સેન્સેક્સ ૩૨૯ પૉઇન્ટ વધ્યો: નિફ્ટી ૧૯ મહિનાની ઊંચાઈએ

30 November, 2012 06:38 AM IST  | 

સેન્સેક્સ ૩૨૯ પૉઇન્ટ વધ્યો: નિફ્ટી ૧૯ મહિનાની ઊંચાઈએ




શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી

લોકસભાના સ્પીકર દ્વારા રીટેલ એફડીઆઇ પર વોટિંગની જાહેરાત બાદ પાર્લમેન્ટની કાર્યવાહી વ્યવસ્થિત ચાલશે અને આર્થિક સુધારાઓને વેગ મળે એવી શક્યતાને કારણે ગુરુવારે બજાર નોંધપાત્ર વધ્યું હતું. આમ તો ટ્રેડિંગના પ્રારંભથી જ સેન્સેક્સમાં ૧૦૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ત્યાર બાદ રેટ સેન્સિટિવ શૅર્સમાં લેવાલીને કારણે બજારમાં સુધારો આગળ વધ્યો હતો. બપોરે યુરોપનાં બજાર પૉઝિટિવ ખૂલતાં તેમ જ રૂપિયો મજબૂત થતાં નિફ્ટી ૨૦૧૨ના નવા શિખરે પહોંચ્યો હતો.

સત્રના અંતે મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ અગાઉના ૧૮,૮૪૨.૦૮ના બંધ સામે ૩૨૮.૮૩ પૉઇન્ટ (૧.૭૫ ટકા) વધીને ૧૯,૧૭૦.૯૧ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૯૭.૫૫ પૉઇન્ટના (૧.૭૦ ટકા) સુધારા સાથે ૫૮૨૫ બંધ રહ્યો હતો. બીએસઈની કુલ ૩૦૬૪ સ્ક્રિપ્સમાંથી ૧૬૮૧ સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે ૧૨૬૪ સ્ક્રિપ્સ ઘટી હતી.

રેટ સેન્સિટિવ શૅર્સ વધ્યા

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ફક્ત બે ઇન્ડેક્સમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં રેટ સંવેદનશીલ શૅર્સ જેમ કે રિયલ્ટી, બૅન્ક અને ઑટોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૩૮ ટકા વધ્યો હતો. આ ઇન્ડેક્સની ૧૨માંથી ૯ કંપનીઓ અપ હતી. રિયલ્ટી ઇન્ડેક્સના યુનિટેક ૮.૬૬ ટકા, એચડીઆઇએલ ૫.૮૨ ટકા, ઇન્ડિયાબુલ્સ ૪.૪૨ ટકા, શોભા ડેવલપર્સ ૫.૨૭ ટકા, ડીએલએફ ૧.૬૮ ટકા સૌથી અધિક વધ્યા હતા. બૅન્ક ઇન્ડેક્સની ૧૪માંથી માત્ર એક સ્ક્રિપ ઘટી હતી. આ ઇન્ડેક્સની ઇન્ડસઇન્ડ બૅન્ક (૫.૫૬ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૪.૫૯ ટકા), કોટક મહિન્દ્ર બૅન્ક (૨.૧૭ ટકા), આઇડીબીઆઇ બૅન્ક (૨.૪૫ ટકા), એચડીએફસી બૅન્ક (૨.૭૩ ટકા), સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૦.૯૪ ટકા) ઊછળ્યાં હતા. આઇટી અને ટેક ઇન્ડેક્સ અનુક્રમે ૦.૩૬ ટકા અને ૦.૦૫ ટકા ડાઉન હતા. આઇટી ઇન્ડેક્સની ૧૦માંથી ફક્ત ૩ કંપની વધીને બંધ થઈ હતી. અગ્રણી આઇટી કંપનીઓ જેમ કે ટેક મહિન્દ્ર ૧.૪૫ ટકા, ઇન્ફોસિસ ૦.૯૮ ટકા અને હેક્સાવેર ટેક ૦.૬૪ ટકા નબળા પડ્યા હતા.

