વૈશ્વિક બજારમાં નબળાઈને પગલે સેન્સેક્સ ૧૪૭ પૉઇન્ટ ઘટ્યો

16 November, 2012 06:52 AM IST  | 

વૈશ્વિક બજારમાં નબળાઈને પગલે સેન્સેક્સ ૧૪૭ પૉઇન્ટ ઘટ્યો



શૅરબજારનું ચલકચલાણું


બજારમાં ગઈ કાલે સત્રના પ્રારંભથી જ નબળાઈ જોવા મળી હતી. અમેરિકામાં નાણાકીય ખાધને પગલે વધતી ચિંતાને કારણે બુધવારે યુએસ માર્કેટના અને ગઈ કાલે સવારે એશિયાઈ માર્કેટના ઘટાડાની સીધી અસર સ્થાનિક બજાર પર જોવા મળી હતી. આ ઉપરાંત બપોરે યુરોપિયન બજાર પણ નેગેટિવ ખૂલતાં એક સમયે સેન્સેક્સ ૨૦૦ પૉઇન્ટ તૂટી ગયો હતો. જોકે સેશનના અંતે મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ અગાઉના ૧૮,૬૧૮.૮૭ના બંધ સામે ૧૪૭.૫૦ પૉઇન્ટ વધીને ૧૮,૪૭૧.૩૭ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૫.૯૫ પૉઇન્ટ ગબડીને ૫૬૩૧ બંધ રહ્યો હતો. જોકે ફ્રન્ટલાઇન ઇન્ડેક્સથી વિપરીત સ્મૉલ કૅપ ૧૯.૮૪ પૉઇન્ટ વધીને (૦.૨૮ ટકા) ૭૧૯૧.૯૯ બંધ રહ્યો હતો. ગઈ કાલે સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ઘટ્યો હતો.

આઇટી ઇન્ડેક્સ અધિક ઘટ્યો

ગઈ કાલે બીએસઈનાં ૧૭ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી માત્ર ત્રણ ઇન્ડેક્સ જ વધ્યાં હતાં. આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ૧.૭૯ ટકા ઘટીને ૫૯૪૫ બંધ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સના ટીસીએસ ૨.૨૩ ટકા અને વિપ્રો ૨.૧૯ ટકા ઘટ્યાં હતા. આઇટી ઇન્ડેક્સ બાદ મેટલ અને એફએમસીજી ઇન્ડેક્સ અનુક્રમે ૧.૬૬ ટકા અને ૧.૩૦ ટકા ઘટ્યાં હતા. મેટલ ઇન્ડેક્સની ૧૧માંથી ફક્ત એક જ સ્ક્રિપ વધી હતી. આ ઇન્ડેક્સની સૌથી વધુ ઘટનાર સ્ક્રિપમાં તાતા સ્ટીલ (૨.૬૬ ટકા) અને જિન્દાલ સ્ટીલ (૨.૩૨ ટકા)નો સમાવેશ છે.

ત્રણ વધનાર ઇન્ડેક્સમાં રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર ઇન્ડેક્સનો સમાવેશ છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૯૭ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૪ ટકા, જ્યારે પાવર ૦.૧૩ ટકા વધ્યા હતા. રિયલ્ટી સેક્ટરની પાંચ સ્ક્રિપમાં વધારો જોવા મળ્યો હતો. આ સેક્ટર ૩૭.૭૦ પૉઇન્ટ વધીને ૧૯૫૪ બંધ રહ્યો હતો. ઑટો સેક્ટર ૯૦ પૉઇન્ટ ડાઉન હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીઓમાંથી સાત કંપનીઓના ભાવ ઘટ્યાં હતા. હીરો મોટોકૉર્પ ૧.૭૫ ટકા ઘટીને ૧૮૩૬ બંધ રહ્યો હતો. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૦.૬૬ ટકા ઘટ્યો હતો. આ સેક્ટરમાંના અશોક લેલૅન્ડનો ભાવ સૌથી વધુ ૪.૪૪ ટકા વધીને ૨૮.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સની ૮ સ્ક્રિપ વધી

સેન્સેક્સ સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓના ભાવ ઘટ્યાં હતા. આ ઇન્ડેક્સની ભારતી ઍરટેલ, ભેલ અને એચડીએફસી જેવી સ્ક્રિપ સૌથી અધિક વધી હતી, જ્યારે સૌથી વધુ ઘટનાર કંપનીઓમાં તાતા સ્ટીલનો સમાવેશ છે. આઇટીસી ૨.૫૭ ટકા ઘટીને ૨૭૬.૫૫ રૂપિયા થયો હતો.

