રોકાણકારોનું સંસદના શિયાળુ સત્ર અગાઉ સાવચેતીભર્યું વલણ

21 November, 2012 06:40 AM IST  | 

રોકાણકારોનું સંસદના શિયાળુ સત્ર અગાઉ સાવચેતીભર્યું વલણ



શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી

શૅરબજાર અને અર્થતંત્રની દૃષ્ટિએ મુખ્ય એવા આવતી કાલે શરૂ થનારા પાર્લમેન્ટના શિયાળુ સત્ર અગાઉ સ્થાનિક બજારમાં ઇન્વેસ્ટરો વેઇટ ઍન્ડ વૉચનો અભિગમ અપનાવી રહ્યા છે. ધારણા કરતાં હાઉસિંગ ડેટા સારા આવતાં સોમવારે યુએસની માર્કેટમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પરિણામે ગઈ કાલે સવારે ખૂલતાંની સાથે જ સેન્સેક્સ પણ ૧૨૫ પૉઇન્ટ સુધર્યો હતો. જોકે ત્યાર બાદ ઇન્વેસ્ટરોએ ઉપલા મથાળેથી વેચવાલી કરતાં માર્કેટમાં નબળાઈ જોવા મળી હતી. અને એમાં પણ બપોરે યુરોપનાં બજારો ઘટાડે ખૂલતાં એક સમયે સેન્સેક્સ ૮૦ પૉઇન્ટ જેટલો ડાઉન થયો હતો. જોકે છેલ્લે સેન્સેક્સ અગાઉના ૧૮,૩૩૯ના બંધ સામે ૯.૬૮ પૉઇન્ટ (૦.૦૫ ટકા) ઘટીને ૧૮,૩૨૯.૩૨ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૦.૧૫ પૉઇન્ટ વધીને ૫૫૭૧.૫૫ બંધ રહ્યો હતો. ગઈ કાલે સતત બીજા સેશનમાં મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૫૦થી પણ વધુ પૉઇન્ટ ડાઉન હતા. આ ઉપરાંત માર્કેટ બ્રેડ્થમાં પણ નકારાત્મકતા જોવા મળી હતી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની કુલ ૨૯૭૬ સ્ક્રિપ્સમાંથી ૧૦૫૧ સ્ક્રિપ્સ અપ હતી, જ્યારે ૧૮૦૨ સ્ક્રિપ્સ ડાઉન રહી હતી.

રિયલ્ટી ઇન્ડેક્સમાં કડાકો

બીએસઈનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૦ ઇન્ડેક્સમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો. એમાં રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી અધિક ત્રણ ટકા ઘટ્યો હતો. આ ઇન્ડેક્સની ૧૨માંથી ફક્ત એક જ સ્ક્રિપ ફીનિક્સ મિલ ૧.૦૪ ટકા વધી હતી, જ્યારે યુનિટેક ૫.૮૯ ટકા, ડીબી રિયલ્ટી ૫.૫૭ ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ ૪.૧૭ ટકા, એચડીઆઇએલ ૪.૦૩ ટકા, અનંત રાજ ૩.૯૩ ટકા અને ડીએલએફ ૨.૪૪ ટકા સૌથી અધિક ઘટ્યાં હતા. રિયલ્ટી બાદ ઑઇલ-ગૅસ અને મેટલ ઇન્ડેક્સ સૌથી અધિક ઘટ્યાં હતા.

સતત બીજા દિવસે ઑટો ઇન્ડેક્સ સૌથી અધિક વધ્યો હતો. આ ઇન્ડેક્સ ૬૬.૯૬ પૉઇન્ટ (૦.૬૪ ટકા) વધ્યો હતો. આ ઇન્ડેક્સને વધારવામાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો મુખ્ય ફાળો હતો. આ સ્ટૉક ગઈ કાલે ૩.૨૫ ટકાના સુધારા સાથે ૯૩૮.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. સોમવારના ઉછાળા બાદ બજાજ ઑટોમાં રોકાણકારોએ પ્રૉફિટ બુક કરતાં આ શૅર ૧.૩૯ ટકા તૂટ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસમાં ઑટો બાદ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકૅર ઇન્ડેક્સ વધ્યા હતા. આ બન્ને ઇન્ડેક્સમાં અનુક્રમે ૦.૧૧ ટકા અને ૦.૦૯ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સના અપોલો હૉસ્પિટલમાં ૪.૫૬ ટકાનો અને ગ્લેનમાર્ક ફાર્મામાં ૧.૬૭ ટકાનો જમ્પ જોવા મળ્યો હતો.

મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅર્સમાં ગઈ કાલે ફરી એક વાર નરમાઈ જોવા મળી હતી. મંગળવારે આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૦.૭૬ ટકા અને ૦.૮૮ ટકા ઘટ્યાં હતા. મિડ કૅપની ૨૪૬ સ્ક્રિપમાંથી ફક્ત ૭૦ સ્ક્રિપમાં જ વધારો જોવા મળ્યો હતો, જ્યારે સ્મૉલ કૅપ ઇન્ડેક્સના કુલ ૫૨૭ સ્ટૉકમાંથી ૧૪૦ અપ હતા અને ૩૭૪ ડાઉન રહ્યા હતા.

