સાંકડી રેન્જ વચ્ચે બજાર વધીને બંધ

27 November, 2012 06:33 AM IST  | 

સાંકડી રેન્જ વચ્ચે બજાર વધીને બંધ



શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી

ભારતીય બજારોમાં ગઈ કાલે કોઈ મોટી મૂવમેન્ટ જોવા ન મળતાં સુસ્તીનો માહોલ રહ્યો હતો. કામકાજના કલાકો દરમ્યાન સેન્સેક્સમાં માત્ર ૮૦ પૉઇન્ટનો જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આમ તો વૈશ્વિક બજારોમાં તેજીને કારણે સ્થાનિક બજાર અડધો ટકો ઊંચું ખૂલ્યું હતું. જોકે ત્યાર બાદ ડૉલર સામે રૂપિયો ત્રણ મહિનાના નીચા સ્તરે એટલે કે ૫૫.૮૧ના સ્તરે પહોંચી જતાં માર્કેટમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. સતત

ત્રીજે દિવસે સંસદ મુલતવી થતાં રૂપિયો નબળો પડ્યો હતો. પરિણામે બપોરે એક તબક્કે સેન્સેક્સ અને નિફ્ટી સ્થિર થઈ ગયા હતા, પરંતુ નીચલા લેવલથી ખરીદી થતાં માર્કેટમાં રિકવરી જોવા મળી હતી. સત્રના અંતે મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ અગાઉના ૧૮,૫૦૬.૫૭ના બંધ સામે ૩૦.૪૪ પૉઇન્ટ ૦.૧૬ ટકા વધીને ૧૮,૫૩૭.૦૧ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૯.૩૦ પૉઇન્ટના (૦.૧૭ ટકા) સુધારા સાથે ૫૬૩૫.૯૦ બંધ રહ્યો હતો. ગઈ કાલે મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં આશરે એક ટકાનો સુધારો જોવા મળ્યો હતો. બીએસઈનું માર્કેટ કૅપ ૬૪.૮૯ લાખ કરોડ રૂપિયાથી વધીને ૬૫.૧૭ લાખ કરોડ રૂપિયા થયું હતું.

ટેક શૅરો સૌથી અધિક વધ્યા


બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ચાર ઇન્ડેક્સમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં ટેક ઇન્ડેક્સ સૌથી અધિક વધ્યો હતો. ત્યાર બાદ આઇટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ અનુક્રમે ૧.૨૪ ટકા અને ૧.૨૦ ટકા અપ હતા. ટેક ઇન્ડેક્સમાં ૧.૩૫ ટકા ૪૬ પૉઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો. આ ઇન્ડેક્સના હેક્ઝાવેર ટેક ૫.૨૮ ટકા, ઇન્ફોસિસ ૧.૭૧ ટકા, વિપ્રો ૨.૫૦ ટકા, ટીવી૧૮ ૩.૨૪ ટકા વધ્યા હતા.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આશરે ૯૦ પૉઇન્ટ સુધર્યો હતો. આ ઇન્ડેક્સની ૧૦માંથી ૭ સ્ક્રિપ્ટ વધી હતી. આ ઇન્ડેક્સના ટીટીકે પ્રેસ્ટિજ ૪.૩૫ ટકા, ગીતાંજલિ જેમ્સ ૩.૭૩ ટકા, રાજેશ એક્સર્પોટ્સ ૩.૦૭ ટકા, વ્હર્લપૂલ ૧.૪૦ ટકા અને ટાઇટન ૦.૮૩ ટકા વધ્યા હતા. મેટલ ઇન્ડેક્સ ૦.૯૮ ટકા અપ હતો.

પીએસયુ ઇન્ડેક્સ ગઈ કાલે સતત બીજા સત્રમાં ઘટ્યો હતો. આ ઇન્ડેક્સમાં ૦.૫૪ ટકાની નબળાઈ જોવા મળી હતી. સરકારે ઑફર ફૉર સેલ સરેરાશ શૅરદીઠ ૧૫૭ રૂપિયાના ભાવ કરતાં હિન્દુસ્તાન કૉપર ૨૦ ટકા ઘટ્યો હતો. ત્યાર બાદ એસટીસી ૩.૦૩ ટકા, મએમટીસી ૨.૦૪ ટકા, એનએમડીસી ૧.૯૮ ટકા, એચપીસીએલ ૧.૩૪ ટકા, ભેલ ૧.૪૦ ટકા સૌથી અધિક ઘટ્યાં હતા. પીએસયુ ઇન્ડેક્સ બાદ બૅન્ક, ઑટો અને ઑઇલ-ગૅસ ૦.૩૦-૦.૨૪ ટકા ડાઉન હતા.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સની ૧૯ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ૧૧ સ્ક્રિપ્સ ઘટી હતી. સેન્સેક્સમાં સમાવિષ્ટ શૅર્સમાં વિપ્રો ૨.૫૦ ટકા વધ્યો હતો. ત્યાર બાદ સ્ટરલાઇટ અને તાતા સ્ટીલ અનુક્રમે ૨.૩ ટકા અને ૧.૯૬ ટકા સુધર્યા હતા, જ્યારે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર સૌથી અધિક તૂટ્યો હતો. એસ્ટન માર્ટિનમાં ૫૧ ટકા હિસ્સાની ખરીદી માટે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર બીડ સુપરત કરે એવી અટકળોને કારણે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રના શૅર્સમાં ૩.૩૦ ટકાનું ગાબડું પડ્યું હતું. ત્યાર બાદ સન ફાર્મા અને ભેલ ૧.૬૦-૧.૪૦ ટકા ડાઉન હતા. બીએસઈની કુલ ૨૯૪૮ સ્ક્રિપ્સમાંથી ૧૫૭૭ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૨૨૩ સ્ક્રિપ્સ ઘટી હતી.