૧૭૩ શૅર્સ ૫૨ સપ્તાહની ટોચ પર

ગુરુવારે મુંબઈ શૅરબજારની ૧૭૩ સ્ક્રિપ એના બાવન સપ્તાહના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં કજરિયા સિરૅમિક્સ, જેકે લક્ષ્મી સિમેન્ટ, લક્ષ્મી ઓવરસીઝ, આરતી ડ્રગ્સ, ઇમામી, સૂવેન લાઇફ, અતુલ ઑટો, ઇન્ડસઇન્ડ બૅન્ક, જે ઍન્ડ કે બૅન્ક, સનટીવી નેટવર્ક, કોલો પાટીલ, ડીબી રિયલ્ટી, પીટીસી ઇન્ડિયા ફાઇનૅન્સ, સિનેમેક્સ અને એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત ૬૯ કંપનીઓના શૅર્સ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ગેમન ઇન્ડિયા, ઑર્કિડ કેમિકલ, માર્ગ, જયહિંદ પ્રોજેક્ટ, થ્રી આઇ ઇન્ફોટેક વગેરેનો સમાવેશ છે. બીએસઈમાં ૧૧૯૭ કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૬૩૨ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

ટેલિકૉમ શૅર્સમાં તેજીની રિંગ


૨ઞ્ ઑક્શન બાદ ટેલિકૉમ શૅર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. આ સેક્ટરની અગ્રણી ભારતી ઍરટેલ ૨.૯૫ ટકા વધ્યો હતો. સ્પેક્ટ્રમ ફાળવણીને પગલે આઇડિયા સેલ્યુલર ૭ ટકાના જમ્પ સાથે ૯૫ રૂપિયા પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત રિલાયન્સ કમ્યુનિકેશન્સ ૪.૮૮ ટકા વધીને ૬૩.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો.

કિંગફિશરને મંદીની સર્કિટ લાગી

પગારના મુદ્દે કિંગફિશર ઍરલાઇન્સના કર્મચારીઓ ફરી હડતાળ પર ઊતરે એવી આશંકાને કારણે કિંગફિશરમાં પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. બીએસઈ ખાતે આ સ્ટૉકમાં ગઈ કાલે ૪૩ લાખ શૅર્સનું વૉલ્યુમ થયું હતું. આ શૅર અગાઉના ૧૪.૮૦ રૂપિયાના બંધ સામે ૧૪.૫૦ રૂપિયા ખૂલીને ઉપરમાં ૧૪.૬૫ રૂપિયા જઈ છેલ્લે ૧૪.૦૭ રૂપિયા બંધ રહ્યો હતો.

ધનલક્ષ્મી બૅન્કમાં રિઝલ્ટ-ઇમ્પૅક્ટ

નબળા ક્વૉર્ટરલી પરિણામને પગલે ધનલક્ષ્મી બૅન્ક ૬ ટકા ડાઉન હતો. બૅન્કે સપ્ટેમ્બર ૧૨ ક્વૉર્ટરમાં ૧૮.૬૨ કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. ગયા વર્ષે બૅન્કે ૪.૩૫ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આ સ્ટૉકમાં છેલ્લાં બે સપ્તાહના ૨.૨૧ લાખ શૅર્સના સરેરાશ વૉલ્યુમ સામે ગઈ કાલે બીએસઈમાં ૧૫.૪૩ લાખ શૅરનું વૉલ્યુમ રહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈ

મંદ વૈશ્વિક આર્થિક વૃદ્ધિની આશંકાને પગલે યુએસ, એશિયા અને યુરોપ એમ બધી બજારોમાં કડાકો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં ગઈ કાલે સવારે નિક્કીને બાદ કરતાં બધી જ માર્કેટ ઘટી હતી, જેમાં હૅન્ગસેંગ સૌથી વધુ ૧.૫૮ ટકા ઘટ્યો હતો, જ્યારે યુરોપના ડેક્સ ૦.૫૫ ટકા અને એફટીએસઈ ૦.૩૬ ટકા ઘટ્યો હતો.