ફન્ડ્સ અને રીટેલ ઇન્વેસ્ટરોની ખરીદીને પગલે સેન્સેક્સમાં વૃદ્ધિ

19 October, 2012 06:13 AM IST  | 

ફન્ડ્સ અને રીટેલ ઇન્વેસ્ટરોની ખરીદીને પગલે સેન્સેક્સમાં વૃદ્ધિ



શૅરબજારનું ચલકચલાણું

ફન્ડ્સ અને રીટેલ ઇન્વેસ્ટરોની ખરીદીને પગલે ગઈ કાલે પ્રારંભમાં સેન્સેક્સ ૫૧ પૉઇન્ટ વધ્યો હતો. બાદમાં બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ, ઑટો અને મેટલ સેક્ટરની કંપનીઓના શૅરના ભાવ વધવાથી સેન્સેક્સમાં મોટી વૃદ્ધિ જોવા મળી હતી.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ બુધવારના ૧૮,૬૧૦.૭૭ના બંધ સામે ગઈ કાલે પ્રારંભમાં ૧૮,૬૫૩.૬૦ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૮,૮૦૬.૫૬ અને ઘટીને નીચામાં ૧૮,૫૭૬.૪૧ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે સેન્સેક્સ ૧૮૧.૧૬ વધીને ૧૮,૭૯૧.૯૩ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૭૬.૭૯ વધીને ૬૭૦૬.૮૨ અને સ્મૉલ-કૅપ ઇન્ડેક્સ ૬૧.૫૫ વધીને ૭૧૯૩.૮૯ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૮.૪૫ વધીને ૫૭૧૮.૭૦ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૨ વધ્યાં હતાં અને માત્ર એક હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૨.૭૭ ઘટીને ૭૫૫૬.૬૧ બંધ રહ્યો હતો.

બૅન્કેક્સ સૌથી વધુ ૨૭૧.૮૫ વધીને ૧૩,૩૦૭.૯૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૪ બૅન્કના ભાવ વધ્યા હતા.

યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૪.૯૯ ટકા વધીને ૨૦૯.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઍક્સિસ બૅન્કનો ભાવ ૪.૫૭ ટકા, બૅન્ક ઑફ બરોડાનો ૪.૦૬ ટકા અને ફેડરલ બૅન્કનો ૩.૧૪ ટકા વધ્યો હતો.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૪૫.૦૧ વધીને ૧૧,૧૯૧.૧૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૧૬ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ભારત ઇલેક્ટ્રૉનિક્સનો ભાવ સૌથી વધુ ૨.૮૦ ટકા વધીને ૧૩૦૭.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. પીપાવાવ ડિફેન્સનો ભાવ ૨.૪૬ ટકા અને હેવેલ્સ ઇન્ડિયાનો ૨.૩૮ ટકા વધ્યો હતો.

ઑટો ઇન્ડેક્સ ૧૪૨.૮૪ વધીને ૧૦,૩૪૨.૬૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૯ના ભાવ વધ્યા હતા. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૬૨ ટકા વધીને ૧૬૨.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ બે ટકા, હીરો મોટોકૉર્પનો ૧.૮૯ ટકા અને કમિન્સ ઇન્ડિયાનો ૧.૩૬ ટકા વધ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧૦૭.૭૨ વધીને ૭૩૦૨.૧૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવ વધ્યા હતા. સી. મહિન્દ્ર એક્સર્પોટ્સનો ભાવ સૌથી વધુ ૧૨.૬૧ ટકા વધીને ૧૧૨.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. રાજેશ એક્સર્પોટ્સનો ભાવ ૬.૨૯ ટકા અને બજાજ ઇલેક્ટ્રિકલ્સનો ૨.૬૦ ટકા વધ્યો હતો.

મેટલ ઇન્ડેક્સ ૯૯.૩૫ વધીને ૧૦,૪૮૯.૯૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૮ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. કોલ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૧.૬૫ ટકા વધીને ૩૫૯.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. જેએસડબ્લ્યુ સ્ટીલનો ભાવ ૧.૩૭ ટકા અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૧.૧૬ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૨૪ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી અને ૬ના ભાવમાં ઘટાડો થયો હતો. એસબીઆઇનો ભાવ સૌથી વધુ ૨.૮૦ ટકા વધીને ૨૨૭૬.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. સન ફાર્માનો ભાવ સૌથી વધુ ૧.૭૩ ટકા ઘટીને ૬૯૯.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૩૧ કંપનીના શૅર સર્વોચ્ચ લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૧ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં આરે ડ્રગ્સ, બજાજ કૉર્પોરેશન, હેથવે કેબલ, આઇએનજી વૈશ્ય બૅન્ક, એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ છે.

૧૩ કંપનીઓના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અલાઇડ કમ્પ્યુટર્સ, અનુસ લૅબ, ધનુષ ટેક્નૉલૉજીઝ, વિનાયક પોલિકૉન વગેરેનો સમાવેશ છે.

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૭૨૭ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૧૨૫ ઘટ્યું હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

ઍગ્રોટેક ફૂડ્સ

ઍગ્રોટેક ફૂડ્સનો ભાવ ૪.૫૭ ટકા વધીને ૪૩૩.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૪૪ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૨૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૯૭.૧૭ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાસ ૩૬૧૫ શૅર્સના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨૨,૩૪૩ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીએ પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૧૬ ટકા વધીને ૯.૨૪ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૬ ટકા વધીને ૧૯૨ કરોડ રૂપિયા થયું છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૭.૨૯ ટકાથી વધીને ૮.૧૬ ટકા થયું છે.

જ્યોતિ સ્ટ્રક્ચર્સ

જ્યોતિ સ્ટ્રક્ચર્સનો ભાવ ૯.૫૩ ટકા વધીને ૪૯.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૫.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨.૦૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૮૯ લાખ શૅર્સના કામકાજ સામે ગઈ કાલે ૪.૧૮ લાખ શૅર્સનું કામકાજ થયું હતું. કંપનીના પ્રમોટરોએ કુલ ૧૭૩ લાખ શૅર્સ ગીરવી મૂક્યા છે એમાંથી ઑક્ટોબરમાં ૨,૬૭,૩૦૩ શૅર્સ છોડાવી લીધા છે.

એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ

એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૬૨ ટકા વધીને ૧૬૨.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૬૩.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૫૭.૨૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૮.૦૬

કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું

હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૮૯ શૅર્સના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧૧.૨૪ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કંપનીએ વિવિધિ પ્રોડક્ટ્સના ભાવમાં પાંચ ટકા જેટલો વધારો કર્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરનાં પરિણામોની જાહેરાત કંપની આજે કરશે. આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ માટે ઇન્ટરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવશે.

હેથવે કેબલ ઍન્ડ ડાટાકૉમ

હેથવે કેબલ ઍન્ડ ડાટાકૉમનો ભાવ ગઈ કાલે વધીને અત્યાર સુધીના સર્વોચ્ચ ૨૪૯.૭૬ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૨૩૫.૨૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ભાવ આગલા બંધ સામે ૩.૩૬ ટકા વધીને ૨૪૨.૮૫ રૂપિયા રહ્યો હતો. ૯.૧૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૪૧ લાખ શૅર્સના કામકાજ સામે ગઈ કાલે ૩.૭૫ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. કૅલેન્ડર વર્ષ ૨૦૧૨માં અત્યાર સુધી કંપનીના શૅરનો ભાવ ૧૦૦ ટકા કરતાં વધુ વધ્યો છે.