એવિયેશન શૅર્સ વધ્યા

ગઈ કાલે ઍરલાઇન્સ સેગમેન્ટના જેટ ઍરવેઝ અને સ્પાઇસ જેટ ભારે વૉલ્યુમ વચ્ચે તેમના બાવન સપ્તાહના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા. એતિહાદ ઍરવેઝ આગામી દોઢ મહિનામાં જેટ ઍરવેઝનો ૨૪ ટકા હિસ્સો હસ્તગત કરે એવી બજારની અફવાઓને પગલે સોમવારે સતત બીજા સત્રમાં જેટ ઍરવેઝમાં આશરે ૧૧ ટકાનો જમ્પ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સ્પાઇસ જેટમાં પણ હિસ્સાના વેચાણ વિશેના સમાચારને કારણે શૅર્સના ભાવમાં ૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સેક્ટરની અન્ય કંપનીઓ ગ્લોબલ વેક્ટ્રા ૯.૯૧ ટકા અને કિંગફિશર ઍરલાઇન્સ પાંચ ટકા સુધર્યા હતા.

જીએસકેમાં ઉપલી સર્કિટ

ગ્લેક્સોસ્મિથક્લિન કન્ઝ્યુમર હેલ્થકૅરમાં ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટ જોવા મળી હતી. એનું મુખ્ય કારણ બાવીસ ટકા હિસ્સા માટેની ઓપન ઑફર છે જે ૨૮ ટકા પ્રીમિયમે કરવામાં આવી છે. સત્રના અંતે આ સ્ક્રિપ ૬૦૮ રૂપિયા વધીને ૩૬૫૧ રૂપિયા બંધ રહી હતી.

૯૯ કંપનીઓ નીચા સ્તરે


ગઈ કાલે બીએસઈની ૧૨૪ સ્ક્રિપ્સ એના એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં ટાઇટન ઇન્ડ., આરએસડબ્લ્યુએમ, વેસ્ટ કોસ્ટ પેપર, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, ગ્લેક્સોસ્મિથક્લિન કન્ઝ્યુમર હેલ્થકૅર, હૉન્ડા સિયેલ પાવર, નેટકો ફાર્મા, મિરઝા ઇન્ટરનૅશનલ, ગોદાવરી ડ્રગ્સ, ઝાયકૉમ ઇલેક્ટિÿક, કોલગેટ પામોલિવ, હોકિંગ કુકર્સ, સવિતા ઑઇલ, એચસીએલ ટેક, યુનાઇટેડ સ્પિરિટ્સ, કર્ણાટક બૅન્ક, વી ગાર્ડ, ડીબી રિયલ્ટી, એમટી એજ્યુકૅર, સિનેમેક્સ, ઇન્ડસ ઇન્ડ બૅન્ક વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત ૯૯ કંપનીઓ ઘટીને બાવન સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં સ્પાન્કો, એસ. કુમાર નેશન, શિવવાણી ઑઇલ, જયહિન્દ પ્રોજેક્ટ્સ,  રિસર્જર માઇન્સ, કાવેરી ટેલિકૉમ, સી. મહિન્દ્ર એક્સર્પોટ્સ વગેરેનો સમાવેશ છે.

આસ્ટ્રાઝેનેકા ફાર્મા ૧૨ ટકા વધ્યો

ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની આસ્ટ્રાઝેનેકા ફાર્મા ઇન્ડિયામાં ડિલિસ્ટિંગની જાહેરાત થશે એવી ચર્ચાને પગલે શૅરના ભાવ ૧૬૫ રૂપિયા એટલે કે ૧૨ ટકા વધ્યા હતા. બજારમાં એવી વાતો થઈ રહી છે કે કંપની ૧૮૦૦ના ભાવે શૅર્સ બાયબૅક કરશે. ગત બે સપ્તાહના સરેરાશ ૪.૬ હજાર શૅર્સના વૉલ્યુમ સામે સોમવારે ૭૬ હજાર શૅર્સનું કામકાજ થયું હતું.

એફઆઇઆઇની ખરીદી


ગઈ કાલે બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૧૫૪૬.૫૫ કરોડ રૂપિયાની લેવાલી તથા ૧૩૮૩.૪૧ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક નાણાસંસ્થાઓની ૬૦૦.૦૧ કરોડ રૂપિયાની લેવાલી અને ૭૯૫.૬૭ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૧૬૩.૧૪ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી અને સ્થાનિક નાણાસંસ્થાઓની ૧૯૫.૬૫ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.

વૈશ્વિક બજાર

સોમવારે એશિયાનાં બજારોમાં કોઈ મોટી વધઘટ જોવા નહોતી મળી. નિક્કી અને તાઇવાન ઇન્ડેક્સમાં અનુક્રમે ૦.૨૪ ટકા અને ૧.૧૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યાર હૅન્ગ સેંગ ૦.૨૪ ટકા ડાઉન હતો. યુરોપિયન બજારમાં ખૂલતાંની સાથે જ નબળાઈ જોવા મળી હતી. સાંજ સુધી એફટીએસઈ, સીએસી અને ડેક્સ ૦.૫૦ ટકાની આસપાસ ઘટ્યાં હતા.