રિયલ્ટી અને બૅન્ક બાદ ઑટો શૅર્સમાં સૌથી અધિક વધારો જોવા મળ્યો હતો. આ ઇન્ડેક્સ ૨૨૦ પૉઇન્ટ (૨.૦૮ ટકા) વધ્યો હતો. ઑટો ઇન્ડેક્સની બજાજ ઑટો ૫.૦૧ ટકા, તાતા મોટર્સ ૪.૪૫ ટકા, બૉશ ૩.૨૫ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૦.૫૦ ટકા વધ્યા હતા. મિડ કૅપ શૅર્સમાં પણ તેજી જોવા મળી હતી. આ ઇન્ડેક્સ ૧.૨૬ ટકા વધ્યો હતો. મિડ કૅપની ૨૪૬માંથી ૧૭૧ કંપનીઓ વધીને બંધ રહી હતી. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૦.૪૫ ટકા અપ હતા. આ ઇન્ડેક્સની ૫૨૭માંથી ૨૬૯ અપ હતી, જ્યારે ૨૪૦ ડાઉન હતી.

સેન્સેક્સના ૩૨૮ પૉઇન્ટના સુધારામાં આઇસીઆઇસીઆઇ બૅન્ક અને એચડીએફસીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બન્ને કંપનીઓએ સેન્સેક્સના વધારામાં અનુક્રમે ૬૪ પૉઇન્ટ અને ૪૨ પૉઇન્ટનો ફાળો આપ્યો હતો, જ્યારે લાર્સન, આઇટીસી અને તાતા મોટર્સનો ફાળો ૨૭ પૉઇન્ટનો રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સની ૨૬ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ સમાવિષ્ટ શૅર્સમાં બજાજ ઑટો સૌથી અધિક પાંચ ટકા વધ્યો હતો, ત્યાર બાદ આઇસીઆઇસીઆઇ બૅન્ક ૪.૫૯ ટકા અને તાતા મોટર્સ ૪.૪૫ ટકા અપ હતા. હીરો મોટોકૉર્પ અને ઇન્ફોસિસ સૌથી અધિક ઘટ્યાં હતા. આ બન્ને કંપનીઓમાં અનુક્રમે ૧.૦૩ ટકા અને ૦.૯૮ ટકાની નબળાઈ જોવા મળી હતી. બીએસઈનું માર્કેટ કૅપ ૬૫.૯૪ લાખ કરોડ રૂપિયાથી વધીને ૬૬.૭૪ લાખ કરોડ રૂપિયા થયું હતું. આમ માર્કેટ કૅપમાં ૮૦ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

૧૭૦ કંપનીઓ એક વર્ષની ઊંચાઈએ


ગુરુવારે ૧૭૦ કંપનીઓના શૅર્સના ભાવ એક વર્ષના શિખરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બૉમ્બે ડાઇંગ, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લૅબ, રેમન્ડ, એશિયન પેઇન્ટ, આઇશર મોટર્સ, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ, વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ, એનએચસી ફૂડ્સ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ, નેટકો ફાર્મા, સંદેશ, અતુલ ઑટો, આઇએનજી વૈશ્ય બૅન્ક, મુક્તા આર્ટ્સ, એચસીએલ ટેક, ફોર સૉફ્ટ, એનડીટીવી, હનુંગ ટૉય્ઝ, બજાજ ઑટો, પિરામલ લાઇફ, પ્રેસ્ટિજ એસ્ટેટ, સિનેમેક્સ, પીવીઆર, સન ટીવી, અનંતરાજ વગેરેનો સમાવેશ છે.

આ ઉપરાંત ૯૯ કંપનીઓ ઘટીને બાવન સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં જયભારત ટેક્સટાઇલ્સ, મોનેટ ઇસ્પાત એનર્જી, જેએમટી ઑટો, હાઈ-ટેક ગિયર્સ, પીએલ એન્ટરપ્રાઇઝિસ, ઑપ્ટો સર્કિટ્સ, અનુસ લૅબ, કિરી ઇન્ડસ્ટ્રીઝ, રિસર્જર માઇન્સ, કાવેરી ટેલિકૉમ વગેરેનો સમાવેશ છે.

