ઓબામાનો વિજય : વૈશ્વિક બજારોના પગલે ઇન્ડિયન માર્કેટમાં પણ સુધારો

08 November, 2012 08:35 AM IST  | 

ઓબામાનો વિજય : વૈશ્વિક બજારોના પગલે ઇન્ડિયન માર્કેટમાં પણ સુધારો



શૅરબજારનું ચલકચલાણું


ગઈ કાલે બજારની ચાલનો આધાર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામો પર હતો અને બરાક ઓબામા બીજી વાર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતાં વૈશ્વિક બજારોની સાથે-સાથે ભારતીય બજારોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ સતત છઠ્ઠા દિવસે વધ્યો હતો. બરાક ઓબામા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવતાં હવે અમેરિકાની આર્થિક સ્થિતિના રિવાઇવલ માટે વધુ પગલાં લેવામાં આવશે તેમ જ ભારતીય બજારોમાં એફઆઇઆઇનું રોકાણ વધશે એવી અપેક્ષાએ બજારમાં વૃદ્ધિ જોવા મળી હતી.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ હવે ૧૯,૦૦૦ પૉઇન્ટ્સને ક્રૉસ કરી જશે એવી આશા છે. ગઈ કાલે સેન્સેક્સ મંગળવારના ૧૮,૮૧૭.૩૮ની સામે ૧૮,૮૦૨.૮૨ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૮,૯૭૩.૪૩ અને ઘટીને નીચામાં ૧૮,૭૮૬.૧૪ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૮૫.૦૩ વધીને ૧૮,૯૦૨.૪૧ બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૫.૭૦ વધીને ૫૭૬૦.૧૦ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ૫૮૦૦ પૉઇન્ટ્સનું લેવલ વટાવી જાય એવી અપેક્ષા છે. મિડ કૅપ ઇન્ડેક્સ ૫૨૯૧ વધીને ૬૭૧૮.૨૩ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૫૧.૭૦ વધીને ૭૧૩૩.૮૩ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૨ વધ્યાં હતાં. એકમાત્ર ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૨૫.૬૦ ઘટીને ૮૩૩૭.૯૮ બંધ રહ્યો હતો. બૅન્કેક્સ સૌથી વધુ ૧૪૧.૬૦ વધીને ૧૩,૩૯૭.૪૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૩ના ભાવ વધ્યા હતા. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૬.૩૭ ટકા વધીને ૨૩૨ રૂપિયા બંધ રહ્યો હતો. આઇડીબીઆઇ બૅન્કનો ભાવ ૫.૫૫ ટકા, કૅનેરા બૅન્કનો ૩.૮૫ ટકા અને બૅન્ક ઑફ ઇન્ડિયાનો ૩.૧૪ ટકા વધ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૬૫.૯૬ વધીને ૧૦,૬૫૧.૬૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૮ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. અશોક લેલૅન્ડનો ભાવ સૌથી વધુ ૨.૦૬ ટકા વધીને ૨૪.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧.૧૯ ટકા અને કમિન્સ ઇન્ડિયાનો ભાવ ૧.૦૩ ટકા વધ્યો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૫૬.૨૧ વધીને ૧૧,૧૨૨.૨૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૧૨ કંપનીના ભાવ વધ્યા હતા. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૫.૫૪ ટકા વધીને ૪૭.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. થર્મેક્સનો ભાવ ૨.૯૮ ટકા, હેવેલ્સ ઇન્ડિયાનો ૨.૩૧ ટકા અને ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ૨.૨૧ ટકા વધ્યો હતો.

રિયલ્ટી ઇન્ડેક્સ ૫૧.૦૫ વધીને ૧૮૯૮.૭૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૨માંથી ૧૦ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ડી. બી. રિયલ્ટીનો ભાવ સૌથી વધુ ૭.૧૬ ટકા વધીને ૧૧૪.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. યુનિટેકનો ૬.૮૮ ટકા, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝનો ૫.૬૧ ટકા અને પ્રેસ્ટિજ એસ્ટેટ્સનો ભાવ ૪.૭૨ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૨૩ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી અને ૭ના ભાવ ઘટ્યાં હતા. એચડીએફસીનો ભાવ ૧.૯૨ ટકા વધીને ૭૯૭.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. એસબીઆઇનો ૧.૯૧ ટકા અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧.૦૨ ટકા વધ્યો હતો.

૪૬ શૅરના ભાવ ઊંચા મથાળે

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૪૬ કંપનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં યસ બૅન્ક, અપોલો હૉસ્પિટલ, સિનેમેક્સ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક, જે. કે. સિમેન્ટ, એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ, એમસીએક્સ, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ છે. ૧૯ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અલાઇડ કમ્પ્યુટર્સ, ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ, એમકે ગ્લોબલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ, પાર્લે સૉફ્ટવેર વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૬૭૨ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૨૦૫ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૦૩ ટકા ઘટીને ૪૭૦.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૮૨.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૦૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧.૦૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૫૩ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૦.૨૧ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીની કામગીરી ઍનલિસ્ટ્સની અપેક્ષા મુજબની નથી રહી. ચોખ્ખો નફો ૨૧ ટકા વધીને ૪૬ કરોડ રૂપિયા અને વેચાણ ૯ ટકા વધીને ૧૪૦૩ કરોડ રૂપિયા થયું છે. ઍનલિસ્ટ્સની અપેક્ષા ૫૦ કરોડ રૂપિયાના ચોખ્ખા નફા અને ૧૪૪૯ કરોડ રૂપિયાના વેચાણની હતી. રૉ મટીરિયલની કૉસ્ટ ૨૦ ટકા વધીને ૭૭૫ કરોડ રૂપિયા તેમ જ ઍડ્વર્ટાઇઝમેન્ટ અને સેલ્સ પ્રમોશનનો ખર્ચ ૧૮ ટકા વધીને ૧૧૮ કરોડ રૂપિયા થયો છે.

આરવી ડેનિમ્સ ઍન્ડ એક્સપોર્ટ્સ


આરવી ડેનિમ્સ ઍન્ડ એક્સપોર્ટ્સનો ભાવ ૧૦ ટકા વધીને ૭૨.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના ઊંચા લેવલ ૭૨.૬૦ રૂપિયાએ પહોંચ્યો હતો. ઘટીને ભાવ નીચામાં ૬૯ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૫૦.૪૧ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૧૮ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૦.૭૦ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીએ પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૩.૭૫ કરોડ રૂપિયાથી પાંચ ગણા જેટલો વધીને ૧૭.૨૯ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૨૬ ટકા વધીને ૨૦૬ કરોડ રૂપિયા થયું છે. છેલ્લાં ત્રણ સપ્તાહમાં શૅરનો ભાવ ૮૦ ટકા વધ્યો છે.

પૅન્ટૅલૂન રીટેલ

પૅન્ટૅલૂન રીટેલ ઇન્ડિયાનો ભાવ ૩.૫૭ ટકા વધીને ૨૦૦.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૦૩.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૯૪.૭૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૨.૪૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૬.૮૦ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧૧.૧૯ લાખ શૅરનું કામકાજ થયું હતું. કંપનીના જનરલ ઇન્શ્યૉરન્સ જૉઇન્ટ વેન્ચરમાં એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ હિસ્સો ખરીદવાનો પ્લાન ધરાવે છે એવા સમાચારને પગલે શૅરનો ભાવ વધ્યો હતો.

રિલાયન્સ કૅપિટલ


અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કૅપિટલનો ભાવ ૩.૧૩ ટકા વધીને ૪૦૬.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૧૩.૬૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૦૦.૨૫ રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. ૪૮.૩૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૮.૦૮ લાખ શૅરના ટેÿડિંગ સામે ગઈ કાલે ૧૧.૮૪ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૩૩ કરોડ રૂપિયાથી વધીને ૪૦૧ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૧૫૭૩ કરોડ રૂપિયાથી વધીને ૨૪૩૭ કરોડ રૂપિયા થઈ છે.

એફઆઇઆઇની ચોખ્ખી લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૩૮૪.૩૮ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૬૫૫.૯૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૭૨૮.૪૫ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૧૧૫.૩૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૩૧૨.૩૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૯૬.૯૫ કરોડ રૂપિયા રહી હતી.