સેન્સેક્સની ૧૩ કંપનીઓ વધી

સેન્સેક્સની ૧૩ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ૧૭ સ્ક્રિપ્સ ઘટી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શૅર્સમાં હિન્દાલ્કો ૧.૮૬ ટકા, ઇન્ફોસિસ ૧.૪૬ ટકા, સ્ટૅટ બૅન્ક ૧.૩૯ ટકા, બજાજ ઑટો ૧.૩૯ ટકા અને રિલાયન્સ ૧.૨૭ ટકા સૌથી વધુ ડાઉન હતા, જ્યારે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૩.૨૫ ટકા અને એચડીએફસી ૨.૦૨ ટકા અપ હતા. સેન્સેક્સને ઘટાડવામાં સૌથી વધુ ફાળો રિલાયન્સ ઇન્ડ અને ઇન્ફોસિસનો હતો. આ બન્ને કંપનીઓએ સેન્સેક્સને ૨૦-૨૦ પૉઇન્ટ ઘટાડ્યો હતો.

લગ્નની સીઝન દરમ્યાન વેચાણમાં વધારો થવાની શક્યતાને કારણે જેમ્સ ઍન્ડ જ્વેલરી શૅરોમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો હતો. આ સેક્ટરની વૈભવ જેમ્સ ૧૯ ટકા (૧૮ રૂપિયા) વધ્યો હતો તેમ જ અન્ય કંપનીઓ જેમ કે સી. મહિન્દ્ર એક્સર્પોટ્સ ૬ ટકા, શ્રેણુજ ઍન્ડ કંપની ચાર ટકા, થંગમાયિલ જ્વેલરી ૬ ટકા, ટીબીઝેડ ૩ ટકા, શ્રીગણેશ જ્વેલરી ચાર ટકા, રેનેસાં જ્વેલરી ૭ ટકા ઊછળ્યાં હતા.

એમસીએક્સ વધ્યો

એમસીએક્સ-એસએક્સ દ્વારા ટ્રેડિંગ પ્લૅટફૉર્મના ટેસ્ટિંગની પૉઝિટિવ અસર ગઈ કાલે ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી અને એમસીએક્સના શૅરના ભાવ પર જોવા મળી હતી. સત્રના અંતે એમસીએક્સ ૩ ટકા વધીને ૧૫૨૯ બંધ રહ્યો હતો. બે સપ્તાહના સરેરાશ ૫૮ હજાર શૅર્સના વૉલ્યુમ સામે ગઈ કાલે આ સ્ટૉકમાં ૧.૨૩ લાખ શૅર્સનું કામકાજ થયું હતું. આ ઉપરાંત ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ ૩૦ (૨.૭૦ ટકા) વધીને ૧૧૪૪ બંધ રહ્યો હતો.

૧૦૮ સ્ક્રિપ્સ નીચી સપાટીએ

મંગળવારે બીએસઈની ૯૭ સ્ક્રિપ્સ એના એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, કોલગેટ પામોલિવ, ગોદાવરી ડ્રગ્સ, કે. સેરા સેરા, સિટી યુનિયન બૅન્ક, ટિપ્સ ઇન્ડ., શ્રીરામ સિટી યુનિયન, જેટ ઍર ઇન્ડિયા, ગીતાંજલિ જેમ્સ, સન ટીવી નેટવર્ક, ટીબીઝેડ, ગોએન્કા ડાયમન્ડ્સ વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત ૧૦૮ સ્ક્રિપ્સ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં રમા પેપર, રેમી મેટલ્સ, ઈઆઇએચ, જયભારત ટેક્સટાઇલ્સ, જમ્બો બૅગ, અજંતા સોયા, શિવ વાણી ઑઇલ, એમએસપી સ્ટીલ, રાજ ઑઇલ વગેરેનો સમાવેશ છે.

એશિયન બજાર સ્થિર

ગઈ કાલે સવારે એશિયાનાં બજારમાં કોઈ મોટી વધઘટ જોવા નહોતી મળી. જપાનનો નિક્કી બે મહિનાના સર્વોચ્ચ સ્તરેથી ઘટ્યો હતો. આ ઇન્ડેક્સમાં માત્ર ૧૦ પૉઇન્ટનું ગાબડું હતું, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ અને હૅન્ગ સૅન્ગ અનુક્રમે ૦.૪૦ ટકા અને ૦.૨ ટકા ડાઉન હતા. જોકે કોસ્પી ૦.૬ ટકા સુધર્યો હતો.

ફ્રાન્સના રેટિંગમાં ઘટાડો થવાને કારણે યુરોપિયન માર્કેટ ઘટાડાની સાથે ખૂલી હતી. જોકે ત્યાર બાદ રિકવરી જોવા મળી હતી. ગઈ કાલે સાંજ સુધી એફટીએસઈ ૦.૨૭ ટકા ઘટ્યો હતો તેમ જ સીએસી ૦.૨૫ ટકા ડાઉન હતો. જ્યારે ડેક્સ ૦.૧૯ ટકા જેટલો નજીવો વધ્યો હતો.