ટીટીએમએલમાં મર્જર ઇફેક્ટ


ટેલિનોરના ભારતીય વેપારનું તાતા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ (ટીટીએમએલ) સાથે જોડાણ થાય એવી બજારની અટકળોને કારણે ગઈ કાલે આ સ્ક્રિપમાં ૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બે સપ્તાહના સરેરાશ ૨.૭૪ લાખ શૅર્સના વૉલ્યુમ સામે ગઈ કાલે આ સ્ટૉકમાં ૫૪.૧૩ લાખ શૅર્સનું વૉલ્યુમ થયું હતું.

જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર

જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શૅર્સનો ભાવ ગઈ કાલે ઑલટાઇમ લો પર પહોંચી ગયો હતો. માલદીવ સરકારે કંપની સાથેના કરારને ગેરમાન્ય જાહેર કરીને માલે ઍરપોર્ટ સંંબંધિત કૉન્ટ્રૅક્ટને રદ કર્યો હતો. ગુરુવારે આ સ્ટૉક નીચામાં ૧૬.૭૫ રૂપિયા સુધી જઈ સેશનના અંતે ૦.૮૩ ટકા ઘટ્યો હતો.

ગોલ્ડમૅન સાક્સનો રિપોર્ટ

મંગળવારના મૂડીઝના રેટિંગ બાદ ગઈ કાલે ગોલ્ડમૅન સાક્સના રિપોર્ટને પગલે પણ માર્કેટને તેજીનું ટૉનિક પ્રાપ્ત થયું હતું. વિશ્વની અગ્રણી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમૅન સાક્સના મતે નિફ્ટી આગામી વર્ષના ડિસેમ્બર સુધી ૬૬૦૦ સુધી પહોંચશે. તેમનું માનવું છે કે હવે ભારતના આર્થિક વિકાસમાં ફરી વૃદ્ધિ જોવા મળશે અને મોંઘવારીમાં પણ ઘટાડો આવશે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સરકાર હવે સહેલાઈપૂર્વક આર્થિક સુધારા કરી શકશે. તેમના મતે ૨૦૧૪માં ભારતનો જીડીપી ૭.૨ ટકાના દરે વધશે.

આજે જીડીપીના ડેટા જાહેર થશે

નાણાકીય વર્ષ ૨૦૧૩ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરના જીડીપીના આંકડાઓને આજે જાહેર કરવામાં આવશે. બજારના જાણકારોના મતે આ સમયગાળામાં જીડીપી ગ્રોથ ૫.૩ ટકાની આસપાસ રહેશે, જે ગત વર્ષના સમાન ગાળામાં ૬.૭ ટકાનો હતો. તેમનું માનવું છે કે નબળા મૉન્સૂન અને ઇન્ડસ્ટ્રીની ખરાબ સ્થિતિને કારણે ગ્રોથ પર પ્રેશર જોવા મળશે. જીડીપીમાં ઍગ્રિકલ્ચર અને ઇન્ડસ્ટ્રીનો ફાળો આશરે ૪૦ ટકાનો છે.

વૈશ્વિક બજાર


અમેરિકામાં સ્થિતિ સુધરવાની શક્યતાને કારણે એશિયાની માર્કેટ પણ વધીને ખૂલી હતી. ટ્રેડિંગના અંતે નિક્કી ૧ ટકા અપ હતો, જ્યારે હૅન્ગ સેંગ અને તાઇવાન અનુક્રમે ૦.૯૮ ટકા અને ૦.૯૧ ટકા સુધર્યા હતા. યુરોપિયન બજારમાં ખૂલતાંની સાથે જ મજબૂતાઈ જોવા મળી હતી. સાંજ સુધી એફટીએસઈ, સીએસી અને ડેક્સ ૦.૭૧-૧ ટકાની આસપાસ વધ્યા હતા.

એફઆઇઆઇની ખરીદી


ગુરુવારે સતત બીજા સેશનમાં એફઆઇઆઇએ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) ભારતીય બજારમાંથી ૧૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની ચોખ્ખી ખરીદી કરી હતી. ગઈ કાલે બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૭૩૪૫.૨૩ કરોડ રૂપિયાની લેવાલી તથા ૫૭૬૫.૨૬ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક નાણાસંસ્થાઓની ૧૩૩૨.૫૧ કરોડ રૂપિયાની લેવાલી અને ૨૨૨૮.૭૩ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૧૫૭૯.૯૭ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી અને સ્થાનિક નાણાસંસ્થાઓની ૮૯૬.૨૨ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.