બંધ આવ્યો છે. ગાર્ડનરીચે ૩૭.૮ ટકાના વધારામાં ૧૨૦ કરોડ નેટ નફો મેળવ્યો હોવા છતાં શૅર એક ટકો ઘટીને ૨૫૨૦ થયો છે.
જેકે ટાયરનો નફો ૨૨ ટકા ઘટી ૧૬૫ કરોડ નોંધાયો છે. શૅર પોણો ટકો વધીને ૩૨૭ નજીક ગયો છે. મૅક્સ ફાઇનૅન્શિયલનો નફો ૪૫ ટકા ગગડી ૬૯ કરોડ થયો છે, પણ ત્રણ ટકા વધી ૧૫૫૧ રહ્યા છે. ડેટા પૅટર્ન્સની આવક સાડાચાર ટકા ઘટી છે. સામે નેટ નફો ૨૨ ટકા ઘટી ૨૫૫૦ લાખ થયો છે શૅર ત્રણ ગણા કામકાજે નીચામાં ૨૩૫૧ બતાવી સાડાપાંચ ટકા કે ૧૪૨ રૂપિયા ગગડી ૨૪૨૭ બંધ આવ્યો છે.