માર્કેટની આગામી ચાલ નક્કી કરશે પાર્લમેન્ટનું શિયાળુ સત્ર

26 November, 2012 06:27 AM IST  | 

માર્કેટની આગામી ચાલ નક્કી કરશે પાર્લમેન્ટનું શિયાળુ સત્ર



શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી

યુપીએ સરકાર ચાર સપ્તાહ માટેના સંસદના શિયાળુ સત્રમાં આર્થિક સુધારાને વેગ આપવા માટે રીટેલ સેક્ટરમાં એફડીઆઇ તેમ જ અન્ય મહત્વનાં બિલો પાસ કરવા ઘણા પ્રયત્નો કરી રહી છે, પણ વિપક્ષના વિરોધને કારણે સંસદનું શિયાળુ સત્ર ફરીથી સ્થગિત બનવાની શક્યતાઓ હાલમાં બજાર માટે મુખ્ય ચિંતાનો વિષય છે. સતત બે દિવસ સંસદ મુલતવી થતાં આર્થિક સુધારાને બ્રેક લાગવાની આશંકાને કારણે ગત સપ્તાહમાં રૂપિયામાં પણ નબળાઈ જોવા મળી હતી. જોકે સપ્તાહ દરમ્યાન એફઆઇઆઇની ખરીદી તેમ જ વૈãશ્વક બજારોમાં મજબૂતાઈને કારણે સ્થાનિક બજારને સપોર્ટ મળ્યો હતો.

ગત સપ્તાહ દરમ્યાન મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૧૯૭.૨૦ પૉઇન્ટ ૧.૦૮ ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૨.૬ પૉઇન્ટ ૦.૯૪ ટકા અપ હતો. જોકે સેન્સેક્સ અને નિફ્ટીના વધારા છતાં માર્કેટ કૅપમાં ચાર હજાર કરોડનો કડાકો થયો હતો.

ગયા સપ્તાહનો દેખાવ

શુક્રવારે ૧૭ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન સેક્ટરલ ઇન્ડેક્સમાં એફએમસીજી સૌથી અધિક ૨.૫૭ ટકા વધ્યો હતો. ડિસઇન્વેસ્ટમેન્ટ ડિસ્કાઉન્ટ થતાં પીએસયુ સૌથી વધુ અધિક ૧.૨૩ ટકા ઘટ્યો હતો. ફ્રન્ટલાઇન શૅર્સની સાથે મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅર્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૦.૯૧ ટકા અને ૦.૭૫ ટકા અપ હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ શૅર્સમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર સૌથી અધિક ૬.૨૬ ટકા વધ્યો હતો. ત્યાર બાદ આઇટીસી, એચડીએફસી બૅન્ક, સન ફાર્મા અને મારુતિ સુઝુકી ૪.૩૭ ટકા સુધર્યા હતા, જ્યારે એનટીપીસી ૪.૨૦ ટકા ગબડ્યો હતો. ત્યાર બાદ ભેલ, ગેઇલ, ઓએનજીસી અને તાતા મોટર્સ સૌથી વધુ ઘટ્યાં હતા.

‘એ’ ગ્રુપમાં સમાવિષ્ટ કંપનીઓમાં ગત સપ્તાહ દરમ્યાન જેટ ઍરવેઝ સૌથી અધિક ૨૮ જેટલો વધ્યો હતો. વિદેશી કંપની દ્વારા જેટ ઍરવેઝના હિસ્સાની ખરીદીની અટકળોને કારણે આ સ્ક્રિપમાં ઉછાળો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન કૉપર ગયા અઠવાડિયે સૌથી અધિક ૧૪.૮૮ ટકા ઘટ્યો હતો. ત્યાર બાદ એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ પ્રૉફિટ-બુકિંગને પગલે ૧૦ ટકા તૂટ્યો હતો.

એફઆઇઆઇ

એફઆઇઆઇએ ગત સપ્તાહમાં દરેક ઘટાડે ખરીદી કરી હતી અને ભારતીય બજારોને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગત સપ્તાહના કામકાજના પાંચમાંથી ચાર દિવસોમાં એફઆઇઆઇએ ચોખ્ખી ખરીદી કરી હતી. એફઆઇઆઇએ ગયા અઠવાડિયે કુલ ૮૦૦ કરોડનું નેટ બાઇંગ કર્યું હતું.

આગામી ચાલ


બજારના જાણકારોનું માનવું છે કે વર્તમાન સપ્તાહમાં બજારની ચાલનો આધાર મુખ્યત્વે સંસદના શિયાળુ સત્ર પર રહેશે. તેમના મતે ગુરુવારે નવેમ્બર ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સની એક્સપાયરીનો છેલ્લો દિવસ હોવાથી માર્કેટમાં વૉલેટિલિટીનું પ્રમાણ પણ વધારે હશે. ઉપરાંત શુક્રવારે જાહેર થનારા જુલાઈ-સપ્ટેમ્બર જીડીપી ડેટા પર પણ બજારની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે બુધવારે ગુરુનાનક જયંતી નિમિત્તે શૅરબજારમાં કામકાજ બંધ રહેશે.

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો