બે સપ્તાહ પછી માર્કેટમાં રિકવરી: નિફ્ટી ૫૬૦૦ની ઉપર બંધ રહ્યો

22 November, 2012 06:05 AM IST  | 

બે સપ્તાહ પછી માર્કેટમાં રિકવરી: નિફ્ટી ૫૬૦૦ની ઉપર બંધ રહ્યો



શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી

જોકે ત્યાર બાદ બજારમાં વેચવાલી જોવા મળી હતી. ડૉલરની સામે રૂપિયો નબળો પડતાં બજારનો પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી એશિયાના નિક્કી અને હેંગસેંગ વધુ મજબૂત થતાં બજારે ફરી વધવા માટે આગેકૂચ કરી હતી. સેશનના અંતે મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ અગાઉના ૧૮,૩૨૯.૩૨ના બંધ સામે ૧૩૧.૦૬ પૉઇન્ટ (૦.૭૨ ટકા) વધીને ૧૮,૪૬૦.૩૮ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૩.૨૫ પૉઇન્ટ (૦.૭૮) ટકા સુધરીને ૫૬૧૪.૮૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૬૦૦ની મહત્વની સપાટીની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. બીએસઈનું માર્કેટકૅપ ૬૪.૪૭ લાખ કરોડ રૂપિયાથી વધીને ૬૪.૭૫ લાખ કરોડ રૂપિયા થયું હતું.

પાવર ઇન્ડેક્સ સૌથી અધિક ઘટ્યો

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ફક્ત ત્રણ ઇન્ડેક્સમાં જ ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં પાવર ઇન્ડેક્સ સૌથી વધુ ૦.૯૯ ટકા ઘટ્યો હતો. ત્યાર બાદ ઑટો અને પીએસયુ ઇન્ડેક્સ અનુક્રમે ૦.૨૪ ટકા અને ૦.૧૯ ટકા ડાઉન હતા. પાવર સેક્ટરની ૧૭માંથી ૧૦ સ્ક્રિપ્સ ઘટી હતી. આ ઇન્ડેક્સના એનટીપીસી (૩.૩૬ ટકા), ભેલ (૨.૭૦ ટકા), પાવર ગ્રિડ (૫.૫૬ ટકા) સૌથી વધુ તૂટ્યાં હતા.

મંગળવારે ૭ ટકાની નબળાઈ બાદ ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી અધિક ૨.૪૭ ટકા વધ્યો હતો. આ ઇન્ડેક્સની માત્ર બે કંપનીઓના શૅરના ભાવમાં જ ઘટાડો જોવા મળ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સના અનંતરાજ ૭.૭૧ ટકા, એચડીઆઇએલ ૪.૫૫ ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ ૨.૯૮ ટકા, યુનિટેક ૨.૭૪ ટકા, ડીએલએફ ૧.૧૩ ટકા અપ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ બાદ એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧.૪૧-૧.૪૦ ટકા વધ્યા હતા.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧૦૩ પૉઇન્ટ અપ હતો. આ ઇન્ડેક્સને વધારવામાં ટાઇટનનો મુખ્ય ફાળો હતો. સત્રના અંતે આ સ્ક્રિપ ૨.૪૦ ટકા વધી હતી. સંસદના શિયાળુ સત્રમાં બૅન્કિંગ બિલ પાસ થશે એવી અપેક્ષાએ બૅન્ક ઇન્ડેક્સ ૧.૨૭ ટકા સુધર્યો હતો. આ ઇન્ડેક્સના યુનિયન બૅન્ક ૪.૮૬ ટકા, કૅનેરા બૅન્ક ૩.૩૦ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૯ રૂપિયા (૧.૯૨ ટકા) અને એચડીએફસી બૅન્ક ૧૦ રૂપિયા (૧.૫૪ ટકા) વધીને બંધ રહ્યા હતા. સતત ત્રણ સત્રમાં ઘટ્યાં બાદ મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પણ વધીને બંધ રહ્યા હતા. ગઈ કાલે આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૦.૩૭ ટકા અને ૦.૩૯ ટકા વધ્યા હતા. મિડ કૅપની ૨૪૬ સ્ક્રિપમાંથી ૧૩૫ વધી હતી. સ્મૉલ કૅપ ઇન્ડેક્સના કુલ ૫૨૭ સ્ટૉકમાંથી ૨૬૨ અપ હતા અને ૨૪૫ ડાઉન રહ્યા હતા.

