વૈશ્વિક બજારોને લીધે ઇન્ડિયન માર્કેટ્સમાં ઘટાડો

09 November, 2012 05:38 AM IST  | 

વૈશ્વિક બજારોને લીધે ઇન્ડિયન માર્કેટ્સમાં ઘટાડો



શૅરબજારનું ચલકચલાણું


અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ઓબામા ચૂંટાઈ આવ્યા એની પૉઝિટિવ ઇફેક્ટ ગ્લોબલ તેમ જ ભારતીય બજારો પર લાંબો સમય ન રહી. અમેરિકાની નાણાકીય ખાધની સ્થિતિની ચિંતા અને યુરોપની નાણાકીય સમસ્યાને કારણે વૈશ્વિક બજારોમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો અને એની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી હતી. એશિયન માર્કેટ્સ ઘટી હતી, જ્યારે યુરોપિયન બજારોમાં સાધારણ સુધારો હતો.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૫૬.૧૫ ઘટીને ૧૮,૮૪૬.૨૬ બંધ રહ્યો હતો. સેન્સેક્સ બુધવારના ૧૯,૯૦૨.૪૧ના બંધ સામે ૧૮,૭૭૯.૭૪ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૮૬૫.૨૧ અને ઘટીને નીચામાં ૧૮,૭૩૬.૪૫ના સ્તરે પહોંચ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૮.૭૨ વધીને ૬૭૨૬.૯૫ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૪.૮૧ ઘટીને ૭૧૧૯.૦૨ બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૧.૩૫ ઘટીને ૫૭૩૮.૭૫ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૭૫૦ પૉઇન્ટ્સની નીચે બંધ આવ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૭ ઘટ્યાં હતાં અને ૬માં વૃદ્ધિ થઈ હતી. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૫૦.૧૯ ઘટીને ૧૦,૯૭૨.૦૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૧૩ના ભાવ ઘટ્યાં હતા. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૮૩ ઘટીને ૪૬.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. એલ ઍન્ડ ટીનો ભાવ ૨.૦૪ ટકા, પીપાવાવ ડિફેન્સનો ૧.૬૦ ટકા, લક્ષ્મી મશીન વર્ક્સનો ૧.૩૫ ટકા અને ભારત ઇલેક્ટ્રૉનિક્સનો ભાવ ૧.૩૨ ટકા ઘટ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૫૪.૬૮ ઘટીને ૭૮૦૪.૮૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭માંથી ૧૧ કંપનીના ભાવ ઘટ્યાં હતા. ઇપ્કા લૅબોરેટરીઝનો ભાવ સૌથી વધુ ૫.૮૭ ટકા ઘટીને ૪૩૧.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. કેડિલા હેલ્થકૅરનો ભાવ ૩.૪૫ ટકા અને અપોલો હૉસ્પિટલનો ૨.૫૫ ટકા ઘટ્યો હતો. બાયોકૉનનો ભાવ ૪.૨૫ ટકા વધીને ૩૦૦.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૧૦૭.૫૧ વધીને ૧૦,૭૫૯.૧૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૯ના ભાવ ઘટ્યાં હતા. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૫.૫૨ ટકા વધીને ૨૮૪.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. અશોક લેલૅન્ડનો ભાવ ૨.૮૨ ટકા, ભારત ફૉર્જનો ૧.૬૩ ટકા અને હીરો મોટોકૉર્પનો ૧.૨૭ ટકા ઘટ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૩૮.૫૯ વધીને ૧૯૩૭.૩૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૨માંથી ૯ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ગોદરેજ પ્રૉપર્ટીઝનો ભાવ સૌથી વધુ ૬.૧૯ ટકા વધીને ૬૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. યુનિટેકનો ભાવ ૫.૪૬ ટકા, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝનો ૪.૯૨ ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટનો ૩.૬૭ ટકા અને ફીનિક્સ મિલ્સનો ભાવ ૩.૩૭ ટકા વધ્યો હતો.

૪૪ કંપનીઓના ભાવ ઊંચા લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૪૪ કંપનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વૉકહાર્ટ, તાતા કૉફી, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, શ્રી સિમેન્ટ, વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક, જે. કે. સિમેન્ટ, એમસીએક્સ, એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ, એશિયન પેઇન્ટ્સ વગેરેનો સમાવેશ છે. ૧૭ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અલાઇડ કમ્પ્યુટર્સ, બિરલા કોટસીન, ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ, પ્રદીપ ઓવરસીઝ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૩૬૬ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૬૨ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

ઇપ્કા લૅબોરેટરીઝ

ઇપ્કા લૅબોરેટરીઝનો ભાવ ૫.૮૭ ટકા ઘટીને ૪૨૧.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૬૩.૪૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૦૧.૧૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૧૨.૬૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૫૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨.૯૪ લાખ શૅરનું કામકાજ થયું હતું. કંપનીના ઇન્દોર પ્લાન્ટમાં ઇન્સ્પેક્શન દરમ્યાન ગુણવત્તામાં સમસ્યા જોવા મળી હતી. જ્યાં સુધી ક્વૉલિટીમાં સુધારો નહીં થાય ત્યાં સુધી આ પ્લાન્ટ્સની પ્રોડક્ટ્સની નિકાસ અમેરિકામાં થઈ નહીં શકે.

બાયોકૉન

બાયોકૉનનો ભાવ ૪.૨૫ ટકા વધીને ૩૦૦.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૦૪.૧૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૮૫.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૭.૮૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૩૧ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨.૬૩ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. જનરલ ઇલેક્ટ્રિક કંપનીની ફાઇનૅન્સ કંપની જીઈ કૅપિટલે કંપનીની સબસિડિયરીમાં ૮ ટકા જેટલો હિસ્સો ઍક્વાયર કર્યો છે. આ માટે ૧૨૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ ડેવલપમેન્ટને પગલે છેલ્લા ૭ દિવસમાં શૅરનો ભાવ ૧૭ ટકા વધ્યો છે.

એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ

એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સનો ભાવ ૪.૯૭ ટકા વધીને ૬૨.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને ૫૮.૧૫ રૂપિયા અને વધીને ૬૩.૭૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૫૪.૮૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૧.૭૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૮૯.૧૩ લાખ શૅરનું કામકાજ થયું હતું. કંપની ફ્યુચર ગ્રુપના ઇન્શ્યૉરન્સ જૉઇન્ટ વેન્ચરમાં હોલ્ડિંગ ઍક્વાયર કરે એવા સમાચાર બજારમાં આવ્યા હતા.

જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ

જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સનો ભાવ ૩.૯૩ ટકા વધીને ૧૩૬૮.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૩૯૧ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૨૮૦.૭૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૮.૩૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૫૮ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨.૧૦ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીએ પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૩૭ ટકા વધીને ૩૨.૩૪ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૪૨ ટકા વધીને ૩૪૨ કરોડ રૂપિયા થયું છે.

એલ ઍન્ડ ટી = લાર્સન ઍન્ડ ટુબ્રો, એમસીએક્સ = મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ, એફઆઇઆઇ =  ફૉરેન ઇન્સ્ટિટ્યુંશનલ ઇન્વેસ્ટરો

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૦૫૩.૩૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૭૯૨.૧૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૨૬૧.૨૧ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૯૦૧.૬૩ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૮૧૭.૦૫ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી માત્ર ૮૪.૫૯ કરોડ રૂપિયા રહી હતી.