૯૫ કંપનીઓ એક વર્ષના શિખરે


ગઈ કાલે બીએસઈની ૯૫ સ્ક્રિપ એના એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં એચડીએફસી બૅન્ક, પીવીઆર, બજાજ કૉર્પ, એશિયા ટેલિકૉમ, સિમ્પ્લેક્સ પેપર્સ, હેરિટેજ ફૂડ્સ, આરએસડબ્લ્યુએમ, મૈસુર પેટ્રો, સાતવાહન ઇસ્પાત, વિન્ટેજ સિક્યૉરિટીઝ વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત ૧૨૦ કંપનીઓ ઘટીને બાવન સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં એવીટી પ્રોજેક્ટ્સ, મોસેર બેર, ડેન્સો ઇન્ડિયા, ક્લિચ ડ્રગ્સ, માર્ગ, ઑપ્ટો સર્કિટ્સ, એસઈએલ મૅન્યુફૅક્ચરિંગ કંપની, અલાઇડ કમ્પ્યુટર, પૅરામાઉન્ટ પ્રિન્ટપૅકેજિંગ, બિરલા કોટસીન, સ્કૂટર્સ ઇન્ડિયા વગેરેનો સમાવેશ છે.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સની ૧૯ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ૧૧ સ્ક્રિપ ઘટી હતી. સેન્સેક્સમાં સમાવિષ્ટ શૅર્સમાં સિપ્લા અને સનફાર્મા સૌથી અધિક વધ્યા હતા. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૨.૬૧ ટકા અને ૨.૪૩ ટકા ઊછળ્યાં હતા. ત્યાર બાદ તાતા પાવર, જિંદાલ સ્ટીલ અને આઇટીસી ૧.૯૮-૧.૯૬ ટકા વધ્યા હતા. સેન્સેક્સમાં સમાવિષ્ટ શૅર્સમાં એનટીપીસી સૌથી અધિક ઘટ્યો હતો. બીએસઈની કુલ ૨૯૮૪ સ્ક્રિપમાંથી ૧૪૮૭ સ્ક્રિપ અપ હતી, જ્યારે ૧૩૬૨ સ્ક્રિપ ડાઉન રહી હતી.

હનિવેલ ઑટોમાં મંદીની સર્કિટ


છેલ્લા બે દિવસ દરમ્યાન ડીલિસ્ટિંગની અફવાઓને પગલે ચર્ચામાં રહેનારી હનિવેલ ઑટોમેશન ઇન્ડિયામાં પ્રમોટરોએ ગઈ કાલે ઑફર ફૉર સેલ મારફત હિસ્સો ઘટાડવાની જાહેરાત કરી હતી. સેશનના અંતે આ સ્ક્રિપમાં ૨૦ ટકાના ઘટાડા સાથે મંદીની સર્કિટ જોવા મળી હતી. બે સપ્તાહના સરેરાશ ૧૫ હજાર શૅરના વૉલ્યુમ સામે બીએસઈમાં ૧.૦૩ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

ડી. બી. રિયલ્ટી

હોટેલ-મિલકતો વેચવાની અટકળોને કારણે ડી. બી. રિયલ્ટીમાં પણ કરન્ટ જોવા મળ્યો હતો. બજારમાં એવી ચર્ચા હતી કે દિલ્હી ઍરપોર્ટ એસપીવીમાંના ડી. બી. રિયલ્ટીના હિસ્સા પર એક કંપની રસ ધરાવે છે. સત્રના અંતે ડી. બી. રિયલ્ટી ૨૪ લાખ શૅરના વૉલ્યુમ સાથે ૯.૪૯ ટકા વધીને ૧૨૫.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો.

રીટેલ શૅરોમાં તેજીનો કરન્ટ

આજે શરૂ થનારા પાર્લમેન્ટના શિયાળુ સત્રમાં એફડીઆઇના મુદ્દાનું નિવારણ આવે એવી આશાને લીધે રીટેલ શૅરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. શૉપર્સ સ્ટૉપ ૨.૪૪ ટકા, પૅન્ટેલૂન રીટેલ ૪.૬૨ ટકા, વીટૂ રીટેલ ૬.૭૯ ટકા, સ્ટોર વન રીટેલ ઇન્ડિયા ૭.૩૭ ટકા, અરુણ જ્યોતિ એન્ટરપ્રાઇસિસ ૫.૮૮ ટકા અપ હતા.

ગ્લોબલ માર્કેટ

બુધવારે એશિયન માર્કેટના નિક્કી અને હેંગસેંગમાં અનુક્રમે ૦.૮૭ ટકા અને ૧.૩૮ ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે તાઇવાન ૫૭ પૉઇન્ટ (૦.૮૧ ટકા) ડાઉન હતો. આ ઉપરાંત કોસ્પી પણ ૦.૩૩ ટકા જેટલો ઘટ્યો હતો. યુરોપનાં બજારોમાં બુધવારે સાંજ સુધીમાં કોઈ મોટી વધ-ઘટ જોવા મળી નહોતી. યુરોપના એફટીએસઈ, સીએસી અને ડેક્સ સ્થિર કામકાજ કરી રહ્યાં હતાં.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

ગઈ કાલે બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૨૦૭૦.૫૭ કરોડ રૂપિયાની લેવાલી તથા ૧૮૮૭.૯૮ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક નાણાસંસ્થાઓની ૭૫૬.૪૨ કરોડ રૂપિયાની લેવાલી અને ૮૮૯.૫૦ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૧૮૨.૫૯ કરોડ રૂપિયાની ચોખ્ખી લેવાલી અને સ્થાનિક નાણાસંસ્થાઓની ૧૩૩.૦૮ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.